યુવા વિદ્યાર્થી મિત્રો,

અભ્યાસ કરતાં કરતાં અને એમાંય ગહન અભ્યાસ માગી લેતી વિદ્યાશાખાનું અધ્યયન આપણને થકવી દે છે. મોટાં જ્ઞાન-થોથાં ઉથલાવવાં અને એમાંથી જ્ઞાનોપાર્જન-દોહન કરવું ઘણું કપરું કાર્ય છે. ક્યારેક તો એમાં આપણે મૂંઝાઈએ છીએ. એમાંય વળી વર્તમાનની ક્ષિતિજોની પેલે પાર આપણા ભવિષ્યના જગતમાં ડોકિયું કરીએ અને અજબગજબની ગડમથલમાં વહેતા થઈ જઈએ. પરીક્ષામાં આપણું શું થશે-ની ચિંતા તો સૌ કોઈને થોડેઘણે અંશે સતાવે છે. ભવિષ્યમાં શું થશે? તેવા વિચારો ક્યારેક આપણા મનમાં એવા ઘર કરી જાય છે કે ઘડીકમાં આપણે એમાંથી બાર નીકળી શકતા નથી. અલબત્ત, સહજ-સરળ રીતે તેની પાર થનારી કેટલીક વિલક્ષણ-વિરલ વ્યક્તિ પણ હોય છે.

આવી વિચિત્ર દયનીય પરિસ્થિતિનું કારણ આપણે પોતે, પોતાનું મન, આત્મશ્રદ્ધાનો અભાવ છે. એટલે જ સ્વામી વિવેકાનંદ કહે છે : ‘તમે કહો છો કે, ‘હું બદ્ધ છું’, ‘હું નબળો છું’, ‘હું નિરાધાર છું’, એટલે તમારું આવી જ બન્યું. તમે તમારા પોતા પર એક વધુ બેડી જડો છો. એમ કહો જ મા, એમ ધારો જ મા.’ સ્વામીજી આપણને આપણે પોતે સર્જેલ બેડીના બંધનમાંથી મુક્ત થવાની યુક્તિ પણ બતાવે છે. મિત્રો, હવે આપણે આવી બેડીના બંધનમાં સપડાયેલા અને એમાંથી મુક્તિ મેળવીને પોતાના ક્ષેત્રમાં કેવી રીતે શ્રેષ્ઠત્વ પામી શક્યા એવા સંઘર્ષગામી વિજય વીરની વાત જોઈએ.

કેનેડામાં સર વિલિયમ ઓસ્લર સૌથી વધુ સુખ્યાત ચિકિત્સકોમાંના એક હતા. તેઓ પોતાના વિદ્યાર્થીકાળમાં ખૂબ ચિંતા-માનસિક તાણ અનુભવતા. તેઓ મોંટ્રિયલની જનરલ હોસ્પિટલમાં અભ્યાસ કરતા હતા ત્યારે પોતાના ભાવિના ચિંતાભર્યા વિચારોથી સતત ઘેરાયેલા રહેતા એને કારણે તેઓ ઘેરી હતાશામાં ડૂબી જતા. આ ચિંતા-નિરાશા, શંકાકુશંકા, ભાવિની અચોક્કસતા એમને ચારે બાજુએથી મૂંઝવી દેતી.

