એક માણસ ઘણી સગવડો અને સુવિધાઓ વચ્ચે જીવન વિતાવી રહ્યો હતો. એને ખબર પડી કે નગરમાં કોઈ મહાજ્ઞાની પુરુષનું આગમન થયું છે. એટલે એ તેમને મળવા ગયો. સંતને પ્રણામ કરી એણે કહ્યું, ‘મારે કોઈ ભૌતિક તકલીફ નથી છતાં હું અસ્વસ્થ રહું છું. વર્ષોથી હું સુખી થવાનો પ્રયાસ કરી રહ્યો છું, મારી અંદર આકાર લઈ રહેલી ભાંજગડોનો ઉકેલ શોધવા અને જગત સાથે તાલ મેળવવા મેં પ્રયત્ન કર્યો છે છતાં મને ઉપાય જડતો નથી, મારી અંદરની અસ્વસ્થતા ટળતી નથી.’ સંતે કહ્યું, ‘ભાઈ, જેને માટે કોઈ બાબત ગુપ્ત હોય છે તે બીજાને માટે પ્રગટ હોય છે. એવી જ રીતે જે કેટલાકને પ્રગટપણે દેખાય છે તે અન્યને દેખાતું નથી. તારી બીમારીનો મારી પાસે ઇલાજ છે, પણ એને માટે સામાન્ય ઔષધ કામ આપે એવું નથી. તારે કદાચ લાંબો પ્રવાસ ખેડવો પડશે અને દુનિયાનો સુખીમાં સુખી માણસ શોધી કાઢવો પડશે. એ સુખી મનુષ્ય તને મળે એટલે તારે એનું પહેરણ માગી પહેરી લેવાનું.’
સંતના કહેવાથી આ માણસ સૌથી સુખી માણસની શોધમાં નીકળી પડયો. એને લાગતું કે અમુક માણસ સુખી છે એટલે એ તેને પ્રશ્ન પૂછતો અને એ માણસ તરફથી જવાબ મળતો કે હું સુખી છું, પણ મારા કરતાં બીજો વધુ સુખી છે.
પછી એણે ઘણા દેશોમાં પ્રવાસ કર્યો. ઘણો સમય ફર્યો. ફરતાં ફરતાં તે એક અરણ્યમાં જઈ પહોંચ્યો. બધા એમ કહેતા હતા કે એ અરણ્યમાં દુનિયાનો સૌથી સુખી મનુષ્ય રહે છે. તેણે વૃક્ષોમાંથી ચળાઈને આવતો હાસ્યનો અવાજ સાંભળ્યો. એણે પોતાની ઝડપ વધારી અને તે પેલી વ્યક્તિ પાસે પહોંચી ગયો. એ ખુલ્લી જગ્યામાં બેઠો હતો. ‘લોકો કહે છે તેમ તમે દુનિયાના સૌથી સુખી માણસ છો ?’ તેણે પૂછયું. ‘હા, હું નિશ્ચિતપણે સૌથી સુખી મનુષ્ય છું’, જવાબ મળ્યો.
‘બહુ સરસ. મારું નામ આ છે. મારી સ્થિતિ આ પ્રમાણે છે. મહાન સંતની આજ્ઞા પ્રમાણે મારી સ્થિતિનો ઇલાજ એ છે કે મારે તમારું પહેરણ પહેરવું. કૃપા કરી મને તમારું પહેરણ આપો. એના બદલામાં મારી પાસે જે કાંઈ છે તેમાંથી ગમે તે આપવા હું તેયાર છું’, પેલા માણસે સંત પાસે ખુલાસો કર્યો.
સૌથી સુખી મનુષ્ય ૫્રશ્ન પૂછનાર માણસનું બારીકાઈથી નિરીક્ષણ કરી હસતો જ રહ્યો, હસતો જ રહ્યો. તે જ્યારે થોડો શાંત પડયો ત્યારે અશાંત આગંતુકને એના આવા પ્રતિભાવથી સંતાપ થયો. તેણે કહ્યું, ‘તમારું મગજ ચસકી ગયું છે કે મારી આવી ગંભીર માગણી પ્રત્યે હસો છો ?’
સૌથી સુખી મનુષ્યે કહ્યું, ‘કદાચ એવું હશે, પણ તેં મને સરખી રીતે જોવાની થોડી તકલીફ લીધી હોત તો તને ખબર પડી ગઈ હોત કે મારી પાસે પહેરણ નથી.’ દુનિયાના સૌથી સુખી મનુષ્યેે પોતાની પાઘડી ઉતારી નાખી. પાઘડીના છેડાને લીધે એનું મોં ઢંકાયેલું હતું. અશાંત આગંતુકે જોયું તો એ બીજું કોઈ નહોતું, પણ પેલા મહાન સંત હતા, જેણે એને સુખી માણસનું પહેરણ પહેરવાની સલાહ આપી હતી. ‘હું જ્યારે તમને મળવા આવ્યો ત્યારે તમે મને આ બધું વર્ષો પહેલાં કેમ ન કહ્યું?’ ગૂંચવાડામાં પડી ગયેલા અશાંત માણસે પૂછયું. સંતે કહ્યું, ‘તે વખતે તું સમજવા તૈયાર નહોતો. તારે અમુક પ્રકારના અનુભવોની જરૂર હતી અને તે તને એવી રીતે કરાવવા હતા કે તું એમાંથી સરખી રીતે પસાર થાય.’
માણસની સામે જ સૌથી સુખી માણસ બેઠો હતો. સંત જંગલમાં રહેતા હતા. એની પાસે પહેરવાનાં પૂરાં વસ્ત્ર નહોતાં. જંગલમાં રહેતા હતા એટલે ફળનો આહાર કરીને રહેતા હશે. જંગલમાં બીજી સાધન-સામગ્રી તો શું હોય ? લોકોએ કહ્યું કે આ અરણ્યમાં સૌથી સુખી માણસ રહે છે તોપણ એને ખ્યાલ નથી આવતો કે સુખને અને સાધન-સગવડોને કોઈ સંબંધ નથી. ખૂબ સગવડો અને સુવિધાઓ પોતાની પાસે હોવા છતાં પોતે અસ્વસ્થ રહેતો હતો. અસ્વસ્થતા તેના મનનું કારણ હતું. તેનો ઉપાય તે બહાર શોધતો હતો. કોઈની સોય ઘરમાં ખોવાઈ ગઈ હોય અને તે આંગણામાં એની શોધખોળ કર્યા કરે એના જેવું આ માણસનું વર્તન હતું એટલે સંતે એને ભટકવા, અથડાવા – કુટાવા મોકલ્યો.
એક શિષ્યને સુખ કયાંક હશે, પણ હાથમાં આવતું નથી એવો વિચાર આવતાં ગુરુની પાસે પહોંચી ગયો અને પ્રશ્ન કર્યો : ગુરુજી, સુખ કોને પ્રાપ્ત થાય ?
ગુરુ : જે સંતોષી છે, જેનું હૃદય શાંત છે તેને.
શિષ્ય : કોનું હૃદય શાંતિનો અનુભવ કરે ?
ગુરુ : જેનું મન સ્થિર થઈ ગયું હોય.
શિષ્ય : કોનું મન સ્થિર થઈ શકે ?
ગુરુ : જેને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની ઇચ્છા કે ઝંખના નથી.
શિષ્ય : આવી ઇચ્છા કોને ન થાય?
ગુરુ : જેને કોઈ વસ્તુમાં આસક્તિ રહી નથી.
શિષ્ય : આસક્તિ કોને ન થાય ?
ગુરુ : જેની બુદ્ધિમાં મોહ ન રહ્યો હોય.
આ સંવાદ પર વિચાર કરવા જેવો છે. અશાંતિ, અસ્થિરતા, ઇચ્છા, આસક્તિ, મોહ એ બધાનો અનુભવ આપણી બહિર્મુખતાને કારણે થાય છે. દુ :ખના મૂળમાં આ બધી બાબતો છે.
