નરેન્દ્ર… પછી નરેન્દ્રનાથ… પછી સચ્ચિદાનંદ… પછી વિવેકાનંદ… કેટલાં નામ ! જેટલાં નામ, તેટલાં ભાવજગત ! એક વખત ખેતરીના મહારાજે કહ્યું, ‘સ્વામીજી, તમારું નામ બહુ અટપટું છે !’ સ્વામીજીએ સામે પ્રશ્ન કર્યો, ‘તમને કયું નામ ગમે?’ ખેતરીના મહારાજે કહ્યું, ‘મને તો ‘વિવેકાનંદ’ ગમે.’… તરત જ નામનો સહર્ષ સ્વીકાર થયો અને કહ્યું, ‘ભલે, તો આજથી આપણે વિવેકાનંદ…’ અને આમ નરેન્દ્રમાંથી જગતને સ્વામી વિવેકાનંદ મળ્યા !

ન્યૂયોર્કની સભામાં સ્વામીજીએ એક પ્રસંગ ટાંક્યો અને પોતાને આત્મબળ ક્યાંથી મળ્યું તેનું રહસ્ય સમજાવ્યું. એક વખત વારાણસીમાં સ્વામીજી વાંદરાઓથી ઘેરાઈ ગયા. તેઓ ડર્યા અને દોડ્યા. જેવા દોડ્યા એવા વાંદરાઓએ એમને વધુ ઘેર્યા. હવે કરવું શું ? સ્વામીજી કશું વિચારે ત્યાં એક સાધુએ બૂમ પાડી, ‘સ્વામી, દોડો નહીં, ખડે રહો, દુષ્ટોં કા સામના કરો. ડટે રહો અપને બલ પર, અનિષ્ટ ભાગ જાયેગા…’

ભગવાં કપડાં જોયાં, પ્રભાવકવાણી સાંભળી અને પર્વત જેવી અડગતા જોઈને કેટલાય લોકો આકર્ષાયા, અંજાયા, ચાહક બન્યા, શિષ્ય થયા અને પરમ ભક્ત બની ગયા. એક તરવરાટિયો યુવાન આવીને સ્વામીજીને કહેવા લાગ્યો, ‘હું મારો ધર્મ છોડીને આપનો ધર્મ અંગીકાર કરવા માગું છું. મને સ્વીકારો.’ ચરણમાં પડેલા યુવાનને વહાલથી ટેકો દઈને ઊભો કર્યો અને કહ્યું, ‘દોસ્ત, હું ધર્મનો પ્રચારક છું, ધર્મ પરિવર્તક નથી. અમારો ધર્મ માનવતા સિવાયની કંઈ જ વાત કરતો નથી. તને મારી વાત કરું ? જ્યાં સુધી મારા દેશનો રખડતો કૂતરો પણ ભૂખ્યો હશે, ત્યાં સુધી તેને ખવડાવવું એ જ મારો ધર્મ છે !’

