વટ સાવિત્રીવ્રત : જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે આ પર્વ ઉજવાય છે. સ્ત્રીઓ માટે આ મહત્ત્વનું પર્વ ગણાય છે. સામાન્ય રીતે વટવૃક્ષની આસપાસ વિધિવત્ પૂજાઅર્ચના કરીને વટવૃક્ષની આજુબાજુ પરિક્રમા કરવામાં આવે છે. સાથે સૂતરના તાંતણા તેના થડ ફરતે વીંટાળવામાં આવે છે. સામાન્ય રીતે પૂજા માટે તાંબાના લોટામાં જળ તેમજ અન્ય પૂજન સામગ્રી રાખવામાં આવે છે. કેટલેક સ્થળે સત્યવાન સાવિત્રીની માટીની મૂર્તિ, વાંસનો પંખો, કુંભનાડું (લાલ દોરો), માટીનો દીવડો, ધૂપ અને પાંચ ફળ વગેરે હોય છે. પાણીથી વટવૃક્ષને સીંચીને તેના થડની ચારે તરફ સાત વાર સૂતરનો કાચો ધાગો કે રંગીન સૂતર વીંટવામાં આવે છે અને ત્રણવાર વટવૃક્ષની પરિક્રમા કરે છે.
હવે આ વાર્તા આપણે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં જોઈએ :
અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને સાવિત્રી નામની એક સમજુ અને સુંદર પુત્રી હતી. હિંદુઓમાં પવિત્ર પ્રાર્થનામાં આ સાવિત્રીનું નામ ખાસ ઉચ્ચારાય છે. જ્યારે સાવિત્રી ઉંમરલાયક થઈ, ત્યારે તેના પિતાએ તેને પોતાનો પતિ પસંદ કરી લેવા કહ્યું.
પ્રાચીન કાળમાં રાજકુમારીઓ ઘણી સ્વતંત્ર હતી અને પોતાના પતિ તરીકે રાજકુમારોને તે જાતે પસંદ કરતી. સાવિત્રીએ આમ કરવાનું પસંદ કર્યું અને દૂર દૂરના દેશોમાં પોતે સોનાના રથમાં બેસીને ચાલી નીકળી. જુદા જુદા રાજ્યમાં તે રોકાતી પણ તેમાંનો કોઈ રાજકુમાર સાવિત્રીનું હૃદય જીતી શક્યો નહીં. જ્યાં હિંસા સદંતર બંધ કરાયેલી હતી તેવા એક અરણ્યના એક પવિત્ર આશ્રમ પાસે તેઓ આવી પહોંચ્યાં.
આવા અરણ્યમાં પશુઓને મનુષ્યનો ભય નહોતો. ઋષિઓ અને વૃદ્ધ પુરુષો મૃગો અને પક્ષીઓ સાથે આવા વનમાં રહેવા જતા. મનુષ્ય જ્યારે જિંદગીથી કંટાળી જતો ત્યારે તે વનમાં ચાલ્યો જતો અને ત્યાં ઋષિમુનિઓના સહવાસમાં ધર્મચર્ચાઓ કરી ધ્યાન, ધારણામાં પોતાનું બાકીનું જીવન ગાળતો. હવે એક વાર એમ બનેલું કે, દ્યુમત્સેન નામનો એક રાજા જ્યારે વૃદ્ધ થયો અને ઘડપણથી અંધ બન્યો, ત્યારે તેના શત્રુઓએ તેને હરાવ્યો અને તેનું રાજ્ય લઈ લીધું.
વૃદ્ધ અને અંધ રાજાએ પોતાની રાણી અને પુત્ર સાથે વનમાં આશરો લીધો અને ઘોર તપશ્ચર્યામાં જીવન ગાળવા માંડ્યું. તેના પુત્રનું નામ સત્યવાન હતું. અનેક રાજધાનીઓ ફરી વળ્યા પછી સાવિત્રી આ પવિત્ર આશ્રમમાં આવી ચડી. આવા મહાત્માઓ પ્રત્યે સૌને એટલો બધો આદરભાવ રહેતો કે મોટો ચમરબંધી રાજા પણ આવા આશ્રમો પાસેથી ત્યાંના ઋષિમુનિને પ્રણામ કર્યા સિવાય પસાર થઈ શકતો નહીં. સાવિત્રી આ આશ્રમે આવી. તેણે આશ્રમવાસી સત્યવાનને જોયો અને તેનું હૃદય જિતાઈ ગયું.
જ્યારે સાવિત્રી પાછી ફરી ત્યારે રાજા અશ્વસેને તેને પૂછ્યું : ‘પુત્રી સાવિત્રી ! કહે, જેને તું પરણી શકે તેવો કોઈ પુરુષ તેં શોધ્યો ?’ શરમાતાં શરમાતાં સાવિત્રીએ ધીરે સ્વરે હા પાડી.
‘તે રાજકુમારનું નામ શું ?’
સાવિત્રી કહે : ‘પિતાજી, એ અત્યારે રાજકુમાર નથી. રાજા દ્યુમત્સેનનો એ પુત્ર છે. તપસ્વી જીવન ગાળતો, જંગલમાં સંન્યાસીની પેઠે તે રહે છે. કંદમૂળ એકઠાં કરી પર્ણકુટિમાં રહેતાં પોતાનાં વૃદ્ધ માતાપિતાની તે સેવા કરે છે.’ અશ્વસેન પાસે તે વખતે નારદ મુનિ આવેલા હતા. તેથી સાવિત્રીની વાત સાંભળીને રાજાએ એમની સલાહ માગી. નારદ મુનિએ કહ્યું : ‘આ એક અશુભ પસંદગી છે !’ રાજાએ ખુલાસો માગ્યો, ત્યારે નારદ મુનિ બોલ્યા : ‘હે રાજા, આજથી બાર માસની અંદર આ યુવક અવશ્ય મૃત્યુ પામશે !’
આ સાંભળી રાજા ભયથી કંપી ઊઠ્યો. તેણે સાવિત્રીને કહ્યું : ‘બેટા સાવિત્રી, આ યુવક બાર માસમાં જ મૃત્યુ પામશે એટલે તું વિધવા થઈશ. આ બાબતનો વિચાર કર અને તારી આ પસંદગી પડતી મૂક.’
સાવિત્રી બોલી : ‘હે પિતા ! એની કંઈ ચિંતા ન કરો. એ સદ્ગુણી અને વીર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું. કુંવારી કન્યા એક જ વખત વરણી કરે છે અને પોતાના સત્ય વચનથી કદી ચલિત થતી નથી.’
રાજાએ જોયું કે સાવિત્રી મન અને હૃદયથી મક્કમ છે, એટલે તેણે એની ઇચ્છાને માન આપ્યું. પછી સાવિત્રીનાં સત્યવાન સાથે લગ્ન થયાં, સાવિત્રી શાંતિથી પોતાના પિતાનો મહેલ તજીને પોતાના ઇચ્છિત પતિ સાથે વનમાં રહેવા ગઈ તથા પોતાનાં સાસુ, સસરાની સેવા કરવા લાગી. સાવિત્રી સત્યવાનના મૃત્યુની ચોક્કસ તિથિ જાણતી હતી, છતાં તેણે એ વાત સત્યવાનથી છુપાવી રાખી. સત્યવાન દરરોજ ગીચ જંગલમાં જતો, ફળફૂલો એકઠાં કરતો અને લાકડાં લઈને આશ્રમે પાછો ફરતો. સાવિત્રી પર્ણકુટિમાં રહીને રસોઈ કરતી અને વૃદ્ધોની સેવા કરતી. આમ, પેલો દુ :ખદ દિવસ પાસે આવ્યો ત્યાં સુધી તેનું જીવન ચાલ્યા કર્યું.
હવે ફક્ત ત્રણ દિવસ જ બાકી રહ્યા હતા ! સાવિત્રીએ ત્રણ રાત્રિનું કઠિન વ્રત આદર્યું, ઉપવાસ અને જાગરણ કર્યાં. પેલી ભયંકર સવાર પડતાં સુધી સાવિત્રીએ ત્રણ રાત્રિઓ શોકમય અને નિદ્રારહિત પસાર કરી. તે દિવસે સાવિત્રીએ એક ક્ષણ માટે પણ સત્યવાનને નજર બહાર ન રહેવા દેવાનો નિશ્ચય કર્યો. જ્યારે સત્યવાન કંદમૂળ એકઠાં કરવા જંગલમાં જવા તૈયાર થયો, ત્યારે તેની સાથે પોતાને જવા દેવાની સાવિત્રીએ સાસુ-સસરાની સંમતિ માગી. અને તે મળતાં જ પોતે પતિ સાથે જંગલમાં ગઈ.
