અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે, એટલે ઉંદરો કોઠારમાં રાખેલા ચોખાનો સ્વાદ ભૂલી જઈને એની સુગંધથી આકર્ષાઈને ઉંદરિયામાં પકડાઈ જાય અને કોઠારમાં ચોખા સલામત રહે. જીવનું પણ તેવું જ છે. એ બ્રહ્માનંદને ઉંબરે ઊભો છે; જે સંસારના કોટિકોટિ આનંદો કરતાંય ચડિયાતો. પણ એ પરમ આનંદને માટે યત્ન કરવાને બદલે જીવ સંસારની ક્ષુલ્લક બાબતોમાં પડીને માયાના પિંજરામાં પકડાય છે ને ફંદામાં પડી મૃત્યુ પામે છે.
એક પંડિત : થિયાૅસાૅફિસ્ટો કહે છે, ‘મહાત્માઓ’નું અસ્તિત્વ છે. વળી તેઓ કહે છે કે નક્ષત્રલોક, ચંદ્રલોક, સૂર્યલોક, દેવયાનલોક વગેરે અસ્તિત્વ ધરાવે છે અને માનવીનું સૂક્ષ્મ શરીર આ બધા લોકમાં વિહાર કરી શકે છે. એ લોકો આવી ઘણી વાતો કરે છે. મહાશય, થિયાૅસાૅફી વિશે આપનો શો મત છે ?
શ્રીરામકૃષ્ણ : માત્ર ભક્તિ જ શ્રેષ્ઠ છે ઈશ્વર પ્રતિ ભક્તિ. એ લોકોને ભક્તિની પડી છે ખરી ? પડી હોય તો ઠીક છે. એમનું ધ્યેય ઈશ્વર સાક્ષાત્કાર હોય તો સારું. પણ ઈશ્વરની ખોજ માટે આ સૂર્યલોક, ચંદ્રલોક, નક્ષત્રલોક જેવી ક્ષુલ્લક બાબતોમાં ગુંચવાઈ જવું બરાબર નથી. ઈશ્વરનાં ચરણકમલમાં ભક્તિ જાગે એ માટે સાધના કરવી જોઈએ; વ્યાકુળ હૃદયથી એને માટે રુદન કરવું જોઈએ. વિવિધ વસ્તુઓમાં ભટકતા મનને ત્યાંથી ઉઠાવી લઈને સંપૂર્ણપણે એનામાં કેન્દ્રિત કરવું જોઈએ. ઈશ્વર વેદમાં, વેદાંતમાં કે કોઈ શાસ્ત્રમાં નથી. પ્રાણની વ્યાકુળતા વિના કશું પ્રાપ્ત કરી શકાતું નથી. તીવ્ર ભક્તિથી એને માટે પ્રાર્થના કરવી જોઈએ અને સાધના કરવી જોઈએ. ઈશ્વર સરળતાથી પ્રાપ્ત કરી શકાતો નથી. સાધના જરૂરી છે.
-શ્રીરામકૃષ્ણ અમૃતવાણી પૃ. ૪-૫
Your Content Goes Here