છેલ્લા વર્ષની પરીક્ષામાં બેસવા મસ-મોટા ગ્રંથોનું વાચન એમના મનને ખળભળાવી મૂકતું. આ વર્ષે પહોંચી વળાશે, પાસ થઈ જઈશ કે કેમ એ વિશેના સંશયથી ઘેરાયેલા રહેતા. અભ્યાસક્રમની આટઆટલી વિગતો અને તેનું આલેખન પરીક્ષા વખતે કેમ કરવું-એ થશે કે કેમ- એવા પ્રશ્નોથી એમનું મન મૂંઝવણ અનુભવતું અને પોતે અસમર્થ છે, એવું એમને લાગતું. પરીક્ષામાં તો ઉત્તીર્ણ થઈ ગયા પણ હવે કામધંધો મેળવવાની સમસ્યાઓએ એમને ચારે બાજુએથી ઘેરી લીધા. સ્વતંત્ર ચિકિત્સા-વ્યવસાયમાં પડવું કે કેમ એમાં મોટી મૂડીરોકાણ કરવું પડે, એની પણ મોકાણ! એમાં પણ વ્યવસાય ન ચાલે તો? આ બધું હરિના હાથની વાત છે ને! ગળાકાપ સ્પર્ધાના આ યુગમાં સફળતાનું ત્રાજવું કઈ બાજુ નમે, એનો અંદાજ કાઢવો કેમ! આવી બધી ચિંતાવ્યથાથી-શંકાકુશંકાથી એમનું મન છિન્નભિન્ન રહેતું.

એમાં એક દિવસ એમની નજર વિશ્વના મહાન ચિંતક કાર્લાઇલના આ વિધાન પર પડી અને એણે એમના જીવનની કાયાપલટ કરી નાખી. એ વિધાન આ હતું : ‘આપણી સમક્ષ સ્પષ્ટ દેખાતા અને જણાતા કાર્યમાં મંડી પડવું એ આપણા જીવનનું મુખ્ય ધ્યેય અને કાર્ય છે, અને નહિ કે દૂરસુદૂર પડેલા ઝાંખા અંધકારમય ભાવિને જોયા કરવાનું.’ આ વિધાને એમને હતાશા-નિરાશાની ઊંડી ખાઈમાંથી બહાર કાઢ્યા અને પોતાની જાતને ક્ષુદ્ર માનવમાંથી મહામાનવ-અસામાન્ય માનવ બનાવવાની આવશ્યક પ્રેરણાજ્યોત-અમરજ્યોત એમનાં હૃદયમાં ઝળહળી ઊઠી. પછી તો સ્વામીજીએ કહ્યું હતું, ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ની જેમ કાર્ય કરીને એમણે પોતાના જીવનને નવો ઘાટ આપ્યો.

સ્વામી વિવેકાનંદ કહે છે : ‘આપણને ગતિ આપવાનું બળ વિચાર છે. મનને ઉચ્ચ વિચારોથી ભરી દો, એના વિશે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને મહિના સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે અને તે જીવનનું સૌંદર્ય છે.’ સર વિલિયમ ઓસ્લરે બધી શંકા-કુશંકા-હતાશા-નિરાશાને ખંખેરીને વર્તમાનને નજર સમક્ષ રાખીને, આજની ઘડી રળિયામણી ગણીને પ્રયત્નો આદર્યા. પોતાના જીવનકાળ દરમ્યાન એમણે સુખ્યાત જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટને તેના સાર્વત્રિક વિકાસ સાથે સમગ્ર વિશ્વમાં અગ્રગણ્ય સ્થાને મૂકી દીધી. એમણે ચાર વિશ્વવિદ્યાલયોમાં પ્રાધ્યાપક રૂપે અધ્યાપન કાર્ય કરીને નામના મળી. તેઓએ ઓક્સફર્ડ યુનિવર્સિટીની મેડિસિન શાખાના પ્રાધ્યાપક રૂપે દીર્ઘકાળ સુધી યશસ્વી સેવાઓ આપી અને ત્યાંથી નિવૃત્ત થયા. બ્રિટિશ સરકારે એમને અનેક ચંદ્રકો આપીને નવાજ્યા હતા.

યેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધતાં એમણે કહ્યું હતું : ‘ઓકસફર્ડ જેવી યુનિવર્સિટીના સુખ્યાત અને વિલક્ષણ પ્રતિભાવાળા પ્રાધ્યાપક અને લેખક તરીકેની મારી ખ્યાતિ તમારામાંથી કેટલાકને માનવા પ્રેરશે કે હું જન્મજાત પ્રતિભાસંપન્ન, વિલક્ષણ માનવ છું. પણ એ વાત સાચી નથી. મારા નજીકના મિત્રો જાણે છે. પ્રતિભાશક્તિનાં ક્ષેત્રોમાં હું કેટલો સામાન્ય પ્રતિભાવાળો છું!’

આ સફળતાનું રહસ્ય તેમના શબ્દોમાં કહીએ તો ‘તેઓ સદાય વર્તમાનમાં જીવતા’. ભાવિનાં સ્વપ્નોમાં સમય વેડફવાને બદલે, ભૂતકાળને મમળાવ્યા વિના કૌશલ્ય અને પૂર્ણતા સાથે વર્તમાનમાં કાર્યો પૂરા કરવામાં એમણે પોતાનું મન પૂરેપૂરું લગાડી દીધું.

એમના શબ્દો અહીં ટાંકીએ : ‘આપણા ભવિષ્યનું નિર્માણ આજે થઈ રહ્યું છે. ગઈકાલની ઘટનાઓ પર પસ્તાવો કરવાથી કોઈ લાભ મળતો નથી અને ભવિષ્યની ઘટનાઓની પણ વધુ ચિંતા ન કરો. ભૂત-ભાવિનાં બારણાં બંધ કરી દો. પોતાનાં કાર્યો વર્તમાનમાં કરો. સાહસ-વિશ્વાસ સાથે કાર્યક્ષેત્રમાં ઊતરો. આજ ક્ષણે કાર્ય કરો. પૂર્ણ શક્તિ આજના કાર્યમાં લગાડી દો અને એ રીતે તમારી પોતાની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરી લો.’

આ જ વાતને હજારો વર્ષ પહેલાં ભારતના ઋષિઓએ જાણી લીધી હતી. એ જ્ઞાનવાણીને ભૂલીને આપણે પોતાના જીવનમાં અનેક અવરોધ અને નિષ્ફળતાઓ મેળવી રહ્યા છીએ. એ ઋષિઓની વાણી આ છે : ‘બુદ્ધિમાન લોકો ભૂતકાળની વાતો પર પસ્તાવો કરતા નથી. તેઓ ભાવિની ચિંતા કરતા નથી. કેવળ વર્તમાન જગતમાં પૂર્ણતયા કર્મ કરે છે.’

સંત કવિ હરિદાસે કહ્યું છે : ‘આજનો દિવસ સર્વોત્તમ છે. કાલનો દિવસ કઠિન હશે. આજની ઘડી રળિયામણી કાલ કોણે દીઠી છે!’

ઉમ્મર ખયામે કહ્યું છે : ‘અતીત મૃત છે. આવનાર કાલનો જન્મ થયો નથી. આજનો દિવસ સુખદ હોવા છતાં પણ તું શા માટે રડે છે?’

અંગ્રેજ વિદ્વાન રસ્કિને પોતાના કાર્યપટલ પર ‘આજ’ લખી રાખ્યું હતું. એમનું કહેવું આમ છે : ‘આજની ચિંતા કરી લો, એ જ કાલને સંભાળી લેશે.’

એટલે યુવાન વિદ્યાર્થી મિત્ર ! ગઈકાલ અને આવતીકાલની દુનિયામાં ખોવાઈ જવાને બદલે વર્તમાનમાં જ કાર્યરત-ઉદ્યમશીલ રહો એ જ આપણા જીવનનું લક્ષ્ય રહે અને આજની ઘડીને આવતીકાલની ઘડીને ઘડવા દે.

(સંદર્ભ ગ્રંથ : સ્વામી જગદાત્માનંદ કૃત – ‘જીવન ઘડતરની કલા’)

 

Total Views: 274
By Published On: May 1, 2020Categories: Mansukhbhai Maheta0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram