આયરિશ મહિલા કુમારી માર્ગારેટ નોબલનો પરિચય સ્વામી વિવેકાનંદ સાથે તેમની યુરોપયાત્રા દરમિયાન થયો હતો. તેમણે સ્વામી વિવેકાનંદના આહ્વાનના પ્રતિભાવ રૂપે ભારતવર્ષની સેવા કાજે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. પોતાના ગુરુદેવ સાથે ભ્રમણ અને નિવાસ દરમિયાન થયેલ અનુભવોનું વર્ણન તેઓએ પોતાના પુસ્તક The Master As I Saw Him (મારા ગુરુદેવ સ્વામી વિવેકાનંદ)માં કર્યું છે. તેમાંથી કેટલાક અંશ અહીં ઉદ્ધૃત કરવામાં આવ્યા છે.

સ્વામીના જીવનના આ અંશની જે થોડી ઘણી ઝાંખી મને થઈ છે, તેનું વિવરણ એમની શક્તિપૂજાના ઉલ્લેખ વિના તદ્દન અપૂર્ણ જ રહી જાય. આધ્યાત્મિક દૃષ્ટિએ કહીએ તો, તેમનું મન બે પ્રકારના ઉપાદાનથી ગઠિત હતું એવો મને સદાય અનુભવ થયો છે. તેઓ આજન્મ બ્રહ્મજ્ઞાની હતા, એ વાતમાં સંદેહ નથી; શ્રીરામકૃષ્ણ તો આનો વારંવાર ઉલ્લેખ કરી ગયા છે. સ્વામી જ્યારે કેવળ આઠ વરસના બાળક હતા, ત્યારે પણ તેઓએ રમતમાં બેસતાં જ સમાધિસ્થ થઈ જવાની શક્તિ મેળવી લીધી હતી. ધર્મની બાબતમાં તેમના મનનો સ્વાભાવિક ઝોક અત્યંત સૂક્ષ્મ તથા દાર્શનિક ભાવોની દિશામાં હતો; સામાન્ય રીતે જે બધા ભાવોને ‘પૂતળાંની પૂજા’ કહેવામાં આવે છે, તેનાથી તદ્દન વિરુદ્ધનો હતો. યુવાનીમાં તેમજ ખૂબ સંભવત : શ્રીરામકૃષ્ણના જીવન-આદર્શ દ્વારા પ્રભાવિત થવાના કંઈ નહીં તો થોડા સમય પછી તેઓ યથારીતિ સાધારણ બ્રહ્મોસમાજના સભ્ય બન્યા હતા. ઇંગ્લેન્ડ તથા અમેરિકામાં મૂર્તિવિશેષ પર પ્રતિષ્ઠિત હોય એવા કોઈ ભાવનો તેમણે પ્રચાર કર્યો ન હતો. બ્રહ્મસાક્ષાત્કાર જ તેમનું એકમાત્ર લક્ષ્ય હતું, અદ્વૈત-દર્શન તેમનો એકમાત્ર મતવાદ હતો, વેદ અને ઉપનિષદ જ તેમના એકમાત્ર પ્રામાણ્ય ધર્મગ્રંથો હતા.

ભયંકર કાલીની ઉપાસના

પરંતુ સાથે સાથે વળી આ પણ સાચું કે ભારતવર્ષનો જગજ્જનની બોધક ‘મા’ શબ્દ પણ સદાય તેમના મુખે રહેતો. આપણે આપણા પરિવારની અંદરના કોઈ સુપરિચિત વિશે જેમ વાત કરતા હોઈએ, તેમ તેઓ પણ જગદંબા વિશે કથાવાર્તા કરતા. તેઓ રાતદિવસ જગન્માતાના ભાવમાં જ તન્મય રહેતા. બીજાં સંતાનોની માફક તેઓ બધો વખત શાંત-શિષ્ટ રહેતા નહીં. કોઈ કોઈ વાર તેઓ તેની સામે તોફાને ચડતા, વિદ્રોહ ભાવાપન્ન પણ થઈ જતા, પણ એ કેવળ જગન્માતા પ્રત્યે જ. સારું-નરસું ભલેને ગમે તે થાય, એ બધું જગન્માતાની જ મરજી છે એમ તેઓ સમજતા. કોઈ એક શુભકાર્યના ઉપલક્ષ્યમાં તેમણે એક શિષ્યાને પોતાના જીવનમાં જેણે મંત્રશક્તિની જેવું કાર્ય કર્યું હતું તેવી એક માતૃપ્રાર્થના શીખવી દીધી હતી. તે પછી એકાએક અત્યંત ઉત્તેજિત ભાવે શિષ્યા તરફ ફરીને તેમણે કહ્યું હતું, ‘અને જો, માત્ર પ્રાર્થના નહીં, જગન્માતા પર જોર કરીને એ પ્રાર્થના પૂર્ણ પણ કરાવવી પડશે. માની પાસે એ બધો દીનહીન ભાવ નહીં ચાલે ! જોજે.’ વખતે વખતે તેઓ એકાએક કોઈ નવીન ભાવની આંશિક રૂપે અવતારણા કરતા; જેમ કે માનો જમણો હાથ અભયદાન માટે ઊંચે ઉઠાવેલો છે, તેમજ ડાબા હાથમાં ખડ્ગ શોભે છે. તન્મયતાપૂર્વક લાંબો વખત ચિંતન કરતાં કરતાં વારંવાર તેઓ બોલી ઊઠતા, ‘માતાનો શાપ પણ વરદાન છે.’ અથવા તો ભાવાવેગે તેઓ જાણે કવિની ભાષામાં બોલી જતા, ‘અંતરંગ ભક્તોની ગહન હૃદયકંદરામાં માની રુધિરરંજિત અસિ ઝગઝગ કરતી રહે છે. તેઓ આજન્મ માની અસિ-મુંડ વરાભયકરા મૂર્તિના ઉપાસક!’ એ જ સમયે મેં ‘જગન્માતાની વાણી’ (‘Voice of the Mother’) – શીર્ષકવાળું જે નાનું સ્તોત્ર લખ્યું અને પ્રકાશિત કર્યું હતું, તેની લગભગ દરેક લીટી અને દરેક શબ્દ તેમના જ શ્રીમુખમાંથી આવી ક્ષણોએ નીકળેલા ઉદ્ગારોમાંથી સંગૃહીત થયેલ છે. તેઓ હંમેશાં કહેતા, ‘હું ઘોર રૂપનો ઉપાસક છું.’ અને એકવાર તેમણે કહ્યું હતું, ‘બધાંય સુખની આશાથી કર્મમાં પ્રવૃત્ત થાય એમ મનમાં લાવવું એ મોટી ભૂલ છે; ઘણા બધા લોકો તો વળી આજન્મ દુ :ખ શોધે છે. આવો, આપણે નિષ્કામ ભાવે માની ભયંકરા મૂર્તિની ઉપાસના કરીએ.’

કાલી અને વેદાંત

કોઈ એક વિશેષ પૂજાને જ સારરૂપ માની તેમાં નિષ્ઠાવાન થવું એ તથા વેદાંતનો ચરમ બ્રહ્મવાદ – આ બંનેનો મેળ કેવી રીતે મળે – એ બાબતમાં તેમને આશંકા થઈ હતી કે તેમને પોતાને જ્યાં ખટકો લાગ્યો હતો, ત્યાં મને પણ જરૂર લાગશે. તેઓ જાણતા ન હતા કે તેમનાં અંતરંગ ભક્તોની સમક્ષ તેઓ પોતે જ આ બધા વિપરીત ભાવોના સમન્વય-સ્થળરૂપ હતા, તેમજ તેમાંના દરેક સત્ય છે, એના પુરાવા રૂપ હતા. તેથી આ વિષયનું ચિંતન કરતાં કરતાં તેઓ થોડો વખત જાણે પોતાના મન સાથે વાત કરતા હોય એમ બોલવા લાગ્યા; કેટલીક વાત તો અસંબદ્ધ, જાણે તેઓ કેટલાક પ્રશ્નોના ઉત્તર દેતા હોય એવી, તથાપિ જાણે પોતાની અંદર કંઈક જોઈને એમાં જ અર્ધમગ્ન થઈ ગયા છે, પ્રયત્ન કરવા છતાં પણ જાણે તેની મોહિનીમાંથી મુક્ત થઈ શકતા નથી.

સમર્પણ

અંતે તેઓએ કહ્યું, ‘અરે, મા કાલી અને તેની લીલાનો હું કેવો તિરસ્કાર કરતો! છ વરસ સુધી હું એ બાબતમાં સંઘર્ષ કરતો, કોઈ પણ રીતે માતાજીમાં માનું નહીં, પરંતુ છેવટે તો મારે માનવું જ પડ્યું ! શ્રીરામકૃષ્ણે મારું સમર્પણ માને કર્યું અને હવે તો મારી દૃઢ શ્રદ્ધા છે કે સામાન્યમાં સામાન્ય કામમાં પણ એ મા જ મને દોર્યે જાય છે, મને લઈને પોતાની ખુશી પ્રમાણે કર્યે જાય છે ! … તેમ છતાંયે મેં ઘણા દિવસ એ જગજ્જનની મામાં માનીશ નહીં, એવી જીદ પકડી હતી. હું શ્રીરામકૃષ્ણને ચાહતો ને, એટલે છોડી શકતો નહીં. મેં તેમની અદ્ભુત પવિત્રતા નજરે નિહાળી, તેમનો અનન્ય પ્રેમ રગે રગે અનુભવ્યો, પ્રાણે પ્રાણે સમજ્યો… તેઓ કેટલા મોટા હતા, એની ધારણા મને તે વખતે પણ આવી ન હતી… એ બધું તો પછીથી થયું… જ્યારે મેં મારી જાતને સમર્પિત કરી દીધી. એ પહેલાં તો હું એમને માથું ફરી ગયેલ ધારતો – કેવળ કેટલાંક ખાલી સ્વપ્નાં જોયા કરે છે ! એ બધાંનો હું તિરસ્કાર કરતો. પણ છેવટે તો મારે પણ મા કાલીમાં માનવું પડ્યું.

 

Total Views: 52
By Published On: May 1, 2020Categories: Bhagini Nivedita0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram