૨૭ થી ૨૯ એપ્રિલ, ૨૦૧૯ દરમિયાન યોજાયેલ અધ્યાત્મ શિબિરમાં થયેલ પ્રશ્નોત્તરીના અંશો.

પ્રશ્ન : આધ્યાત્મિક જીવનના પ્રશ્નો, સાધના દરમિયાન આવતા પ્રશ્નો, ગુરુના મહિમા વિશે માર્ગદર્શન આપશો.

ઉત્તર : આધ્યાત્મિક સાધના માટે ગુરુ અને મંત્ર બન્ને અત્યંત આવશ્યક છે. સદ્ગુરુ પાસેથી મંત્ર મળેલ હોય તો જ તમારી સાધના ફળદાયી નીવડે. કઠોપનિષદ(૧.૨.૭)માં કહ્યું છે : आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धाऽऽश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ।। – આને એટલે કે બ્રહ્મને જાણવાવાળો પુરુષ અત્યંત અદ્‌ભુત છે અને એક કુશળ પુરુષ પાસેથી ઉપદેશ મેળવીને જે શિષ્ય બ્રહ્મને યથાવત્ જાણી ગયો છે, તે પણ આશ્ચર્યરૂપ છે.

આધ્યાત્મિક જીવનને લગતા પ્રશ્નોનું માર્ગદર્શન કોઈપણ સંત કે મહાત્મા પાસેથી લઈ શકો છો. પરંતુ સાધના દરમિયાન આવતા પ્રશ્નોનું નિવારણ કે નિરાકરણ માત્ર જેમની પાસેથી મંત્રદીક્ષા મળી છે તેવા ગુરુને જ આ વિશે પૂછવું અને એનું માર્ગદર્શન કે જવાબ મેળવવો. મંત્ર અને મંત્ર સંબંધિત પ્રશ્નો, સાધના પદ્ધતિ વિશેના પ્રશ્નો, ઉપાસના સંલગ્ન પ્રશ્નોના નિવારણ કે નિરાકરણ માટે માત્ર ને માત્ર મંત્રદીક્ષા આપનાર ગુરુ દ્વારા દર્શાવેલ માર્ગ પર નિર્ધારિત રહેવું. અધ્યાત્મ સંબંધી જાણકારી અને જિજ્ઞાસાનું નિવારણ કોઈપણ સંત-મહાત્મા કે સારા સાધક કરી શકે.

સાધના-ઉપાસનાની વાતોમાં ગુરુએ જે કંઈ કહ્યું છે તેનું જ અનુસરણ કરવું જોઈએ. દીક્ષાગુરુ માત્ર એક જ હોય છે અને શિક્ષાગુરુ અનેક હોઈ શકે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યંુ છે કે ભગવાન દતાત્રયને ૨૪ ગુરુઓ હતા. આ બધા શિક્ષાગુરુ હતા. શિક્ષાગુરુ પાસેથી માર્ગદર્શન-પ્રેરણા મેળવી શકાય. તેમનાં વ્યાખ્યાન સાંભળીને જીવનને અધ્યાત્મ માર્ગ પર લાવી શકાય. પરંતુ સાધના કે ઉપાસના માટે ગુરુ અને ઇષ્ટ એક હોવા જોઈએ. મંત્ર પણ એક જ હોવો જરૂરી છે. જો એમ ન થાય તો સાધનાનું પરિણામ મળતું નથી.

ગુરુ એટલે જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય. ‘ગુ’ એટલે ‘અંધકાર’ અને ‘રુ’ એટલે જે ‘નિવર્તક’-એટલે કે અંધકારના નિવર્તક છે. એટલે અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર એ જ સાચા ગુરુ, સદ્ગુરુ. આપણાં શાસ્ત્રોમાં ગુરુ અને શિષ્યમાં ખાસ લક્ષણો હોવાં આવશ્યક ગણાય છે. સદ્ગુરુનાં લક્ષણો આ પ્રમાણે છે :

1. श्रोत्रिय – શાસ્ત્રોનું જ્ઞાન ધરાવનાર

2. ब्रह्मनिष्ठ – બ્રહ્મમાં નિષ્ઠા ધરાવનાર

3. अवर्जनीय – નિષ્પાપ ચારિત્ર્યવાળા

4. अकामतः – લેવડદેવડની ભાવના કે કામના ન હોવી

આ ચારેય લક્ષણ ધરાવનારને સદ્ગુરુ માનીને તેના શરણમાં જવું.

શિષ્યનાં લક્ષણો આ પ્રમાણે છે :

1. नित्यानित्यवस्तुविवेक – નિત્ય અને અનિત્ય વસ્તુમાં વિવેકબુદ્ધિ

2. इहामूत्रफलभोगविराग – પૃથ્વી અને સ્વર્ગના બધા ભોગ પ્રત્યે વૈરાગ્ય.

3. शमदमादिषट्सम्पत्ति – શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આ છ સંપત્તિ હોવી.

4. मुमुक्षुत्व – મુક્તિ મેળવવાની તીવ્ર ઇચ્છા.

આ ચારેય ગુણો જે વ્યક્તિમાં હોય તે આદર્શ શિષ્ય બની શકે. ગુરુ કે ગુરુવાક્યમાં શ્રદ્ધા હોવી જોઈએ. એ શ્રદ્ધા વિના મુક્તિ મળે નહીં. એટલે ગુરુ અને મંત્ર બન્નેમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય તો જ ગુરુએ બતાવેલ આધ્યાત્મિક પથ પર ચાલવાની શક્તિ સાધના દરમિયાન આવે અને સાધના આડે આવતી અડચણોનું નિવારણ થાય. ગુરુમાં શ્રદ્ધા, ઇષ્ટમાં શ્રદ્ધા અને મંત્રમાં શ્રદ્ધા હોય તો સાધનાનું પરિણામ અચૂક મળે.

પ્રશ્ન : જન્મમરણના બંધન કે ચક્રમાંથી કેવી રીતે છૂટી શકાય ?

ઉત્તર : વાસ્તવમાં મનુષ્યજીવનનું એકમાત્ર ધ્યેય છે ઈશ્વરપ્રાપ્તિ, મુમુક્ષત્વ, આત્મજ્ઞાન કે આત્મસાક્ષાત્કાર મેળવવાં. માત્ર મનુષ્યજન્મમાં જ આ ઈશ્વરપ્રાપ્તિના ધ્યેયને પ્રાપ્ત કરવું સંભવ છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા, ‘મનુષ્યજીવનનું ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ છે.’ આ ઈશ્વરપ્રાપ્તિ કે ભગવદ્ દર્શન કેવી રીતે સુલભ થઈ શકે ? તુલસીદાસજી કહે છે કે ભક્તિ વગર કશું જ શક્ય નથી. ભગવાન પ્રત્યે સાચી ભક્તિ આવે તો જ તેનાં દર્શન થાય. આ સાચી ભક્તિ કેળવવા તુલસીદાસજી શું કહે છે :

बिनु प्रिति होर्इ न परतिती,

बिनु वैराग्य होर्इ नहि ज्ञान;

बिनु विवेक वैराग्य न होर्इ,

बिनु सत्संग विवेक न होर्इ;

और रामकृपा बिनु सुलभ न होर्इ ।

વિવેક, વૈરાગ્ય, સત્સંગ અને ઈશ્વરકૃપા વિના કશું શક્ય નથી. માયા-મહામાયા પણ જાણે છે કે જો કોઈ સત્સંગ કરવા ઇચ્છા પ્રગટ કરે તો તેના માર્ગમાં કેવી રીતે અવરોધ ઊભા કરવા. માયા-મહામાયા એ પણ જાણે છે કે જો તે સત્સંગ કરીને તેના જીવનનો ઉદ્દેશ્ય જાણી લે, તો આ સૃષ્ટિ જે મહામાયાએ રચી છે અને તેની રમત ચાલે છે એ કોણ ચલાવશે. એટલે તે સત્સંગ કરવા પ્રેરાયેલ વ્યક્તિના માર્ગમાં અવરોધો ઊભા કરે છે. છતાંયે જો મનુષ્યનું મન મક્કમ હોય તો પ્રભુ સહાય કરે છે અને ભક્તના ઉપર કૃપાદૃષ્ટિ રાખીને તેની સત્સંગ સાધનામાં આવતા બધા જ અવરોધો દૂર કરી દે છે.

શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે વચ્ચે વચ્ચે એકાંતમાં કે નિર્જન સ્થળે જઈને ઈશ્વરનાં ચિંતન, મનન, ધ્યાન કરવાં. ગુજરાતીના એક ભજનમાં આવે છે :

તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું.

પછી ઓચિંતું યમનું તેડું થાશે,

મોહમાયા ત્યજીને જવું પડશે,

ત્યારે નહીં ચાલે તમારું તોફાન

તમે ભાવે ભજી લો ભગવાન…

મહાભારતમાં યક્ષ અને યુદ્ધિષ્ઠિરનો પ્રસંગ આવે છે તેમાં યુદ્ધિષ્ઠિરને યક્ષ પૂછે છે કે જગતનું મહાન આશ્ચર્ય કયું –

किमाश्चर्यं

अहन्यहनि भूतानि गच्छन्ति यममन्दिरम् ।

शेषा जीवितुमिच्छन्ति किमाश्चर्यमतः परम ।।

મનુષ્ય પોતાની નજર સામે જ લોકોને યમમંદિરે જતા જુએ છે, છતાંય દરેક માનવ દરરોજ જીવવાની ઇચ્છા રાખે છે, માનવ એમ માને છે કે હું ક્યારેય મરવાનો નથી. આનાથી બીજું મોટું આશ્ચર્ય કયું હોઈ શકે? દરેકે આ જગત આજે નહીં તો આવતી કાલે છોડવું જ પડશે. સ્વામી વિવેકાનંદ કહે છે કે દુનિયામાં એક પણ એવો મનુષ્ય નથી કે જે સંપૂર્ણ ત્યાગ કરતો નથી. મૃત્યુ વખતે તો બધું ત્યજીને જવું પડે છે. એટલે જ પેલા ભજનમાં આવે છે ‘તમે ભાવે ભજી લો ભગવાન, આત્માનું થોડું કરી લો કલ્યાણ…’ એટલે જ દરેક વ્યક્તિએ ‘મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય શું છે ? હું કોણ છું ? મૃત્યુ પછી શું થશે?’ આવો વિચાર નિત્ય કરવો જોઈએ. આપણે આ વિશે ક્યારેય વિચારતા નથી. પણ ખરેખર એ વિશે ગહન ચિંતન કરવું જોઈએ અને આપણા મૂળ સ્વરૂપને પામવા સંસારમાં રહીને પણ મથવું જોઈએ. મનમાં દૃઢ વૈરાગ્ય, ત્યાગ અને તપશ્ચર્યા હોય તો આ બધું શક્ય બને અને આપણે આપણા ધ્યેયને પામી શકીએ. એક સંસ્કૃત સુભાષિત છે :

 

आहार निद्रा भय मैथुनं च

सामान्यमेतत् पशुभिर्नराणाम् ।

धर्मो हि तेषामधिको विशेषः

धर्मेण हीनाः पशुभिः समानाः ।।

પશુ અને માનવ વચ્ચેનો મુખ્ય ભેદ ધર્મ છે. ધર્મ દ્વારા માનવી સ્થળકાળ અને સમયથી પર થઈ શકે છે અને અનંતને પામી શકે છે.

 

Total Views: 422

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.