ગતાંકથી આગળ…

મારે મારી જાતનું પરીક્ષણ બધા પ્રકારની સ્થિતિઓમાં અને બધી કિંમતે કરવું જ હતું, તેથી મેં નિર્ણય કર્યો કે ૨૯ કિ.મી.નું અંતર એક જ દિવસમાં હું પાર કરું. સવારે ૬ વાગ્યે મેં નીચે ઊતરવાનું શરૂ કર્યું અને ૪ વાગતાં સુધીમાં હું ભુખ્ખીની રોડ પહોંચી ગઈ. ઘણાને આ આશ્ચર્યજનક સિદ્ધિ લાગી. આજે પણ મને કેટલાક પર્વતારોહીઓ મળે છે, જેમને મનાવવા પડે છે કે મેં એક જ દિવસમાં૨૯ કિ.મી.નું અંતર પાર કરેલું. ભુખ્ખીની રોડથી મેં જોયું કે સાહેબ ટૅક્સી કરીને મારી રાહ જોતા હતા. સહેજે વખત ગુમાવ્યા વિના અમે એ જ રાત્રે હરિદ્વારા જવા રવાના થયાં.

હરિદ્વાર કે દહેરાદૂનની આ માર્ગે રાત્રે મુસાફરી કરવી જોખમી ગણાતી હતી. અમને ઘણે ઠેકાણે રોકવામાં આવ્યાં અને અમારે અમારા હેતુની વાત કરવી પડી અને ત્યાર પછી જ અમને આગળ મુસાફરી કરવાની પરવાનગી મળતી. અમે રાત્રે ૨ વાગ્યે હૃષીકેશ બસ સ્ટેશને પહોંચ્યાં અને સમય ન ગુમાવવા માટે અમે તરત જ દિલ્હી જવા રવાના થયાં. સવારે ૯ વાગ્યે અમે સી.આઈ.એસ.એફ.ના દિલ્હીના મુખ્ય મથકે પહોંચ્યાં. મારા પગનો આભાર કે હવે હું એક રેકાૅર્ડ થાય તેમ ૨૭ કલાકની સતત અને ક્યાંય રોકાયા વિનાની મુસાફરી કરીને દિલ્હી પહોંચી હતી !

ત્યાંના ડી.આઈ.જી. મને જોઈને હેરત પામ્યા. તેમને માંડ ૨૭ કલાક અગાઉ જણાવવામાં આવેલું કે હું તો ઉત્તરકાશીના હિમછાયા પર્વતોમાં ક્યાંક છું. તે અધિકારી પોતે એક પર્વતારોહક હતા અને તેથી તેમનેય મારી વાત માનવી મુશ્કેલ જણાઈ. અમારી વાતના સમર્થન માટે તેમણે એન.આઈ.એમ.ના આચાર્ય સાથે પણ વાત કરી ત્યારે તેઓ ખૂબ જ ચકિત થયા. પણ આ પહેલાં સાહેબે જે ઈ-મેઈલથી ઇન્ટરવ્યૂ મોડો કરવાની વિનંતી કરેલી તે અનુસાર હવે એ માટે એક અઠવાડિયા પછીની તારીખ મારે માટે ગોઠવાઈ હતી. અમારે હવે પાછાં વળી જવા સિવાય કોઈ બીજો વિકલ્પ ન હતો.

તે સવારે અમે દિલ્હીથી બસમાં ૧૦ વાગ્યે બેઠાં અને તે જ દિવસે સાંજે ૬ વાગ્યે હૃષીકેશ પહોંચ્યાં. અમે ફરીથી ઉત્તરકાશીની ટૅક્સી કરી અને તે રાત્રે લગભગ ૩ વાગ્યે એન.આઈ.એમ. પહોેંચ્યાં. પહેલાં જે નહોતી લઈ શકી તે લેખિત પરીક્ષા મેં તે દિવસે સવારે આપી. મને એ સાંભળીને નવાઈ લાગી કે જે સ્વસ્થ સ્ત્રી-પુરુષો ૧૬૦૦૦ ફૂટની ઊંચાઈએ ચડવા ગયાં હતાં તેઓ પાછાં નહોતાં આવ્યાં, જ્યારે હું એટલા સમયમાં તો છેક દિલ્હી જઈને પાછી ફરી ગયેલી !

આચાર્યે કહ્યું કે તે લોકો ૨ કલાક પછી પાછા ફરશે. બીજે દિવસે તાલીમની વિધિમાં મેં ભાગ લીધો અને ટાટા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશન જવા નીકળી. અહીં મેં મારું સામાન્ય સમયપત્રક શરૂ કર્યું- પહાડ ચડવો અને ઊતરવો. બીજા એક મહિનાની મેં આ તાલીમ લીધી. બચેન્દ્રી પાલની સલાહ મુજબ હું ગૌમુખ સુધી જઈ આવી કે જ્યાંથી ગંગા નદીનો પ્રવાહ શરૂ થાય છે.

એ પ્રવાસ રસપ્રદ રહ્યો. અમારા ગાઇડની સાથે અમે સવારે ૪ વાગ્યે રવાના થયાં અને બપોરે ૨ વાગ્યે ગંગોત્રી પહોેંચ્યાં. અમે સતત ચાલ્યાં હોવાથી થોડો આરામ કર્યો, પણ ગાઇડની ઇચ્છા હતી કે ચાલતાં રહીએ. ગાઇડ જે શરતો મૂકતા તે અમને પસંદ ન પડી. પણ પહાડોમાં ગાઇડ જ માલિક અને પ્રબંધક હોય છે. તેની વાત સાંભળવી એ શાણપણ રહે છે. એટલે દુ :ખાવા અને છાલાંને અવગણીને પણ હું ચિરબાસા સુધી ચાલતી રહી. આ વખતે સાંજના ૭ વાગી ગયા હતા. ભોજબાસાના બેઝ કૅમ્પ સુધી જવા હજી બીજા ૬ કિ.મી. જેટલો રસ્તો બાકી હતો, જ્યાં અમારે રોકાવાનું હતું.

પણ હવે ગાઇડ પણ આ સ્થળે પ્રવાસ રોકવા સંમત થયા. જો કે તેમણે કહ્યું કે ચિરબાસામાં કોઈ જાતની સગવડો નથી. અમે રાત રોકાવા માટે જગ્યા શોધવાનો સંઘર્ષ કરવા લાગ્યાં, ત્યાં જંગલખાતાના એક સબઇન્સ્પેક્ટરે અમને કહ્યું કે નંગુબાબા નામે એક ચીડકણો સાધુ જે ગંગા કિનારે રહેતો હતો તે અમને કદાચ રાત માટે છતની સગવડ કરી આપી શકે. ‘એ એક રહસ્યમય સાધુ છે. જો તમે સદ્ભાગી હશો તો તમે તેમની ગુફામાં એક રાત વિતાવી શકશો, જ્યાં તેમણે થોડી ઘણી વ્યવસ્થા કરેલી છે.’ સાધુને શોધવા અઘરા ન હતા. નંગુબાબાએ અમને ખુશીથી આવકાર્યાં, ‘અરુણિમા, મારી પાસે તમને આપવા માટે કશું નથી. તમને ઇચ્છા હોય તો આ ગુફામાં ખુશીથી રહો. મારી પાસે થોડો લોટ છે તેમાંથી તમારે માટે હું ચપાટી બનાવી લઉં.’ અમારા ત્રણ માટે તેમણે છ રોટલીઓ બનાવી અને થોડા ગોળ સાથે અમને આપી. એ સંત વિશે કશુંક દિવ્ય હતું. એમણે આપી તે સાદી રોટલીઓનો સ્વાદ અદ્‌ભુત હતો! એ ભોજન પછી એ અંધારી ગુફામાં બને તેટલી સગવડ કરીને અમે સૂતાં. બહાર વાતાવરણ ખરાબ થવા લાગ્યું હતું. જાણે આકાશ ખૂલી ગયું હોય તેમ ભારે હિમવર્ષા થતી અનુભવી. અમને વધુ ઠંડી લાગી. પાછળથી વહેતાં ગંંગામાતા પણ મોટા અને ડરામણા અવાજો કરતાં જણાયાં.

અમે નંગુબાબાને હાક મારી, પણ તેઓ ક્યાંય ન દેખાયા. અમે તેમને ઘણી વખત બોલાવ્યા પણ કોઈ જવાબ ન મળ્યો. ટાઢ અને ભયથી અમે આખી રાત જાગતાં જ રહ્યાં.

બીજે દિવસે વહેલી સવારે અમે લગભગ ૪ વાગ્યે ભોજબાસા જવા નીકળ્યાં ત્યારે અમારું ધ્યાન ભગવાન શિવના નામનો કોઈ જપ કરતું હોય તે તરફ ગયું. એ નંગુબાબા જ હતા. તેઓ તો નદીના થિજાવી દેતા ટાઢા પાણીમાં ઊભા રહીને ‘ૐ નમ : શિવાય’ નો જાપ કરતા સ્નાન કરી રહ્યા હતા ! અહીં અમે તો માથાથી પગ સુધી ગરમ કપડાંમાં ઢબૂરાયેલાં હતાં, ત્યારે એ કડકડતી ઠંડી જાણે પહાડના એ સંતને સહેજે અસર નહોતી કરતી ! હું તેમની પાસે ગઈ અને હવે રવાના થવા માટે રજા માગી. બાબાએ સ્મિત કર્યું અને કહ્યું, ‘સારું, પાછાં ફરતાં મને મળજો.’ હવે અમે એ ૬ કિ.મી.નું અંતર કાપવા સતત સાત કલાક ચાલ્યાં અને સવારે ૧૧ વાગ્યે ભોજબાસા પહોંચ્યાં. આ પછી અમારે લગભગ ૪ કિ.મી. પછી આવતું સ્થળ- ગોમુખ- જવાનું હતું. થોડો આરામ કરવાની અમારી વિનંતીને ફરી ગાઇડે ફગાવી દીધી. વાતાવરણ ખાસ સારું ન કહેવાય. વફાદાર સૈનિકોની જેમ અમે ગોમુખ જવા રવાના થયાં અને લાલબાબા નામના એક બીજા પહાડી સંત પાસે અમારી ચીજો સાચવવા મૂકી. લાલબાબા ભોજબાસાના એક મંદિરના મુખ્ય મહંત હતા.

Total Views: 282

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.