ગતાંકથી આગળ…
એક દિવસ તાલીમ દરમિયાન હું એક સીધા ચઢાણની જગ્યાએ આવી. મેં અને સાહેબે આ પહેલાં કશું ખાધું ન હતું. પેલું જૂથ અમને પાછળ મૂકીને આગળ નીકળી ગયું હતું અને તેટલું ઓછું હોય તેમ હવે બરફ પડવો શરૂ થયો. તે બધામાં અમે રસ્તો ભૂલી ગયાં. મારી આંખમાં આંસુ ઊભરાયાં. હું થાકેલી, ભૂખી અને હવે ભયભીત પણ હતી.
પણ આવે વખતે સાહેબે એવું કશુંક કહ્યું કે મારાથી હસી જવાયું. તેઓ કહે, ‘તારા કે મારા બાપ આપણે માટે કશું મૂકી નથી ગયા. આપણે તો ભઈ એવરેસ્ટ ચડવો છે. થોડા વખત માટે રસ્તો ભૂલ્યાં છીએ, પણ આપણે ફરી તેને શોધી લઈશું. મહત્ત્વની વાત એ છે કે આપણે આપણા લક્ષ્યને ભૂલી ન જઈએ.’
પછી સાહેબ ક્યાંકથી થોડાં લાકડાં શોધી લાવ્યા અને નાનું તાપણું કર્યું અને થોડી ‘મેગી’ રાંધી. મને તાજગી વરતાવા લાગી અને ફરી અમે અમારે રસ્તે પડ્યાં. થોડા સમયમાં અમે નિર્ધારિત જગ્યાએ પહોંચી ગયાં. આજ સુધી મેં લગભગ બે મહિના પહાડોમાં ગાળ્યા હતા. હવે મારે ઉપર ચડવા માટે દોરડાનો ઉપયોગ કરવાનું શીખવાનું હતું.
હવે હું ઉપર ચડતી હોઉં ત્યારે સાહેબ મને પકડી રાખે તેવી જરૂર ન રહી. ધીમે ધીમે મને ખ્યાલ આવવા લાગ્યો કે ઉપર ચડવા કરતાં નીચે ઊતરવું વધુ મુશ્કેલ હતું. વળી મારે શરૂઆતમાં પાંચ કિલો વજન સાથે રાખવાનું હતું અને ધીરે ધીરે તે દશ કિલો અને કોઈ વાર તો વીસ કિલો પણ રહેતું. આમ તો મારો દેખાવ સારો હતો, છતાં મને થતું કે મારે બીજા સામાન્ય આરોહકો કરતાં બેઝ કૅમ્પ વહેલો છોડી દેવો પડતો અને તેઓ કોઈ વાર મારાથી આગળ નીકળી જતા. મને જાત સાથે પ્રશ્ન થતો કે શું હું કદી આ રીતે બીજાથી પાછળ રહીને મારું એવરેસ્ટ ચડવાનું સ્વપ્ન સાકાર કરી શકીશ ખરી ?
એથી મેં જાતને કહ્યું કે હવે મારે સમયગણના સુધારવી પડશે. એ ખરું કે મારામાં શારીરિક ક્ષતિ હતી, પરંતુ એ કારણે મારે કોઈની સહાનુભૂતિ નહોતી જોઈતી. હું એક સિદ્ધિ મેળવવા આવી હતી. પર્વત તો દરેક સાથે સમાન વર્તન રાખે છે. માત્ર જેણે પડકારોને પહોંચી વળવાનો પાકો નિર્ધાર કર્યો હોય તેઓ જ અહીં આવે છે. આવા વિચારો કરી કરીને હું જાતને ઉત્તેજિત કરતી રહી. એનાથી મદદ મળી ખરી. મારો સમય ઓછો કરવામાં, એટલે કે મારી ઝડપ વધારવામાં મને થોડા મહિના લાગ્યા પણ આશા છોડ્યા વિના મેં પ્રયત્નો ચાલુ રાખ્યા. રોજ હું મારે માટે નવું લક્ષ્ય ઠરાવું. દરેક વખતે પહેલાં કરતાં વધુ અઘરું લક્ષ્ય રાખતી રહેતી. કોઈ વાર નાસીપાસીનો અનુભવ પણ થતો જ અને કોઈ વાર કંટાળાજનક કામ લાગતું, તોપણ પ્રયત્નો છોડ્યા નહીં. ધીરે ધીરે આ સંકલ્પ સફળ થવા લાગ્યો.
હું હવે બીજાઓની બરાબરી કરવા લાગી અને હવે કોઈ મને વળોટીને ન જતું. અને તેનો અર્થ એ કે હું નિર્ધારિત સ્થળે તેમના કરતાં વહેલી પહોંચવા લાગી. જ્યારે આમ નિયમિત રીતે થવા લાગ્યું ત્યારે એ સામાન્ય આરોહકો મને પૂછવા લાગ્યા કે હું શું ખાતી હતી ! આવા પ્રશ્નોથી મને ખ્યાલ આવવા લાગ્યો કે હું તેમનાથી વધુ સારી આરોહક બનવા લાગી છું અને બીજા શબ્દોમાં, મારા સ્વપ્નને સાકાર કરવાની તૈયારી છે. થોડા દિવસો બાદ બચેન્દ્રી પાલ બેઝ કૅમ્પની મુલાકાતે આવ્યાં. તેમની મુલાકાતનું એક કારણ એ પણ હતું કે હું ખરેખર તાલીમ લઈ રહી છું કે પછી કેવળ સમય પસાર કરું છું.
એવરેસ્ટ ચડવાના મારા ધ્યેય માટે હું કેટલી ગંભીર છુંં તે જોવા બચેન્દ્રી પાલ જાતે મારી સાથે આ રોજના ટ્રેકમાં આવવા લાગ્યાં. તેઓ અમને દરરોજ નવા રસ્તે લઈ જતાં. જ્યારે તેમણે જોયું કે હું તેઓ જે કહે તે કરવામાં સફળ થાઉં છું ત્યારે તેઓ કહે, ‘અરુણિમા, એક પર્વતારોહકને જે જાણકારી હોવી જોઈએ તેની ૪૦% જાણકારી તને મળી ગઈ છે. હવે મારી ઇચ્છા છે કે તારે પર્વતારોહણનો પાયાનો અભ્યાસક્રમ કરવો. એક વ્યવસાયી આરોહક માટે તે પહેલું પગલું છે.’
હું સમજી શકી કે તેઓ સાચાં હતાં. પર્વતો વચ્ચે આટલો સમય વિતાવ્યાથી મને ખ્યાલ આવ્યો હતો કે એક નાનકડી ભૂલ કે લપસવાનું બહુ મોંઘું પડે તેમ હતું. આથી મેં ઉત્તરકાશીમાં આવેલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ આૅફ માઉન્ટેનિયરિંગ (એનઆઈએમ)ની મુલાકાત લીધી. અહીં એ જાણીને ખૂબ આઘાત લાગ્યો કે તેઓ વિકલાંગ લોકોને પ્રવેશ આપતા નહોતા. તેના આચાર્યે કહ્યું કે એ લોકોએ વિકલાંગોને તાલીમ આપી નથી અને તેમણે એવા નિયમો પણ વાંચી સંભળાવ્યા કે જેમાં વિકલાંગોને તાલીમ આપવાની તેમને મનાઈ થયેલી.
પણ અમે આશા છોડી દેનારાં નહોતાં. સાહેબે ત્યાંના આચાર્ય, શિક્ષક અને ડાૅક્ટરો સાથે વાત કરી અને તેમને એ વિશ્વાસ આપ્યો કે મને તાલીમ આપવી તે માત્ર મારા જ નહીં પણ તેમના પણ હિતમાં હતું. પછી તેમણે પ્રલોભન આગળ કર્યું, ‘શું તમારે એક વર્લ્ડ રેકોર્ડ નથી બનાવવો ? કલ્પના કરો કે એક વિકલાંગ છોકરીએ તમારી સંસ્થામાં તાલીમ લઈને એ કીર્તિમાન બનાવ્યો, તો શું એન.આઈ.એમ.નું નામ પણ સાથે સાથે મોટું નહીં થાય ?’ અવઢવમાં રહેવા છતાં આચાર્ય માની ગયા, પરંતુ ડાૅક્ટરને હજી શંકા હતી. તાલીમ માટે જરૂરી એવું ‘હું સલામત છું’ પ્રમાણપત્ર આપવાને તેઓ રાજી ન થયા. અમે આગ્રહ કર્યો ત્યારે તેમણે કહ્યું, ‘ધારો કે કશું અણછાજતું થાય તો કોણ જવાબદાર ગણાશે ?’
મેં તેમને કહ્યું, ‘સર, પહાડોમાં જવાનું તો હજી દશ દિવસ પછી થશે. ત્યાં સુધી મારું કામ જુઓ, અને મારી પ્રગતિથી સંતોષ મળે તો પ્રમાણપત્ર આપજો, બસ ?’ એન. આઈ. એમ.ના લોકોએ મારી હકીકતોની પણ તપાસ કરી હતી. છેવટે એમ ઠરાવાયું કે હું પર્વતોમાં જાઉં તેની પહેલાં દશ દિવસની તાલીમ મારે લેવી અને જો હું સફળતાથી પાર કરું તો મને ‘સેફ આઈ’ એટલે કે સલામતીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. બીજા દિવસથી બેઝિક ટ્રેનિંગનો અભ્યાસક્રમ શરૂ થયો. મારી સાથે તેમાં ભારત અને વિદેશોથી તાલીમ માટે આવેલી ૭૫ છોકરીઓ હતી. તેમાં હું જ એક વિકલાંગ છોકરી હતી.
Your Content Goes Here