ક્રોધજ્યી – ધર્મજ્યી

એક વાર મહંમદ પયગંબર અને એમના જમાઈ હજરત અલી સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં ધર્મ-ચર્ચા પણ ચાલુ હતી. એવામાં એક ભાઈ રસ્તામાં મળી ગયા. હજરત અલી અને એમની વચ્ચે ઘણા સમયથી અણબનાવ રહ્યા કરતો. હજરત અલીને જોતાં જ પેલા ભાઈએ ભાંડવાનું શરૂ કર્યું પણ તેઓ શાંત રહ્યા. પરંતુ પેલા ભાઈએ સંભળાવવાનું ચાલુ જ રાખ્યું એટલે હજરત અલી પણ આવેશમાં આવીને પોતાના દ્વેષીને ભાંડવા માંડ્યા. આ બધું જોઈને મહંમદ સાહેબ તો ચૂપચાપ ઝડપથી ચાલવા માંડ્યા અને થોડે દૂર નીકળી ગયા.

હજરત અલીએ જોયું કે મહંમદ સાહેબ તો ઘણા દૂર નીકળી ગયા છે એટલે ઝઘડો છોડીને આવેશમાં ને આવેશમાં ચાલવા લાગ્યા. થોડી વારમાં મહંમદ સાહેબની સાથે થઈ ગયા. ચાલતાં ચાલતાં એમણે મહંમદ સાહેબને પૂછ્યું, ‘પેલો માણસ મને જેમ તેમ સંભળાવતો હતો છતાં તમે ઊભા રહેવાને બદલે ચાલ્યા કેમ ગયા ?’ તેમણે શાંતિથી કહયું, ‘જુઓ, હજરત અલી! એ મૂરખ પોતાની મૂર્ખતાને કારણે તમને ભાંડતો હતો અને તમે શાંત રહ્યા ત્યાં સુધી મેં જોયું કે દસ ફિરસ્તા તમારું સર્વ રીતે રક્ષણ કરતા હતા. પણ જેવું તમારું વર્તન પણ બગડ્યું કે મેં પેલા દસેય ફિરસ્તાઓને એક પછી એક ચાલ્યા જતા જોયા અને મને એમ લાગ્યું કે હવે અહીં ઊભું ન રહેવાય. તેથી હું ચાલતો થયો. હજરત અલી, આટલું યાદ રાખો કે બીજાનું વર્તન ગમે તેવું હોય તોપણ આપણે મન-કર્મ- વચનથી કોઈનુંય બૂરું ન કરવું; કોઈનેય મનદુ :ખ થાય તેવું ન તો વિચારવું, બોલવું કે આચરવું. આ જ સાચો ધર્મ.’ હજરત અલીનું માથું શરમથી ઝૂકી ગયું. તેમણે મહંમદ સાહેબની માફી માગી અને પેલા માણસના કલ્યાણની પ્રાર્થના કરી.

સત્સંગનું ફળ

મહાપુરુષો માટે જ્ઞાનપ્રાપ્તિનો સ્રોત સામાન્ય ઘટના પણ હોઈ શકે. જેને જ્ઞાન મેળવવું જ છે એને ક્ષોભ શો ? ભેદ-અભેદ શો ? જ્ઞાનપ્રાપ્તિ અને વિનમ્રતાનો આવો જ એક પ્રસંગ ખલિફ હજરત ઉમ્મરના જીવનમાં પણ જોવા મળે છે.

એક રાત્રે ઉમ્મર સાહેબ શહેરના રસ્તેથી પસાર થતા હતા ત્યારે એક ઘરમાંથી સ્ત્રી-પુરુષના ખડખડાટ હાસ્યનો અવાજ સંભળાયો. તેમણે મનમાં વિચાર્યું : આ તે કેવા માણસ કે જે પોતાની ઊંઘ તો બગાડે છે પણ બીજાંની ઊંઘમાં પણ ખલેલ કર્યે જાય છે!

જિજ્ઞાસાવૃત્તિથી ઉમ્મર સાહેબ દીવાલ-વંડી ઠેકીને અંદર ગયા ને જોયું તો એક ટેબલ પર દારૂની બોટલ પડી છે અને મોઢે શરાબનો ગ્લાસ માંડીને સ્ત્રી-પુરુષ બંને હસી રહ્યાં છે. પવિત્ર કુરાનમાં દારૂને વર્જ્ય ગણ્યો છે. એટલે નશામાં ચકચૂર બનેલ પતિ-પત્ની પાસે જઈને ક્રોધ સાથે કહ્યું, ‘મૂરખ, તમને શરમ નથી આવતી ? આટલી રાતે દારૂ ઢીંચીને બકયે જાઓ છો !’

ઉમ્મર સાહેબને સામે જોઈને પતિ-પત્નીનો નશો ઊડી ગયો અને એ ઝંખવાણાં પડી ગયાં. પુરુષે કહ્યું, ‘ઉમ્મર, ક્ષમા કરો, અમારી ભૂલ થઈ અને પવિત્ર કુરાનના ઉપદેશનું ઉલ્લંઘન ર્ક્યું.’ ઉમ્મર સાહેબે તેમને ક્ષમા આપી પરંતુ જેવા બહાર જવા નીકળ્યા કે પેલા યુવાને કહ્યું, ‘સાહેબ, અમે તો એક જ અપરાધ કર્યો પણ આપે તો ત્રણ અપરાધ કર્યા તેનું શું?’

ઉમ્મર સાહેબે આશ્ચર્ય સાથે કહ્યું, ‘ભાઈ, મેં વળી કયા ત્રણ અપરાધ કર્યા ?’

ગૃહસ્થે કહ્યું, ‘અલ્લાહની આજ્ઞા છે કે કોઈના દોષ બીજાની સમક્ષ ન બતાવવા. જ્યારે આપે તો આવેશમાં આવીને મોટા અવાજે અમારા દોષ પાડોશીઓ પણ સાંભળે તે રીતે વર્ણવ્યા. ખુદાનો એ આદેશ છે કે કોઈના ઘરમાં પ્રવેશવું હોય તો સામેના મુખ્ય દરવાજેથી જ પ્રવેશવું. જ્યારે આપ તો વંડી ઠેકીને પ્રવેશ્યા. અને પરવર દિગારની આજ્ઞા છે કે ઘરમાં પ્રવેશતાંની સાથે ઘરના માણસોને સલામ કરવી. આપે આ ત્રીજા નિયમનું પણ પાલન ન કર્યું.’

એક શરાબી પાસેથી પણ આ જ્ઞાન સાંભળીને ઉમ્મર સાહેબને પસ્તાવો થયો. તેમણે તેની માફી માગી અને એ દંપતીએ પણ દારૂ ન પીવાની પ્રતિજ્ઞા કરી.

સ્વાશ્રય અને પર-સેવા

છે કામના ખપી જવાની પીડિતનાં દુ :ખ નિવારવામાં, એ વિચારને પોતાનો જીવનધર્મ માનીને ચાલનારા સંત ફ્રાંસિસ આૅફ એસીસીનું સેવામંડળ વૃદ્ધિ પામવા લાગ્યું. ભલે દુનિયા એમને ગાંડા-ઘેલા કે ધૂની ગણે પણ સંત ફ્રાંસિસ અને તેના બે સાથી મિત્રોએ દીનદુ :ખી અને રક્તપિત્તથી પીડિતોની સેવાની ધૂણી ધખાવી, એક ઝૂંપડાને દવાખાનું બનાવી દીધું. રક્તપિત્તોને નવરાવવાં-ધોવરાવવાં અને એમને પોષવાં એ જ એમની સેવાપૂજા બની ગયાં.

ફ્રાંસિસ બાઇબલ વાંચીને આ માર્ગે આગળ વધવા પોતાની મેળે માર્ગદર્શન મેળવતા. જાણે કે ભગવાન ઈસુ એમને કહી રહ્યા છે, ‘જ્યાં જ્યાં જાઓ ત્યાં કહો કે ઈશ્વરનું રાજ્ય આંખ સામે છે. માંદાની સેવા કરો, રક્તપિત્તોની સેવાચાકરી કરો. ભૂત-પ્રેતો અને બીજા વહેમોમાં ફસાયેલાંને મુક્ત કરો. તમને ઈશ્વરે છૂટે હાથે આપ્યું છે તે સર્વસ્વ છૂટે હાથે આપી દો અને સેવાના પંથે ઝંપલાવો.’

આ સંદેશાનો સાદ સાંભળીને ઘણા સેવકો મળવા લાગ્યા. શણનાં ભૂરાં કપડાં પહેરીને કેડે દોરડું બાંધીને આ બધા નીકળી પડ્યા, ફ્રાંસિસ-ચીંધ્યા સેવા-પંથે. પોતાના સાથીઓને કહેતા, ‘પ્રભુએ આપણને આપણા પોતાના ઉદ્ધાર માટે નથી મોકલ્યા, પણ બીજાનાં ઉદ્ધાર અને કલ્યાણ માટે જ મોકલ્યા છે. આપણે કંઈ નાચીજ નિર્માલ્ય નથી, આપણે સૌ કોઈને સન્માર્ગે વાળનારા છીએ.’ આ સંદેશ લઈને તેમના સેવાભાવી સાહસથી ચાલી નીકળ્યા, સેવાના આકરા પંથે. ખેતરોમાં કામ કરતા ખેડૂતોને સહાય કરે, મજૂરોના સહાયક બને, જે મળે તે ખાય. ન મળે તો હરિભજન કરે અને ઘાસની પથારીમાં સૂઈ રહે. હવે તો ફ્રાંસિસની આસપાસ લોકોનાં ટોળાં ફરવા લાગ્યાં. પૈસા તો જોઈએ નહીં ને મજૂરી કરીને જ ખાવું, કામ કે મજૂરી ન મળે તો ભિક્ષાન્ન પર નભવું અને તે પણ આજના પૂરતું જ ભિક્ષાન્ન માગવું. કાલ તો દેનારો દઈ દેશે રામ. આવા અલગારી બનીને ફરે છે બધે. ગામડાં વીંધતા ફરતા ફરતા આ સેવકો કયારેક ભેગાય થઈ જાય અને અનેરો આનંદ અનુભવે; પ્રભુ ઈસુને આવા જ ભક્તો પ્રિય હતા ને?

સંઘજનોને સંબોધીને ફ્રાંસિસ કહેતા, ‘પૂછે તેનો વિવેક-વિનમ્રતાથી જવાબ આપજો, કોઈ ગાળ દે તેને મીઠી વાણી કહેજો. તમને કોઈ દુ :ખી કરે, રંજાડે તેમને માટે કલ્યાણ પ્રાર્થના કરજો, જ્યાં ધિક્કાર છે ત્યાં પ્રેમ વાવજો. હતાશા, નિરાશા છે ત્યાં આશા-શ્રદ્ધા આપજો. પ્રભુના કામ માટે જે નિંદા-દુ :ખ સહન કરે તેનું પ્રભુના દરબારમાં અનેરું સ્થાન છે.’

તે સમયના ધર્મ-મઠોમાં કેટલાક લોકો વિલાસ અને ઢોંગને પોષતા હતા. જેમ તેમ ભીખીને પેટનો ખાડો પૂરવો અને આળસુ પ્રમાદી બનીને પડ્યા રહેવું એ એમનો ધર્મ થઈ પડ્યો હતો. આ બધું જોઈને સંત ફ્રાંસિસે પોતાના સાથીઓને ચેતવીને કહ્યું, ‘ભિખારી ભીખ માગીને આળસુ બને એટલે બીજાનો ઓશિયાળો અને દંભી બની જાય છે. આપણે તો પ્રભુએ ચીંધેલ સેવા-માર્ગે અપનાવ્યો છે. આપણે આળસ ન રાખી શકીએ. આપણે શારીરિક શ્રમ તો કરવો જ પડે. આ પરિશ્રમના પરિણામે પેટ પૂરતું મહેનતાણું જ સ્વીકારવું યોગ્ય. મહેનત,મજૂરી ન મળે તો બે ટંક પૂરતું ભિક્ષાન્ન મળી રહે એટલી જ ભિક્ષા માગવી જોઈએ.’

ફ્રાંસિસના સાથી મિત્રોને કંઈ ને કંઈ ધંધો આવડતો. કોઈ લાકડાં કે વાસણો પર સુંદર કોતરકામ કરી શકતા, તો કોઈ ટોપલા-ટોપલી ગુંથી દેતા, કોઈ જોડાં પણ સીવતા અને ઉદ્યમ કરીને જ પેટનો ખાડો પૂરતા.

પ્રભુના સંગાથે નિર્ભયતા

પ્રભુના ઘર સુધી પહોંચવાનો આ સેવા-સ્વાશ્રય સિવાય બીજો કયો માર્ગ હોઈ શકે? સંત ખય્યામ પોતાના શિષ્ય સાથે એક વેરાન અને ગાઢ જંગલમાંથી પસાર થતા હતા. નમાજનો, ખુદાની બંદગીનો સમય થવા આવ્યો હતો. તે બંને નમાજ પઢવા બેઠા ત્યાં તો નજીકમાંથી વાઘનો ઘૂરકાટ સાંભળ્યો અને થોડી વારમાં પેલો વાઘ પણ નજીક આવી પહોંચ્યો. ખય્યામનો શિષ્ય તો ઝડપથી દોડીને એક વૃક્ષ પર ચડી ગયો, પરંતુ સંત ખય્યામ તો હલ્યા-ચલ્યા વિના ખુદાની બંદગીમાં મગ્ન હતા. પેલો વાઘ ઘૂરકાટ કરતો કરતો ત્યાંથી ચાલ્યો ગયો એટલે ખય્યામનો શિષ્ય ઝાડ પરથી ઊતર્યો અને ત્યાં સુધીમાં ખય્યામની નમાજ પણ પૂરી થઈ ગઈ, તેઓ પણ ઊભા થયા અને બંને થયા ચાલતા.

ચાલતાં ચાલતાં જંગલના અંધારિયા કાદવ-કીચડવાળા રસ્તેથી પસાર થયા. આ રસ્તે મચ્છરનો ભયંકર ત્રાસ. મચ્છર ખય્યામના ગાલ પર બેસી ગયા અને ખય્યામે તરત જ ગાલ પર તમાચો લગાવ્યો, પેલા મચ્છરનું આવી બન્યું.

આમ, જંગલનો રસ્તો પસાર કરીને બહાર નીકળ્યા એટલે ખય્યામના શિષ્યે કહ્યું, ‘મારા એક પ્રશ્નનો જવાબ આપશો. તમે નમાજ પઢતા હતા અને વિકરાળ વાઘ આવો છતાં ન હલ્યા કે ચલ્યા અને આ તુચ્છ મચ્છરને તમાચો મારીને મારી નાખ્યો ! તમારા આ બે વર્તનનો ભેદ હું પામી શક્યો નથી. તેનું રહસ્ય મને કહેશો?’

સંત ખય્યામે હસતાં હસતાં કહ્યું, ‘મિત્ર, જ્યારે વાઘ આવ્યો ત્યારે હું નમાજ પઢતો હતો. ખુદાની બંદગીમાં મગ્ન હતો. ત્યારે ખુદા પણ મારી નજીક હતા એટલે હું નિર્ભય રહ્યો કારણ કે મને ખુદાનો સાથ હતો. પરંતુ મચ્છર કરડતા હતા ત્યારે હું એક માનવી સાથે હતો. તેથી તેને ભગાડવા-મારવા મેં એવું વર્તન કર્યું.

ઈશ્વરનો સાથ, તેની નિકટતા નિર્બળને સબળ બનાવે. તે જ નિર્બળનું બળ છે. એકલો માનવી પ્રભુના સાથ વિના સામાન્ય છે.

Total Views: 292
By Published On: July 1, 2020Categories: Mansukhbhai Maheta0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram