ધર્મજ્ઞ યદુએ એક દિવસ નિર્ભયતાથી વિચરતા એક અવધૂતનાં દર્શન કર્યાં અને તેમને કહ્યું : ‘હે બ્રહ્મન્! આપ વિદ્વાન, બુદ્ધિશાળી થઈને પણ બાળકની જેમ અભિમાનરહિત થઈને ફરી રહ્યા છો ! આપ સમર્થ, મેધાવી, કર્મકુશળ, સુંદર અને મધુરભાષી છો. આ બધા ગુણ હોય તો મનુષ્ય સંસારમાં સફળતા મેળવી શકે. આપનામાં આ બધા ગુણ છે છતાં પણ આપ જડ, ઉન્માદ, બાળક અને પિશાચની જેમ વ્યવહાર કરો છો અને આપને કશાની જ ઇચ્છા નથી. સંસારમાં લોકો જ્યાં કામ અને લોભરૂપી વાસનાની આગમાં હંમેશાં સળગે છે, ત્યાં આપ વાસનારહિત થઈને કઈ રીતે સર્વદા આનંદમાં નિમગ્ન રહો છો ?’

મહાત્મા યદુનો પ્રશ્ન સાંભળીને અવધૂત બોલ્યા : ‘આ સંસારમાં મારા ઘણા ગુરુ છે. એમની પાસેથી જ્ઞાન મેળવીને મુક્ત થયો છું અને આનંદથી પૃથ્વી પર ભ્રમણ કરું છું. મારે ચોવીસ જ્ઞાન-ગુરુઓ છે. તેમના પ્રત્યેકના વર્તન પરથી હું જે શીખ્યો છું, તે બધું તમને કહું છું.

(૧) પૃથ્વી પાસેથી હું ક્ષમા શીખ્યો છું. ઘણા પ્રકારની પીડા પામીનેય પૃથ્વી મનુષ્યને ક્ષમા આપે છે. પ્રારબ્ધને વશ થઈને પ્રાણીઓ દુ :ખ ભોગવે છે, આ જાણીને ધૈર્યશીલ મનુષ્યો દુ :ખ-કષ્ટને, પીડનને પૃથ્વીની જેમ અવિચલભાવે સહન કરી બીજાને ક્ષમા આપે છે.

(૨) વાયુ જેમ જંગલમાં, ઘરમાં બધે જ વાય છે, તોપણ સુગંધ, દુર્ગંધ વગેરેથી લિપ્ત થતો નથી અને આગ લાગીને વન અને ઘર બાળીને ખાખ થઈ જાય તો પણ વાયુ ક્ષુબ્ધ થતો નથી, તે રીતે હું પણ ઠંડી, ગરમી, સુખ, દુ :ખ વગેરેના સંસર્ગમાં આવું તોપણ વાયુની જેમ નિર્લિપ્ત રહેતાં શીખ્યો છું.

(૩) આકાશ સર્વત્ર વ્યાપ્ત છે, અપરિછિન્ન-અસીમાબદ્ધ અને અસંગી છે. પરમાત્મા તે જ રીતે જીવોમાં વ્યાપ્ત હોવા છતાં સીમાબદ્ધ નથી અને કોઈપણ વસ્તુમાં આસક્ત થતા નથી. આકાશ પાસેથી હું શીખ્યો છું કે બ્રહ્મજ્ઞ પુરુષ પાર્થિવ દેહનો આશ્રય લે તોપણ દેહના ધર્મોથી અલિપ્ત રહે છે.

(૪) જળ પાસેથી હું શીખ્યો છું કે જળની જેમ માણસનો સ્વભાવ નિર્મળ અને મધુર હોવો જોઈએ.

(૫) અગ્નિ જેમ બધું જ ગ્રહણ કરે તે રીતે જ્ઞાની વ્યક્તિ પણ પ્રદીપ્ત અગ્નિની જેમ શ્રદ્ધા કે અશ્રદ્ધાથી પ્રદત્ત આહારને સમાનભાવે ગ્રહણ કરે તોપણ તેનું મન મલિન થતું નથી.

(૬) ચંદ્ર પાસેથી શીખ્યો છું કે ચંદ્રની કલા વૃદ્ધિ કે હ્રાસ પામે તોપણ ચંદ્રનો વૃદ્ધિ કે હ્રાસ થતો નથી, એવી રીતે કાળના પ્રભાવથી મનુષ્યમાં જન્મ, અસ્તિત્વ, વૃદ્ધિ, વિપરિણામ, અપક્ષય અને નાશ આ બધાં પરિવર્તનો હોવા છતાં આત્મામાં કોઈ પરિવર્તન થતું નથી.

(૭) સૂર્ય જેમ સમુદ્રના પાણીનું આકર્ષણ કરી યોગ્ય સમયે ફરી તે પાણી વરસાવે છે, પરંતુ આ બંને ક્રિયામાં સૂર્ય આસક્ત થતો નથી, તે રીતે બ્રહ્મજ્ઞ પુરુષ સમયાનુસાર વિષયોને ગ્રહણ કરે છે અને વિષયોનો ત્યાગ કરે તોપણ તે વિષયોમાં આસક્ત થતો નથી.

(૮) કબૂતર પોતાનાં બચ્ચાંની માયાથી મોહગ્રસ્ત થઈને પોતે પારધીની જાળમાં પડીને મૃત્યુની પીડા ભોગવે છે- આ જોઈને કબૂતર પાસેથી હું શીખ્યો છું કે સંસારમાં પ્રબળ આસક્તિ રાખીએ તો દુ :ખ જ મળે છે. એકમાત્ર મનુષ્યદેહ દ્વારા જ મુક્તિ પામી શકાય; તેવો મનુષ્યદેહ મળ્યો હોય છતાંય, જે વ્યક્તિ સાંસારિક વિષયમાં આસક્ત થાય તો, તે કબૂતરની જેમ મુક્તિમાર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે.

(૯) અજગર-સાપ શરીરરક્ષા માટે કોઈપણ જાતનો પ્રયત્ન કરતો નથી અને કોઈપણ ક્રિયા વિના સારો-નીરસ જે કંઈ આહાર સામે મળે તે દેહ જાળવવા માટે ખાઈ લે છે. અજગર પાસેથી હું એ શીખ્યો છું કે જ્ઞાની પુરુષો પણ પ્રયાસ વિના જે મળે, તે જ ખાઈને જીવન ટકાવે છે. બ્રહ્મજ્ઞ પુરુષ કાર્યક્ષમ હોય તોપણ કંઈ કામકાજ કરતો નથી, સૂતો રહે તોપણ નિદ્રાજયી હોય અને હંમેશાં ઉદ્યમરહિત પડ્યો રહે. જગતમાં દુ :ખ કોઈ ઇચ્છે નહિ તોપણ દુ :ખ એની મેળે આવે, વળી સંસારમાં બધા જ સુખ ઇચ્છે પરંતુ સુખ મળે નહિ; પ્રારબ્ધ કર્મ જ જીવને સુખદુ :ખનો ભોગ કરાવે. તેથી અજગરની જેમ જ્ઞાની વ્યક્તિ પણ સુખ-દુ :ખમાં નિ :સ્પૃહ રહીને સ્વરૂપ-ચિંતનમાં ડૂબ્યો રહે છે.

(૧૦) સમુદ્ર જેમ પ્રશાંત અને ગંભીર, તેવી જ રીતે બ્રહ્મજ્ઞ પુરુષ પણ શાંત અને ગંભીર સ્વભાવના હોય છે. તેમની અંદર કેવાં ગુણ અને ઐશ્વર્ય છે, તે કોઈ કળી ન શકે. સમુદ્ર જેમ વર્ષાઋતુમાં રેતાળ કિનારાને પાર કરે નહિ અને ઉનાળામાં પાણીના અભાવથી સુકાઈ ન જાય; તેવી રીતે ધીર પુરુષ સુખમાં ફૂલાઈ ન જાય અને દુ :ખમાં અકળાઈ ન જાય. સમુદ્ર પાસેથી હું પ્રશાંત, ગંભીર અને સુખ-દુ :ખમાં સમતા રાખતાં શીખ્યો છું.

(૧૧) પતંગિયું જેમ અગ્નિથી આકૃષ્ટ થઈને તેમાં પડીને મૃત્યુ પામે છે, તેમ અજિતેન્દ્રિય પુરુષ રમણીઓને જોઈને તેના તરફ આકૃષ્ટ થઈને માયામાં ફસાઈ જાય છે અને વિનાશ પામે છે. રૂપની આસક્તિ કેવી ભયંકર હોય છે તે હું પતંગિયા પાસેથી શીખ્યો છું.

(૧૨) મધમાખી મધપૂડાની અંદર વધારે પડતા મધનો સંચય કરે છે, પરંતુ આ મધ બીજું કોઈ લઈ જાય છે. તેથી આ મધમાખી પાસેથી શીખ્યો કે જ્ઞાની વ્યક્તિઓ સંચય કરે નહીં, આ જ્ઞાન હું મધમાખી પાસેથી શીખ્યો છું. તથા મધમાખી જેમ વિવિધ પુષ્પોમાંથી થોડું થોડું મધ ગ્રહણ કરે તેવી રીતે જ્ઞાની મનુષ્યો ગૃહસ્થને તકલીફ ન પડે એ રીતે થોડી થોડી ભિક્ષા-માધુકરી ગૃહસ્થના ઘરેથી મેળવી જીવનધારણ કરે છે.

(૧૩) હાથી જેમ હાથણીનો સ્પર્શ કરવા જતાં જ દિશાશૂન્ય થઈને શિકારીના ફંદામાં પડે છે, તે રીતે સ્ત્રીઓના મોહમાં માણસ સંસારનાં બંધનમાં પડે છે. હાથી પાસેથી હું શીખ્યો કે નારી-સ્પર્શની આસક્તિ મનુષ્યનાં બંધન અને મૃત્યુનું કારણ છે.

(૧૪) જેમ પારધી મધમાખીઓએ મહાદુ :ખે એકઠું કરેલ મધને ભોગવે છે, તેમ લોભી મનુષ્યોએ અનેક કષ્ટથી એકઠું કરેલું ધન કોઈને દાનમાં અપાતું નથી કે તેનો ઉપભોગ પણ થતો નથી, તે બીજા લોકો ભોગવે છે. આમ સમજી યોગીએ કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો. જેમ પારધી ઉદ્યમ વિના મેળવેલ મધ ભોગવે છે તેમ યોગી ઉદ્યમ વિના જ ભોગ મેળવી શકે છે એ વિશે પણ પારધી મારા ગુરુ છે

(૧૫) હરણ પારધીના વાદ્યસંગીતથી લોભાઈને શિકાર બને છે. હરણ પાસે હું એ શીખ્યો છું કે સંન્યાસીએ વિષયભોગ ઉદ્દીપન કરે તેવાં ગીત ક્યારે ય સાંભળવાં ન જોઈએ. નૃત્યગીતથી આકર્ષાઈને અતિ સરલ ઋષ્યશૃંગ મુનિ સ્ત્રીને વશ થયા હતા.

(૧૬) માછલી લોઢાના કાંટા સાથેની ખાદ્ય વસ્તુ ખાઈને મરણ પામે છે. માછલી પાસેથી હું શીખ્યો કે જિહ્વાની લાલસા છોડવી જોઈએ. ભોજનલોભી માણસ પોતાના મોતને નોતરે છે.

બધી ઇન્દ્રિયોનો જય કરે તોપણ જો રસેન્દ્રિયને જીતી ન શકે તો જિતેન્દ્રિય ન કહેવાય, રસનાનો જય કરવાથી બધી ઇન્દ્રિયોનો જય કરી શકાય છે.

(૧૭) પિંગલા નામની વેશ્યા એક દિવસ ખૂબ શણગાર કરીને ધનવાન યુવક માટે રાહ જોતી દરવાજે ઊભી હતી. પરંતુ કોઈ આવ્યું નહિ. પિંગલાએ નિદ્રા વગર અત્યંત અસ્વસ્થતામાં અડધી રાત્રિ પસાર કરી ત્યારે તે વિચારવા લાગી – હાડકાંનો બનેલો આ પુરુષ દેહરૂપ ધારી, મેરુદંડ વાંસ જેવો વાંકો અને ચામડું, રૂંવાડાં, નખ વગેરે દ્વારા ઢાંકેલો પુરુષદેહ નવ દ્વાર દ્વારા સતત મળ, મૂત્ર, કફ વગેરે બહાર કાઢે છે. આવા ગંદા, દુર્ગંધયુક્ત પુરુષદેહને, મારા સિવાય કઈ સ્ત્રી સુંદર માનીને સેવા કરશે ? મને ધિક્કાર છે, હું અત્યંત મૂઢ છું. તેથી મારા સ્વરૂપ, અચ્યુતને છોડીને અન્ય કાંતની કામના કરું છું. આ રીતે વિચારીને પિંગલાને વૈરાગ્ય થયો અને તે ભગવાન વિષ્ણુનું શરણ લઈને સુખે નિદ્રા પામી. પિંગલા પાસેથી હું એ શીખ્યો કે આશા જ પરમ દુ :ખ છે, ઉદાસીનતા જ પરમ સુખકર છે.

આશા જ પરમ દુ :ખ છે, ઉદાસીનતા પરમ સુખદાયી છે. આનું દૃષ્ટાંત પિંગલા છે. જ્યારે પિંગલાએ પુરુષની આશા છોડી ત્યારે જ સુખથી ઊંઘી શકી હતી.

(૧૮) જેમ કોઈ દુર્બળ સમડી ક્યાંકથી માંસ લાવી ત્યારે બીજી એક બળવાન સમડી તેને મારીને માંસ લઈ જાય છે. પરંતુ જો તે સમડીએ માંસનો ટુકડો તજી દીધો હોત તો પરમ સુખ પામી હોત. આથી સમડી પાસેથી હું શીખ્યો કે મનુષ્યની પ્રિય વસ્તુ તરફની આસક્તિ જ તેના દુ :ખનું કારણ છે. આસક્તિનો ત્યાગ કરે તો અનંત સુખ પામે છે.

(૧૯) બાળકને માન-અપમાનનું ભાન નથી હોતું, રહેવા – જમવાની બાબતમાં પણ કોઈ ચિંતા હોતી નથી. બાળકને જોઈને હું અભિમાનશૂન્ય થઈને રહેવા-જમવા માટે ચિંતા ન કરી, બાળકની જેમ આનંદથી સંસારમાં વિચરણ કરું છું.

(૨૦) કન્યાના હાથમાં બંગડીઓનો અવાજ સાંભળીને હું શીખ્યો છું કે ઘણી બંગડીઓ સાથે હોય તો અવાજ થાય, એક જ બંગડી-ચૂડી હોય તો અવાજ ન થાય. આમ, એક સાથે ઘણા લોકો રહે તો વૃથા વાતચીત અને ઝઘડા કરવામાં સમય નષ્ટ થાય. તેથી યોગીએ એકાકી રહેવું જોઈએ.

(૨૧) તીર-બાણ જે બનાવે તેમની પાસેથી હું મનની એકાગ્રતા શીખ્યો છું. બાણ બનાવનારો જેમ એકાગ્ર થઈને કામ કરે, તેની પાસેથી રસ્તા પર સૈન્ય સહિત રાજાની સવારી નીકળી જાય તો પણ તેને ખબર જ ન પડે.

પ્રાણાયામ દ્વારા પ્રાણનો સંયમ કરી સ્થિર આસનમાં બેસી, આળસ છોડી, વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા મનને એક વસ્તુમાં અર્થાત્ શ્રીભગવાનમાં નિત્ય રાખવું, એને જ યોગ કહે છે.

(૨૨) સર્પ એકલો ફરે છે, ચોક્કસ કોઈ એક જ સ્થાને રહેતો નથી, બીજાના ગર્તમાં રહે છે અને હંમેશાં જાગ્રત રહે છે. સાપ પાસેથી હું આ શીખ્યો છું કે નશ્વર દેહ માટે સાધુ પુરુષે ગૃહ-નિર્માણ કરવું વ્યર્થ અને દુ :ખદાયી છે. જ્યાં આશરો મળે ત્યાં જ સાધુ સાવધાનીથી ભગવાનના ચિંતનમાં તન્મય રહે છે.

(૨૩) કરોળિયો પોતાનામાંથી ઉત્પન્ન થયેલી લાળને મુખ દ્વારા ફેલાવવા રૂપ ક્રીડા કરી તેમાં રહે છે. વળી તેને ગળી જાય છે, તેમ પરમાત્મા પણ જગતને ઉત્પન્ન કરી, અંતરાત્મા રૂપે તેમાં પ્રવિષ્ટ થાય અને પછી એ જગતને પોતાનામાં જ લય કરી દે છે. ભગવાન કઈ રીતે સૃષ્ટિ-સ્થિતિ-પ્રલય કરે છે તે હું કરોળિયા પાસેથી શીખ્યો છું. શ્રીભગવાન જ વિશ્વનાં નિમિત્તકારણ અને તેઓ જ ઉપાદાનકારણ, આ વિશ્વ તેનામાં જ રહે અને ફરી અંતે શ્રીભગવાનમાં જ વિલીન થઈ જાય છે.

(૨૪) ભમરી જ્યારે કીડાને પકડે ત્યારે કીડો ભયથી ભમરીનું જ ધ્યાન-ચિંતન કરતો કરતો ભમરી જેવું જ રૂપ ધારણ કરે છે.
(સ્વામી ગીતાનંદ કૃત પુસ્તક ‘શ્રીમદ્ભાગવત કથા’માંથી પૃષ્ઠ – ૪૯૬)

Total Views: 204
By Published On: July 1, 2020Categories: Gitananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram