ભગિની નિવેદિતાએ પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનંદના સાન્નિધ્યમાં તેમના ઉદાત્ત જીવનનાં જે અનેક વિશિષ્ટ પાસાં હૃદયંગમ કર્યાં હતાં તેને તેઓએ પોતાના પુસ્તક ‘The Master As I Saw Him’માં આલેખિત કર્યાં છે. આ પુસ્તકના ગુજરાતી અનુવાદ ‘મારા ગુરુદેવ સ્વામી વિવેકાનંદ’માંથી કેટલાક અંશ અહીં ઉદ્ધૃત કરવામાં આવ્યા છે.

જીવનનું ગઠન કરનાર પ્રભાવ

મને લાગે છે કે આ વાત ચોક્કસ છે કે ત્રણ પ્રકારના પ્રભાવને પરિણામે સ્વામીના જીવનનું ગઠન થયું હતું : પહેલાં તો તેમને અંગ્રેજી તથા સંસ્કૃત સાહિત્યનું જે શિક્ષણ મળ્યું હતું તે, બીજું એમના ગુરુદેવનું અલૌકિક ચારિત્ર્ય કે જે બધાં શાસ્ત્રોના જીવંત ઉદાહરણ અને પ્રમાણ સ્વરૂપ હતું, અને ત્રીજું, હું ભારપૂર્વક કહીશ કે તેમનું ભારત તથા ભારતવાસીઓ અંગેનું પ્રત્યક્ષ જ્ઞાન. તેના કારણે તેઓ પોતાને એક એવા વિપુલ સજીવ ધર્મશરીરના જ અંગ તરીકે સમજી શક્યા હતા કે જેના અશેષ મહિમાન્વિત તેમના ગુરુદેવ પોતે પણ સાકાર મૂર્તિ અને વાણી સ્વરૂપ જ હતા.

મને લાગે છે કે આ ત્રણનો પ્રભાવ તેમનાં વિવિધ ભાષણોમાં તરવરી આવે છે. જ્યારે તેઓ વેદાંતનો પ્રચાર કરતા તથા જગતની સન્મુખ સ્વદેશ બાંધવોના તત્ત્વજ્ઞાનના પક્ષનું સમર્થન કરતા ત્યારે તેઓ મુખ્યત્વે કરીને પ્રાચીન સમયના ગ્રંથોમાંથી સામગ્રી એકત્રિત કરતા. એ ખરું કે જે સ્પષ્ટતા તથા દૃઢતાથી તેઓ એનું વિવેચન કરે છે, તે તો કેવળ એ બધા ગ્રંથોનાં પ્રતિપાદ્ય સત્યો એમના જીવનમાં એક આધારે (શ્રીરામકૃષ્ણમાં) સમષ્ટિભૂત જોયેલાં હતાં તેથી. જ્યારે તેઓ કહેતા કે ‘ભક્તિનાં આરંભ, સ્થિતિ તથા પરિણામ પ્રેમમાં છે’ તથા જ્યારે તેઓ કર્મયોગનું વિશ્લેષણ કરતા ત્યારે અમે જાણે અમારી નજર સમક્ષ તેમના ગુરુદેવને જ જોતા હોઈએ એવું લાગતું. એવું જોતા કે શિષ્ય બીજી એક વ્યક્તિ (શ્રીરામકૃષ્ણ) ને ચરણે જે જ્યોતિર્મય રાજ્યમાં વાસ કરીને આવ્યા છે, બસ માત્ર તેની જ વાત કહેવાનો બને તેટલો પ્રયત્ન કરી રહ્યા છે.

