ગતાંકથી આગળ…
શુદ્ધ મન એ જ ગુરુ છે :
સ્વામી બ્રહ્માનંદજી કહેતા, ‘તમારા મનથી મહાન બીજો કોઈ ગુરુ નથી.’ માનવ-ગુરુ સદા પાસે રહેતા નથી. ભલે આપણને સિદ્ધ ગુરુની કૃપા અને ઉપદેશ પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હોય, પરંતુ તેઓ આપણી આવશ્યકતાના સમયે સદૈવ આપણી નીકટ રહેતા નથી. આમ છતાંપણ એક આંતરિક ગુરુ, આપણું પોતાનું વિશુદ્ધ મન સદૈવ આપણી ભીતર રહે છે. બ્રહ્માનંદજી આગળ કહે છે, ‘પ્રાર્થના અને ધ્યાન દ્વારા શુદ્ધ થતાં મન ભીતરથી તમને માર્ગદર્શન આપશે. તમારી દૈનંદિન ગતિવિધિઓમાં પણ આ આંતરિક ગુરુ તમારું માર્ગદર્શન કરશે અને લક્ષ્યપ્રાપ્તિ સુધી તમને સહાય કરશે.’ (ઇટરનલ કમ્પેનિયન – પૃ.૨૫૧) આનો અર્થ શો ? મન આંતરિક ગુરુની જેમ કેવી રીતે કાર્ય કરે છે ? સમસ્ત જ્ઞાનનો સ્રોત, ગુરુઓના પરમ ગુરુ-પરમાત્મા સદૈવ પ્રત્યેક હૃદયમાં વિદ્યમાન છે. નૈતિક જીવન, પ્રાર્થના, ધ્યાન વગેરે દ્વારા શુદ્ધ થવાથી મન પરમાત્માની અંતર્જ્યાેતિના સંસ્પર્શમાં આવે છે. શુદ્ધ મન ઈશ્વરીય જ્ઞાનના પ્રવાહનો એક માર્ગ બની જાય છે. તે ગુરુઓના પરમ ગુરુ પાસેથી સીધેસીધું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્યારે મન આંતરિક સત્ય પ્રત્યે ઉન્મુક્ત થવાનું શીખી જાય છે, ત્યારે તે અનેક સ્રોતમાંથી ઉપદેશ પ્રાપ્ત કરવા સમર્થ બને છે. શ્રીમદ્ ભાગવત્માં (૧૧.૭.૯) એક પરિવ્રાજક અવધૂતનું વર્ણન આવે છે. એમણે અનેક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપગુરુના રૂપે સ્વીકાર કર્યો હતો. ધરતી માતા પાસેથી તેમણે સહનશીલતા-ધૈર્યનું જ્ઞાન મેળવ્યું, વાયુ પાસેથી અનાસક્તિભાવ શીખ્યા (કારણ કે વાયુ સુગંધ કે દુર્ગંધથી પ્રભાવિત થતો નથી), આકાશ પાસેથી તેઓ બધાં બંધનોથી મુક્ત રહેવાનું શીખ્યા, વગેરે.
તમારામાંથી ઘણા લોકો આ બાબત જાણે છે કે પોતાનું જીવન મઠના રસોડામાં વ્યતીત કરનાર ૧૭મી સદીના સેન્ટ ફ્રાન્સિસી બ્રધર લોરેન્સને કેવી રીતે જ્ઞાનલાભ થયો. પાનખરના સમયે પર્ણહીન વૃક્ષોને જોઈને એમને એવો વિચાર આવ્યો કે આ પાંદડાં વિનાની ડાળો પર ફરીથી પાંદડાં ઊગશે તથા તેને ફૂલ અને ફળ આવશે. એમની સામે આ દૃશ્યથી સમગ્ર સૃષ્ટિમાં છુપાયેલી ઈશ્વરીય સત્તા અને શક્તિ જાગી ઊઠી. એ સમય જતાં આ આધ્યાત્મિક જાગરણે એમના સમગ્ર જીવનને પ્રબળ શક્તિ આપી. આપણા બધામાં ઈશ્વરીય શક્તિ છુપાયેલી છે અને તે જાગરણની રાહ જોઈ રહી છે. આપણે પોતાની ભીતર વિદ્યમાન પરમાત્મ-ચેતનાના કેન્દ્રને શોધવાનું છે. સાથે ને સાથે સુષુપ્ત શક્તિને જાગ્રત કરવાની છે. ભગવાન બુદ્ધે પોતાના દેહાવસાન પછી ‘આત્મદીપો ભવ- તમે પોતે તમારા દીપક બનો’, આવા આંતરિક ગુરુરૂપ ઉપદેશનું અનુસરણ કરવાનો ઉપદેશ પોતાના શિષ્યોને આપ્યો હતો.
આપણે થોડી સાવધાની રાખવી જોઈએ કે આપણે પોતે આપણી જાતને છેતરવા ન માંડીએ. આપણે એવું વિચારતા ન બની જઈએ કે આપણું મન સારો ગુરુ બની ગયું છે, આપણે બધી બાજુએથી ઉપદેશ મેળવી રહ્યા છીએ; પરંતુ પોતાનાં ઇચ્છાઓ અને વિચારોને ઈશ્વરીય પ્રેરણા, ભગવદ્વાણી સમજી લેવાનો ભય એમાં રહે છે. એક સિદ્ધ જીવંતગુરુ પાસેથી નિર્દેશ અને માર્ગદર્શન મેળવવામાં કોઈ ભય રહેતો નથી. માનવ-ગુરુ નૈતિક આચરણ અને નિષ્કામ કર્મ દ્વારા ચિત્તશુદ્ધિ માટે શિષ્યને ઉપદેશ આપે છે. શિષ્ય ભૂલ કરે તો ગુરુ એને જુએ છે અને પુન : સાચા માર્ગ પર લાવે છે. સાચા માનવ-ગુરુના માર્ગદર્શનનું સદ્ભાગ્ય પ્રાપ્ત કરનાર શિષ્ય ભટકતો નથી. ક્રમશ : ગુરુની કૃપાથી શિષ્યની સુષુપ્ત પ્રજ્ઞાશક્તિ જાગૃત થાય છે અને ત્યાર બાદ શુદ્ધ પ્રજ્ઞા ગુરુનું કામ કરે છે. આવી રીતે આપણું મન આપણો ગુરુ બને છે.
અવતાર શ્રેષ્ઠતમ ગુરુ :
હજારો લોકોને જ્ઞાન આપનાર ઈશ્વરના અવતાર સૌથી મહાન ગુરુ છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે અવતાર ‘કપાલમોચન’ હોય છે, અર્થાત્ તે લોકોની નિયતિને બદલી શકે છે, તેમના કપાળ પર લખેલા લેખનો અર્થાત્ કર્મોનો નાશ કરી શકે છે. કોઈ સામાન્ય ગુરુમાં વ્યક્તિનું રૂપાંતરણ કરવાની આવી ક્ષમતા હોતી નથી. ઈસુ ખ્રિસ્તમાં પેલા માછીમારોને દિવ્યજ્ઞાન આપવાની ક્ષમતા હતી. એ લોકો એમના સ્પર્શથી જ્ઞાની બની ગયા. એમનામાં જેમને પાપી કહેતા હતા એવા અપવિત્ર લોકોને પરિવર્તિત કરવાની ક્ષમતા પણ હતી. જ્યારે એમણે એમને કહ્યું, ‘તમારાં પાપોને માફ કરી દેવામાં આવ્યાં છે, તમારા વિશ્વાસને કારણે તમે પૂર્ણ થઈ ગયા છો, તમે નિશ્ચિંત બની જાઓ’, ત્યારે તે બધાને તત્કાળ અનુભવ થયો કે તેઓ બુરાઈથી મુક્ત બની ગયા છે.
પરંતુ સ્વયં ઈસુ ખ્રિસ્તે પણ દીક્ષા લીધી હતી. જ્યારે જોર્ડનમાં બેપ્ટિઝમના સમયે અંતે એ દૃશ્ય કેવું હતું, એ વિશે એવું કહેવાય છે કે સ્વર્ગનાં દ્વાર ખૂલી ગયાં અને એમણે ઈશ્વરના પ્રકાશને એક કબૂતરની જેમ અવરોહણ કરતો તથા પોતાના મસ્તક પર ઊતરતો જોયો અને એક આવી વાણી સાંભળી, ‘આ મારો પ્રિય પુત્ર છે, એનાથી હું ખૂબ પ્રસન્ન છું.’ આધુનિક કાળમાં વધારેમાં વધારે લોકો શ્રીરામકૃષ્ણને ઈશ્વરનો અવતાર માનવા લાગ્યા છે. એમણે પણ એક માનવ-ગુરુ પાસેથી દીક્ષા લીધી હતી. એવું કહેવાય છે કે કાલિમંદિરના પૂજારીપદ સ્વીકાર કરતાં પહેલાં એમનો કેનારામ ભટ્ટાચાર્ય નામના કોલકાતાના એક તાંત્રિક ગુરુ પાસેથી દીક્ષાવિધિ થયો હતો (શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ). જ્યારે ગુરુએ શ્રીરામકૃષ્ણના કાનમાં મંત્રોચ્ચારણ કર્યું ત્યારે તેઓ જોરથી બરાડી ઊઠ્યા અને સમાધિસ્થ થઈ ગયા. ગુરુએ કહ્યું કે પોતે કેટલાયે શિષ્યોને દીક્ષા આપી હતી, પરંતુ એમને શ્રીરામકૃષ્ણ જેવા કોઈ શિષ્ય મળ્યા ન હતા.
સમય આવ્યો ત્યારે શ્રીરામકૃષ્ણે પોતાના મહાન શિષ્ય નરેન્દ્રનાથને રામમંત્રથી દીક્ષા આપી. એનાથી યુવકની આધ્યાત્મિક ભાવનાઓ ઉદ્વેલિત થઈ હતી. તે કલાકો સુધી સમાધિમાં લીન રહ્યા. પછીથી એ જ શિષ્ય સ્વામી વિવેકાનંદના નામથી આધ્યાત્મિકતાના એક શક્તિપુત્ર બન્યા. સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા તે પહેલાંના એક વર્ષ પૂર્વે ૧૮૯૨માં મદ્રાસની કોલેજના એક નાસ્તિક પ્રાધ્યાપકે સ્વામીજી સાથે ધર્મનાં સત્યો વિશે ઘણા તર્કવિર્તક કર્યા. સ્વામીજીએ તેનો સ્પર્શમાત્ર કર્યો અને તે સંશયી પ્રાધ્યાપકનું તત્કાળ પરિવર્તન થઈ ગયું. પછીથી એ વ્યક્તિએ સંસારનો ત્યાગ કર્યો અને તેનું એક સંતની જેમ જીવન જીવ્યા પછી મૃત્યુ થયું.
શ્રીરામકૃષ્ણમાં દૃષ્ટિ કે ઇચ્છામાત્રથી બીજામાં આધ્યાત્મિક શક્તિનો સંચાર કરીને એમને ચેતનાની મહાન ઊંચાઈ સુધી પહોંચાડવાની ક્ષમતા હતી. સ્વામી શિવાનંદજીએ સ્વયં પોતાના અનુભવનું આ રીતે વર્ણન કર્યું છે, ‘એકવાર હું ધ્યાન કરતો હતો ત્યારે શ્રીરામકૃષ્ણ મારી નિકટ આવ્યા. જેવો એમણે મને જોયો કે હું રડી ઊઠ્યો. તેઓ બોલ્યા વિના સ્થિર ઊભા રહ્યા. એક પ્રકારનો રોમાંચ મારા શરીર પર થવા લાગ્યો અને મારું શરીર કંપવા લાગ્યું. શ્રીરામકૃષ્ણે એ અવસ્થાની પ્રાપ્તિ માટે મને ધન્યવાદ આપ્યા.’ (ક્રમશ 🙂
Your Content Goes Here