જરાસંધ સાથે યુદ્ધ

કંસને બે રાણીઓ હતી. એકનું આસ્તિ અને બીજીનું નામ પ્રાપ્તિ. પતિના મૃત્યુ પછી એ બન્ને પોતાના પિતા મગધરાજ જરાસંધ પાસે ચાલી ગઈ. જરાસંધ અત્યંત શક્તિશાળી અને અત્યાચારી શાસક હતો. જ્યારે તેણે પોતાની પુત્રીઓના વૈધવ્યનું કારણ જાણ્યું-સાંભળ્યું ત્યારે તે અત્યંત ક્રોધિત થઈ ગયો. તેણે માત્ર કૃષ્ણનો જ નહીં, પરંતુ સમગ્ર યદુવંશનો સમૂળ નાશ કરવાનો સંકલ્પ કર્યો. તેણે મથુરા પર આક્રમણ કરવા હજારો રથ, ઘોડા, હાથી તથા પાયદળ સૈનિકોની વિશાળ સેના તૈયાર કરી. અને તરત જ મથુરાને ચારે બાજુએથી ઘેરી લીધી. જરાસંધની વિશાળ સેનાને જોઈને મથુરાવાસીઓ તો અત્યંત ભયભીત થઈ ગયા, પરંતુ શ્રીકૃષ્ણ તો શાંત જ રહ્યા. આ ધરતીનો ભાર ઉતારવો એ જ એમનો મુખ્ય ઉદ્દેશ હતો.

એમણે જરાસંધની સમગ્ર સેનાનો વિનાશ કરવાનો નિર્ણય કર્યો. શ્રીકૃષ્ણ આવો વિચાર કરી રહ્યા હતા ત્યાંજ આકાશમાંથી સૂર્ય સમાન ચમકતા બે રથ આવી પહોંચ્યા. એ દિવ્ય રથ પર ભગવાનનાં બે દિવ્ય અને સનાતન શસ્ત્ર પણ રાખ્યાં હતાં. બલરામજીનાં અસ્ત્રશસ્ત્રોથી સુસજ્જિત રથને જોઈને શ્રીકૃષ્ણે બલરામજીને કહ્યું, ‘ભાઈ, બધાં શસ્ત્રોથી સુસજ્જિત આ આપનો રથ આપની સેવામાં હાજર છે. મથુરા આ સમયે સંકટમાં છે. કૃપા કરીને આ રથ પર સવાર થાઓ અને શત્રુઓનો સંહાર કરવાનું આરંભી દો. હું બીજા રથ પર સવાર થઈને આપની પાછળ પાછળ આવીશ. આપણા પોતાના જન્મ લેવાનો ઉદ્દેશ તો આપ જાણો જ છો. આપણે બન્ને મળીને શત્રુની આ વિશાળ સેનાનો નાશ કરીશું.’ બલરામજી અને શ્રીકૃષ્ણે કવચ ધારણ કર્યાં અને પોતપોતાનાં શસ્ત્રો લઈને રથ પર સવાર થયા અને મથુરાથી નીકળ્યા. એક નાનું એવું સૈન્ય એમની સાથે સાથે ચાલતું હતું. નગરમાંથી બહાર નીકળીને શ્રીકૃષ્ણે પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો.

શંખનો ભયંકર ધ્વનિ સાંભળીને શત્રુપક્ષના સૈનિકો થરથર કાંપવા લાગ્યા. શ્રીકૃષ્ણ અને બલરામજીને જોઈને જરાસંધે કહ્યું, ‘હે અધમ પુરુષ કૃષ્ણ ! તું તો હજી નાનકડો બાળક છો. તારી સાથે લડવામાં મને શરમ આવે છે. આટલા દિવસો સુધી તું કોણ જાણે ક્યાં ક્યાં છાનોમાનો ફરતો હતો. તું તો તારા પોતાના મામાનો હત્યારો છે. એટલે હું તારી સાથે લડી ન શકું. બલરામ ! જો તું પોતાની જાતને મારી સાથે યુદ્ધ કરવા લાયક ગણતો હો તો આગળ વધ ! કાં તો તું મારા બાણોથી વિંધાયને આ દેહ છોડીને સ્વર્ગે સિધાવ અથવા તારમાં તાકાત હોય તો મને મારી નાખ.’ આ બધું સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું, ‘હે જરાસંધ ! જે શુરવીર હોય છે, તે તમારી જેમ આવી હવાઈ વાતો કરતા નથી. તેઓ તો પોતાનાં બળ અને પૌરુષને જ દેખાડી દે છે. હવે તમારું મૃત્યુ તમારા માથે મંડરાઈ રહ્યું છે, એટલે તમે આવી રીતે બકબક કરો છો.’

યુદ્ધનો આરંભ થયો. શ્રીકૃષ્ણ બલરામજીને જરાસંધની અપાર સેનાએ ચારેબાજુએથી ઘેરી લીધા. અને એમનું પોતાનું સૈન્ય પણ નજરે દેખાતું ન હતું. મથુરા નગરની સ્ત્રીઓ પોતાના મહેલોની અટારીઓ અને છજ્જા પર ચડીને આ ભયાનક અને અદ્‌ભુત યુદ્ધને નિહાળી રહી હતી. પરંતુ જ્યારે એમણે શ્રીકૃષ્ણ અને બલરામજીના રથ ન જોયા, ત્યારે એમાંથી કેટલીક સ્ત્રીઓ ભયથી મૂચર્િ્છત થઈ ગઈ. જ્યારે શ્રીકૃષ્ણે જોયું કે શત્રુ પોતાના સૈનિકો પર આ રીતે બાણોનો વરસાદ વરસાવે છે, ત્યારે જાણે કે આકાશમાંથી વાદળાં અનંત પાણીનાં બૂંદ વરસાવી ન રહ્યા હોય, એવું દૃશ્ય ખડું થયું. એને કારણે સૈનિકો ખૂબ વ્યથિત થતા હતા. બરાબર એ જ વખતે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના સારંગ ધનુષ્યનો ટંકાર કર્યો. પછી એ જ ધનુષ્યમાંથી તેઓ બાણની વર્ષા કરવા લાગ્યા. તેઓ પોતાનું ધનુષ્ય એટલી ચપળતાથી ફેરવી રહ્યા હતા કે જાણે અત્યંત વેગે કોઈ અલાત-અટલ ચક્ર ફરી ન રહ્યું હોય !

શ્રીકૃષ્ણ જરાસંધની હાથી, ઘોડા, રથ અને પાયદળવાળી ચતુરંગિણી સેનાનો સંહાર કરવા લાગ્યા. જરાસંધની એ સેના સમુદ્રના જેવી દુર્ગમ અને ભયાવહ હતી. ઘણી મુશ્કેલીથી જીતી શકાય તેવી હતી. આમ છતાં પણ શ્રીકૃષ્ણ અને બલરામજીએ એ સેનાનો થોડા જ સમયમાં નાશ કરી દીધો. બલરામજીએ જરાસંધને પકડી લીધો પરંતુ શ્રીકૃષ્ણે એનો વધ કરતાં બલરામને રોક્યા. શ્રીકૃષ્ણે મારા પર દયા લાવીને એક દીનહીન ગણીને મને છોડી મૂક્યો, એ વાત પર મારું માથું શરમથી નીચે ઝૂકી જાય છે. હવે એણે વનમાં જઈને કઠિન તપ કરવાનો નિર્ણય કર્યોે. પરંતુ જરાસંધના સાથી રાજાઓએ એને સમજાવ્યો અને કહ્યું, ‘રાજન્ ! આ યદુવંશીઓમાં છે શું? આપને તો નસીબજોગે પરાજય મળ્યો છે. આપે તો ફરીથી પોતાની સૈન્યશક્તિનું સંગઠન કરીને યુદ્ધ કરવું જોઈએ.’ જરાસંધે એમની સલાહ માની અને મગધ પાછો ફર્યો. મથુરામાં બલરામજી અને શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત થયું.

પરંતુ આમ જરાસંધ મથુરાવાસીઓને નિરાંતે બેસવા દે તેવો ન હતો. તેણે મથુરા પર વિશાળ સૈન્ય સાથે સત્તરવાર આક્રમણ કર્યું, પરંતુ યાદવોએ ભગવાન શ્રીકૃષ્ણની શક્તિથી દરેક વખતે એમના આખા સૈન્યને હણી નાખ્યું. જ્યારે આખી સેનાનો નાશ થઈ જતો ત્યારે માત્ર જરાસંધને ઉપેક્ષાપૂર્વક છોડી દેવામાં આવતો.

જ્યારે જરાસંધ અઢારમાં આક્રમણની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે કાલયવનનું આગમન થયું. કાલયવન ઘણો પરાક્રમી હતો અને એમની સામે યુદ્ધમાં ઊભા રહેનાર વીર સંસારમાં દુર્લભ હતા. વીર હોવાની સાથે તે મહાન અભિમાની હતો.

એકવાર દેવર્ષિ નારદ સામે તે પોતાની અહંઅહિકા કહેવા લાગ્યો, ત્યારે નારદજીએ તેને કૃષ્ણ અને બલરામ દ્વારા જરાસંધના થયેલા પરાજયની વાત કરી અને કહ્યું, ‘તારી સાથે યુદ્ધ કરવા લાયક આ સંસારમાં કેવળ બે જ વ્યક્તિ છે, શ્રીકૃષ્ણ અને બલરામ.’ નારદજીની વાત સાંભળીને કાલયવને મથુરા પર આક્રમણ કરવાનો નિર્ણય કર્યોે. તેના ત્રણ કરોડ સૈનિકોએ મથુરાને ઘેરી લીધું. જરાસંધ પણ પોતાની વિશાળ સેના સાથે આજકાલમાં આક્રમણ કરવાનો હતો. પરિણામે હવે યદુવંશીઓને બબ્બે પરાક્રમી શત્રુઓનો સામનો કરવાનો હતો. એમની સામે ગંભીર સંકટ ઊભું થયું. શ્રીકૃષ્ણે બલરામજીની સાથે મળીને વિચાર કર્યો અને અંતે એવો નિર્ણય લીધો કે તેઓ એક એવો કિલ્લો બનાવશે કે જેમાં કોઈ પણ મનુષ્ય માટે પ્રવેશ કરવો અત્યંત કઠિન બની જશે. પછી તેઓ પોતાના સ્વજન સંબંધીઓને એ કિલ્લામાં સુરક્ષિત રાખીને કાલયવનનો વધ કરશે.

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.