ચાર યોગનો સમન્વય
એક સુસંતુલિત જીવન માટે તેનો ઉદ્દેશ્ય નક્કી કરવો જરૂરી છે. મોટા ભાગના માનવો વિદ્યાભ્યાસ, વિવાહ, પરિવાર નિર્વાહ તેમજ સામાન્ય સાંસારિક સુખોપભોગમાં જ પોતાનું જીવન વ્યતીત કરી દે છે. ઇન્દ્રિયોથી મળતા સુખ-ભોગની આસક્તિમાં તેઓ પડ્યા રહે છે. તેમના જીવનનું કોઈ અંતિમ લક્ષ્ય નથી હોતું. પરંતુ ચિંતનશીલ, સંવેદનશીલ, ઉચ્ચકોટિના મનુષ્યોને આવા જીવનથી સંતોષ નથી મળતો. ‘સર્વને હરી લેતું મૃત્યુ જ અનિવાર્ય ગતિ છે આ કડવું સત્ય તેમને ચેન લેવા દેતું નથી અને તેઓ જીવનનો ઉચ્ચ અર્થ શોધવા માટે વ્યાકુળ થાય છે. મહાવીર, બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત જેવા માનવજાતિના આચાર્યો આ જ કોટિના પુરુષ છે. આ બધાએ સ્પષ્ટ ભાષામાં માનવજાતિ સમક્ષ જીવનના અંતિમ ઉદ્દેશ્યને રજૂ કરેલ છે, જેનાથી આપણે આપણા જીવનને સાર્થક બનાવી શકીએ. વર્તમાનયુગમાં આ કામ શ્રીરામકૃષ્ણ તેમજ સ્વામી વિવેકાનંદે કર્યું છે.
શ્રીરામકૃષ્ણના મત પ્રમાણે ઈશ્વર-દર્શન જ જીવનનો અંતિમ ઉદ્દેશ્ય છે. જેવી રીતે આપણે એકબીજાને જોઈ શકીએ છીએ તેમજ વાતચીત કરી શકીએ છીએ તેવી જ રીતે ઈશ્વરને પણ જોઈ શકાય અને તેની સાથે વાતચીત કરી શકાય છે અને આમ કરવું એ જ માનવજીવનનો ઉદ્દેશ્ય છે. સ્વામી વિવેકાનંદના મત અનુસાર પ્રત્યેક આત્મા અવ્યક્ત બ્રહ્મ છે. આંતરિક પ્રકૃતિ તેમજ બાહ્યપ્રકૃતિનું નિયમન કરીને આ બ્રહ્મત્વને વ્યક્ત કરવું એ જ જીવનનું લક્ષ્ય છે. મા શારદા શ્રીરામકૃષ્ણે બોધેલા નિર્ધારિત લક્ષ્યને સ્વીકારે છે અને ‘નિર્વાસના’ હોવા પર વધારે ભાર આપે છે. તેમના મત અનુસાર ‘નિર્વાસના’ એ જીવનનું લક્ષ્ય છે, એમ કહેવું ખોટું નહીં કહેવાય. પ્રાચીન આચાર્ય ભગવાન બુદ્ધ તથા યોગાચાર્ય પતંજલિના ઉપદેશોને પણ આ સંદર્ભમાં યાદ કરી શકાય છે. બુદ્ધના મત પ્રમાણે દુ :ખનિવૃત્તિ અને નિર્વાણપ્રાપ્તિ જીવનનું લક્ષ્ય છે. પતંજલિ કહે છે કે ચિત્તવૃત્તિના નિરોધથી પુરુષ- ચૈતન્ય આત્મા પોતાનાસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. આમ ચિત્તવૃત્તિ-નિરોધ જ જીવનનો ઉદ્દેશ્ય છે.
ઉપર જણાવેલ મહાપુરુષો દ્વારા કહેવાયેલાજીવનના ઉદ્દેશ્યોમાં અંતમાં કંઈક વિરોધાભાસ લાગે છે. એક ઈશ્વરને મહત્ત્વ આપે છે તો, બીજો દુ :ખનિવૃત્તિને. ત્રીજાના મત અનુસાર પ્રત્યેક વ્યક્તિનું સ્વરૂપાનુસંધાન મહત્ત્વપૂર્ણ છે, તો ચોથો ચિત્તવૃત્તિ-નિરોધનું પ્રતિપાદન કરે છે. શું આ વિભિન્ન કથનો ખરેખર વિરોધી છે અથવા તેમાં કંઈ સામંજસ્ય છે ? આ પ્રશ્નનો ઉત્તર સૈદ્ધાંતિક અને બૌદ્ધિક દૃષ્ટિએ જ મહત્ત્વપૂર્ણ નથી પરંતુ વ્યાવહારિક અને સાધનાની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે.
વાસ્તવમાં ઉપર્યુક્ત કથનોમાં કોઈ વિરોધાભાસ નથી. એક જ વાતને વિભિન્ન દૃષ્ટિકોણોથી અને વિભિન્ન સંદર્ભાે અનુસાર જુદી જુદી રીતે વ્યક્ત કરવામાં આવ્યાં છે. જ્ઞાતા, જ્ઞેય તથા જ્ઞાનના સાધન મન પર આપણું સમસ્ત જ્ઞાન આધાર રાખે છે. શ્રીરામકૃષ્ણ જ્ઞેય વિષયને લક્ષ્ય કરીને જીવનનો ઉદ્દેશ્ય નક્કી કરવા અંગે કહે છે, ‘ઈશ્વર-દર્શન જીવનનો ઉદ્દેશ્ય છે.’ સ્વામી વિવેકાનંદનું કથન જ્ઞાતા વ્યક્તિ અથવા માનવ સંબંધિત છે. આ માનવ સ્વરૂપત : બ્રહ્મ છે. એ જ અભિવ્યક્ત કરવું એ જીવનનો ઉદ્દેશ્ય છે. પતંજલિ અને મા શારદાનાં કથનોનો ઇશારો છે જ્ઞાનના માધ્યમ મનની તરફ. આ મનને ચિત્તવૃત્તિઓથી રહિત કરવું, વાસના રહિત બનાવવું, શુદ્ધ કરવું એ જ જીવનનો ઉદ્દેશ્ય છે. ભગવાન બુદ્ધ આત્મા અથવા ઈશ્વરના સ્વરૂપના વિવાદમાં પડ્યા વગર સ્પષ્ટ અને સરળ ભાષામાં દુ :ખરૂપ સર્વવિદિત સમસ્યાના સમાધાનને જ જીવનનું ચરમ લક્ષ્ય બતાવે છે. તેમનો દૃષ્ટિકોણ વિશુદ્ધરૂપે વ્યાવહારિક છે. વ્યક્તિવિશેષ પોતાની અભિરુચિ અનુસાર આમાંથી કોઈપણ એક લક્ષ્યને પોતાને માટે પસંદ કરી શકે છે.
શું ચિત્તવૃત્તિ-નિરોધ કરીને હું પોતાના બ્રહ્મસ્વરૂપને અભિવ્યક્ત કરી શકીશ ? આત્મસ્વરૂપાભિવ્યક્તિ અને ઈશ્વર-દર્શન વચ્ચે શો સંબંધ છે ? દુ :ખનિવૃત્તિરૂપ નિર્વાણને ઈશ્વર-દર્શન સાથે શી લેવાદેવા છે ? જો આ વિભિન્ન વકતવ્યો એક જ વાત કહેવા માટેના વિવિધ પ્રકારો જ હોય, તો એમાં કોઈ તફાવત હોવો જોઈએ નહીં. ખરેખર વાત તો એવી જ છે. ચિત્તવૃત્તિનો નિરોધ કર્યા વગર અગવા નિર્વાસના બન્યા વગર કોઈપણ ઈશ્વર-દર્શન કરી શકે નહીં. એના વગર દુ :ખનિવૃત્તિ પણ શક્ય નથી. પોતાના બ્રહ્મસ્વરૂપને અભિવ્યક્ત કરવું તથા નિર્વાણ વસ્તુત : એક જ છે. પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વગર કોઈ ઈશ્વર-દર્શન કરી શકે નહીં અને ઈશ્વર-દર્શન થતાં સ્વરૂપાનુભૂતિ અને દુ :ખનિવૃત્તિ આપોઆપ જ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે આ વિભિન્ન અવસ્થાઓ પરસ્પર એકબીજા પર નિર્ભર છે. તેઓ વિરોધી નથી પરંતુ પરિપૂરક છે. આ સત્યનું ઉદ્‌ઘાટનતો સાધક ચરમ લક્ષ્ય પ્રાપ્ત કરે ત્યારે જ થાય છે. પરંતુ તે અવસ્થા સુધી પહોેંચ્યા પહેલાં પણ પોતાના સાધના-જીવનમાં જ એની પુષ્ટિ થોડે ઘણે અંશે કરી શકે છે.
