વિજય – ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ?
શ્રીરામકૃષ્ણ – ચિત્તશુદ્ધિ થયા વિના ન થાય. કામ-કાંચનથી મન મલિન થઈ રહ્યું છે, મનમાં મેલ જામ્યો છે. સોય કાદવથી ખરડાયેલી હોય તો લોહચુંબક તેને ખેંચે નહિ. ધૂળ-કાદવ ધોઈ નાખીએ તો લોહચુંબક તેને ખેંચે. તેવી રીતે મનનો મેલ આંખનાં આંસુથી ધોઈ નાખી શકાય. ‘હે ઈશ્વર, હવે એવું કામ નહિ કરું,’ એમ કહીને કોઈ પશ્ચાત્તાપથી રડે તો મેલ ધોવાઈ જાય, તો પછી ઈશ્વરરૂપી લોહચુંબક મનરૂપી સોયને ખેંચી લે. ત્યારે સમાધિ થાય, ઈશ્વરદર્શન થાય.
‘પરંતુ હજાર પ્રયાસ કરો, પણ ઈશ્વરની કૃપા ન હોય તો કાંઈ વળે નહિ. તેમની કૃપા ન હોય તો તેમનાં દર્શન થાય નહિ. કૃપા શું સહેજે થાય ? અહંકારનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. ‘હું માલિક’ એ ભાવના રહે ત્યાં સુધી ઈશ્વરદર્શન થાય નહિ. કોઠારમાં એક માણસ રાખી દીધો હોય, એ વખતે ઘરના માલિકને જો કોઈ કહે કે આપ આવીને ચીજવસ્તુ બહાર કાઢી આપો, તો માલિક કહેશે કે ‘કોઠારમાં એક જણ રહેલો છે, એટલે હું આવીને શું કરું ?’ જે પોતે ઘરસંસારનો માલિક થઈને બેઠો છે તેના હૃદયમાં ઈશ્વર સહેજે આવે નહિ.
‘કૃપા થતાંવેંત દર્શન થાય. ઈશ્વર જ્ઞાનસૂર્ય. તેમના એક કિરણથી આ જગતમાં જ્ઞાનનો પ્રકાશ પડે છે, ત્યારે જ આપણે એકબીજાને જાણી શકીએ છીએ અને જગતમાં કેટલાય પ્રકારની વિદ્યા શીખી શકીએ છીએ. તેમનો જ્ઞાન-પ્રકાશ જો એક વાર તે પોતે પોતાના ચહેરા ઉપર નાખે તો દર્શન થાય. ફોજદાર સાહેબ રાત્રે અંધકારમાં ફાનસ લઈને ફરવા નીકળે, ત્યારે તેમનું મોઢું કોઈ દેખી શકે નહિ. પરંતુ એ અજવાળાથી તે સૌનાં મોઢાં દેખી શકે અને સૌ પરસ્પર એકબીજાનાં મોઢાં જોઈ શકે.
‘જો કોઈ ફોજદાર સાહેબને જોવા ઇચ્છે તો તેમને વિનંતી કરવી પડે. તેમને કહેવું પડે કે સાહેબ, કૃપા કરીને એક વાર અજવાળું આપ આપના પોતાના ઉપર નાખો, તો હું તમારાં દર્શન કરું.તેમ ઈશ્વર પાસે પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ ! જ્ઞાનનો પ્રકાશ એક વાર તમારા પોતાના ઉપર નાખો કે જેથી હું તમારાં દર્શન કરું. ઘરમાં જો દીવો ન હોય તો એ દારિદ્ર્યનું ચિહ્ન. હૃદયમાં જ્ઞાન-દીપક પ્રકટાવો જોઈએ. ‘જ્ઞાનદીપ પ્રકટાવી ઘરમાં, બ્રહ્મમયીનું મુખ દેખોને.’
-શ્રીરામકૃષ્ણ કથામૃત સંચયન પૃ. ૧૬૪
Your Content Goes Here