જંગલમાં, એકાએક તૂટક શબ્દોમાં સત્યવાન સાવિત્રીને કહેવા લાગ્યો : ‘મને મૂર્છા આવે છે ! મારું માથું ભમે છે; મારી ઈંદ્રિયો ખેંચાય છે ! ઓ સાવિત્રી, જાણે મારું ભાન ચાલ્યું જતું લાગે છે, તો તારા ખોળામાં થોડી ક્ષણ આરામ કરવા દે.’ ડરતા અને ધબકતા હૈયે સાવિત્રીએ કહ્યું : ‘હે નાથ ! જરૂર મારા ખોળામાં તમારું માથું રાખો.’
તરત જ સત્યવાને પોતાનું ધગધગતું માથું સાવિત્રીના ખોળામાં રાખ્યું અને જોતજોતામાં એક લાંબો નિસાસો નાખતાંની સાથે તે મૃત્યુ પામ્યો ! સાવિત્રી પણ આંસુ સારતી, તેને હૃદયસરસો ચાંપી રાખીને એકલી અટૂલી વનમાં બેસી રહી. પછી યમના દૂતો સત્યવાનના પ્રાણને લેવા આવ્યા. પણ જ્યાં સુધી સતિ સાવિત્રી પોતાના મૃત પતિના મસ્તકને ખોળામાં રાખી બેઠી હતી ત્યાં સુધી યમદૂતો તેની નજીક આવી શક્યા નહીં. સાવિત્રીની આસપાસ અગ્નિનું એક કૂંડાળું હતું અને તેની અંદર યમનો કોઈ દૂત પ્રવેશી શક્તો ન હતો.
એ બધા યમદૂતો ત્યાંથી પાછા ચાલ્યા ગયા. મૃત્યુના અધિપતિ યમરાજા પાસે જઈને તેમણે બધી વાત કહી. પછી મૃત્યુના દેવ યમરાજા સાવિત્રી પાસે જાતે આવ્યા. અલબત્ત, યમરાજા પેલા અગ્નિના કૂંડાળાની અંદર જઈ શક્યા, કારણ કે તે દેવ હતા. સાવિત્રી પાસે આવીને યમરાજા બોલ્યા : ‘હે પુત્રી ! આ મૃત શરીરને તું છોડી દે. મનુષ્યમાત્ર મૃત્યુને અધીન છે.’
આ સાંભળતાં સાવિત્રીએ ઊભા થઈને યમરાજાને પ્રણામ કર્યા. ત્યાં તો યમરાજાએ સત્યવાનના પ્રાણને ખેંચી લીધા અને પોતાને માર્ગે પ્રયાણ કર્યું. થોડુંએક ચાલ્યા ત્યાં યમરાજાએ સૂકાં પાંદડાં ઉપર કોઈનાં પગલાં પડતાં સાંભળ્યાં. તેમણે પાછું વળીને જોયું. સાવિત્રીને જોઈને યમરાજાએ પૂછ્યું : ‘પુત્રી સાવિત્રી ! મારી પાછળ તું શા માટે આવે છે ?’
સાવિત્રીએ ઉત્તર આપ્યો : ‘પિતાજી ! હું આપની પાછળ આવતી નથી. પણ સ્ત્રી માટે એ નિર્માણ છે કે જ્યાં તેનો પતિ દોરી જાય ત્યાં તેણે જવું.’ યમરાજ બોલ્યા : ‘સાવિત્રી ! હું તારા પર પ્રસન્ન થયો છું. તારા પતિના જીવન સિવાય કોઈપણ વરદાન તું માગી લે.’
સાવિત્રી કહે : ‘હે યમરાજ ! તમે જો પ્રસન્ન થયા હો તો એ વરદાન માગું છું કે મારા અંધ સસરા આંખે દેખતા થાય અને સુખી થાય.’
યમરાજા બોલ્યા : ‘હે કર્તવ્યપરાયણ પુત્રી ! તારી આ પવિત્ર ઇચ્છા પૂર્ણ થાઓ.’
પછી યમરાજા સત્યવાનના પ્રાણને લઈને આગળ વધ્યા. વળી પાછાં તે જ પગલાં તેમણે સાંભળ્યાં. એટલે પાછું વળીને જોયું. સાવિત્રીને જોઈને યમરાજા બોલ્યા : ‘પુત્રી સાવિત્રી ! હજી તું કેમ પાછળ પાછળ આવે છે !’