એક વિચારશીલ સાધક અંતર્નિહિત બ્રહ્મત્વની અભિવ્યક્તિને જીવનનું લક્ષ્ય માનીને જ્ઞાનયોગના આત્મા-અનાત્મા-વિવેક અથવા આત્મવિશ્લેષણના માર્ગ પર અગ્રેસર થશે. શરૂઆતમાં તેનો દેહાત્મબોધ પ્રબળ હશે- અર્થાત્ તે સ્વયંને દેહપિંડ સમજશે. આ અવસ્થામાં તેનું મન પણ ચંચળ હશે તથા દૃશ્ય-જગત પણ તેને સત્ય પ્રતીત થશે. સાધનાના પરિણામે જ્યારે તેનામાં આ બોધ થોડા પ્રમાણમાં જાગશે ત્યારે તે માત્ર હાડમાંસનું પૂતળું જ નથી, પણ તેનાથી પૃથક્ તેની એક ચૈતન્ય સત્તા પણ છે તેવી અનુભૂતિ કરશે અને તેનું મન પણ પહેલાંની સરખામણીમાં વિશેષ શાંત થઈ જશે. આટલું જ નહીં પરંતુ તેને એવું ભાન પણ થવા લાગશે કે બહિર્જગત એટલું સત્ય નથી કે જેટલું તે વિચારતો હતો પરંતુ તેની પાછળ એક ચૈતન્ય સત્તા પણ વિદ્યમાન છે. અને આગળ વધતાં તેને આત્માના દેહ-મનથી અલગ અસ્તિત્વનું જ્ઞાન થવા લાગશે તથા જગત સ્વપ્નવત્ જણાશે. વિવેક દ્વારા આત્માના ચૈતન્ય સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ થતાં જગત પણ તેને બ્રહ્મરૂપ દેખાશે તથા મન પૂર્ણપણે શાંત થઈ જશે.
સંભવત : બીજો રાજયોગી સાધક ધારણા-ધ્યાનની મદદથી ચિત્તને એકાગ્ર કરીને લક્ષ્ય તરફ આગળ વધશે. તેને ખ્યાલ આવશે કે જેમ જેમ તે પોતાના મનને શાંત કરવામાં, ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવામાં સફળ થઈ રહ્યો છે તેમ તેમ જગત પણ અધિકાધિક સ્વપ્નવત્ મિથ્યા જણાતું જાય છે અને તે પોતે આત્મા છે એવું ભાન પણ તેને થતું જાય છે.
ભગવાન સાથે પ્રેમ કરનાર, તેમનાં નામ અને ગુણનું ગાન કરનાર ભક્તિયોગી સાધકને જણાશે કે જેટલા પ્રમાણમાં તે ભગવાન તરફ પ્રગતિ કરી રહ્યો છે તેટલા પ્રમાણમાં તેનું મન પણ શાંત થઈ રહ્યું છે તથા તેનો દેહાધ્યાસ પણ ઓછો થતો જઈ રહ્યો છે. ઉપર્યુક્ત ત્રણેય પ્રકારના સાધકો એવો અનુભવ કરશે કે પ્રગતિની સાથે સાથે તેમની દુ :ખનિવૃત્તિ પણ થતી જાય છે. સાધક -જીવનમાં અનુભૂતિઓનો આ પારસ્પરિક સંબંધ કોઈપણ સાધક થોડાંક જ વર્ષોની સાધના દ્વારા સ્વયં અનુભવ કરી શકે છે.
ચરમ લક્ષ્યના એકત્વ તથા અનુભૂતિઓના પારસ્પરિક સંબંધનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ વ્યાવહારિક નિષ્કર્ષ નીકળે છે. જો ભક્તિયોગથી પણ મારી ચિત્તવૃત્તિઓનો નિરોધ થશે તો હું ધારણા-ધ્યાનની સાથે સાથે ભગવત્ભક્તિ કેમ ન કરું ? અથવા જો મેં ભગવત્ભક્તિને મારી સાધનામાં પ્રાથમિકતા આપી છે તોપણ વિચાર કરવાની મારી ક્ષમતાનો ઉપયોગ કરીને આત્મસ્વરૂપનું અન્વેષણ શા માટે ન કરું- તે પણ મારી ભક્તિને પુષ્ટ જ કરશે. આ રીતે જ્ઞાનયોગી સાધક આત્મ-અનાત્મનો વિચાર કરતાં કરતાં જો ચિત્તવૃત્તિ-નિરોધની પણ સાધના કરે અને ભગવાન સાથે પ્રેમ કરે તો તે ઝડપથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધશે. આ બરાબર છે કે ચરમ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે જ્ઞાન, યોગ, કર્મ અને ભક્તિ એમાંથી કોઈપણ એકનો આશ્રય લઈ શકાય છે પરંતુ આ ચારેયનો સમન્વય શ્રેષ્ઠ છે કારણ કે તેનાથી આપણી બૌદ્ધિક, ભાવનાત્મક, ક્રિયાત્મક, બધી ક્ષમતાઓનો ઉપયોગ થાય છે.

Total Views: 239
By Published On: June 1, 2020Categories: Brahmeshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram