(ગતાંકથી આગળ…)

‘બ્રહ્મવાદિન’ ‘પ્રબુદ્ધ ભારત’ અને ‘ઉદ્‌બોધન’ પત્રિકાઓ સિવાય અન્ય પત્રિકાઓનું પ્રવર્તન પણ સ્વામીજીએ કર્યું હતું. ઇંગ્લેન્ડ તથા અમેરિકા બંને દેશોમાંથી અંગ્રેજી પત્રિકાઓ પ્રકાશિત કરવાની તેમની ઇચ્છા હતી. ઇંગ્લેન્ડમાં સ્વામીજીના શિષ્ય શ્રી. ઇ.ટી. સ્ટર્ડીએ વેદાન્ત પર એક અંગ્રેજી માસિક પત્રિકા શરૂ કરવાની યોજના ઘડેલી. સ્વામીજી તેમને આ વિષે ઘણું પ્રોત્સાહન આપતા. પ્રો. મેક્સમૂલરને તેમણે આ પત્રિકાની યોજના વિષે જણાવ્યું. કીલ (યુરોપ) માં તેઓ પ્રો. ડાૅયસનને મળ્યા અને આ પત્રિકા માટે સહાયતાની તેમણે તેમને વિનંતી કરી. સ્વામીજીએ શ્રી. ઇ.ટી. સ્ટર્ડીને ૫મી ઓગસ્ટ, ૧૮૯૬ના પત્રમાં લખ્યું : ‘મેક્સમૂલર આપણી યોજનાઓ વિશે….. તેમજ માસિક વિષે જાણવા માગે છે. તેઓ ઘણી મદદ કરવાનું વચન આપે છે અને શ્રીરામકૃષ્ણ પરમહંસ વિષે એક પુસ્તક લખવા તૈયાર છે… હું આશા રાખું છું કે મોટા માસિક વિશેની યોજના ઉપર તમે સારી રીતે વિચાર કરશો. થોડા પૈસા અમેરિકામાં ઊભા કરી શકાશે અને સાથોસાથ આપણે માસિક આપણું પોતાનું જ રાખી શકીશું.’ ૧૦મી સપ્ટેમ્બર, ૧૮૯૬ના પત્રમાં સ્વામીજીએ કીલથી શ્રી. ઇ.ટી.સ્ટર્ડીને લખ્યું : ‘છેવટે હું પ્રો. ડાૅયસનને મળ્યો છું… તમારા માસિકના વિચારથી તેઓ ખૂબ પ્રસન્ન થયા છે. તેઓ થોડા વખતમાં લંડન જવાના છે, ત્યાં આ વિષયો અંગે તમારી સાથે મસલત કરવા માગે છે…’

ઇંગ્લેન્ડમાંથી વેદાન્ત વિશેની આ પત્રિકા પ્રકાશિત થઈ હતી અથવા નહિ, જો થઈ હોય તો પ્રો. મેક્સમૂલર અને પ્રો. ડાૅયસને તેમાં શો ભાગ ભજવ્યો હતો અને ક્યારે ક્યા નામથી કેટલા સમય સુધી આ પત્રિકા પ્રકાશિત થઈ હતી, તેની વિગતો હજી અપ્રાપ્ય છે. પણ એમ લાગે છે કે થોડા સમય માટે આ પત્રિકા જરૂર પ્રકાશિત થઈ હશે કારણ કે સ્વામીજી આ પત્રિકાઓના ગ્રાહકો બનાવવામાં ઉત્સાહથી મંડી પડ્યા હતા. આલાસિંગાના અનુરોધથી તેમણે શ્રી.સ્ટર્ડી અને મિસ નોબલ (ભગિની નિવેદિતા)ને બ્રહ્મવાદિનના ગ્રાહકો બનાવવાના કાર્યમાં નિયુક્ત કરી દીધાં હતાં. પણ સ્વામીજીએ આલાસિંગાને વધારે પડતી આશા રાખવાની ના પાડી. કારણ કે ઇંગ્લેન્ડની પત્રિકાના પ્રચાર માટે પણ શ્રી સ્ટર્ડી અને મિસ નોબલને જ કાર્ય કરવાનું હતું. ૨૦મી નવેમ્બર, ૧૮૯૬ના પત્રમાં તમણે આલાસિંગાને લખ્યું : ‘આ પ્રકારનાં સામયિકોને નાનકડા અનુયાયી મંડળનો ટેકો હોય છે અને આ લોકો પાસેથી એકીવખતે વધારે પડતાં કાર્યોની અપેક્ષા રાખી શકાય નહીં; તેમને પુસ્તકો ખરીદવાં પડે છે, ઇંગ્લેન્ડ ખાતેના કાર્ય માટે નાણાં ઊભાં કરવાનાં હોય છે,… અને છેલ્લે ભારતીય સામયિકોના ગ્રાહક બનવાનું હોય છે. આ ઘણું વધુ પડતું કહેવાય… અહીં એક મુખપત્ર હોવું આવશ્યક છે અને ક્રમે ક્રમે અમેરિકામાં પણ એમ જ થવું જોઈએ.’

અમેરિકામાંથી પણ સ્વામીજી પોતાના શિષ્ય શ્રી ગુડવિનની મદદથી એક પત્રિકા પ્રકાશિત કરવા માગતા હતા. ૫મી જૂન, ૧૮૯૬ના પત્રમાં તેમણે શ્રીમતી ઓલી બુલને લખ્યું હતું : ‘અમેરિકામાં એક સામયિક શરૂ કરવા બાબત શ્રી. ગુડવિન આજની ટપાલમાં તમને પત્ર લખશે. મને લાગે છે કે કાર્યનાં સંગઠન માટે આવું ક્ંઈક જરૂરી છે. અને તે સૂચવે તે પદ્ધતિએ ચલાવવાં હું શક્ય તેટલી બધી જ મદદ કરીશ.’ ગુડવિનની આ પત્રિકા પ્રકાશિત થયેલી કે નહિ તેની વિગતો અપ્રાપ્ય છે. પણ ૧૮૯૬માં ‘ઇન્ડિયન મિરર’ પત્રિકામાં અમેરિકાથી વેદાન્ત વિષે એક પત્રિકા પ્રકાશિત થવાની શક્યતાના સમાચાર પ્રકાશિત થયા હતા. તેના પ્રકાશનનું સ્થાન બતાવવામાં આવેલું – ‘બ્રેટલ સ્ટ્રીટ, કેમ્બ્રીજ, મેસેચ્યૂસેટ્સ (સંયુક્ત રાજ્ય, અમેરિકા). ઈ.સ. ૧૯૦૨માં સ્વામીજીના દેહાવસાનના થોડા સમય પહેલાં તેમણે સ્થાપેલી વેદાન્ત સોસાયટી ઓફ કેલિફોર્નિયા દ્વારા ‘પૅસિફિક વિદાંતિન’ (Pacific Vedantin) નામની પત્રિકા પ્રકાશિત થઈ હતી. સ્વામીજીના દેહાવસાન પછી તેમની ભાવધારાથી પ્રેરાઈને અમેરિકામાં ઘણી અંગ્રેજી પત્રિકાઓનું પ્રવર્તન થયેલું, જેમાં ‘વાૅઇસ આૅફ ફ્રિડમ’ (Voice of Freedom) ‘વેદાન્ત એન્ડ ધ વેસ્ટ’ (Vedanta And the West) ‘ધ વાૅઇસ આૅફ ઇન્ડિયા’ (The Voice of India) ‘ધ મિરર આૅફ ધ વેદાન્ત’ (The Mirror of the Vedanta) અને ‘મેસેજ આૅફ ધ ઇસ્ટ’ (Message of the East) ઉલ્લેખનીય છે. રામકૃષ્ણ મઠના લંડન કેન્દ્ર દ્વારા ૧૯૫૨થી એક અંગ્રેજી દ્વિમાસિક પત્રિકા ‘વેદાન્ત ફોર ઇસ્ટ એન્ડ વેસ્ટ’ (Vedanta for East and West) પ્રકાશિત થઈ રહી હતી, જેનું હાલનું નામ ‘વેદાન્ત’ છે અને જે આજે પણ લોકપ્રિય છે.

ભારતમાં પણ સ્વામીજીના દેહાવસાન પછી તેમના ભાવાદર્શાેથી પ્રેરાઈને અંગ્રેજી પત્રિકાઓ પ્રકાશિત થયેલી. જેમા રામકૃષ્ણ મિશનના પટણા કેન્દ્ર દ્વારા પ્રકાશિત ‘મોર્નિંગ સ્ટાર’ (Morning Star), રામકૃષ્ણ મઠના મદ્રાસ કેન્દ્ર દ્વારા ૧૯૧૪થી પ્રકાશિત ‘ધ વેદાન્ત કેસરી’ (The Vedanta Kesari) અને ‘બુલેટિન આૅફ ધ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ આૅફ કલ્ચર’ (Bulletin of the Ramakrishna Mission Institute of Culture) ઉલ્લેખનીય છે.

વિદેશની અન્ય ભાષાઓમાં પણ સ્વામીજીના ભાવાદર્શાે પ્રમાણે કેટલીક પત્રિકાઓનું પ્રવર્તન થયું છે. રામકૃષ્ણ મઠના ફ્રાન્સના કેન્દ્ર દ્વારા ‘વેદાન્ત’ નામની ત્રૈમાસિક પત્રિકા ૧૯૬૨થી ફ્રેન્ચ ભાષામાં ૫્રકાશિત થઈ રહી છે. રામકૃષ્ણ મઠ, જાપાનના કેન્દ્ર દ્વારા જાપાની ભાષામાં એક દ્વિમાસિક્ પત્રિકા ‘ફુમેત્સુનો કોતાબા’ (જેનો અર્થ છે સાર્વભૌમિક સંદેશ) ૧૯૬૦થી પ્રકાશિત થઈ રહી છે. જર્મન ભાષામાં ‘વેદાન્ત’ નામની ત્રૈમાસિક પત્રિકા ૧૯૭૮થી પ્રકાશિત થઈ રહી છે. ‘ગ્લોબલ વેદાન્ત’ નામની દ્વિમાસિક પત્રિકા ૧૯૯૬થી વેદાન્ત સોસાયટી સીએટલ, યુએસએ કેન્દ્ર દ્વારા પ્રકાશિત થઈ રહી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં વિભિન્ન ભાષાઓમાં પણ આવી પત્રિકાઓ સ્વામીજીના ભાવાદર્શાેથી પ્રેરાઈને પ્રકાશિત થઈ રહી છે.

હિન્દી ભાષામાં પણ પત્રિકાઓના પ્રકાશનની સ્વામીજીની ઉત્કટ ઇચ્છા હતી. સ્વામીજીએ પોતાના ગુરુભાઈઓને ૨૫ સપ્ટેમ્બર, ૧૮૯૪ના પત્રમાં લખ્યું હતું : ‘તમે વર્તમાનપત્ર કે એવું કંઈક શરૂ કરવાના હતાને, તેનું શું થયું ?… અર્ધું બંગાળીમાં અને અર્ધું હિન્દીમાં, એવા આ સામયિકનું સંચાલન તમારે કરવાનું છે.’ મેરઠથી એક હિન્દી પત્રિકા-પ્રકાશનનો આગ્રહ કરતા સ્વામીજીએ તેમના ગુરુભાઈ સ્વામી અખંડાનંદજીને ૧૮૯૫માં લખ્યું હતું : ‘યજ્ઞેશ્વરે મેરઠમાં એક મંડળ સ્થાપ્યું છે અને આપણા સહકારથી કામ કરવા માગે છે. બીજું, તેમણે એક સામયિક પણ શરૂ કર્યું છે. ભાઈ કાલીને ત્યાં મોકલો, તે મેરઠમાં કેન્દ્ર શરૂ કરે અને બને તો એ સામયિક હિન્દીમાં ચલાવે.’ સ્વામીજીની આ ઇચ્છા તેમના જીવનકાળ દરમિયાન પૂર્ણ ન થઈ શકી. પણ તેમના દેહાવસાન પછી ૧૯૨૧માં રામકૃષ્ણ મઠના અદ્વૈત આશ્રમ દ્વારા શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજ (રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના નવમા પરમાધ્યક્ષ)ના અથાક પ્રયત્નોથી એક હિન્દી માસિક પત્રિકા ‘સમન્વય’ પ્રકાશિત થઈ હતી. હિન્દીના સુપ્રસિદ્ધ કવિ-સાહિત્યકાર શ્રી સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ આ પત્રિકાનું સંપાદન કરતા. પત્રિકાનું સ્તર ઉચ્ચ હોવા છતાં અફસોસની વાત એ છે કે આઠ વર્ષ પછી આ પત્રિકાનું પ્રકાશન બંધ થઈ ગયું. આ પછી ઘણાં વર્ષો સુધી હિન્દી જગતમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા વિષે અંધકાર જ રહ્યો, જ્યાં સુધી કે ‘વિવેક જ્યોતિ’ની જ્યોતે તે દૂર ન કર્યો. સ્વામી વિવેકાનંદજી અને સ્વામી ત્રિગુણાતીતાનંદજીની પ્રેરણાથી રામકૃષ્ણ મિશન, રાયપુર કેન્દ્રના સચિવ, સ્વામી આત્માનંદજીએ ઈ.સ.૧૯૬૩થી એક હિન્દી ત્રૈમાસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ‘નું પ્રકાશન શરૂ કર્યું છે. ઉત્તરોત્તર લોકપ્રિયતા પ્રાપ્ત કરીને આ પત્રિકાએ પોતાની રજત જયંતી ઊજવી લીધી છે. ઈ.સ.૧૯૯૯થી આ પત્રિકા દર માસે પ્રકાશિત થાય છે.

હિન્દી જગતમાં શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા વિષેનો અંધકાર દૂર કરવા માટે એક શિખાનો પણ આવિર્ભાવ થયો છે. છપરા (બિહાર)ના એક પ્રાૅફેસર પર થોડા વર્ષો પહેલાં એક હિંદી માસિક પત્રિકા પ્રકાશિત કરવાનું ભૂત સવાર થયું. સ્વામી વિવેકાનંદાજીની પ્રેરણાથી ડૉ. કેદારનાથ લાભે ઈ.સ.૧૯૮૨થી એક હિન્દી માસિક પત્રિકા ‘વિવેક શિખા’નું પ્રકાશન શરૂ કર્યું છે. ઈ.સ.૨૦૦૩ સુધી આ પત્રિકા હિન્દી જગતમાં પ્રકાશ પાથરતી રહી. હિન્દી તથા બંગાળી સિવાય અન્ય ભાષાઓમાં પણ પત્રિકાઓના પ્રવર્તનની ઉત્કટ ઉચ્છા સ્વામીજીના મનમાં હતી. ડૉ. નંજુન્દા રાવને ‘પ્રબુદ્ધ ભારત’ના પ્રકાશન માટે પ્રોત્સાહિત કરતી વખતે તેમણે ૨૬ ઓગસ્ટ, ૧૮૯૬ના પત્રમાં લખ્યું હતું : ‘આ સામયિકમાં સફ્ળતા મળે, એટલે આ જ ધોરણે તામિલ, તેલુગુ, કન્નડ વગેરે ભાષાઓમાં સામયિકો પ્રસિદ્ધ કરવાનું શરૂ કરો.’

સ્વામીજીની આ ઇચ્છાને મૂર્તસ્વરૂપ આપવા માટે તામિલ ભાષામાં એક પત્રિકાના પ્રકાશનની યોજના ઘડવામાં આવી. તેનું નામ રાખવામાં આવ્યું- ‘પ્રબોધ ચંદ્રિકા’. ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક શ્રીરાજમ્ ઐય્યર જ તેનું સંપાદન કરવાના હતા. પણ અફસોસ! તેમના આકસ્મિક નિધનથી તેનું પ્રકાશન ન થઈ શક્યું. પણ સ્વામીજીની મહદ્ ઇચ્છા પૂર્ણ થઈ અવશ્ય; પણ તેમના દેહાવસાન પછી. શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ વિજયમ્’ નામની માસિક પત્રિકા તામિલ ભાષામાં ઈ.સ. ૧૯૨૧થી શરૂ કરવામાં આવી. તેની લોકપ્રિયતાનો અંદાજ તેની પ્રકાશન સંખ્યાથી સહેજે આવી શકે. તેની લગભગ એક લાખ સાઈઠ હજાર નકલો દર માસે છપાય છે. શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા જ એક તેલગુ માસિક પત્રિકા ‘શ્રીરામકૃષ્ણ પ્રભા’ ૧૯૪૪થી પ્રકાશિત કરવામાં આવી. આ પત્રિકા હૈદરાબાદ કેન્દ્ર દ્વારા પ્રકાશિત થઈ રહી છે. તેની પણ લગભગ દોઢ લાખ નકલો પ્રકાશિત થાય છે. આ જ રીતે રામકૃષ્ણ મઠ, ત્રિચુર કેન્દ્રથી મલયાલમ ભાષામાં એક માસિક પત્રિકા ઈ.સ. ૧૯૧૪થી ‘પ્રબુદ્ધ કેરલમ્’ નામથી પ્રસિદ્ધ થઈ રહી છે. રામકૃષ્ણ મઠના મૈસૂર કેન્દ્ર દ્વારા કન્નડ ભાષામાં માસિક પત્રિકા ‘વિવેક પ્રભા’ ઈ.સ.૨૦૦૦થી પ્રકાશિત થઈ રહી છે.

