કોરોનાનો કેર હવે તો આપણાં શહેર અને ગામડાઓ સુધી પહોંચી ગયો છે. કોરોનાથી કેવી રીતે બચવું તેના માટે માસ્કથી માંડીને સ્ટરીલાઈઝેશન સુધીની પ્રક્રિયાઓ સૂચવાય છે. પરંતુ, કોરોનાથી બચવાનો સૌથી અકસીર ઉપાય હોય તો એ છે આપણી ઈમ્યુનીટી એટલે કે રોગપ્રતિકારક તંત્રને સાબૂત રાખવું. ફક્ત કોરોના જ નહી આહારજન્ય, પાણીજન્ય, હવાજન્ય અને સ્પર્શજન્ય એવા તો અનેક ચેપી રોગો છે કે જેમને આપણી રોગપ્રતિકારકશક્તિ આપણાં શરીરમાં પ્રવેશતા અટકાવે છે. અનેક ઉપાયો કરવા છતાં જ્યારે રોગાણુનો ચેપ લાગે ત્યારે વ્યક્તિ માંદો પડશે કે નહી તેનો આધાર અંતે તો તેની ઈમ્યુનીટી ઉપર જ રહે છે. જો ઈમ્યુનીટી નબળી પડી તો રોગાણું જીતી જશે અને શરીર માંદુ પડ્યું જ સમજો. પણ જો ઈમ્યુનીટી પાવરફૂલ હશે તો રોગની અસર નહી થાય અને બીમારી દૂર રહેશે. અને જો ચેપ લાગી જાય તો સજા થવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. આ વાત કોરોના જ નહી સામાન્ય શરદી, ઉધરસ તાવથી લઈને ટીબી સુધીના બીજા બધાં રોગના જીવાણુ માટે લાગુ પડે છે. કોરોના થયા પછી પણ જે લોકો ઝડપથી સાજા થઈ જાય છે તેનું કારણ તેમની મજબૂત ઈમ્યુનીટી જ હોય છે. ઈમ્યુનીટી વધારવા કોઈ વિશેષ આહાર લેવાની જરૂર નથી. પરંતુ, રોજ-બરોજના ભોજનમાંથી ઈમ્યુનીટી વધારે તેવા ખાદ્યોને પ્રાથમિકતા આપવાની છે.

ઈમ્યુનીટી વધારવા માટે પ્રોટીન, વિટામીન, ખનીજક્ષાર અને એંટીઓક્સીડન્ટ્સ ખૂબ અગત્યના છે. ઈમ્યુનીટી વધારવાની વાત આવે એટલે આદું-હળદર, તુલસી જેવા હર્બ્સનું નામ સૌ પ્રથમ આવે. પરંતુ, ઈમ્યુનીટી માટે પ્રોટીન પણ એટલું જ આવશ્યક છે એ વાત ઘણા લોકોને ખ્યાલ નથી હોતી. ઈમ્યુનીટી માટે રોગો સામે લડતું શરીરનું જે લશ્કર છે તેના સિપાહીઓ તરીકે શ્વેતકણો અને રક્તના બીજા કોષો હોય છે જે મૂળભૂત રીતે પ્રોટીનના બનેલા હોય છે. આથી ભોજનમાં સારી ક્વોલીટીનું પ્રોટીન લેવું ખૂબ આવશ્યક છે. આ માટે ભોજનમાં દૂધ, પનીર અને દૂધની બનાવટો ભરપૂર માત્રામાં લેવી જોઈએ. દાળ અને કઠોળ પણ પ્રોટીનના સારા સ્ત્રોત છે. આથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને મગ, મઠ અને ચણા તેમજ આ ત્રણ કઠોળની દાળ પણ શરીર માટે ખૂબ ઉત્તમ છે. ફણગાવેલા કઠોળ સારી માત્રામાં પ્રોટીન તો આપે જ છે સાથે-સાથે વિટામીન અને ખનીજક્ષાર પણ પૂરા પાડે છે. માંસ- મચ્છી- ઈંડા પણ પ્રોટીનનો સારો સ્ત્રોત ગણાય છે. પરંતુ, નોનવેજને હેલ્ધી ફૂડ ગણાતું નથી કેમકે એમાં રોગાણુઓ ઉત્પન્ન થઈ જાય છે તેમજ તેનો ચેપપણ ઝડપથી લાગે છે. અને ખાસ કરીને ચેપી રોગો ફેલાયા હોય ત્યારે નોનવેજ ખાદ્યોથી દૂર રહેવામાં ભલાઈ છે.

પ્રોબાયોટીક ખાદ્યો જેવા કે દહી અને છાશ પણ ખૂબ ઉપયોગી છે. તે આંતરડાની અંદર ઉપયોગી સૂક્ષ્મજીવાણુઓને વધારે છે. અને હાનીકારક જીવાણુઓને ઊગતા જ ડામે છે. આ ઉપરાંત લીલા અને સૂકા મસાલા-તેજાના અને વસાણાં પણ રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે ઉપયોગી છે. જે ખાદ્યોમાથી વિટામીન-સી, વિટામીન-ઈ અને વિટામીન-એ મળે તે બધા ખાદ્યો ઈમ્યુનીટી વધારે છે. વિટામીન-સી માટે બેસ્ટ હોય તો લીંબુ અને આમળાં. લીંબુ અને આમળાં ચાહે જ્યુસ, અથાણાં, મુરબ્બા કે જીવન સ્વરૂપે ખવાય તે ખૂબ ગુણકારી અને ફાયદાકારક છે. લીલી હળદર અને આંબા હળદર પણ ઉત્તમ છે. હળદર તો કેન્સર જેવા મહારોગમાં પણ ફાયદાકારક સિદ્ધ થઈ છે. તાજા આદું-હળદરના ટુકડા કરીને તેમાં લીંબુ ઉમેરીને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના સૂપ, જ્યુસ અને ઉકાળા પણ ફાયદો કરે છે. ઉકાળામાં લીલા-સૂકા મરી, તજ, સૂંઠ-આદું, તુલસી, ફૂદીનો વગેરે ફાયદાકારક છે.

ફળમાં ઋતુ મુજબના અને દેશી ફળો જેમકે કાળા જાંબુ, જામફળ, કરમદા, સંતરા-મોસંબી, દાડમ, પપૈયાં વગેરે સારાં છે. આમ તો જ્યુસ કરતાં ફળને આખા કે ટુકડા કરીને ખાવાને પ્રાથમિકતા આપવી જોઈએ. કેમકે જ્યુસ કરતી વખતે તેમાથી ઓક્સીડેશનની પ્રક્રિયાને લીધે ઉપયોગી વિટામીનનો નાશ થઈ જાય છે. આમ છતાં જ્યુસમાં લેવા હોય તો ગાજર, બીટ, આમળાં, ફૂદીનો, હળદર, આદુ, દાડમ, જામફળના જ્યુસ ઊંચી માત્રામાં વિટામીન અને ખનીજક્ષાર આપે છે. તે એંટીઓક્સીડંટ્સથી પણ ભરપૂર હોય છે. સૂપ પણ સારી માત્રામાં વિટામીન અને ખનીજક્ષાર આપે છે. સૂપમાં વિવિધ રીતે સરગવાનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે. સરગવો તેમજ સરગવાના પાંદડા ભરપૂર માત્રામાં કેલ્શિયમ તો આપે જ છે સાથે સાથે વિટામીન અને ખનીજક્ષાર પણ આપે છે. ટામેટાં લાયકોપેન નામના એંટીઓક્સીડંટ્સ અને વિટામીન-એ થી ભરપુર હોય છે. આ જ રીતે પપૈયાં અને પપૈયાના પાન પણ ગુણકારી છે. અરડૂસડ તો આપણે બધા જ પરિચિત છીએ. અરડૂસીનો ઉકાળો કફ-શરદી દૂર કરે છે અને તંદુરસ્તી વર્ધક છે.

સૂકી હળદરની ફાકડી, ગરમ દૂધમાં નાખીને કે ગરમ પાણીમાં નાખીને પીવાથી પણ ફાયદો કરે છે. અજમો, લવીંગ અને મરી પણ ઉકાળા કે મુખવાસ સાથે લઈ શકાય છે. ગળો અથવા ગીલોયનો જ્યુસ અથવા સૂકી ગળોનો ઉકાળો પણ ખૂબ ફાયદાકારક છે. આ તો થઈ વાત શું ખાવું જોઈએ તેની. હવે શેનાથી દૂર રહેવું જોઈએ તે પણ ટૂંકમાં જોઈએ તો મેંદો, વેજીટેબલ ઘી, પ્રોસેસ્ડ ખાદ્યો, સ્વીટન્ડ ફ્રૂટ જ્યુસ, બેકરી અને કન્ફેક્શનરી, ફ્રોઝન અને વાસી ખાદ્યોથી દૂર રહેવું જોઈએ.

એક વાત ધ્યાનમાં રાખવી કે આ ઉકાળા અને ઔષધોનો અતિરેક ના થવો જોઈએ. આજકાલ લોકો હર્બલ છે એટલે નુકસાન નહી કરે તેમ માનીને ફાકીઓ, ઉકાળા, દવાઓ અને વસાણા ખાતા થઈ ગયા છે. પરંતુ આવો અતિરેક ફાયદાને બદલે નુકસાન કરી શકે. ફક્ત ઔષધો અને ખોરાક જ નહી પરંતુ નિયમિત પ્રાણાયામ, યોગાસન, કસરત, પૂરતી ઊંઘ અને નિયમિત જીવનશૈલી પણ કુદરતી રીતે સ્વસ્થ રહેવામાં અને પોતાની ઈમ્યુનીટી ટકાવી રાખવામા ખૂબ જ મદદરૂપ બને છે.

Total Views: 687

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.