મુંડક ઉપનિષદમાંના નીચેના બે શ્લોકોમાં જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપ-ઐક્યનું વિવેચન વૃક્ષ ઉપર નિવાસ કરતાં બે પક્ષીઓના દૃષ્ટાંત દ્વારા અદ્‌ભુત રીતે કરવામાં આવ્યું છે. મુંડક શબ્દના ઘણા અર્થાે છે જેમાંનો એક અર્થ થાય છે ‘દૂર કરનાર’. એ આપણા અજ્ઞાનને દૂર કરે છે. એ અજ્ઞાન જગતના સાચા સ્વરૂપ અંગેનું અજ્ઞાન છે અને આપણા પોતાના સાચા સ્વરૂપનું અજ્ઞાન છે. આ શ્લોકોના શ્રવણ, મનન અને નિદિધ્યાસન દ્વારા આપણે એ અજ્ઞાન દૂર કરી શકીએ.
द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते ।
तयोरन्यः पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्यो अभिचाकशीति ।।
सयुजा, હંમેશાં સાથે રહેનાર; सखाया, એક સરખાં; द्वा सुपर्णा, બે સુંદર પાંખોવાળાં પક્ષીઓ; समानं वृक्षं परिषस्वजाते, એક જ વૃક્ષ ઉપર એકબીજાને ભેટીને રહ્યાં છે; तयोः अन्यः, તેઓ માંહેનું એક; स्वादु पिप्पलं अत्ति, મીઠાં ફળો ખાય છે; अन्यः अनश्नन् अभिचाकशीति, (અને) બીજું (ફળો) ખાધા વગર ફક્ત જોયા કરે છે.
એક જ વૃક્ષ પર બે પક્ષીઓ હંમેશાં સાથે રહે છે, બંને સુંદર પાંખવાળાં છે અને એક જ સરખાં છે. તે પૈકીનું એક મીઠાં ફળ ખાય છે અને બીજું ફળો ખાધા વગર ફક્ત જોયા જ કરે છે.
વ્યષ્ટિચૈતન્ય (જીવાત્મા) અને સમષ્ટિચૈતન્ય (પરમાત્મા) નો સંબંધ કેવા પ્રકારનો છે, તે મુંડક ઉપનિષદ ફરીથી સ્પષ્ટ કરી રહ્યું છે. એક સુંદર ઉદાહરણ આપે છે. અહીં જીવાત્માને અને પરમાત્માને એક વૃક્ષ પર બેઠેલાં બે પક્ષીઓની સાથે સરખાવેલ છે. द्वा सुपर्णा, બે પક્ષીઓ. सुपर्णा, શબ્દનો વાચ્યાર્થ તો ‘સારી પાંખો’ એવો થાય છે. આ બે પક્ષીઓ सयुजा, એકબીજાથી ખૂબ નજીક અને सखाया, એક સરખાં જ છે. અને તે એક જ વૃક્ષ ઉપર બેઠેલાં છે, समानं वृक्षं. તેમાંથી એક પક્ષી – એટલે કે જીવાત્મા ફળો ખાય છે (पिप्पलं अत्ति), એમાંનાં કેટલાંક મીઠાં છે, (स्वादु). અને બીજું પક્ષી ખાતું નથી. એ તો શાંત અને અલિપ્ત છે. अभिचाकशीति, એ તો ફક્ત જોયા કરે છે. એ કેવળ ‘સાક્ષી’ છે. એક પક્ષી જુદાં જુદાં ફળો ખાવામાં સામેલ છે, એટલે એ કોઈક વાર સુખી અને કોઈક વાર દુ :ખી થયા કરે છે. પણ બીજું પક્ષી તો ખાલી જુએ જ છે. એ શેમાંય સામેલ નથી.
આ જ રીતે પરમાત્મા સર્વદા શાંત છે, હંમેશાં સ્વાત્મસ્થ છે. એ કેવળ સાક્ષી છે. પણ જીવાત્મા અશાંત છે. એ પોતાની કામનાઓની દયા ઉપર નભે છે અને પોતાના અનુભવો પ્રમાણે સુખી કે દુ :ખી થયા કરે છે. પોતે જે પરિસ્થિતિમાં રહે છે તેને વશીભૂત થાય છે અને સુખો તેમજ દુ :ખો વચ્ચે આમતેમ અથડાયા કરે છે. આમ તે હંમેશાં બદલતો રહે છે. ખૂલીને વાત તો એ છે કે આ સુખ અને દુ :ખ જુદાં નથી ! એનું વર્તન માત્ર જુદું હોય છે. પણ હકીકતમાં તો તેઓ બંને એક જ સ્વરૂપનાં છે.
समाने वृक्षे पुरुषो निमग्नोऽ नीशया शोचति मुह्यमानः ।
जुष्टं यदा पश्यत्यन्यमीशमस्य महिमानमिति वीतशोकः ।।
पुरुषः, વ્યષ્ટિચૈતન્ય-જીવાત્મા; समाने वृक्षे निमग्नः, એક જ વૃક્ષ પર રહેલ; अनीशया, પોતાની દિવ્યતાને જાણ્યા વગર; मुह्यमानः, અજ્ઞાનના સપાટામાં આવેલો; शोचति, દુ :ખી થાય છે; यदा, જ્યારે; जुष्टं, (યોગીઓ વડે) ઇચ્છેલું; अन्यं, બીજું; र्इशं, સમષ્ટિચૈતન્ય; अस्य, આ (સમષ્ટિચૈતન્ય)ના; इति, આ; महिमानं, મહત્ત્વને-મોટાઈને; पश्यति, જોવા-પિછાણવા-માટે સમર્થ થાય છે; वीतशोकः, (ત્યારે તે દુનિયામાં બધા જ) શોકોમાંથી મુક્ત થઈ જાય છે.
એક જ વૃક્ષ ઉપર વ્યષ્ટિચૈતન્ય (જીવાત્મા) સાથે સમષ્ટિચૈતન્ય (પરમાત્મા) રહેલું (એક જ શરીરમાં રહેલ બંને) હોવા છતાં જીવાત્મા પોતાના દિવ્ય સ્વરૂપને જાણતો નથી. એટલા માટે તે દુ :ખી થયા જ કરે છે. પરંતુ જ્યારે એ જ જીવાત્મા પોતાના સાચા સ્વરૂપને ઓળખી – અનુભવી લે છે, ત્યારે તે બધાં દુ :ખોને પાર કરી જાય છે, પોતાના મૂળગત મહિમાને પિછાણતો થઈ જાય છે.
‘પુરુષ’ શબ્દના ઘણા અર્થાે થાય છે. એ શબ્દ જે સંદર્ભમાં વપરાયો હોય છે, તેના ઉપર તે શબ્દના અર્થનો આધાર રહે છે. અહીં એ શબ્દનો અર્થ ‘વ્યષ્ટિચૈતન્ય – જીવાત્મા’ – એવો થાય છે. આ જીવાત્મા એક જ વૃક્ષ ઉપર પરમાત્માની સાથે બેઠો છે. આ મુદ્દા ઉપર શંકરાચાર્ય એક ખૂબ રસિક ઉદાહરણ આપે છે. તે કહે છે કે વ્યષ્ટિચૈતન્ય – જીવાત્મા એ તુંબડા જેવો છે. આ તુંબડું ફક્ત સાગરનાં મોજાંની દયા ઉપર જ નભતું રહીને આમતેમ અથડાતું-કૂટાતું સાગરમાં તરે છે. એ ‘નિમગ્ન’ છે. કોઈક વાર એ નીચે જાય છે, કોઈક વાર એ ઉપર આવે છે, કોઈક વાર આ બાજુ ખેંચાય છે તો કોઈક વાર વળી તે બાજુ ખેંચાઈ જાય છે. એ જ પ્રમાણે આ વ્યષ્ટિચૈતન્ય – જીવાત્મા – ભવસાગરમાં ડૂબેલો છે. કોઈક વાર આપણને લાગે છે કે જીવન ખૂબ સુખમય છે. આપણે સુખી છીએ અને જે લોકો સુખી નથી, તેમની દયા ખાવા લાગીએ છીએ. પણ એવું બની શકે કે બીજી જ ક્ષણે કંઈક એવું બની જાય કે જેથી આપણે વિહ્વળ થઈ જઈએ, આપણાં હાસ્યો અને આશામય ઉત્સાહો એકાએક ચાલ્યાં જાય ! કેવળ આંસુ જ આપણા ભાગ્યમાં આવે ! બસ, જિંદગી આવી છે. એટલા જ માટે શંકરાચાર્યે એવી સરખામણી કરી છે. જો તુંબડાંને ફળ ગણીએ, તો એ નકામું ફળ છે.
अनीशया, આ વ્યષ્ટિચૈતન્ય – જીવાત્માને – એવું નથી અનુભવાતું કે એ પોતે ‘ઈશ’ છે – ઈશ્વર છે. અને પોતાના સાચા દિવ્ય સ્વરૂપની ખબર નથી. આપણે બધા એવા જ છીએ. આપણે તો માની બેઠા છીએ કે ‘અરે, હું તો કાંઈ સારો નથી, હું તો સાવ નકામો છું, હું મૂર્ખ છું.’ શંકરાચાર્ય આને ‘દીનભાવ’ કહે છે. આ એક વ્યર્થતાની અને લાચારીની લાગણી છે. આવું વલણ રાખવું, એ તો આત્મહત્યા કરવા બરાબર છે. આવો માણસ દુ :ખી થાય છે (शोचति). તે હતાશ છે. આ ‘અનીશા’ને કારણે તે मुह्यमान છે અને તેથી દુ :ખી થાય છે. પરંતુ એ જ માણસનું રૂપાંતર થઈ શકે છે. પણ આવું રૂપાંતર ક્યારે થાય ? જ્યારે તે એકાગ્રતા – ધ્યાન વગેરે નિયમોનું પાલન કરીને સતત રીતે આધ્યાત્મિક સાધના કરે અને આત્મસંયમ દાખવે ત્યારે એ થાય છે. અહીં વપરાયેલો यदा, (જ્યારે) શબ્દ ઘણો જ મહત્ત્વનો છે. રૂપાંતર તરફ વળવાના કેન્દ્રબિંદુને એ સૂચવે છે. જ્યારે માણસ પોતાના આત્મા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે પોતાના આત્માને જાણવા સજ્જ બની જાય છે, જ્યારે એણે ચિત્તશુદ્ધિ કરી લીધી હોય છે, જ્યારે એ આત્મસંયમી બની ગયો હોય છે – ત્યારે જ. ત્યારે શું થાય છે ? पश्यति, એ જુએ છે. શું જુએ છે ? अन्यं र्इशम्, પોતાના અંતરમાં રહેલા ઈશ્વરને જુએ છે. પોતાના આત્માને તે ઈશ્વરના રૂપે જુએ છે. अन्यं, પોતાના અસ્તિત્વનાં બીજાં પાસાં જુએ છે. जुष्टं, ઇચ્છેલા-ઇષ્ટ એવાને – આ ‘ઇષ્ટ’ શું છે ? जुष्टं, શંકરાચાર્ય કહે છે કે આ जुष्टं, એ છે કે જેને યોગીઓ ઉપાસે છે અને એ કોણ છે ? એ र्इशम्, છે. ઈશ્વર છે. जुष्टं, નો અર્થ ‘ઝંખેલું’ કે ‘ઘણાઓએ ઉપાસેલું’ એવો પણ થાય છે.
હવે આ જીવાત્મા પોતે ખરેખર કોણ છે, તે ઓળખી જાય છે. પહેલાં તો એ अनीशया, હતો – એટલે કે તે પોતાને નકામો – તુચ્છ – વ્યર્થ – માનતો હતો. પણ જ્યારે તે આધ્યાત્મિક નિયમો પ્રમાણે સાધના કરે છે ત્યારે તે પોતાનાં બીજાં પાસાંને જાણી લે છે – તે સમષ્ટિચૈતન્યને – પરમાત્માને ઓળખી લે છે. તે જાણી લે છે કે તે પોતે અને પરમાત્મા બંને એક જ છે અને અદ્વૈત છે. મન જ્યારે શુદ્ધ થાય છે, ત્યારે આ સમજણ એની મેળે જ આવી જાય છે. એવું કંઈ નથી કે તે બદલાઈ જાય છે. એવુંયે નથી કે પહેલાં તો નકામો હતો અને હવે દિવ્ય બની ગયો છે. એ તો પહેલેથી જ દિવ્ય હતો. પણ પહેલાં તે આ જાણતો ન હતો એટલું જ. ઉપનિષદ આ સંદેશ આપે છે.
જ્યારે માણસ આ अन्यं र्इशम्, ને ઓળખે છે – ઈશ્વરને અનુભવે છે. ત્યારે તે अस्य महिमानम्, એના પોતાના આ વિશ્વરૂપ મહિમાને પણ જાણી જાય છે કારણ કે એ પોતે ઈશ્વર સાથે એકરૂપ છે. આ વિશ્વ બીજું કશું નથી, પણ એનો પોતાનો મહિમા છે અને એ મહિમા એનાથી જુદો નથી. અને ત્યારે તે वीतशोकः, બની જાય છે – એ હર્ષ અને શોકથી પર થઈ જાય છે. ફક્ત શોકથી જ નહિ હર્ષથી પણ પર થઈ જાય છે. એનું નામ જ સાચી સ્વતંત્રતા છે.
(સ્વામી લોકેશ્વરાનંદ કૃત પુસ્તક ‘મુંડક ઉપનિષદ’ પુસ્તકમાંથી પૃષ્ઠ – ૮૩)

Total Views: 388

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.