સ્વામીજીના ભાવાદર્શાેથી પ્રેરાઈને માળવાના શ્રી પરશુરામ સદાશિવ દેસાઈએ ઈ.સ. ૧૯૨૪માં ‘રામકૃષ્ણ નિકેતન’ નામનું માસિક મરાઠી ભાષામાં બહાર પાડ્યું. ઈ.સ. ૧૯૪૦ સુધી તેનું પ્રકાશન થતું રહ્યું. આ પછી શ્રીરામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા ઈ.સ. ૧૯૫૭માં એક મરાઠી માસિક પત્રિકા ‘જીવન વિકાસ’ શરૂ કરવામાં આવી, જે આજે પણ ઘણી લોકપ્રિય છે.

આ રીતે સ્વામીજીની, દેશની મુખ્ય મુખ્ય ભાષાઓમાં પત્રિકાઓ પ્રવર્તનની ઉત્ક્ંઠા તેમની હયાતીમાં અને તેમના દેહાવસાન પછીે, પૂરી થઈ. પણ એક ગુજરાતી પત્રિકાની ઊણપ રહી ગઈ હતી. હવે તે ઊણપ પણ પૂરી થઈ છે અને ઈ.સ. ૧૯૮૯ના એપ્રિલ માસથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નું પ્રકાશન સ્વામીજીના ભાવાદર્શાે પ્રમાણે શરૂ થયું છે.

આમ આપણે જોયું કે સ્વામીજી પત્ર-પત્રિકાઓના કેવા મહાન પ્રવર્તક હતા ! ‘બ્રહ્મવાદિન’, ‘ઉદ્‌બોધન’, ‘પ્રબુદ્ધ ભારત’, વગેરે પત્રિકાઓનું પ્રવર્તન તેમણે પોતે કર્યું હતું અને અન્ય પત્રિકાઓ ‘વસુમતી’, ‘ડાૅન’ વગેરે કેટલીય પત્રિકાઓનું પ્રવર્તન પરોક્ષ રીતે આર્થિક સહાયતા અને પ્રેરણા પ્રદાન દ્વારા કર્યું હતું. દેહાવસાન પછી પણ તેમની પ્રેરણાથી, તેમના ભાવાદર્શાેનો પ્રચાર કરવા માટે ઘણી પત્રિકાઓનું પ્રકાશન થયું હતું અને થઈ રહ્યું છે.

સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે… એક સંન્યાસી હોવા છતાં સ્વામીજીએ પત્ર-પત્રિકાઓના પ્રવર્તનને આટલું મહત્ત્વ કેમ આપ્યું ? તેનું કારણ એક જ …. ઉચ્ચ ભાવાદર્શાેના પ્રચાર માટે તેઓ પત્ર-પત્રિકાઓને મહત્ત્વનું માધ્યમ માનતા હતા અને ઉચ્ચ ભાવાદર્શાેના પ્રચારને તેઓ પોતાના જીવનનું એકમાત્ર ધ્યેય ગણતા હતા. કારણ કે, તેમને ખાતરી હતી કે ઉચ્ચ ભાવાદર્શાે દ્વારા જ નવીન સત્યયુગનો પ્રારંભ સંભવ થશે. કરુણાવતાર બુદ્ધની જેમ જ તેમનું હૃદય વિશ્વના દરેક તબક્કાના, દરેક સંપ્રદાયના, દરેક ધર્મના, દરેક દેશના લોકોના ત્રિતાપને નિવારવા, વિશ્વશાન્તિ અને વિશ્વએકતાની ભાવનાને ફ્ળીભૂત કરવા, જડવાદિતારૂપી રાક્ષસના સકંજામાંથી માનવજાતને છોડાવવા, સર્વ દુ :ખોના કારણરૂપ માનવમનમાં વ્યાપ્ત અજ્ઞાનાંધકારને દૂર કરવા માટે ઉચ્ચ ભાવાદર્શાેનો પ્રકાશ ફેલાવવાની તમન્ના તેઓ રાખતા હતા. ક્યા હતા આ ભાવાદર્શાે ? વેદાંતનો માનવમાત્રમાં સુષુપ્તરૂપે અવસ્થિત દિવ્યાત્માને ઢંઢોળવાનું આહ્‌વાન કરવાવાળો અને અનુભૂતિ દર્શાવવાવાળો એકત્વનો આદર્શ; વેદોનો ‘એકં સદ્વિપ્રા બહુધા વદન્તિ’ વાળો સમન્વયકારી આદર્શ, મહાભારતનો ‘ધારયતીતિ ધર્મ :’ વાળો આદર્શ, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના ચરિત્રને દર્શાવતો રામાયણનો આદર્શ, બંશીધારી શ્રીકૃષ્ણના પરમ પ્રેમને દર્શાવતો શ્રીમદ્ ભાગવતનો આદર્શ, સિંહનાદકારી શ્રીકૃષ્ણના ઉદાત્ત ઉપદેશોને આવરી લેતો ગીતાનો આદર્શ, ભગવાન બુદ્ધ દ્વારા કથિત ‘આત્મદીપો ભવ’નો આદર્શ અને ભગવાન મહાવીર દ્વારા કથિત ‘અહિંસા પરમો ધર્મ :’નો આદર્શ – આ બધા જ આદર્શાેના સંમિલનથી ભારતના આધ્યાત્મિક અને સાંંસ્કૃતિક ગૌરવની જે જ્યોત પ્રગટી હતી તેણે જ પૂર્વમાં સંસારનો અંધકાર દૂર કર્યો હતો અને ભારતને વિશ્વમાં ઉચ્ચતમ સ્થાન અપાવ્યું હતું. દુર્ભાગ્યથી પાછલા સૈકાઓની ગુલામી અને સાચા ધર્મનું આચરણ ભૂલી જવાને કારણે આ જ્યોત જરા ઝાંખી અને મ્લાન થઈ હતી.

શ્રીરામકૃષ્ણદેવ-જેઓ રોમાં રોલાંના મંતવ્ય પ્રમાણે ‘ભારતના ત્રીસ કરોડ લોકોના આધ્યાત્મિક જીવનના બે હજાર વરસોની નિષ્પત્તિ હતા,’ તેમણે પોતાની સાધના વડે આ જ્યોતને ફરી વધુ ઉજ્જવળ કરી છે. આમ શ્રીરામકૃષ્ણની જ્યોત કાંઈ સાવ નવીન નથી, પણ પૂર્વના સમસ્ત આધ્યાત્મિક પુંજનો પુન :પ્રાપ્ત પ્રકાશ છે.

સ્વામીજીની માન્યતા હતી કે શ્રીરામકૃષ્ણદેવની આ જ્યોત જગતમાં અંધકારને દૂર કરી સત્યયુગનું પુન :સ્થાપન કરશે. તેમણે કહ્યું હતું : ‘તેમના (શ્રીરામકૃષ્ણદેવના) જન્મ સાથે જ સત્યયુગનો પ્રારંભ થયો છે.’ માટે જ તેમણે પોતાનું સમસ્ત જીવન વેદમૂર્તિ શ્રીરામકૃષ્ણદેવના સમન્વયકારી ઉદાર સંદેશથી ઓતપ્રોત ઉચ્ચ ભાવાદર્શાેના પ્રચાર-પ્રસાર કરવામાં હોમી દીધું. પોતાના ગુરુભાઈઓને પણ આ મહાન કાર્યમાં ઝંપલાવવાનું આહ્‌વાન કરતાં તેમણે લખ્યું : ‘શ્રીરામકૃષ્ણનું જીવન, તેમનું ચારિત્ર્ય, તેમનો ઉપદેશ અને તેમના ધર્મનો પ્રચાર કરો. આ જ એકમાત્ર આધ્યાત્મિક સાધના છે, આ જ એકમાત્ર ઉપાસના છે, આ જ ખરેખરો ઉપાય છે અને આ જ ધ્યેય છે. ઊઠો, ઊઠો ! ભરતીનો જુવાળ આવી રહ્યો છે ! આગે બઢો ! સ્ત્રીઓ, પુરુષો અને ચાંડાળ સુધીના સર્વ લોકો શ્રીરામકૃષ્ણની નજરમાં પવિત્ર છે. આગે બઢો! નામયશ માટે, કીર્તિ માટે, મુક્તિ માટે કે ભક્તિ માટે પરવા કરવાનો સમય નથી. તે બધાંની સંભાળ કોઈ બીજે વખતે લઈશું. અત્યારે આ જીવનમાં તો તેમના ઉદાત્ત ચરિત્રનો, તેમના ભવ્ય જીવનનો અને તેમના અસીમ આત્માનો અનંત રીતે પ્રચાર કરીએ. ફક્ત આ એક જ કામ છે; તે સિવાય કંઈ કરવાનું નથી. જ્યાં જ્યાં તેમનું નામ પહોંચશે, ત્યાં ત્યાં હલકામાં હલકા જંતુમાં પણ દિવ્યતા આવશે. અરે, આવી જ રહી છે. તમને આંખો છે. છતાં તે નિહાળી શકતા નથી! આ શું બચ્ચાંનો ખેલ છે ? આ શું બેવકૂફીભર્યો બકવાદ છે? કે મૂર્ખાઈ છે? ઉત્તિષ્ઠત, જાગ્રત ! ઊઠો; જાગો ! એ મહાન ઈશ્વર આપણી પાછળ છે. હું વધારે લખી શકતો નથી. બસ, આગે બઢો ! હું તમને એટલું જ કહું છું કે જે આ પત્ર વાંચશે તેનામાં મારી શક્તિ આવશે. શ્રદ્ધા રાખો ! આગે બઢો ! પરમેશ્વર મહાન છે… મને એમ લાગી રહ્યું છે કે બીજું કોઈ મારો હાથ ચલાવીને આ પ્રમાણે લખાવી રહ્યું છે. આગે બઢો ! દરેક માણસ ઘસડાઈ જશે ! સંભાળજો, સાક્ષાત્ ઈશ્વર આવી રહ્યો છે. જે કોઈ તેની સેવા કરવા,.. ના, તેની નહિ પણ તેનાં ગરીબ અને કચડાયેલાં, પાપી અને દુ :ખી અને છેક કીડા સુધીનાં સર્વ બાળકોની સેવા કરવા જેઓ તૈયાર થશે તેમનામાં એ પ્રગટ થશે, તેમની જિહ્વા દ્વારા સાક્ષાત્ ભગવતી સરસ્વતી બોલશે અને તેમનાં હૃદય-સિંહાસનમાં સર્વ શક્તિમયી જગન્માતા બિરાજશે.’

ગમે તે મત, સંપ્રદાય અથવા ધર્મના જે સૌ લોકો ઉદાર અને ઉચ્ચ ભાવાદર્શાેના પ્રચાર-પ્રસારના કાર્યમાં જોડાયેલા છે; આવાં પત્ર-પત્રિકાઓના કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયરૂપ થઈ રહ્યા છે અને જડવાદી માનવ -સમાજને દિવ્યતાના પ્રકાશ તરફ લઈ જઈ રહ્યા છે તે સૌ પર સ્વામીજીના આ આશીર્વાદ છે. સાથે સાથે એક મોટી જવાબદારી પણ તેઓના શિરેે છે. સ્વામીજીનાં લખાણો-પત્રો આ જવાબદારી નિભાવવામાં પ્રેરણાબળ પૂરું પાડશે. સ્વામીજીએ ૨૬મી આૅગસ્ટ ૧૮૯૬ના પત્રમાં ડૉ. નંજુન્દા રાવને જે લખ્યું હતું, તે તો આપણા સૌ માટે શાશ્વત પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે : ‘મૃત્યુપર્યંત કાર્ય કરો; હું તમારી સાથે જ છું. અને જ્યારે હું સંસારમાંથી વિદાય લઈશ, ત્યારે મારો આત્મા તમારી સાથે રહીને કાર્ય કરશે. આ જીવન તો આવે છે ને જાય છે. સંપત્તિ, કીર્તિ, ભોગવિલાસો, એ બધું કેવળ ચાર દિનની ચાંદની છે. સંસારી કીડા તરીકે મરી જવા કરતાં સત્યનો પ્રચાર કરતાં કરતાં કર્તવ્યક્ષેત્રમાં ઝૂઝતાં મૃત્યુ પામવું એ અનેકગણું સારું છે. આગળ ધસો !’

Total Views: 78
By Published On: August 1, 2020Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram