ભાગવતમાં કહ્યું છે કે ભક્તિ શાન્તભક્તિ હોય કે પ્રીતિભક્તિ હોય, પણ ગંગાનો ધસમસતો પ્રવાહ જેમ સાગરને મળવા દોડે છે, તેમ મન ભગવાન પ્રત્યે સ્વાભાવિક અને અનવરુદ્ધ ગતિએ ધસ્યે જાય ત્યારે જ ભક્તિ દૃઢમૂલ થઈ ગણાય – આ દૃઢમૂલતા જ ભક્તિસાધનાની અંતિમ ફલશ્રુતિ છે. અને એટલા માટે એને ‘પરાભક્તિ અથવા સાધ્યભક્તિ’ કહેવામાં આવે છે.

જન્મ-જન્માન્તરના ભવચક્રમાં ભટકતા જીવની સુદીર્ઘ વિકાસપ્રક્રિયાની એ અંતિમ ઉપલબ્ધિ છે, પ્રાથમિક ભક્તિસાધનાઓના સખત પરિશ્રમનું એ પરિણામ છે. સામાન્ય રીતે આ પ્રાથમિક ભક્તિસાધનાને ‘સાધન-ભક્તિ (અનુશાસન પ્રમાણે કરવામાં આવતી ભક્તિ) અથવા તો વૈધી ભક્તિ (શાસ્ત્રાજ્ઞાનુસાર કરવામાં આવતી ભક્તિસાધના) તરીકે ઓળખાવવામાં આવે છે.’ ભાગવત કહે છે કે બધી જ સંનિષ્ઠ આધ્યાત્મિક સાધનાઓ ભક્તિયોગના જ વિભાગો છે, કારણ કે ભગવાને ખુદ કહ્યું છે કે કેવળ ભક્તિ દ્વારા જ મને પામી શકાય છે. નૈતિકતા, સત્યપાલન, ધાર્મિકતા વગેરે સદ્ગુણો ભલે તે તે રૂપે સારા છે, છતાં ભક્તિવિહીન આત્માને તે સંપૂર્ણ રીતે શુદ્ધ કરી શકતા નથી. પોતાની બધી મલિનતાઓને ખંખેરીને માનવ-આત્માનું સુવર્ણ ત્યારે જ પ્રકાશી ઊઠે છે કે જ્યારે એને ભક્તિની અગ્નિભઠ્ઠીમાં નાખવામાં આવે.

આમ છતાં ભાગવતે જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ એમ યોગ-સાધનાના ત્રણેય ભેદો સ્વીકાર્યા તો છે જ. કેટલીક વાર ભાગવત કર્મયોગને જ્ઞાનયોગ અને ભક્તિયોગની પ્રાથમિક ભૂમિકા સમાન લેખીને કેવળ બે જ યોગોનો ઉલ્લેખ કરે છે. ત્યાગની ઉચ્ચતમ કક્ષાએ પહોંચેલા સંન્યાસીઓ માટે જ્ઞાનયોગ વર્ણવ્યો છે, કામનાઓથી ખેંચાતા લોકો માટે કર્મયોગ ઉપયુક્ત ગણાયો છે. અને ભાગ્યવશાત્ ભગવાનના ગુણાનુવાદની ગરિમા સાંભળીને જે લોકો ભગવાન તરફ તીવ્ર આકર્ષણ થતું અનુભવે તો છે, છતાં ત્યાગ કરવાની યોગ્યતા પૂરેપૂરી ધરાવતા હોતા નથી તેમને માટે ભક્તિયોગની ભલામણ કરવામાં આવી છે. (ભાગવત ૧૧-ર૦-૭,૮) પરન્તુ આનાથી ભાગવત ભક્તિનું અવમૂલ્યન કરતું નથી. ભાગવત તો ભક્તિને જીવ માટે સાધ્ય ઉચ્ચતમ પુરુષાર્થ તરીકે માને છે તેમજ જ્ઞાનયોગ દ્વારા મુક્તિ ઝંખતા સાધક માટે પણ ભક્તિને અનિવાર્ય લેખે છે કારણ કે ભાગવતમાં એવું કહ્યું છે કે શ્રદ્ધા અને ભક્તિના પ્રકાશક પ્રભાવ વગર કેવળ બૌદ્વિક પ્રયત્નોના જોરે ભાવાત્મક સત્યને પામવું, એ તો ફોતરાં ફોલીને તેલ કાઢવા જેવો નિરર્થક-નિષ્ફળ પરિશ્રમ જ છે. (ભાગવત ૧૦/૧૪.૪) ઉચ્ચતર બૌદ્ધિક કક્ષાવાળી અને ઓછી ભાવુકતાવાળી ભક્તિ જ જ્ઞાનયોગ કહેવાય છે. ઈશ્વર તરફના પ્રેમનું બૌદ્ધિક સ્વરૂપ અને એમાં ભળી જવું, એ જ જ્ઞાનયોગ છે. જ્ઞાની ભગવાનને પોતાના જ ઉચ્ચતર આત્મસ્વરૂપ તરીકે લેખે છે અને પોતાના હું દ્વારા એની સાથેનું ઐક્ય ઝંખે છે. આવી સાધના માટે ત્યાગ અને અનાસક્તિની ઉચ્ચતર કક્ષાની પ્રબળતા શરૂઆતથી જ હોવી જરૂરી છે. પરન્તુ પહેલાં કહ્યા મુજબ આ બાબતમાં ઓછી યોગ્યતા ધરાવનાર માણસ પણ ભક્તિની સાધનાનો આરંભ કરી શકે છે. વળી, જ્ઞાનની સાધના કરનાર પોતાની શક્તિ ઉપર જ આધાર રાખે છે, જયારે ભક્તિની સાધના કરનાર તો હંમેશાં ભગવાનના પીઠબળે જ આગળ વધે છે, ભગવાન પાસે એ વ્યક્તિગત સંબંધ જોડીને જાય છે અને ભગવાન પણ એને નિયમાનુસાર પ્રતિસાદ આપતા રહે છે. એટલે જ શ્રીકૃષ્ણ કહે છે : મારો સન્નિષ્ઠ -સાચૂકલો ભક્ત ભલે કોઈક વાર ઇન્દ્રિયોના વિષયોને તાબે થઈ જતો હોય તોપણ ક્યારેય નષ્ટ થતો નથી, એને મારી ભક્તિના પ્રતાપનું પીઠબળ હોય છે. (ભાગવત, ૧૧ /૧૪/૧૮) ભાગવતના કહેવા મુજબ આ ભક્તિસાધના ભક્તમાં કેટલીક પ્રાથમિક ઊણપો હોવા છતાંય એનામાં સાંસારિક વિષયો પ્રત્યેની અનાસક્તિ અને ઈશ્વરજ્ઞાન એ બન્ને પ્રકારની આધ્યાત્મિક ઉત્ક્રાન્તિની પ્રક્રિયાઓ સમાનન્તરે અને સ્વાભાવિક રીતે જન્માવે છે. આમ, આ ભક્તિસાધનાને ખાધેલા અન્નપિંડ સાથે સરખાવાઈ છે. એ ખાધેલ અન્નપિંડ પણ એકીસાથે ક્ષુધાશાન્તિ, શરીરબળ અને ખાવાનો આનંદ સહજ રીતે આપે છે ને !

રાજયોગ અને કર્મયોગ વિશે વાત કરીએ તો તે ફક્ત આ ભક્તિયોગની સાધનાના હેતુને જ પુષ્ટ કરે છે. રાજ્યોગમાં આંતરિક ધારણા કરવાની પદ્ધતિસરની તાલીમનો સમાવેશ થાય છે. આવી ધારણા ભક્તિભાવને દૃઢમૂલ બનાવવામાં ભારે મદદગાર નીવડે છે અને તે દ્વારા મનનું ભગવાનમાં ધીરે ધીરે ધારાવાહિક ધ્યાન શક્ય બને છે. કર્મ વિશે કહેતાં ભાગવત જણાવે છે કે એનું મહત્ત્વ ભક્તિસાધનાના પ્રાથમિક સ્તરોએ છે. વેદોમાં તરેહ તરેહનાં કર્મો અને વિધિવિધાનો વર્ણવાયાં છે. કેટલાંક નિત્યકર્મો છે, તો કેટલાંક આ લોક કે પરલોકમાં માણસની કામનાઓ પૂરી કરવા માટેનાં છે, તો વળી કેટલાંક કર્મો સમાજના સભ્ય તરીકે માનવે પોતાની ફરજ બજાવવા માટેનાં પણ છે. આ બંને પ્રકારનાં કર્મોને ધર્મ એવું પારિભાષિક નામ આપવામાં આવે છે. ભાગવત માને છે કે આ બધા પ્રકારનાં કર્મોને જો ધર્મનું પવિત્ર નામ આપવું હોય, તો એ ત્યારે જ આપી શકાય કે જયારે એ કર્મો માનવમાં ભક્તિભાવને પ્રેરી શકે. જો એ કર્મો માણસને ભક્તિ તરફ ન પ્રેરણાં હોય તો એ નકામાં અને નિરર્થક પ્રયત્નો જ છે. એટલે વેદોના કર્મકાંડ વિભાગમાં કર્મોનું યથાવિધિ અનુષ્ઠાન કરવાથી જે સ્વર્ગીય સુખોનું સમૃદ્ધ ફળ બતાવેલું છે, તેને ભાગવત કેવળ પ્રશસ્ત-અપવાદરૂપે જ ગણે છે; એ કેવળ ઇન્દ્રિયજન્ય સુખો તરફ આકર્ષવાનાં પરોક્ષ સાધનો જ છે. જેમ બાળકોને દવા પિવડાવવા સમજાવવા માટે મીઠાઈ વગેરેની લાલચ આપવામાં આવે છે તેમ આ કર્મો તરફ પ્રેરવાનો તેનો હેતુ છે. કર્મોનો ખરો અને અંતિમ હેતુ તો માનવને અનાસક્તિપૂર્વક અને ઈશ્વરપ્રીત્યર્થે પોતાની સાંસારિક ફરજો બજાવવા માટે વૈદિક કર્મો કરવા માટે પ્રેરિત કરવાનો જ છે. જો આવી રીતે કર્મો કરવામાં આવે, એટલે કે બીજા શબ્દોમાં ધર્મ આચરવામાં આવે તો એ ‘કર્મયોગ’ બની જાય છે. અર્થાત્ સમર્પિત કર્મો દ્વારા ઈશ્વરસાન્નિધ્ય પ્રાપ્ત થાય છે અને એ રીતે એ ભક્તિની સાધનાનું એક અવિભાજ્ય અંગ બની રહે છે.

શ્રદ્ધા, રતિ અને ભક્તિનાં સોપાનો

ભક્તિના ઉદ્ભવ અને વિકાસ વિશે ભાગવત નીચે પ્રમાણેનાં ત્રણ સોપાનો ગણાવે છે : ‘સત્પુરુષોના સતત અને સઘન સાન્નિધ્યમાં રહેવાથી અને ભગવાનના ગુણાનુવાદો વિશે તેમના ઉપદેશો સાંભળવાથી માનવમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા, રતિ અને ભક્તિનો ઝડપી વિકાસ થાય છે.’ (ભાગવત, ૩/ર૫/ર૫) આ ભક્તિ, તે પહેલાં દર્શાવેલી ‘સાધ્યભક્તિ’ (પરિપક્વ અને સુસ્થિર ભક્તિ) જ છે. બાકીનાં બે શ્રદ્ધા અને રતિનાં વિકાસસોપાનો અને તે માટે કરવી જોઈતી એની અંગભૂત ભક્તિ-સાધનાઓ હવે પછી ચર્ચીશું. અસંખ્યજનો ઈશ્વરમાં પોતાની શ્રદ્ધા હોવાનું કબૂલે તો છે; પણ એ સ્વીકાર લગભગ માત્ર ઔપચારિક અને વાતો કરવા પૂરતો જ હોય છે. એ કંઈ તેમને ઈશ્વરપ્રેમ અને જ્ઞાન માટે કામ કરવાની આંતરિક પ્રેરણાથી તરબોળ કરીને ઉદ્યત કરી શકતો નથી- જેમનાં જીવન અને રોજબરોજના વર્તન ઉપર ઈશ્વરપ્રેમ અને આધ્યાત્મિક અનુભૂતિઓની સબળ છાપ ઊઠેલી હોય, તેવા લોકોના સતત સંપકમાં માણસ રહે, તો જ એને સર્વસ્વનો ત્યાગ કરીને પણ ઈશ્વર અને આધ્યાત્મિક જીવન શ્રેષ્ઠ ઉપાદેય લાગે છે. આ એક પ્રકાશે અન્ય દીવડા પેટાવી શકાશે એટલા માટે ભાગવત કહે છે કે સત્પુરુષોનો સંગ અને તેમની પાસેથી ઈશ્વરનું અને ઈશ્વરના ગુણોનું શ્રવણ એ એકમાત્ર એવું તત્ત્વ છે કે જે માનવહૃદયમાં સન્નિષ્ઠ શ્રદ્ધાનાં અજવાળાં પાથરે છે.

સાચી ભક્તિનું પ્રથમ સોપાન આ શ્રદ્ધા એ મનની એવી સ્થિતિ છે કે જેમાં આધ્યાત્મિક મૂલ્યને બીજા કોઈ મૂલ્ય કરતાં પાયાના મૂલ્ય તરીકે સ્વીકારવામાં આવે છે અને માનવ એને માટે પોતાનું બધું જ છોડી દેવા અને એને જ પ્રાપ્ત કરવા તત્પર બને છે. શ્રદ્ધા જગાડવામાં સાધુસંગ જે મહત્ત્વનો ભાગ ભજવે છે, તે બધાં જ શાસ્ત્રો દ્વારા પ્રમાણિત થયેલું છે.

જે શ્રદ્ધાવાન માનવ એના પછીનાં ભક્તિનાં બંને સોપાનોનો- ‘રતિ’નો અને ‘ભક્તિ’નો વિકાસ કરવા ઇચ્છતો હોય, તેને માટે ભાગવતે એક સાધનાની પ્રક્રિયા વર્ણવી છે, એને ‘ભાગવતધર્મ’ કહેવામાં આવે છે. ભાગવતનો દાવો છે કે એનું અનુસરણ દરેક નિષ્ઠાવાન માણસ કરી શકે છે. વેદોમાં અને યોગશાસ્ત્રમાં દર્શાવેલી સાધનાઓ કરતાં આ માર્ગ ઘણો સરળ અને પ્રયોગક્ષમ છે, એવો દાવો કરવામાં આવ્યો છે. ભાગવત કહે છે કે ‘વેદો અને શાસ્ત્રો ન જાણતા સાધકો માટે ભગવાને પોતાને પ્રાપ્ત કરવા માટેનો આ ‘ભાગવત ધર્મ’ નામનો સરળ માર્ગ બતાવ્યો છે.’ વળી, ભાગવત કહે છે : ‘આ માર્ગને અનુસરનાર માણસની કદી અવનતિ થતી નથી; એ ભલે આંખો બંધ કરીને આ માર્ગે દોડે, તોપણ એના પગ ક્યાંય લથડતા નથી, અને તે નીચે ગબડી પડતો નથી. ભક્ત પોતાના શરીર, મન, બુદ્ધિ અને ચેતનાથી જે કંઈ કરે, ભલે એ ફક્ત શાસ્ત્રોએ ફરમાવેલી ફરજો જ ન હોય, ગમે તે પ્રકારનાં તેને માટેનાં સ્વાભાવિક કાર્યો હોય, તે બધાં જ કાર્યો તેણે નારાયણને સમર્પિત કરીને પવિત્ર કરી દેવાં જોઈએ.’ (ભાગવત, ૧૧-૨ -૩૪,૩૬)

નવધા ભક્તિની વિશિષ્ટ સાધના

ઉપરનાં વિધાનોની પૂર્તિ રૂપે કેટલીક વધુ સીધી ભક્તિસાધનાઓ પણ અન્ય સ્થળોએ ગણાવવામાં આવી છે : ‘ભગવાન વિષ્ણુના સામર્થ્ય, ગુણો અને યશનું શ્રવણ કરવું, તેમનાં નામ અને સ્તોત્રોનું કીર્તન કરવું, તેમનું સતત સ્મરણ કરવું, એમનું પાદસેવન કરવું, એમનું પૂજન -અર્ચન કરવું, એમને વંદન કરવું, એમના દાસ થઈને રહેવું, એમની સાથે સખ્ય-સખાભાવ કેળવવો અને એમને સંપૂર્ણ આત્મનિવેદન-સંપૂર્ણ રીતે શરણે જવું-ગુરુ પાસેથી યોગ્ય સૂચનો મેળવેલા મનુષ્યોએ વિષ્ણુની આ નવધા ભક્તિની સાધના કરવી જોઈએ. (ભાગવત, ૭/ ૫/ ૨૩ -૨૪)

ભક્તિસાધનાનું સારતત્ત્વ આ ઉપરના શ્લોકમાં આપવામાં આવ્યું છે. ઉપર બતાવેલી નવધા ભક્તિની આ સાધનાઓ એક વિશિષ્ટ પ્રકારની ભક્તિસાધનાઓ છે અને એ બધી સાધનાઓમાં આગળ દર્શાવેલી ઈશ્વરસમર્પણબુદ્ધિથી પોતાની ફરજો બજાવવાની સાધના સામાન્ય છે. બધી સાધનાઓમાં એ અનુસ્યૂત છે. ભક્તિમય જીવનનાં બધાં જ સોપાનોમાં એનું આચરણ કરતા રહેવું, એવું એનું મહત્ત્વ છે. નવેય પ્રકારની ભક્તિસાધનાઓમાં એનું પાલન આવશ્યક છે, કારણ કે એનાથી ચિત્તશુદ્ધિ થયા વગર બાકીની સાધનાઓ કશી અસર ઉપજાવી શકતી નથી. જેટલે અંશે માનવમન વિશુદ્ધ હશે અને જેટલે અંશે માણસ પોતાની સાધનામાં પૂર્ણ નિષ્ઠાવંત હશે, તેટલે અંશે જ એને ભક્તિસાધનાની આ ક્રિયા ફળ આપી શકશે. કીર્તન, ઉપદેશશ્રવણ, સ્તોત્રપાઠ, પવિત્ર મૂર્તિઓની પૂજા-અર્ચા વગેરે દ્વારા ભક્તિનો દેખાવ કરવાનું તો માણસ માટે પ્રમાણમાં ઘણું સહેલું છે પણ ભગવદ્ગીતાના કહેવા મુજબ જો તે આસુરી સંપત્તિવાળો હશે; લોભ, કામનાઓ અને હિંસાથી ઉન્મત્ત થયેલો હશે તો એ બધું સાવ નકામું જ થઈ જશે. એટલે આ આસુરી તત્ત્વ સામે સંગ્રામનાં મંડાણ સાધકમાં થાય, એ પાયાની બાબત છે. એ પાયા પર જ ભક્તિમય જીવનનો મહેલ ચણી શકાય છે. એ બધું પોતાનાં કર્મો અને કર્મફળોને પૂરા હૃદયથી ઈશ્વરાર્પિત કરી દેવાથી થાય છે. જો સર્વે કર્મો ઈશ્વરને અર્પણ કરી દેવામાં આવે તો મનમાં સાચી શ્રદ્ધા ધરાવનાર સાધક અનૈતિક કાર્યોથી દૂર રહેવાનો જ હંમેશાં સજાગ પ્રયત્ન કરશે- કારણ કે કોઈ કલંકિત, મલિન લોભલાલચવાળું કર્મ તો ઈશ્વરને અર્પણ થઈ જ કેમ શકે ? શરીરાત્મબુદ્ધિ ધરાવતા માણસ માટે ભૌતિક મૂલ્યો, બીજા બધા મૂલ્યપ્રકારો કરતાં સાવ સાચાં છે એવા મનુષ્યને શાસ્ત્રવિધિ પ્રમાણેની પૂજા કે માનસિક પૂજા-પ્રાર્થના કંઈ એટલાં તો સંતર્પક ન જ નીવડી શકે કે જેટલાં આ સઘળાં જ ભૌતિક કર્મો ઈશ્વરાર્પિત થઈને સંતર્પક બની રહે ! દયા, દાન અને દમને ઉપનિષદમાં અનુક્રમે અસુર, માનવ અને દેવોના નૈતિક સાધનાની ગુરુચાવી તરીકે વર્ણવ્યાં છે. દરેક મનુષ્યમાં આ ત્રણેય હોય જ છે. એટલે આસુરી પ્રકૃતિ સામે સંગ્રામ માંડવા માટે ભૌતિક પૂજાની સામગ્રી જરૂરી છે. આ સામગ્રી-ઉપકરણ સર્વકર્મોનું સમર્પણ, સાથીજનોની સેવા, દાનપુણ્ય, વ્રતઉપાસના, તપશ્ચરણ વગેરે છે. કર્મ-સમર્પણના ઘણા લાંબા સમય પછી જ ભક્તિભાવનાનાં મૂળ બંધાય છે. આ સાધનાની કોઈ સમયમર્યાદા નક્કી કરાયેલી નથી. જ્યાં સુધી માણસમાં ઇન્દ્રિયવિષયો પ્રત્યેની અનાસક્તિ વિકસિત ન થઈ જાય અને દિવ્ય ધ્યાનમાં આનંદ પામવાનું ન શરૂ કરે ત્યાં સુધી તો એણે ઓછામાં ઓછું કર્તવ્ય કર્મો અને સાથી સંબંધીઓની સેવા વગેરે કર્મો કરવાં જ જોઈએ. ગીતાના કહેવા પ્રમાણે ખરી રીતે તો આવાં કર્મો માણસે જીવનભર આચરવાં જ જોઈએ.
(‘શ્રીમદ્ ભાગવત કથા’ પુસ્તકમાંથી)

Total Views: 357

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.