સાવિત્રી કહે : ‘પિતાજી ! તેમ કર્યા સિવાય મારાથી રહેવાતું નથી. હું પાછી જવાનો પ્રયાસ કરું છું, પણ મારું મન મારા પતિની પાછળ જાય છે અને મારું શરીર પણ તેમની પાછળ ચાલે છે. આત્મા તો ગયો છે અને તે આત્મામાં જ મારો આત્મા છે. અને તમે એ આત્માને લઈ જાઓ છો એટલે શરીર પાછળ આવે જ ને ?’
યમરાજા બોલ્યા : ‘હે સાવિત્રી ! તારા શબ્દોથી હું પ્રસન્ન થયો છું, તારા પતિના જીવન સિવાય તું અન્ય વરદાન માગ.’
સાવિત્રી કહે : ‘હે પિતા ! જો આપ મારી બીજી પ્રાર્થના સ્વીકારવા તૈયાર હો, તો મારા સસરાને તેમની સમૃદ્ધિ અને તેમનું રાજ્ય પાછું મળો.’
યમરાજા બોલ્યા : ‘પ્રેમાળ પુત્રી ! આ વરદાન પણ તને આપું છું. હવે ઘેર પાછી જા. કોઈ જીવંત મનુષ્ય યમરાજ સાથે જઈ શકતો નથી.’
એમ કહી યમરાજા પોતાના રસ્તે ચાલવા લાગ્યા. પતિવ્રતા સાવિત્રી પોતાના મૃત પતિની પાછળ જ ચાલવા લાગી.
યમરાજાએ ફરીથી પાછળ જોયું અને કહ્યું : ‘સતી સાવિત્રી ! આવા નિરાશાભર્યા દુ :ખમાં તું મારી પાછળ ન આવ. પાછી જા.’ સાવિત્રી કહે : ‘મહારાજ ! મારે માટે બીજો ઉપાય જ નથી. તમે જ્યાં મારા પતિને લઈ જાઓ ત્યાં મારે જવું જ જોઈએ.’
યમરાજાએ કહ્યું : ‘તો સાવિત્રી ! માન કે તારો પતિ પાપી હતો અને તેને નરકમાં જવું પડશે; તો શું તું પણ તારા પતિની પાછળ નરકમાં જશે ?’
સાવિત્રીએ તરત જ જવાબ આપ્યો : ‘મહારાજ ! જ્યાં મારા પતિ જાય ત્યાં જીવન હો કે મૃત્યુ, સ્વર્ગ હો કે નરક, હું જવા ખુશી છું.’
યમરાજાએ રાજી થઈને કહ્યું : ‘પુત્રી ! ધન્ય છે તારા વચનને ! તારા પર હું પ્રસન્ન છું. ફરી એક વાર વરદાન માગ. યાદ રાખજે કે મરેલા માનવો પાછા સજીવન થતા નથી.’
સાવિત્રી કહે : ‘દેવ ! જો આપ પ્રસન્ન થયા હો, તો મારા સસરા નિર્વંશ ન રહે; તેમનું રાજ્ય સત્યવાનના પુત્રોને મળો.’ એ સાંભળીને યમરાજા હસીને બોલ્યા : ‘પુત્રી, તને ધન્ય છે ! તારી ઇચ્છા પરિપૂર્ણ થાઓ ! આ રહ્યો તારા પતિનો આત્મા. તે પાછો સજીવન થશે. તે પુત્રોનો પિતા થશે અને યોગ્ય સમયે તારાં સંતાનો રાજ્ય કરશે. હવે તું ખુશીથી ઘેર જા. પ્રેમે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો છે. સાચા પ્રેમની શક્તિ આગળ હું યમરાજા પણ શક્તિહીન બની જાઉં છું, તેનું તું પ્રત્યક્ષ ઉદાહરણ છે !’
આવી કથા સાવિત્રીની છે. ભારતની પ્રત્યેક પુત્રી, જેના પ્રેમ ઉપર મૃત્યુ પણ વિજય ન મેળવી શક્યું અને જેણે પોતાના અગાધ પ્રેમની શક્તિથી પોતાના પતિનો આત્મા યમરાજા પાસેથી પણ મેળવ્યો, એવી મહાસતી સાવિત્રી થવાની ઇચ્છા રાખે છે.

Total Views: 1,167

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.