ગતાંકથી આગળ…
એવરેસ્ટ આરોહણ પૂર્વેની મારી અઘરી તાલીમ વખતે મારી સાથે આવેલાં મદદનીશ ઘણાં નબળાં હતાં. જો મને જરૂર પડે તો તેઓ ઊંચકીને લઈ જઈ શકે તેટલાં મજબૂત નહોતાં, એમ મને થતું જ હતું. એનું કારણ એ હતું કે તેમનું વજન મારા કરતાં ઓછું હતું. હકીકતમાં થોડા મહિનાઓ પછી એમણે કબૂલ કર્યું, ‘તમને એકલાં મૂકી દેવા માટે મને માફ કરો. પણ હકીકત એ હતી કે મને ખૂબ ભય લાગતો હતો. તમે વધુ કઠિન માર્ગે જવાનું પસંદ કર્યું એથી હું સમજી ગઈ કે મારું કામ વધુ મુશ્કેલ બન્યું હતું.’ ખેર, હવે માત્ર સાહેબનો સથવારો રહ્યો. એક વાર નિર્ણય લીધો પછી હવે મારે આગળ ધપવું જ હતું. અમે ૬ :૦૦ વાગ્યા સુધીમાં એક ખતરનાક ગણાતા સ્થળ સુધી આવી પહોંચ્યાં. આ વિસ્તારમાં જંગલી પ્રાણીઓ હતાં અને સપાટી પણ પથરાળ હતી. એ ઓછું હોય તેમ થોડા સમય પહેલાં અહીં ભૂસ્ખલન થયું હતું. અમારે હવે આવો વિસ્તાર ઓળંગવાનો હતો. અમને તાલીમ આપનારે તો અહીં રોકાઈ જવાનું કહ્યું હતું. પણ આટલે સુધી પહોંચી ગયા પછી અમને રોકાઈ રહેવાની કોઈ ઇચ્છા ન હતી, એટલે અમે અહીંથી આગળ વધ્યાં.
સાહેબે કહ્યું કે તેઓ મને સાથે લઈ જતાં પહેલાં માર્ગનો કેટલોક ભાગ ચકાસી આવશે. લગભગ ૯૦ મિનિટ પછી તેઓ પાછા ફર્યા અને મને કહ્યું કે આ માર્ગ ઘણો જોખમી હતો એ વાત સાચી છે, પણ જો બીજા લોકો તેને પાર કરી શકે તો હું પણ પાર કરી શકીશ. તેમણે જાહેર કર્યું, ‘આપણે એકલાં જ હોઈશું, બરાબરને?’ મેં હકારમાં ડોકું હલાવ્યું. પછી સાહેબે મારી બેગ ઊંચકી અને અમે એ જોખમી ભાગ પાર કરવાની શરૂઆત કરી. અમે એ માટે દોરડાં અને અન્ય પર્વતીય સાધનોનો ઉપયોગ કર્યો. સવારના દશ વાગ્યા સુધીમાં અમે એક કિલોમીટરનો માર્ગ સફળતાથી પસાર કર્યો. હવે અમે હજુ આગળ વધી શકીશું, એવો અમારો આત્મવિશ્વાસ બંધાયો, અને છેવટ સુધી એકલાં જ આગળ જવાનું નક્કી કર્યું.
અમને આ મુશ્કેલ ભાગમાં બીજાઓની મદદ મળી ન હતી. એટલે જ હવે અમે પોતાના જ વિશ્વાસે એકલાં આગળ જવાનું નક્કી કર્યું. અમે મનમાં ને મનમાં વિચાર્યું કે આ એક જંગલ ખૂંદવાની પણ સારી તક ગણાય. અમે આગળ ચાલ્યાં અને કોઈક વાર આડે રસ્તે પણ ચડી જતાં. ‘ડિસ્કવરી’ ચેનલ અને પહાડો વિશેની ફિલ્મો જોઈ જોઈને અમને એ ખ્યાલ આવી ગયો કે જ્યારે ક્યારેય ખોવાઈ જવાની શંકા ઊભી થાય, ત્યારે નદીના પટે પટે જવું જોઈએ. એટલે અમે તો આસિગંગાને જ માર્ગે જવા લાગ્યાં અને છેવટે સંગમચટ્ટીના કેમ્પ પર પહોંચી ગયાં. આ કેમ્પમાં ધમાલ હતી. નક્કી કરેલા સ્થળે અમને રાહ જોતાં જણાયાં નહીં, તેથી અમે લાંબો સમય ગુમ થઈ ગયાં હોય એવું એમને લાગ્યું હતું. એથી હવે તેઓ અમને બચાવવા એક બચાવ જૂથ રવાના કરવાની ગોઠવણ કરવામાં રત હતા. તેમની આ ચિંતા યોગ્ય તો હતી જ.
અમે પછીથી જાણ્યું કે બીજા સક્ષમ જૂથના લોકોએ અમે જે માર્ગે આવ્યાં તે માર્ગ છોડી દીધો હતો, કારણ કે એ માર્ગ ઘણો જોખમી હતો. એ જ સભ્યોએ મને એવું સમજાવવા પ્રયાસ કરેલો કે એ રસ્તો તો તેઓ લઈ શકે તેમ હતા અને હું નહીં. સ્વાભાવિક છે કે અમે તેને પાર કરવામાં ખાસ્સો સમય લીધો. પણ તેમને સૌને એ વાતમાં આશ્ચર્ય થયું કે અમે તે જોખમી માર્ગ પાર કરી શક્યાં અને એક વિકલાંગ છોકરીના મનના પ્રબળ નિર્ધારની વાત આખા કેમ્પમાં આગની જેમ ફેલાઈ ગઈ.
વળી બેચેન્દ્રી પાલને પણ એ વાતની જાણ કરવામાં આવી કે જે માર્ગ બીજા જૂથના સભ્યોને કઠિનતર લાગ્યો એ જ માર્ગને મેં પસંદ કર્યો હતો. આવા અનુભવ પછી મારો આત્મવિશ્વાસ જાણે કે આકાશને આંબવા લાગ્યો. ખરેખર, એક દૃઢ મનોબળ ધરાવનાર વ્યક્તિ બધા અવરોધોને પાર કરી શકે છે. સાચો અને પાકો નિર્ધાર કરનાર લોકોને કશું જ અટકાવી શકતું નથી. બેચેન્દ્રી પાલે તો પહેલેથી જ મારામાં આવા અડગ આત્મવિશ્વાસને સંકોર્યો હતો. તેમણે મને પછીથી કહ્યું, ‘અરુણિમા, એ લોકો કરતાં તું ઘણી વધારે સારી છે. વાસ્તવિક રીતે મને એમ લાગે છે કે એ લોકો જ કોઈ ખોડ-ખામી ધરાવે છે, તું નહીં. મને તારા માટે ગર્વ થાય છે !’
મને ખૂબ આનંદ અને સંતોષ થયો. જો કે મારા પગોનો ખુરદો નીકળી ગયો. પગ પર ફોલ્લા પડી ગયા અને પગ દુ :ખતા પણ હતા. આમ છતાં પણ વિજયપ્રાપ્તિના આનંદમાં આ દુ :ખાવો ગૌણ બની ગયો. જેમ કોઈ એક ખેલાડી વિજયની ક્ષણે ઓલિમ્પિક્સ માટે કરેલી તનતોડ મહેનતના દુ :ખને ભૂલી જાય છે કે કોઈ એક વિદ્યાર્થી બધા પ્રશ્નોના ઉત્તર સાચા આપીને એમાંથી મળતા આનંદને લીધે પોતે કરેલ રાતની રાતોના ગહન અભ્યાસની મુશ્કેલીઓ ભૂલી જાય છે અથવા એક ખેડૂત પોતાનો ઊભો મોલ જોઈને પોતે પાડેલા પરસેવાનો થાક ભૂલી જાય છે, એમ મને પણ એવાં જ સંતોષ અને આનંદનો અનુભવ થયો. મારી મેળવેલી આ સિદ્ધિના કેફમાં હું બે દિવસ સુધી રહી. હવે તો અતિ આત્મવિશ્વાસ સાથે અમે એકલાંએ જ નીકળવાનું નક્કી કર્યું. બીજા આરોહકો કરતાં અમે થોડાં જ પાછળ રહેતાં હતાં. આમ છતાં પણ અમે હવે એ અંતર પાર કરી જઈશું, એવી આત્મશ્રદ્ધા અમારામાં જાગી.
હવે અમે વધારે ને વધારે સમય પહાડોમાં જ ગાળવાનું શરૂ કર્યું. હવે અમને કશું જ નડતર રૂપ રહેશે નહીં, એવો ભાવ અમારામાં આવી ગયો હતો. હું તો દુનિયામાં સૌથી ઊંચે હોવાના મુગ્ધ અને ભ્રામક ખ્યાલમાં આવી ગઈ હતી. આ સ્થિતિમાં આવવા માટે મેં માર્ગમાં આવતાં કેટલાંય નડતરો પાર કર્યાં. પોતાની જાતને કેટલાય પડકારો આપ્યા અને શરીરને પણ પોતાની સહનશક્તિની સીમાઓ સુધીની તકલીફો આપી. હવે મને આગળ જવાની પ્રેરણા માત્ર છેવટના લક્ષ્ય સુધી પહોંચવા સારી અને પ્રબળ મનની તૈયારી કરવાની લગની લાગી હતી. અમારા જેવા ગરીબ અને બિનઅનુભવી પર્વતારોહકો પેલા ધનિક અને સામાન્ય પર્વતારોહકોની સ્પર્ધા ન કરી શકે. અમારા જેવા માટે તો પોતાના મર્યાદિત સ્રોતો અને સાધનો સાથે કશુંક મેળવવું પડે છે અને અમે જીવનભર આવું જ કરતાં હોઈએ છીએ. હવે અમે અમારી તાલીમ થોડી વધારે સઘન બનાવી.
Your Content Goes Here