પરંતુ જ્યારે આપણે તેમની શિકાગો મહાસભા સમક્ષની વક્તૃતા અથવા તો ઠીક એવો જ અદ્‌ભુત ‘મદ્રાસના માનપત્રનો પ્રત્યુત્તર’ અથવા ઈ.સ. ૧૮૯૭માં લાહોર મુકામે જે ભાષણો તેમણે આપ્યાં હતાં તે વાંચીએ છીએ, જેની અંદર તેમણે હિંદુ ધર્મનાં મુખ્ય અને સર્વમાન્ય લક્ષણો ચિત્રિત કર્યાં છે, ત્યારે આપણને કંઈક એવી બાબતનો પરિચય થાય છે કે જે સ્વામીની પોતાની જ પરિશ્રમલબ્ધ અનુભૂતિમાંથી ઉદ્ભવેલ છે. આ બધાં ભાષણોની પાછળ જે શક્તિ રહેલી છે, એ તો તેમના લાંબા સમયના ભારતભૂમિના ભ્રમણનું જ ફળ છે. એમ લાગે છે કે તેને એક ભ્રમણકહાની સમજવાની નથી. એના પરથી તો દેખાઈ આવે છે કે તેમની સ્વદેશ તથા સ્વદેશવાસીઓ પ્રત્યેની શ્રદ્ધા કોઈ ખોટી ભાવુકતા કે સ્વચ્છંદ અંધતાનું ફળ ન હતી; તે તો આ પ્રત્યક્ષ જ્ઞાનમાંથી જન્મી હતી. અહીં એમ કહી દેવા દો કે તેમની અનુમાનની પ્રક્રિયા પણ સતેજ અને વર્ધનશીલ હતી, તે સદાય નવી નવી ઘટનાઓના સંગ્રહ માટે સદા તત્પર રહેતી અને પ્રતિકૂળ સમાલોચનાથી તે જરા પણ ડરતી નહીં. તેઓએ એક વખત કહ્યું હતું, ‘હિંદુ ધર્મનો સામાન્ય પાયો શો છે, એ જ મારા સમગ્ર જીવનની ચર્ચાનો વિષય છે.’ માત્ર એટલું જ નહીં, આ તો સર્વાંગ સંપન્ન અને પ્રત્યક્ષ જ્ઞાન હતું અને તેથી જ સ્વદેશ અને સ્વદેશીઓ સાથે સંકળાયેલી હિંદુ સભ્યતાનાં પ્રાચીનતમ અને સીધાંસાદાં તત્ત્વો તેમની સ્વજાતિ અને સ્વદેશને લગતી વિચારશ્રેણીમાં આવાં મહત્ત્વનાં દેખાય છે.

સ્વદેશમાં મળે એટલી આધુનિક ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કર્યા છતાં પણ તેઓ કેટલાક ચાલુ જમાનાના માનવીની જેમ સંન્યાસી કે ખેડૂતોને, મૂર્તિપૂજકોને કે જ્ઞાતિભેદની પ્રથામાં માનનારાઓને ‘એ બધા અખંડ ભારતવર્ષનાં અંગવિશેષ નથી’ – એમ કહીને ઉડાવી દેતા નહીં અને આ જે કોઈને પણ બાદ નહીં રાખવાનો દૃઢ સંકલ્પ, બધાંને સમાવી લેવાનો અડગ નિશ્ચય એ તો તેઓએ એમની સાથે એકત્ર ઘણાં વર્ષ સુધી જીવન ગુજાર્યું હતું તેના જ ફળસ્વરૂપ હતું.

આમજનતા પ્રત્યે તેમનો પ્રેમ

પરંતુ આ યાદ રાખવું પડશે કે કોઈ મહાપુરુષના જીવનના મૂળ મંત્ર સ્વરૂપ કેટલીક ધારણાઓને તેમના વ્યક્તિગત અનુભવોની સાથે કાર્યકારણ સંબંધે જોડી દેવાથી જ એ જીવનનું યોગ્ય પૃથક્કરણ થઈ જતું નથી. આપણે હજુ પણ એ મૂળ પ્રેરણાના કારણનો નિર્દેશ કરવો પડશે કે જે અનંત શક્તિ જન્મથી જ પ્રાપ્ત કરવાથી એક વ્યક્તિ જગતરૂપી દૃશ્યને બીજા કરતાં અધિકતર અર્થયુક્ત સમજી લે છે અને મેં સાંભળ્યું છે કે સ્વામીમાં બાલ્યાવસ્થાથી જ અંતર્નિહિત આ સંસ્કાર હતા કે તેઓ દેશનું ભલું કરવાને જન્મ્યા છે. આ પછી લાંબે સમયે તેઓ આ વાત યાદ આવતાં ગર્વ અનુભવતા કે અમેરિકા પહોંચ્યા પછી શરૂઆતમાં તેમને જે બધી નાણા સંબંધી વિટંબણાઓમાંથી પસાર થવું પડ્યું હતું ત્યારે પણ, જ્યારે આ ટંકના જમણ માટે કોનું બારણું ખખડાવવું એનું ઠેકાણું ન હતું ત્યારે પણ, ભારતમાંના શિષ્યોને તેમણે જે બધા પત્રો લખ્યા છે, એ બતાવે છે કે એમનો આ દૃઢ વિશ્વાસ જરાય ડગ્યો ન હતો. જે બધા મહાપુરુષો કોઈ વિશેષ કાર્ય સંસાધિત કરવા જન્મ ગ્રહણ કરે છે, તેમાંના દરેકમાં આ પ્રકારની એક અદમ્ય આશા હોય, હોય અને હોય જ. એ છે ભાવિ મહત્ત્વની એક ધારણા, એ કંઈ ભાષામાં પ્રગટ થાય નહીં, એનો એક માત્ર પ્રકાશ છે જીવનમાં. હિંદુઓની વિચારપ્રણાલી અનુસાર આ ભાવિ મહત્તાની ધારણા અને આત્માભિમાન – આ બે વચ્ચે આકાશ-પાતાળ જેટલો તફાવત છે અને મને લાગે છે કે સ્વામીના જીવનમાં પણ આનો પરિચય શ્રીરામકૃષ્ણ સાથેની તેમની પહેલી મુલાકાત દરમિયાન થાય છે કે જ્યારે શ્રીરામકૃષ્ણની તેમના વિશેની પ્રશંસા દ્વારા તેઓનું આકર્ષણ થવું તો દૂર રહ્યું, ઊલટાના તેઓ વિમુખ થયા હતા, કારણ કે તેઓ ધારતા હતા કે આ બધી તો કેવળ અતિશયોક્તિ છે.

શ્રીરામકૃષ્ણ દ્વારા તેમની ઓળખ

૧૮ વર્ષની ઉંમરે તેઓ દક્ષિણેશ્વર દર્શને આવેલા લોકોની એક મંડળી સાથે ત્યાં આવ્યા હતા. તેમજ કોઈ એક વ્યક્તિએ સંભવત : તેમના કંઠનું અસાધારણ માધુર્ય તેમજ તેમની સંગીતમાં વિશેષજ્ઞતાની વાત જાણતા હોઈ તેમના ગાવાની વાત ઉપાડી. પ્રત્યુત્તરરૂપે તેમણે રામમોહન રાયનું એક ભજન ગાયું જેની અંતિમ પંક્તિ હતી – ‘પાથેયના રૂપમાં પવિત્રતારૂપી ખજાનાને છુપાવીને રાખવો.’ આ જ જાણે કે સંકેતરૂપ બની ગયું. શ્રીરામકૃષ્ણ બોલી ઊઠ્યા, ‘વત્સ, આ ત્રણ વર્ષથી તારી રાહ જોઈને બેઠો છું. વત્સ, તું આટલો બધો મોડો આવ્યો!’ એમ કહી શકાય કે તે દિવસથી શ્રીરામકૃષ્ણ પોતાના અનુગત બાળકોને એકમન – એકપ્રાણ બનીને એક એવા સંઘમાં સંગઠિત કરવાના કાર્યમાં જોડાઈ ગયા કે જેમનો ‘નરેન્દ્ર’ (સ્વામીનું ત્યારે એ જ નામ હતું) પ્રત્યેનો અનુરાગ સદાને માટે અતૂટ રહે.

‘તેઓ મહાયશસ્વી થશે’ એવી ભવિષ્યવાણી કહેતાં શ્રીરામકૃષ્ણ કદીયે થાકતા નહીં, તેઓની પ્રતિભા અસાધારણ છે એમ પણ સદા કહેતા. મોટા ભાગના લોકોમાં જો બે કે ત્રણ ગુણ હોય અથવા ભલે દસ કે બાર ગુણ હોય તો તેઓ ‘નોરેન’ના સંબંધમાં એટલું કહે કે તેનામાં એક હજાર છે. તે ખરેખર ‘સહસ્રદલપદ્મ’ છે. ઉચ્ચ ધર્માધિકારવાળાઓની અંદર પણ જો કોઈનામાં શિવત્વનાં લક્ષણાવાળા બે ગુણ હોય તો ‘નોરેન’માં ઓછામાં ઓછા એવા અઢાર ગુણ છે.

કોઈ વ્યક્તિ ઢોંગી છે કે નહીં, એ શ્રીરામકૃષ્ણ એકદમ પારખી કાઢતા. કેટલીક વાર એથી તેમને શારીરિક વેદના પણ થતી. એક વખત તેમણે કોઈ રીતે એક વ્યક્તિને સદ્ગુણી તરીકે માનવાની ના પાડી, જો કે ત્યાં હાજર રહેલા બધાએ તેની ખરા ધાર્મિક તરીકે ગણતરી કરી હતી. શ્રીરામકૃષ્ણે કહ્યું કે તેનામાં સમસ્ત બાહ્યાડંબર હોવા છતાં પણ એ માણસ ચૂનો લગાડેલી કબર જેવો છે. રાત-દિવસ શૌચાચારી હોવા છતાં પણ તેની હાજરી અપવિત્રતાજનક છે અને ‘નોરેન’ જો અંગ્રેજોની હોટેલમાં જઈને ગોમાંસ પણ ખાય તોપણ તે પવિત્ર રહેશે – એવો પવિત્ર કે તેના સ્પર્શ માત્રથી બીજા પવિત્ર બની જશે – આવી વિવિધ વાતો કરીને તેઓ (શ્રીરામકૃષ્ણ) સર્વદા ભવિષ્યમાં નેતા બનનાર આ શિષ્ય (સ્વામી વિવેકાનંદ) તથા ભવિષ્યમાં જેઓ તેના સહાયક બનવાના હતા તે શિષ્યો વચ્ચે તેમના ગુણો ઉપર સુપ્રતિષ્ઠિત એક સ્થાયી સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરતા.

વિવેકાનંદનું પૂર્વજીવન

કોઈ નવો શિષ્ય આવે ત્યારે શ્રીરામકૃષ્ણને બને તેટલી બધી રીતે તેની શારીરિક તેમજ માનસિક કસોટી કરી લેવાની ટેવ હતી. કારણ કે જેમ એક યંત્રનો નાનો નમૂનો હોશિયાર વૈજ્ઞાનિકની દૃષ્ટિએ બધી રીતે અર્થસભર હોય છે, તેમ માનવ-શરીરનું પ્રત્યેક અંગ તેમની કેળવાયેલી દૃષ્ટિએ અર્થસભર દેખાતું હતું. આ કસોટીની અંદર એક હતી આ નવાગતને તંદ્રામાં નાખી તેના તંદ્રાકાલીન મનની ગતિવિધિને લક્ષ્ય કરવી તે. સાંભળ્યું છે કે જેઓ વિશેષ સંસ્કારવાન હોય તેઓને શ્રીરામકૃષ્ણ એ વખતે પોતપોતાના પૂર્વજન્મનાં વૃત્તાંત પોતાની મેળે જ બોલવા દેતા અને જેઓ એનાથી ઊતરતી પંક્તિ તેમની પાસેથી તેઓ ઉક્ત વૃત્તાંત પ્રશ્નો દ્વારા પૂછીને જાણી લેતા. ‘નોરેન’ની આ રીતે પરીક્ષા કર્યા પછી શ્રીરામકૃષ્ણે એક દિવસ ઉપસ્થિત રહેલા બધાને જણાવ્યું હતું કે જે દિવસે આ યુવાન જાણી જશે કે પોતે કોણ છે તથા કઈ જાતના ઉચ્ચ અધિકારવાળો છે તે દિવસે પછી એક ક્ષણ પણ તે આ દેહધારણરૂપ બંધન સહન કરવાને ઇચ્છશે નહીં. આ પ્રતિબંધોથી જકડાયેલ જીવનનો પરિત્યાગ કરીને ચાલ્યો જશે. આ સાંભળીને શિષ્યો તરત સમજી ગયા કે આ જગતમાં પૂર્વજન્મોમાં પોતે જે જે કર્યું છે તે બધું સ્વામીને યાદ છે. આ વિશેષ શિષ્ય પાસેથી શ્રીરામકૃષ્ણ કોઈ ઊતરતા દરજ્જાની સેવાચાકરી લઈ શકતા નહીં. પંખો લઈને પવન ઢોળવો, હુક્કો તૈયાર કરવો, તેમજ બીજી હજાર જાતની નાની નાની સેવા જે બધા શિષ્યો ગુરુને માટે કરે, એ બધી જ શ્રીરામકૃષ્ણને માટે બીજા શિષ્યો કરતા.

 

Total Views: 289

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.