કંસનો વધ

પરંતુ કંસને માટે આ બધું અસહ્ય બની ગયું. પોતાના બધા શક્તિશાળી સહાયકો મૃત્યુ પામવાથી તે દુ :ખ અને ક્રોધથી અત્યંત વ્યાકુળ થઈ ગયો. તેેણે પોતાના સેવકોને આજ્ઞા કરી, ‘અરે, વસુદેવના આ દુશ્ચરિત્ર છોકરાઓને નગરની બહાર કાઢી મૂકો. દુર્બુદ્ધિ નંદને કેદ કરી લો અને ગોપલોકોનું બધું ધન છીનવી લો. દુષ્ટ વસુદેવને પણ તાત્કાલિક મારી નાખો. મારા પિતા ઉગ્રસેન પણ શત્રુઓ સાથે મળી ગયેલા છે તેથી તેને પણ મારી નાખો.’ જ્યારે કંસ આ રીતે બડાઈભર્યો બકવાસ કરી રહ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણ કુપિત થઈને સ્ફૂર્તિપૂર્વક ઊછળીને વેગ સાથે તેના મંચ ઉપર ચડી ગયા. શ્રીકૃષ્ણને પોતાની સામે આવેલા જોઈને કંસ સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને હાથમાં ઢાલ-તલવાર પકડી લીધાં. પરંતુ જેમ ગરુડ સાપને પકડી લે છે તેવી જ રીતે શ્રીકૃષ્ણે તેને બળપૂર્વક પકડી લીધો. પછી તેઓએ કંસને તે ઊંચા રંગમંચ પરથી ફેંકી દીધો. ત્યારબાદ તેઓ જાતે તેની પર કૂદી પડ્યા. તેમના કૂદતાંવેંત જ કંસનું મૃત્યુ થયું.

કંસના આઠ નાના ભાઈ હતા. તેઓ પોતાના મોટાભાઈનો બદલો લેવા માટે ક્રોધિત થઈને શ્રીકૃષ્ણ અને બલરામ તરફ દોડ્યા. પરંતુ બલરામે એ બધાને એવી રીતે મારી નાખ્યા કે જેમ સિંહ બીજાં પશુઓને મારી નાખે છે તેમ. ત્યારે આકાશમાં દુદુંભિ વાગવા લાગ્યાં અને દેવતાઓ આનંદપૂર્વક ભગવાનની સ્તુતિ કરતાં કરતાં પુષ્પવર્ષા કરવા લાગ્યા.

કંસ અને તેના ભાઈઓની પત્નીઓ વિલાપ કરતી કરતી ત્યાં આવી. શ્રીકૃષ્ણે રાણીઓને સાંત્વના આપી, આશ્વાસન આપ્યું અને પછી મૃતકોનાં મરણોત્તર ક્રિયાકર્મ યોગ્ય રીતે કરાવવાનો પ્રબંધ કર્યો.

ત્યાર પછી શ્રીકૃષ્ણ અને બલરામજીએ કારાગૃહમાં જઈને કંસ દ્વારા કેદ કરાયેલાં પોતાનાં માતાપિતા- દેવકી અને વસુદેવજીને કારાગારમાંથી મુક્ત કરાવ્યાં અને તે બન્નેની ચરણવંદના કરી. પછી શ્રીકૃષ્ણે પોતાના દાદા ઉગ્રસેનજીને યદુવંશીઓના રાજા બનાવી દીધા. ત્યાર પછી બન્ને ભાઈઓએ નંદબાબા અને ગ્વાલ બાળકોને સમજાવીને તેમજ ઘણી બધી ચીજવસ્તુઓ ભેટમાં આપીને વૃન્દાવન જવા વિદાય કર્યા.

સાંદીપનિ મુનિ પાસે વિદ્યાધ્યયન

વસુદેવજીએ શ્રીકૃષ્ણ અને બલરામના વિધિપૂર્વક બ્રાહ્મણોચિત યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા. યદુવંશના કુલગુરુ ગર્ગાચાર્યે વિધિપૂર્વક બન્નેને ગાયત્રીમંત્રની દીક્ષા આપી. ત્યારબાદ બન્ને ભાઈ ગુરુકુળમાં નિવાસ કરવાની ઇચ્છાથી અવંતીપુર (ઉજ્જૈન)માં રહેતા સાંદીપનિ મુનિ પાસે ગયા અને અત્યંત વિનમ્રતાપૂર્વક વેદ ઇત્યાદિ ધર્મગ્રંથોનું અધ્યયન કરવાની અભિલાષા પ્રગટ કરી. સાંદીપનિ મુનિ તેઓના વિનમ્ર વ્યવહારથી પ્રભાવિત થયા અને તેઓને શિષ્ય બનાવ્યા. તે બન્ને ભાઈઓએ છ અંગ અને ઉપનિષદો સહિત વેદોનું જ્ઞાન મેળવ્યું. તદ્ઉપરાંત મંત્ર અને દેવતાઓના જ્ઞાનની સાથે ધનુર્વિદ્યા, મનુસ્મૃતિ વગેરે ધર્મશાસ્ત્ર, તર્કશાસ્ત્ર વગેરેનું પણ અધ્યયન કર્ર્યું. બન્ને ભાઈઓએ માત્ર ચોસઠ દિવસમાં જ જ્ઞાન-વિજ્ઞાનની ચોસઠ શાખાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. અધ્યયન સમાપ્ત થતાં તેઓએ સાંદીપનિ મુનિને પ્રાર્થના કરી, ‘તમારી જે ઇચ્છા હોય તે ગુરુદક્ષિણા માગો.’

સાંદીપનિ મુનિએ બન્ને ભાઈઓનાં અદ્‌ભુત મહિમા અને અલૌકિક બુદ્ધિનો અનુભવ કરી લીધો હતો. એટલા માટે તેઓએ પોતાની પત્નીની સલાહ લઈને આ ગુરુદક્ષિણા માગી- ‘પ્રભાસક્ષેત્રમાં અમારો બાળક સમુદ્રમાં ડૂબીને મરી ગયો હતો. તેને તમે મને પાછો લાવી આપો.’

બલરામજી અને શ્રીકૃષ્ણનું પરાક્રમ અનંત હતું. તેઓએ ગુરુજીની આજ્ઞા સ્વીકારી અને રથમાં બેસીને પ્રભાસક્ષેત્ર ગયા. સમુદ્ર દેવતાને તે બન્નેના આગમનના સમાચાર મળ્યા કે તરત જ તેઓ અનેક પ્રકારની પૂજાસામગ્રી લઈને તેમની સમક્ષ ઉપસ્થિત થયા. શ્રીકૃષ્ણે તેમને કહ્યું, ‘હે સમુદ્રદેવ! કેટલાંક વર્ષો પહેલાં મારા ગુરુદેવ સાંદીપનિના પુત્રને તમારી લહેરો ઉઠાવીને લઈ ગઈ હતી. તેને તમે અમને પાછો સોંપી દો.’

સમુદ્ર દેવતાએ કહ્યું, ‘શ્રીકૃષ્ણ ! મેં તે બાળકને લીધો નથી. મારા જ જળમાં પંચજન નામનો અસુર શંખના રૂપમાં રહે છે. અવશ્ય તેણે બાળકને ચોરી લીધો હશે.’

આ સાંભળીને શ્રીકૃષ્ણ તરત જળમાં પ્રવેશ્યા અને શંખાસુરને મારી નાખ્યો. પરંતુ તે બાળક તેના પેટમાં મળ્યો નહીં. ત્યારે તે અસુરના શરીરરૂપી શંખને લઈને તેઓ જળની બહાર આવ્યા અને બલરામજી સાથે યમરાજની સંયમની પુરીમાં જઈને પાંચજન્ય શંખ વગાડ્યો. તે શંખધ્વનિ સાંભળીને યમરાજ પ્રગટ થયા અને તેઓએ વિધિપૂર્વક બન્ને ભાઈઓનું સ્વાગત કર્યું. શ્રીકૃષ્ણે તેઓને કહ્યું, ‘યમરાજ ! મારા ગુરુપુત્રને અહીંયાં લાવવામાં આવ્યો છે. તમે મને તે સોંપી દો.’ યમરાજે ભગવાનનો આદેશ સ્વીકાર્યો અને તેઓના ગુરુપુત્રને તેમને સોંપી દીધો. શ્રીકૃષ્ણ અને બલરામ તેને લઈને અવંતીપુર પાછા આવ્યા અને ગુરુદેવને તેમનો પુત્ર સોંપીને કહ્યું, ‘હજુ વધુ જોઈતું હોય તો માગી લો.’ સાંદીપનિજીએ કહ્યું, ‘તમે બન્નેએ પૂરતી ગુરુદક્ષિણા આપી દીધી છે, હવે મારે બીજું શું જોઈએ ? હવે તમે બન્ને પોતાને ઘેર જાઓ. તમે મારી પાસેથી જે જ્ઞાન મેળવ્યું છે તે તમે કદાપિ ભૂલશો નહીં.’

ગુરુની આજ્ઞા મેળવીને બન્ને ભાઈ મથુરા પાછા આવ્યા. ઘણા દિવસો પછી તેમને જોઈને મથુરાવાસી અત્યંત પ્રસન્ન થયા, જાણે કે તેઓએ ગુમાવેલું ધન પાછું મેળવ્યું ન હોય.

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.