૧૮૯૩માં સ્વામી વિવેકાનંદ એ જ ધર્મપરિવેશમાં અમેરિકામાં ઘૂમતા હતા. ખૂલતો, પહોળો ભગવો ઝભ્ભો, ખભે ઝોળી અને હાથમાં દંડ ! એક અમેરિકાવાસીએ મશ્કરી-વ્યંગમાં કહ્યું, ‘તમારા દરજીએ તમને કેવા બનાવ્યા છે ?’ સ્વામીજીએ જવાબ વાળ્યો, ‘તમારા દેશમાં દરજી માણસને બનાવે છે, મારા ભારતવર્ષમાં તો અમારું ચારિત્ર અમારું રૂપ ઘડે છે…!’ વ્યંગ કરનારને અવાચક બનાવીને સ્વામીજી ચાલતા થયા… થોડા આગળ ગયા ને ટીખળી અમેરિકનોનું ટોળું પાછળ આવતું હતું. સ્વામીજી વિશે કોમેન્ટ કરે, મશ્કરીભર્યું હસે. તેમને થયું કે આ બાવા જેવો ભારતીય આપણું શું કરી લેશે ? થોડીવાર આમ ચાલ્યું. ત્યાં અચાનક સ્વામીજીએ ‘પીછે મુડ’ કર્યું અને મક્કમતાથી અદબવાળીને કશું જ બોલ્યા વગર સ્ટેચ્યુની જેમ ઊભા રહી ગયા. બધા ટીખળીઓ સ્તબ્ધ થઈ ગયા, મૂંગામંતર થઈ ગયા. તેમણે આવી સ્થિતિ કલ્પી ન હતી… બસ, ફરી સ્વામીજી આગળ ચાલવા લાગ્યા… પેલા નાસમજ લોકો ભારત વિશે, આપણા ધર્મ વિશે ઠેકડી ઉડાડતી વાતો કરવા લાગ્યા. એક પળના વિલંબ વિના ટોળાના મુખીનો કાંઠલો પકડીને તેને ઊંચક્યો. કોઈ કશું બોલે તે પહેલાં સિંહગર્જના કરીને સ્વામીજીએ કહ્યું, ‘મારા દેશ, મારા ધર્મ કે મારા વેશ વિશે એક પણ શબ્દ હવે ઉચ્ચારશો તો ઊંચકીને સમુદ્રમાં ફેેંકી દઈશ…’ લાતોં કે ભૂત કભી બાતોં સે નહીં માનતે !

સ્વામી વિવેકાનંદ મધદરિયે નાવમાં સૌ પ્રવાસીઓ સાથે હતા. તોફાન આવ્યું, નાવ હાલકડોલક થવા લાગી, બધા ગભરાયા પણ એક માત્ર સ્વામીજી આંખ બંધ કરીને પ્રગાઢ શાંતિથી બેઠા હતા ! બધાએ તેમને જગાડીને કહ્યું, ‘નાવ ડૂબવાની છે ત્યારે તમે શાંત બેઠા છો?’ સ્વામીજીએ કહ્યું, ‘તમે બધા શાંત ચિત્તે બેસીને તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરો…’ સ્વામીજીના શબ્દોમાં દિવ્યતાનો રણકો હતો. સૌ આંખ બંધ કરીને બેસી ગયા અને દરિયાનું તોફાન પણ શાંત થવા લાગ્યું. સૌ આભાર વ્યક્ત કરતાં કહેવા લાગ્યા, ‘સ્વામીજી, તમારે લીધે આ તોફાન શમ્યું !’ સ્વામી વિવેકાનંદે વિનમ્રતાથી કહ્યું, ‘ના, તમારા સૌની ઇષ્ટદેવમાં રહેલી અપાર શ્રદ્ધાથી બધું થયું. ક્યારેય શ્રદ્ધા ન ગુમાવશો.’

સ્વામી વિવેકાનંદે એકેય ક્ષેત્ર બાકી નથી છોડ્યું, માત્ર ઓગણચાલીસ વર્ષના ટૂંકા જીવનમાં… ભણવું, સંગીત, વક્તૃત્વ, વાંચન, પ્રવાસ, ધ્યાન- આ બધાં છતાં ત્રેવીસમા વર્ષે તો દીક્ષા લઈ લીધી ! ઓગણત્રીસ વર્ષના થયા ત્યાં તો સમગ્ર ભારતની પરિક્રમા પૂર્ણ કરી લીધી. ત્રીસમા વર્ષે તો વિશ્વધર્મ પરિષદમાં તોખાર ભાષણ કરીને વિશ્વને હિંદુધર્મની સાચી ઓળખ આપી!! સ્વામી વિવેકાનંદના આવા વિરાટ જીવનને પંચબિંદુમાં રજૂ કરવું હોય તો?… સ્વામીજીનાં પંચસ્વરૂપો આપણે ઉપરના પાંચ પ્રસંગોથી જોયાં, હવે સ્વામીજીના જીવનનું પંચામૃત તારવીએ :

ભારતના વેદ-સાહિત્ય, ઉપનિષદ, ગીતા… તમામનો તલસ્પર્શી અભ્યાસ. વિદેશનું સાહિત્ય વાંચ્યું અને તેના પર મનન-ચિંતન કર્યું. જીવન જ એવું જીવ્યા કે તે અભ્યાસ અને વૈરાગ્યનો સંદેશ બની ગયું.

નારીસન્માનની પ્રતિષ્ઠા કરી. પોતે નારીનું સન્માન કર્યું. પરણવાનો પ્રસ્તાવ મૂકનાર નારીને પોતાની માતા બની રહેવા વિનંતી કરી.

ભારતભ્રમણ અને વિદેશભ્રમણ વખતે દુ :ખ, સંકટ, અપમાન વેઠ્યાં છતાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ સદા ફરકાવ્યો.

દલિતો, અસ્પૃશ્યો, મુસ્લિમો બધા સાથે સમાન વ્યવહાર રાખીને બધા સાથે રહ્યા અને જમ્યા.

ટીકાખોર વિદેશીઓ અને દેશદ્રોહીઓ સાથે શાબ્દિક અને શારીરિક સંઘર્ષ કરીને માતૃભૂમિનું સન્માન જાળવ્યું.

સ્વામી વિવેકાનંદ સદીઓ સુધી યુવાનોના આદર્શ બની ગયા. તેમની વાણી આગઝરતી તો ખરી જ, પણ તેમાંથી ભડકો થાય તેવી નહીં,

તેમાંથી ઉષ્મા પ્રગટે તેવી દિવ્ય… મને સ્પર્શી ગયેલાં તેનાં એનેકાનેક અમૃતબિંદુઓમાંથી પંચામૃતનું આચમન કરીએ :

કોઈની કે કશાની રાહ ન જોશો. તમે જે કંઈ કરી શકો તે બધું જ કરી છૂટો. બીજાના ભરોસે રહેશો નહીં.

આવો, મનુષ્ય બનો. તમારી કૂપમંડુકતામાંથી બહાર આવો અને બહારની દુનિયાને નિહાળો. બીજા દેશો કેવી રીતે આગેકૂચ કરી રહ્યા છે તે જુઓ.

શું તમે મનુષ્યને ચાહો છો ? શું તમારામાં દેશપ્રેમ છે ? તો પછી આવો, આપણે વધુ ઉચ્ચ અને સારી વસ્તુઓ માટે પુરુષાર્થ કરીએ. પાછળ નજર નહીં કરો. તમારા પ્રિયજનો અને સ્વજનોને રડતાં જુઓ તોપણ નહીં, પાછળ નહીં, આગળ નજર કરો.

કોઈ પર આક્રમણ કરવું નહીં અને કોઈની દાદાગીરી ચલાવવી નહીં. તમારા સ્નાયુઓને મજબૂત બનાવો. આપણને જરૂર છે, લોખંડી માંસપેશી અને પોલાદી સ્નાયુઓની.

આપણે બહુ રડ્યા. હવે વધુ રડવાની જરૂર નથી. તમારા પોતાના પગ પર ઊભા રહો. મર્દ બનો. એવી રીતે કામ કરો કે જાણે તમારા પર જ કામનો આધાર છે. ભવિષ્ય તમને તાકી રહ્યું છે.

એ મહામાનવનો પ્રભાવ કેવો ?

એ વિરલ પુરુષના શબ્દોની અસર કેવી ?

એ પોલાદી બુલંદીની તાકાત કેવી ?

આ ત્રણ પ્રશ્નના જવાબ સાંભળવા દોઢસો વર્ષના સ્વામી વિવેકાનંદ આજે પણ આપણી સામે કાન માંડીને બેઠા છે…! આપણા ભવિષ્યના

એ અમરપાત્રને આપણે ભરોસો આપવાનો છે…! આપણે બુલંદીથી કહેવાનું છે :

સ્વામીજી, અમે જાગી ગયા છીએ, અમે ઊભા થઈ ગયા છીએ, અને અમે ધ્યેયપ્રાપ્તિ વગર ઝંપવાના નથી.

યુવાનો, સાંભળો છો ને મારી હાકલ ?…

 

Total Views: 474

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.