વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિમાં સંગીત ચિકિત્સા પદ્ધતિ વિશ્વભરમાં પ્રચલિત બની છે. ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રહર પ્રમાણે સાંભળવામાં આવે તો તેની સમગ્ર ચિત્તતંત્ર પર ખૂબ જ અસર થાય છે.

શરીર અને મન પર સંગીતનો અત્યંત પ્રભાવ પડે છે. શાસ્ત્રીય સંગીતનાં સ્પંદનોની સીધી અસર પિચ્યુટરી ગ્રંથિ પર થાય છે. આ અસરના ભાગરૂપે રાસાયણિક સ્ત્રાવોમાં ફેરફારો થાય છે. ભારતીય સંગીતની એ વિશિષ્ટતા રહી છે કે તે સમયને અનુસાર અને વાતાવરણને અનુરૂપ ઢાળવામાં આવ્યું છે. સંગીતની અસર તાજા જન્મેલા બાળકથી માંડી વૃદ્ધો સુધી અત્યંત પ્રભાવક બની રહે છે, એવું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે. સંગીત એટલે અંતરની જ્યોત અને આનંદની શોધનો અહેસાસ. શાંત વાતાવરણમાં સંગીત સાંભળવાથી મનના અને શરીરના આંતરિક સ્ત્રાવો પર ઘણો મોટો પ્રભાવ પડે છે. તે શરીરમાં રહેલ યોગચક્રોની વ્યવસ્થાને હકારાત્મક રીતે પ્રજ્વલિત કરે છે. સંગીતનો દવા તરીકે ઉપયોગ ૧૮મી સદીમાં અમેરિકામાં અને ત્યાર બાદ ગ્રીસ, રોમ, ઇજિપ્ત, ચીન અને ભારતમાં કરવામાં આવ્યો હતો. ભારતીય સંગીતની અંદર ૧૯મી સદીમાં ‘માતંગ’ નામના સંગીતકારે તેની નોંધપોથીમાં આમ લખ્યું છે, ‘શાસ્ત્રીય સંગીતનો દરેક રાગ હૃદયનાં સ્પંદનો અને નવી ઊર્જા ઉત્પન્ન કરવા સક્ષમ છે.’

સંગીત દ્વારા માનસિક તણાવ તથા શરીરનો સખત દુ :ખાવો દૂર થાય છે, લાગણીને વાચા મળે છે, યાદશક્તિમાં વધારો થાય છે, શારીરિક ક્ષમતામાં પણ વૃદ્ધિ કરી શકાય છે. સંગીત થેરપીનો આધાર તેના સ્વર, અવાજની માત્રા, કર્ણપ્રિય ધૂન, તાલ, યોગ્ય સમય, યોગ્ય લય અને તેની યોગ્ય રીતે થયેલી રજૂઆત પર રહે છે. આમ કરવામાં આવે તો માનસિક, શારીરિક, સાંવેગિક અને આધ્યાત્મિક રીતે ફાયદો થાય છે.

‘એક્ટિવ મોડ’ સંગીત થેરપીમાં વ્યક્તિની પ્રત્યક્ષ રીતે ભાગીદારી બને છે અને ‘પેસિવ મોડ’માં વ્યક્તિ સંગીતને માણે છે. ગળથૂથીથી ગંગાજળ સુધી દરેક વ્યક્તિ એક યા બીજી રીતે સંગીત થેરપી લેતી હોય છે. રોજબરોજના જીવનમાં સવારે ઊઠીને હળવું કંઠ્યસંગીત કે વાદ્યસંગીત સાંભળવાથી સમય તણાવ મુક્ત પસાર થાય છેે. નરસિંહ મહેતાનાં પદો, સિતાર કે બંસરી વાદન સાંભળવાથી શરીર અને મન પ્રફુલ્લિત બને છે. જ્યારે આપણે બાગમાં કામ કરતાં હોઈએ કે રસોઈઘરમાં કામ કરતાં હોઈએ, ત્યારે લયબદ્ધ સંગીત સાંભળવાથી કાર્યનો ભાર હળવો થઈ જાય છે. જેમ કે ભારતીય સંગીત પર આધારિત જૂનાં ગીતો, સંતુરવાદન, લોકગીત-સંગીત વગેરે. જ્યારે જમતાં હોઈએ ત્યારે હળવું કંઠ્ય સંગીત પણ ઘણું પ્રભાવક રહે છે. શાસ્ત્રીય સંગીત પર આધારિત ગઝલ વગેરે સાંભળવાથી પાચનક્રિયા સારી રીતે થાય છે અને પ્રમાણસર જમી શકાય છે. જ્યારે આપ ઘરની સાફસફાઈ કરતાં હો કે વધારે પરિશ્રમવાળું કાર્ય કરતાં હો, ત્યારે હિપ-હોપ-પોપસંગીત સાંભળીને તમારામાં ઊર્જાનું પ્રમાણ વધારી શકો છો.

રાત્રીએ સૂતાં પહેલાં બંસરીવાદન, સંતુરવાદન અથવા રાત્રીના કોઈ પ્રહરનો રાગ સાંભળવાથી ગાઢ નિદ્રા આવે છે અને ઊંઘની દવા ખાધા વિના આપ શાંતિથી સૂઈ શકો છો.

સંગીતનો ચિકિત્સા પદ્ધતિમાં બહોળો ઉપયોગ

૧. વારંવાર ગુસ્સો આવવો ૨. આજુબાજુના વાતાવરણમાં મન ન લાગવું ૩. ખૂબ જ થાક અનુભવવો ૪. ભવિષ્ય વિશે નકારાત્મક વિચારો આવવા ૫. ભૂખ ન લાગવી અથવા વધારે પ્રમાણમાં ભૂખ લાગવી ૬. ઊંઘ ન આવવી ૭. ડરનો અનુભવ કરવો ૮. ચિંતા થવી ૯. યાદશક્તિ ઘટવી ૧૦. નાની નાની બાબતોની મન પર અસર થવી ૧૧. આપઘાતના વિચારો આવવા ૧૨. માનસિક રોગોથી પિડાવું

કયા રોગમાં કયો રાગ સાંભળવો હિતાવહ

રોગ રાગ

અનિદ્રા શુદ્ધ નીલાંબરી, બિહાગ, બહાર

ક્રોધ મલ્હાર, જયજયવંતી

શ્વાસની બીમારી ભૈરવી

શરીરનો દુ :ખાવો વર્ધિની

પાચનતંત્રના રોગ પંચમ

હાઈ બ્લડપ્રેશર ભૂપાલી, તોડી, આશાવરી,આનંદભૈરવી, અહીરભૈરવ

લો બ્લડપ્રેશર માલકૌંસ, આશાવરી

પેરેલિસિસ દેશ

માનસિક તણાવ કાફી, બાગેશ્વરી, પૂરિયા ધનાશ્રી, મિશ્ર માંડ, દરબારી

હૃદય રોગ ચંદ્રકૌંસ

નસોના રોગ હંસધ્વનિ, કલાવતી, દુર્ગા

 

સંગીતના સૂરો અને તેનાં સ્પંદનો વાતાવરણમાંથી માનવ-શરીરમાં પ્રવેશે છે. તેનાથી શારીરિક અને માનસિક રસાયણોમાં તેમજ નાડી, માંસપેશી, અંત :સ્રાવી ગ્રંથિઓમાં સ્પંદનો ઊભાં થાય છે અને ઊર્જા ઉત્પન્ન થાય છે. એને લીધે શરીરની રક્તકણિકાઓમાં રક્તના પ્રવાહમાં વધારો થાય છે અને કાનના પડદા દ્વારા મગજના જ્ઞાનતંતુઓમાં ઊર્જાનો સ્રોત ઉત્પન્ન થાય છે. જો સંગીતનો લય એક મિનિટમાં ૭૦-૭૫ વખત વાગે ત્યારે તે આપણા હૃદયના ધબકારા સાથે સુસંગત હોય છે અને તેની હકારાત્મક અસર જણાય છે.

સમય અને રાગો

સવારે ૬ થી ૯ : ભૈરવી, રામકલી, જોગિયા, બિભાસ, અહીરભૈરવ.

સવારે ૯ થી ૧૨ : આશાવરી, સારંગ, તિલંગ, તોડી.

બપોરે ૧૨ થી ૩ : પીલુ, ખમાજ, ભીમપલાસી

બપોરે ૩ થી ૬ : શ્રી, મુલ્તાની, મધુવંતી, પૂરિયા ધનાશ્રી.

સાંજે ૬ થી ૯ : નંદ, હમીર, તિલક-કામોદ, મારુ બિહાગ.

રાત્રે ૯ થી ૧૨ : દેશ, કેદાર, બાગેશ્રી, રાગેશ્રી, માલકૌંસ, કલાવતી.

રાત્રે ૧૨ થી ૩ : બહાર, સોહની, દરબારી, શિવરંજની.

પરોઢે ૩ થી ૬ : લલીત, વસંત, કાલિંગડા, હિંડોલ

સંગીતના વિવિધ પ્રકારો જેવા કે લોકસંગીત, સુગમ-કાવ્યસંગીત, ભક્તિસંગીત, વિવિધ રાજ્યો કે પ્રદેશોનાં સંગીત, ગ્રામ્યસંગીત અને વાદ્યસંગીત વગેરે છે. તેનું નિર્માણ ફક્ત શબ્દો, સૂર અને સંસ્કૃતિ દ્વારા થાય છે. ભારતીય ગીતકારો અને સંગીતકારોએ ચમત્કારિક રીતે શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ કર્યો છે. એટલે જ વિશ્વમાં ભારતીય સંગીત શીખવા અને સમજવા માટે પશ્ચિમનું જગત રસપૂર્વક અભ્યાસ કરે છે. સંગીતનો જ્યારે ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બાળકની અંદર પડેલી સુષુપ્ત શક્તિ અને યાદશક્તિમાં વધારો થાય છે. આપણાં પુરાણોમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે જ્યારે સ્ત્રી ગર્ભવતી બને ત્યારે તેને તેની આ અવસ્થાને અનુરૂપ સંગીત સંભળાવવામાં આવે, તો ગર્ભમાં ઊછરી રહેલ બાળકનો વિકાસ તેજમય બને છે. સંગીત દ્વારા પ્રાણીઓ-પક્ષીઓમાં પણ મોટા જૈવિક ફેરફારો થતા નોંધાયા છે. જેમ કે ગૌમાતાને સંગીતના સૂરનો સાથ મળે તો તે દૂધ વધારે પૌષ્ટિક અને વધારે પ્રમાણમાં આપે છે.

 

Total Views: 223
By Published On: May 1, 2020Categories: Kamal Parikh, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram