ગતાંકથી આગળ

સોળ વર્ષની આયુ પહેલાં કાશી ગયા. રેલવે પુલથી જ કાશીનાં દર્શન કરીને શ્રી ‘મ’ના પ્રાણ આનંદથી નૃત્ય કરવા લાગ્યા. એ પછી પણ કેટલીય વાર ત્યાં ગયા. ઠાકુરના દેહત્યાગ પછી ત્રૈલંગસ્વામી, ભાસ્કરાનંદ સ્વામી અને વિશુદ્ધાનંદ સ્વામીનાં પણ દર્શન કર્યાં. ભાસ્કરાનંદ સ્વામીજીએ શ્રી ‘મ’ના મુખેથી ઠાકુરનું ‘માયેર ગાન’ સાંભળીને કહ્યું, ‘તમે કહો છો આટલું કામ કરવું પડે છે. એમાં પણ આ બધી ભાવનાઓને વ્યક્ત કરવાનો સમય કેવી રીતે મેળવો છો ?’ ત્રૈલંગ સ્વામીએ શ્રી ‘મ’ના હાથમાંથી મીઠાઈનો ટુકડો છીનવીને બાલકવત્ પોતાની પાછળ સંતાડી દીધો હતો.

અયોધ્યામાં રઘુનાથ બાબાજીએ શ્રી ‘મ’ને ઉપદેશ આપ્યો, ‘ગુરુધામ-ગમન, ગુરુનામ-રૂપ-ચિંતન, ગુરુ- ગુણગાન કરતા રહો.’ શ્રી વૃન્દાવનમાં શ્રી ‘મ’એ ઝુલણનાં દર્શન કર્યાં અને નિધુવનમાં ગંગામાઈ સાથે મુલાકાત. રાસધારીઓના અભિનયે શ્રી ‘મ’ના મનનું હરણ કરી લીધું.

શ્રી ‘મ’ ૧૯૧૨ ઈ.માં શ્રી શ્રીમા સાથે કાશી ગયા. તે અને એનું આગલું વર્ષ શ્રી ‘મ’એ ઉત્તરાખંડમાં તપસ્યામાં વ્યતીત કર્યાં. હરિદ્વાર-કનખલમાં ગંગાતટ પર કુટીરમાં રહીને તપસ્યા કરી, વચ્ચે વચ્ચે એ જ કુટીરમાં સ્વામી તુરીયાનંદ, સ્વામી શિવાનંદ વગેરે ગુરુભાઈઓ સાથે ‘બ્ર્રહ્મચક્ર’ની રચના કર્યા કરતા. એ પછી ગયા હૃષીકેશ. પહેલાં માયાકુંડમાં, પછી સ્વર્ગાશ્રમમાં એક કુટીરમાં રહ્યા. આજે પણ એ કુટીર ભગ્નાવસ્થામાં વિદ્યમાન છે.

શ્રી ‘મ’ની અંદર બરાબર એક તપોવનમાં તપોનિષ્ઠ એક ઉચ્ચશ્રેણીના ઋષિનો નિવાસ રહ્યો. સંપૂર્ણ જીવન તપોવનમાં નિવાસ કરવાની ઇચ્છા શ્રી ‘મ’ના મનમાં પ્રબળ રહી. કલકત્તાના પોતાના નિવાસસ્થાન, મોર્ટન સ્કૂલ અને ‘ઠાકુરવાડી’માં ટબ-કુંડાઓમાં જાતજાતનાં ફૂલ અને ફળોનું વૃક્ષારોપણ કરી રાખતા છત પર. એ સ્થાન પર બેસીને વૈદિક ગુરુગંભીર સૂરો વડે એમના મુખેથી ઉપનિષદ પાઠ સાંભળીને સ્વત : જ મનમાં થતું સત્યયુગના એક ઋષિ એક નવીનરૂપ ધારણ કરીને આવ્યા છે.

ઉપનિષદ્ હતા શ્રી ‘મ’ના પ્રાણ, એના પછી ગીતા. બાઇબલના તેઓ હતા માસ્ટર. અવિરત રીતે સદાય કથાપ્રસંગમાં આ ત્રણેય ગ્રંથોની દેવવાણીની આવૃત્તિ કર્યા કરતા. એમના મુખેથી ક્રાઇસ્ટ વાણીની વ્યાખ્યા સાંભળીને મહોલ્લાના વૃદ્ધ અને આનુષ્ઠાનિક પાદરી ક્રાઇસ્ટભક્ત બસિ મહાશય અવાક્ રહી જતા. શ્રી ‘મ’ સહાસ્ય ઉત્તર આપતા- ઠાકુર અને ક્રાઇસ્ટ એક, આ વાતનો સંકેત કરીને – ‘અમે ક્રાઇસ્ટ સાથે એક જ ઘરમાં રહ્યા હતા ને, એટલે તો એમની વાત જરાક સમજી શકીએ છીએ.’

જે સાધુ થવાના હોય એવા અવિવાહિત યુવકોને શ્રી ‘મ’ શત માતાઓના જેવો હૃદયથી સ્નેહ કરતા. જેમ માતા-પિતા પુત્રને લાયક બનાવ્યા પછી જ નિશ્ચિંત થાય છે, તેમ જ શ્રી ‘મ’ જ્યારે જોતા કે ભક્તોએ શ્રીરામકૃષ્ણને આત્મસમર્પણ કર્યું છે, ત્યારે જ તેઓ નિશ્ચિંત થતા. સાધુસંગ અને સાધુસેવા, પ્રેક્ટિકલ વેદાંત – શ્રી ‘મ’ સાધુ અને ભક્તોને સદા એ જ શીખવતા રહ્યા.

શ્રી ‘મ’ સદાય સાધુભક્તોથી ઘેરાયેલા રહેતા. તેઓ પણ ઠાકુરની જેમ સાધુભક્તોને પોતાના જન જાણતા અને પોતાના જનને પરાયાની જેમ જોતા. શરીર જવા સમયે પણ સેવકો-બ્રહ્મચારીઓને મનાઈ કરી દીધી, ઘરના લોકોને સમાચાર આપવાની. મહોલ્લાના લોકોને સમાચાર આપતાં જ તેઓ આવીને ઉપસ્થિત થયા.

શ્રી ‘મ’ ના બે પુત્ર, બે પુત્રીઓ અને વિશાળ સ્વજન મંડળ. તેઓ સર્વ કર્તવ્યો પૂરાં કરીને પણ પોતાના ઘરમાં રહ્યા જાણે પ્રવાસી, જાણે ધર્મશાળાના પથિક. ઠાકુરના કુળપરિજનો અને શ્રી શ્રીમાના પિતૃકુળ જનોને તેઓ ઠાકુર સમાન જ શ્રદ્ધા આપતા. એમના જન્મસ્થાનવાસીઓને પણ એ જ રૂપમાં જોતા. તેઓ ઠાકુર અને માને અભેદ જાણતા. ગુરુભ્રાતા-ભગિની હતાં ગુરુવત્. બેલુર મઠના બાગનું એક ફણસનું ઝાડ અને દક્ષિણેશ્વરની એક બીલી હતી શ્રી ‘મ’ પાસે- વૈકુંઠનું નિર્માલ્ય.

મોર્ટન સ્કૂલની ચોથા માળની છત અને સીડીવાળો ઓરડો જાણે નૈમિષારણ્ય – સદા ભાગવતકથાથી મુખરિત. નારદઋષિની જેમ શ્રી ‘મ’ શ્રીરામકૃષ્ણ ગુણગાનમાં સહસ્રમુખ થઈ જતા. અન્ય કોઈ પણ પ્રસંગ જો કોઈ ઉપાડતું તો બીજો ન જાણે તેવી રીતે જ શ્રી ‘મ’ તેને એ જ પ્રાણારામ શ્રીરામકૃષ્ણ-અમૃત-સાગરમાં ડૂબકી લગાવડાવી દેતા. શ્રી ‘મ’ની પાસે ક્યારેક પણ કોઈ જો સાધુની નિંદા કરે તો આવી બને – મીઠી બોલીથી એમની આંખોમાં અશ્રુ પ્રવાહિત કરાવી દેતા. શ્રી ‘મ’ કહેતા, ‘દોષે ગુણે માનુષ.’ સાધુમાં જો દોષ હોય તો પણ તે આપણા પ્રણમ્ય. એમની નિંદા કરીને આપણે કોની પાસેથી ઈશ્વરીય વાતો સાંભળીશું ? તેઓ કેટલાય વર્ષો સુધી રોજ ભક્તોને બેલુર મઠ મોકલતા રહ્યા, સવારમાં પ્રથમ સ્ટીમરમાં, સાધુસંગ માટે.

શ્રી ‘મ’ હતા ગુણગ્રાહી રાજહંસ. બીજાઓના દોષદર્શનનું દ્વાર એમના જીવનમાં ચિરકાળથી રુંધાઇ ગયું હતું. જાતિ, વિદ્યા, બુદ્ધિ, રૂપ અને ગુણોનું અભિમાન સમૂળ જ ઉખડી ગયું હતું એમના જીવનમાંથી.

‘કથામૃત’ના પ્રકાશન અને પ્રચાર માટે જ થયો હતો શ્રી ‘મ’ નો જન્મ. પાંચમો ભાગ લખવાનું કાર્ય પૂરું થયું રાત્રે નવ વાગે, ત્યાર પછી જ સ્નાયુશૂળ વેદના અવગણીને રાજહંસવત્ ગીત ગાતા ગાતા ‘गुरुदेव मा, कोले तूले नाओ’ (ગુરુદેવ મા, ખોળામાં લઈ લો) – શ્રીરામકૃષ્ણ-ગતપ્રાણ શ્રી ‘મ’ મહાસમાધિમાં પ્રવેશ કરી ગયા, ૪ જૂન, ૧૯૩૨ ઈ., શનિવાર ફળહારિણી કાલીપૂજાના અંતમાં, અમાસ તિથિ અને રોહિણી નક્ષત્રમાં.

એકવીસ દિવસ પૂર્વે જ શ્રી ‘મ’ ‘દુર્ગા’ કહીને યાત્રા કરીને બેઠા હતા અને પ્રાણ ઓગાળીને ગાયંુ હતું મૃત્યુંજયી વિદાય સંગીત :

‘आनि अभय पदे प्राळ संपेछि
आर की यमेर भय रेखेछि’

મેં અભય-પદમાં પ્રાણ સમર્પણ કર્યા છે, હવે યમનો ભય નથી. (ક્રમશ 🙂

Total Views: 365

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.