મેં સાંભળ્યું છે કે એક નગરમાં લોકો ઘણા દુ :ખી હતા. કોઈની પાસે ઘણી જ સંપત્તિ હતી, જ્યારે મોટા ભાગના લોકો મુશ્કેલીથી ગુજારો કરતા હતા. કોઈને ઘણું જ કામ રહેતું હતું તો ઘણા બધા લોકો બેકાર હતા. કોઈના ઘરમાં ઘણા નોકરો હતા તો મોટા ભાગના લોકોને નોકર પોસાતા નહોતા. કોઈને ત્યાં ચોવીસ કલાક પાણી આવતું હતું તો ઘણા લોકો પાણી માટે વલખાં મારતા હતા. ટૂંકમાં, કોઈને અમુક પ્રકારનું દુ :ખ હતું તો કોઈને બીજા પ્રકારનું. જેમની પાસે પારાવાર સંપત્તિ હતી તેમાંના કેટલાક રોગથી પીડાતા હતા, કેટલાકને બાળકો નહોતાં કે પત્ની તરફથી સંતોષ નહોતો. સંતાનો હતાં તેમને એમનાં વર્તન માટે દુ :ખ હતું. એકેય ઘર તદ્દન સુખી ન હતું.
એમાં કોઈકે વાત વહેતી મૂકી કે નગરની બહાર આવેલા સરોવર પાસે સુખનો મોટો ઢગલો પડયો છે. લોકો ત્યાં જઈ પોતાનું દુ :ખ ઠાલવી શકે છે અને સુખનું પોટલું બાંધીને લાવી શકે છે.
લોકો રાજી રાજી થઈ ગયા. દુ :ખનો ભાર ઊંચકી ઊંચકીને થાકી ગયા હતા. ઉત્તમ તક હાથમાં આવી હતી. સૌ પોતપોતાનું દુ :ખ પોટલામાં બાંધી હોંશે હોંશે સરોવર પાસે જવા રવાના થયા. નગરને છેવાડે એક સાધુ મુક્તપણે હસી રહ્યો હતો. લોકોને થયું, આ સાધુ સુધી વાત પહોંચી લાગતી નથી. તેમણે કહ્યું, ‘મહારાજ, દુ :ખનો ભાર ઓછો કરવાનો અને સુખની પ્રાપ્તિનો અવસર આવ્યો છે. તમે પણ દુ :ખ લઈને અમારી સાથે ચાલો.’
સાધુ કાંઈ બોલ્યો નહીં પણ હસતો રહ્યો. લોકો સુખના ઢગલા પાસે પહોંચી ગયા. ગાંસડીમાં બાંધેલું દુ :ખ નાખી દીધું અને સુખનું પોટલું બાંધી ઘરે ગયા. થોડા દિવસ એમ લાગ્યું કે નગરના લોકો સુખી થઈ ગયા.
પણ પાછા લોકો દુ :ખી થવા લાગ્યા, પોતાના કરતાં પોતાના પાડોશી વધારે સુખી હોય એ કેમ ફાવે? પોતાના કરતાં કોઈ સુખનું મોટું પોટલું ઊંચકી લાવ્યા હોય એ તેમનાથી કેમ સહન થાય ? એટલે વળી પાછા તેઓ સરોવર કિનારે ગયા. જોયું તો સુખ તો સૌ ઉપાડી ગયા હતા. તેને સ્થાને પેલો સાધુ બેઠો હતો અને પહેલાંની જેમ હસતો હતો.
તેમણે સાધુને કહ્યું, ‘અમે બધા દુ :ખને અહીં મૂકીને ગયા હતા, પણ દુ :ખ અમારી પાછળ પડયું છે. ફરીથી અમે દુ :ખથી ઘેરાઈ ગયા છીએ, જ્યારે તમે તે દિવસે હતા એવા આજે પણ આનંદમાં છો. તમારું સુખ અકબંધ છે આનું કારણ શું ?’
‘તમે સુખ પ્રાપ્ત કરવા બહાર ફાંફાં મારી રહ્યા છો, પણ સુખ બહાર નથી. અત્યાર સુધીમાં કોઈને બહારથી સુખ મળ્યું નથી. સુખ તમારી અંદર છે. અન્તર્મુખ થાવ એટલે સુખ જ સુખ છે’, સાધુએ સ્પષ્ટતા કરી.
આજે પણ એ સાધુ સરોવર કિનારે બેસીને હસ્યા કરે છે અને માણસો સુખની શોધમાં ભટકયા કરે છે.
One Comment
Leave A Comment
Your Content Goes Here
ખુબ જ પ્રેરણા દાઈ લેખ