વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે તેઓ અવતર્યા હતા. તેઓ કેવળ યુગપુરુષ નથી, પણ કોઈ સનાતન જ્યોતિનો એક મહાન ચમકારો થયો હોય એ રીતે આપણી વચ્ચે ભારતમાં અને સમગ્ર માનવ સમાજની વચ્ચે આવી ગયા. જીવ્યા તો બહુ જ ઓછું પણ કેવળ વર્ષોથી જીવ્યાનો માપ નીકળતો નથી. એમણે પોતે જ કહ્યું છે કે મેં ૧૫૦૦ વર્ષનું કામ કરી દીધું છે. ૧૫૦૦ વર્ષ એ કહેવાની રીત છે, એ હંમેશ માટેનું કાર્ય છે. જોવાનું એ છે કે એક પરદેશી સત્તાએ વાણિજ્ય વૃત્તિથી ચૂસવા આવેલી પ્રજાએ અહીં રાજકીય પગદંડો જમાવ્યો અને સાંસ્કૃતિક-સામાજિક રીતે નીચા જોતા થાય એ રીતે એમણે આધિપત્ય જમાવ્યું. આવા સમયે ભારત માતાની કુખેથી એક પછી એક કેવાં રત્નો નીકળ્યાં ! આપણું આકાશ જેમ નક્ષત્રમાળાને ધારણ કરે છે તેમ આ રત્નોની નક્ષત્રમાળા ધારણ કરવા માટે બીજું આકાશ જોઈએ.

આપણે ભલે રાજકીય રીતે પરદેશી સત્તાની ધૂંસરી નીચે આવ્યા હોઈએ, આર્થિક રીતે ખૂબ ચૂસાતા હોઈએ અને સામાજિક રીતે પણ આપણી ભીતર અનેક સડા પેસી ગયા હોય; આવા સમયે પણ ભારત માતાનાં આ નવરત્નો જાણે કહેતા હોય કે અમે કોઈ દિવ્ય તેજ ધારણ કરનાર પ્રજા છીએ.

રાજારામમોહનરાય પરદેશ ગયા. ત્યાં જ એમણે દેહ છોડ્યો. ત્યાં એમની સભામાં થોડા લોકો હાજર રહેતા. અહીં તો લાખો લોકોની સભાથી આપણે ટેવાયેલા છીએ. ઈંગ્લેન્ડ કે યુરોપમાં ૫૦-૧૦૦ શ્રોતા આવી જાય તો ઘણું કહેવાય. એ શ્રોતાઓમાં મોટા વિચારકો, વિદ્વાનો, સમાજના ધુરંધરો પણ રહેતા. એક માણસ સંસ્કૃત, વેદ, ઉપનિષદની વાત તો કરે પણ સાથે ને સાથે અરબી ફારસી જાણતો હોય, હિબ્રુ ભાષા જાણતો હોય, તિબેટની ભાષા જાણતો હોય અને આધુનિક માનવના જીવનની ચર્ચા પણ કરતો હોય, એવા પરાધીન અને પતિત ગણાતા દેશમાંથી આવતા માનવને જોઈને પશ્ચિમના લોકો પણ આશ્ચર્યમાં પડી જાય.

૧૯મા સૈકામાં આપણે ત્યાં સાર્વત્રિક સુધારણા પ્રવૃત્તિઓ શરૂ થઈ. ૧૮૮૫માં રાજકીય સ્વાતંત્ર્ય માટે મથવા કોંગ્રેસની સ્થાપના થઈ. પણ ભારતની ખૂબી એ છે કે એને જ્યાંથી શરૂ કરવું હોય ત્યાંથી જ શરૂ કરે છે. ઉપરછલ્લાં થીંગડાં મારતું નથી. આ પ્રજાએ ૧૮૧૫માં બંગાળમાં આત્મીય સભા શરૂ કરી. આત્માથી કશું ઓછું આ હિંદુસ્તાનને ચાલે નહિ. રાજા રામમોહનરાય વગેરેએ બ્રાહ્મોસમાજ, બ્રહ્મવિદ્યા, બ્રહ્મતત્ત્વ પર આધારિત પ્રવૃત્તિઓ શરૂ કરી. પછી તો દેશમાં સ્થળે સ્થળે પ્રવૃત્તિઓ શરૂ થઈ. આપણે ત્યાં એટલે ગુજરાતમાં અંગ્રેજી ભાષા ન ભણેલ એવા દુર્ગારામ માસ્તરે ૧૮૪૨માં સુરતમાં માનવધર્મ સભા સ્થાપી. ‘રિલિજિયન ઓફ મેન’ એ વિષય પર રવીન્દ્રનાથે ઓક્સફર્ડમાં ભાષણો આપ્યા. ૧૮૪૪માં દુર્ગારામ મહેતાજી માનવધર્મ કરતાં ઓછાથી રીઝતા નથી. આ તો સુરતની, ગુજરાતની વાત થઈ. આ દેશના લોકો પર એક વરદાન છે – અસીમિત એટલે કે જે અસીમ છે, એના ચાહકો આવી પ્રવૃત્તિઓની મૂળથી જ શરૂઆત કરે છે. પાંદડાંને પાણી પાવાથી કશું થતું નથી, ખરેખર તો મૂળિયાંને પાણી પાવાનું છે.

૧૯મી સદીના છેવટના ભાગમાં રામકૃષ્ણદેવનું પ્રાગટ્ય થયું. અંગ્રેજીમાં એક શબ્દ છે – ‘ફિનોમિના’ એક યુગકારી મહાન ઘટના બનીને તેઓ આવ્યા. તેમના વખતે અંગ્રેજી તો એટલી બધી પ્રચલિત ન હતી. સદીના અંતે યુરોપીય વિદ્યાઓ ભણાવતી યુનિવર્સિટીઓ શરૂ થઈ. નવા અર્વાચીન શાસ્ત્રો આવ્યાં. પણ રામકૃષ્ણ જે અધ્યાત્મ વિદ્યા લાવ્યા તે ભારતની હજારો વર્ષની સાધનાની નીપજ છે. રમણ મહર્ષિ શ્રીરામકૃષ્ણ પછી આવ્યા. તેઓ થોડું અંગ્રેજી ભણ્યા હતા અને અરવિંદ જેવી વિભૂતિ તો બહાર જ ભણ્યા હતા. ભારતના કાઠા પર આવી એમણે ભારતની ભૂમિ પર પગ મૂક્યો. અને જાણે કે એમને કંઈક સ્મરણ થયું – ‘અમૃતસ્ય પુત્રા :’. આ બધા ભારતની વિદ્યાના ધારક છે. આવા જ રામકૃષ્ણ પરમહંસ ગામડાના એક અબુદ્ધ ઘેલા જેવા વ્યક્તિ. એમની ભીતર, એમના દ્વારા સકલ દૈવી તેજ પ્રગટે છે. આ રીતે ભારતનો મોટો આવિષ્કાર થયો. અને એની આત્મસ્થાપના ખરા અર્થમાં થઈ હોય તો આત્માની ભૂમિકા પર ભારતની ગુલામીની ભયંકર પરિસ્થિતિમાં શ્રીરામકૃષ્ણ પરમહંસના રૂપે ભારતનું એ પ્રાચીન આધ્યાત્મિક તેજ એક વિભૂતિ રૂપે પ્રગટ થાય છે.

અધ્યાત્મ સાધનાનાં અનેક સોપાનો સર કર્યા પછી રાત્રે મા કાલીના મંદિરમાં આરતી થતી હોય, શંખનાદ થતો હોય ત્યારે શ્રીરામકૃષ્ણદેવ પોકારી ઊઠે : ‘હજી તેઓ ન આવ્યા !’ સામાન્ય રીતે શિષ્યો ગુરુને ઝંખતા હોય છે પણ અહીં ગુરુ યોગ્ય શિષ્યને ઝંખે છે. અખો કહે છે તેમ, ‘છીપને રત ખરી ઉપજે તો આવી વરસે પરજન્ય ક્યાંયથી !’ ભગવાન ભક્તની આ ભાવનાના ભૂખ્યા હોય છે. ભક્ત ભગવાનને ઝંખે છે, પણ ભગવાનની ભક્ત માટેની ઝંખના કંઈ ઓછી નથી હોતી. કોલકાતાના એ વખતમાં એ યુગની નવી કેળવણી વિદ્યા પામેલ તરુણ શ્રીરામકૃષ્ણદેવ પાસે આવે છે અને બંનેની વચ્ચે એક સંવાદ – પરિચર્ચા ચાલે છે. અહીં શિષ્ય ગુરુને ચકાસે છે અને ગુરુ પણ શિષ્યોને ચકાસીને કેળવે છે. આ અધ્યાત્મની અદ્‌ભુત પ્રક્રિયામાંથી વિવેકાનંદ રૂપી વ્યક્તિત્વ પ્રગટી ઊઠે છે.

શ્રીરામકૃષ્ણે કહેલું કે એક વખત ઋષિઓ તપ કરતા હતા. એક બાળક આવીને એક ઋષિને પકડે છે. એમને લઈ જવા માટે સમાધિમાંથી જગાડે છે અને પૃથ્વી પર લાવીને જંપે છે. આ ઋષિ એટલે વિવેકાનંદ અને એ બાળક એટલે શ્રીરામકૃષ્ણદેવ પોતે. કયો ભાગ કોણ અને કેવી રીતે ભજવશે તેનાં ઈંગિતો આ વાતમાં છે. જે સાધના શ્રીરામકૃષ્ણદેવે કરી હતી એ સાધના ભારતમાં પ્રાચીનકાળથી થતી આવતી સાધનાઓનું એક ઘૂંટાયેલ સ્વરૂપ છે. એનો લાભ જગતને કેવી રીતે મળે ? એ માટે શ્રીરામકૃષ્ણદેવે ક્યાંય જવાની જરૂર ન હતી. એક એવો સકલ પુરુષ આવે છે, એ પરદેશ જાય છે ત્યારે તે ભારતની સ્થાપના એક ધર્મની ભૂમિકા પર, અધ્યાત્મની ભૂમિકા પર કરે છે. એમાં ક્યાંય ખોટી મગરૂરીનો ભાવ નથી. પોતે મહાન છે, એમ કહેવાનો ઇશારોય નથી !

વિદેશમાં વિવેકાનંદ એક વક્તા તરીકે કેમ વખણાયા ? એ જે વાત કહેતા તેના તે મૂર્ત અવતાર જેવા હતા, મૂર્ત સ્વરૂપ જેવા હતા; એટલે એમનો પ્રભાવ પડ્યો.

વિશ્વધર્મ પરિષદમાં એમની સહિષ્ણુતાની, ભારતની સર્વધર્મસમન્વયની, સાધનાના વિવિધ પથોની વાતોમાં મુખ્ય સૂર કયો છે ? એ વાણીવિણાનો મુખ્ય તાર શેનો છે ? એ તાર છે સહિષ્ણુતાનો અને સર્વધર્મ સમભાવનો. મનુષ્ય જાતિની ધર્મની તૃષ્ણા છીપે, બધા જ ધર્મમાં કંઈક શોધન થાય એવી નવી પ્રક્રિયાને એમણે ચાલના આપી. સમગ્ર માનવજાતિ માટેનું આ કાર્ય છે.

આજની માનવજાતિ શસ્ત્રાસ્ત્રોના વિસ્ફોટથી થનારા મહાવિનાશની ભીતિ સાથે જીવી રહી છે. આવી વિષમ પરિસ્થિતિમાં અહીં આ શ્રીરામકૃષ્ણ મંદિરનાં પગથિયાં ચડો તો એકબાજુએ આવું ચિત્ર છે. વાઘ બકરીને પ્રેમ કરે છે – ‘અહિંસા પ્રતિષ્ઠા યામ, તત્ સન્નિધૌ વૈર ત્યાગ’. અહિંસાનું તત્ત્વ બરાબર પ્રગટી ઊઠે એટલે આસપાસમાં ક્યાંય વેરભાવના રહેતી નથી. આપણા લોકોએ આશ્રમોનાં વર્ણનો કર્યાં છે. તેમાં આ વસ્તુ પેલી જ આવે છે. એક બાજુએ વાઘ બેઠો હોય અને હરણાં પણ ફરતાં હોય; મોરેય હોય અને સાપ પણ નીકળતો હોય; સાપની ફેણની છાયામાં દેડકો નિરાંતે બેઠો હોય; જે પરસ્પર વેરભાવ છે એને આ આશ્રમના વાતાવરણમાં પ્રાણીઓ ભૂલી જાય છે. આવી શક્તિ માણસમાં પ્રગટ થઈ શકે છે. આ શક્તિ ધર્મ અને અધ્યાત્મ વિના પ્રગટી ન શકે. એટલે સમસ્યાઓનો ઈલાજ ‘અંતતો ગત્વા’ અહીંથી જ થાય છે. કોરી બુદ્ધિથી કશું થતું નથી. યુરોપના એક મોટા મનોવૈજ્ઞાનિક ફ્રોઈડના યુવાન સાથી હતા. પછી એ બંને જુદા પડ્યા. એ કાર્લયુંગે એક સુંદર નિરીક્ષણ રજૂ કર્યું છે :

‘પેરિસની નોટલધામ, અમારી માતા ખ્રિસ્તીઓના મેરીનું સ્થાન હોય એવું એક સુંદર મંદિર છે. એક સુંદર બેટ પર એ મંદિર છે. ફ્રાંસના લોકોને બુદ્ધિનું સૂર ચડ્યું. બુદ્ધિની ચાવીથી અમે બધી જ સમસ્યાઓ ઉકેલી નાખીશું, તેના ઉકેલો આવી જશે. બુદ્ધિદેવીની એમણે મૂર્તિ મૂકી.’ કાર્લયુંગ કહે છે કે બરાબર એ જ સમયે કોઈ ફ્રેંચ વ્યક્તિએ ઉપનિષદના અનુવાદનું એક પુસ્તક બહાર પાડ્યું. એમાં દરેક વ્યક્તિમાં રહેલ આત્મતત્ત્વ કે ચૈતન્યની વાત છે. અને એ બધામાં એક જ સ્વરૂપે રહેલ છે. યુરોપ બુદ્ધિવાદને રવાડે બહુ જોરશોરથી ચડ્યું. એમાં ઘણા નુકશાન થવાના હતા. એનું નિવારણ આ ઉપનિષદોમાં છે. એ આખી માનવજાતનો ઇતિહાસ છે. પ્રભુની કોઈ યોજના રૂપે આ પુસ્તક એમને હાથે આવ્યું.

સ્વામીજી અહીંથી વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા શિકાગો જાય એવી વ્યવસ્થા મદ્રાસના આલાસિંગા પેરુમલ અને મિત્રો, ખેતડીના મહારાજા જેવા ઘણા ભાવિકોએ કરી આપી. વ્યવસ્થા તો થઈ પણ શિકાગોની એ ભયંકર ઠંડીમાં રાત એક વેગનમાં ગાળવી પડી. આ દેશની અદ્‌ભુત આધ્યાત્મિક ધર્મસાધનાને સમજાવવા અને એ દ્વારા કંઈક નમ્રભાવે અર્પણ કરવા પોતે નિમિત્ત બનવાના છે, એવું એમને આત્મભાન થયું હતું. ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ દ્વારા એમનું વ્યક્તિત્વ અને એમની આધ્યાત્મિક પ્રતિભા સાથેની અદ્વિતીય વિદ્વત્તા ખીલી ઊઠ્યાં. ત્યાર પછી એમણે આ કાર્ય માટે પોતાની જાત ઘસી નાખી. તેઓ એક શક્તિનો મહાધોધ હતા. એમની એક જ સૌથી વધારે અગત્યની વાત હતી કે સૌમાં ઈશ્વર છે. એ વાત પ્રતીતિપૂર્વક પશ્ચિમના જગતમાં સૌને ગળે ઉતારવાનો એમણે અથાક પ્રયાસ કર્યો.

શિકાગો જતાં પહેલાં કન્યાકુમારીની એકાકી શિલા પર એમણે ભારતના ઉદ્ધાર વિશે જે ચિંતન કર્યું અને અમેરિકા પાસેથી ધન મેળવવાની એમની એક ઇચ્છા હતી, પણ પોતાના આ મહાન ભગીરથકાર્ય, ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનું કાર્ય મુખ્ય બની ગયું. વિશ્વધર્મ પરિષદમાં એમણે સ્પષ્ટપણે કહ્યું કે અત્યારે ભારતને ધર્મની જરૂર નથી, એમને ગરીબાઈમાંથી બહાર નીકળવું છે, આવું કહેવા એક હિંમત જોઈએ છે.

આપણે સૌ અને એમાંય વિશેષ કરીને ભારતવાસીઓ ધર્મની બાબતમાં કેટલા સંકુચિત અને જડ બની ગયા હતા, એની વાત ખુલ્લે દિલે કરવાની આધ્યાત્મિક હિંમત જરૂરી છે. જે ભૂખ્યો છે, એને માટે ભગવાન રોટી રૂપે જ આવવો જોઈએ. દરિદ્રનારાયણ શબ્દ પણ એમણે આપ્યો છે. કોલકાતાના પ્લેગ વખતે એક ઝાડ નીચે રહેતા સાધુઓ લોકોની સેવા કરવા અને ‘જરૂર જણાય તો આ મઠની જમીન-મકાનો આ રોગી નારાયણની સેવા માટે વેચી નાખીશ’ આવા શબ્દોનું ઉચ્ચારણ કોઈ સામાન્ય માનવ ન કરી શકે. તેઓ વાસ્તવિકતાને ભૂલ્યા નથી. ભારતના અસંખ્ય ગરીબોને પણ ભૂલ્યા નથી.

એ ગરીબીને દૂર કરવા, એમનાં દુ :ખોને દૂર કરવા આપણો શ્વાસોચ્છશ્વાસ ચાલવો જોઈએ, એવું કથન પણ તેઓ કરી શકે ખરા. શિકાગોના એક ધનિકના ઘરમાં સુખસાહિબીવાળી પથારીમાં તેઓ સૂઈ શકતા નથી. ભારતના કરોડો ગરીબ અને દુ :ખી લોકોની દશાનું ચિત્ર નજર સામે આવતાં તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા માંડે છે. બુદ્ધની આ કરુણા સ્વામી વિવેકાનંદની ભીતર ધબકતી હતી.

સ્વામી વિવેકાનંદની ભીતર એક જ્વલંત કર્મયોગ ભર્યો ભર્યો રહેતો. વિવેકાનંદ જેવી મહાન વિભૂતિની આ ભાવના હંમેશાં પ્રાસંગિક રહેવાની. સ્વામીજી ભલે દેશના આઝાદી સંગ્રામમાં પ્રત્યક્ષ રૂપે ન જોડાયા હોય પણ આ દેશને મુક્તિ અપાવવા માટે કેવી રીતે લડવું જોઈએ એ માટેની દેશની આંતર-ચેતનાને એમણે જગાડી અને એને એક નવી ચાલના પણ આપી. એટલે જ એ સાચા દેશપ્રેમી, દેશભક્ત હતા.

સર્વધર્મસમભાવ દ્વારા દેશની ભાવાત્મક એકતા પણ એમણે જગાડી. તેઓ ચારિત્ર્ય ઘડતર દ્વારા અને માનવઘડતર દ્વારા સાર્વત્રિક કલ્યાણ ઝંખતા હતા. આજે આપણે સૌ ઋણભાવથી અને એમની પાસેથી શાશ્વત પ્રેરણાથી એમનું સ્મરણ કરીએ છીએ. એમણે આપણને એ સમજાવ્યું કે ધર્મ એ જીવવાની વસ્તુ છે. માત્ર વાતો કરવાની નહિ.

ધ્યાન અને એકાગ્રતા દ્વારા આપણે આ બધું કેળવી શકીએ છીએ. હું કન્યાકુમારી ગયો હતો. ત્યાં રોક-મેમોરિયલ પણ ગયો. ત્યાંના ઉપાસના ખંડમાં જઈને બેઠો અને ત્યાંથી કવિતાની પંક્તિ લઈને ઊભો થયો, ‘શુદ્ધ કર – પ્રબુદ્ધ કર યુદ્ધ માટે’. આ પંક્તિ મેં વિવેકાનંદની પ્રેરણાથી મેળવી. ખૂટે નહિ એટલો કર્મયોગ કરવા માટેના યુદ્ધે ચડવાનું એમણે આપણને કહ્યું છે.

ભગવાન બુદ્ધ પૂર્વાવતારમાં સ્વર્ગને ઓળંગતા હતા ત્યારે ત્યાં અટકી ગયા. પાછળથી તેમને અવાજો સંભળાયા. પાછળ નજર કરી તો બધા જ લોકો ટળવળતા હતા. એમને સ્વર્ગમાં કોઈ પરવાનો ન હતો. એટલે ભગવાન બુદ્ધે પણ કહ્યું કે છેલ્લામાં છેલ્લું પ્રાણી સ્વર્ગમાં જાય પછી જ મારે સ્વર્ગમાં પગ મૂકવો છે. સ્વામીજી પણ આવા જ ભાવ સાથે કહેતા કે જ્યાં સુધી કોઈ પણ માણસ અજ્ઞાન, દુ :ખ, રોગમાં ફસાયેલો હોય ત્યાં સુધી હું મારું કાર્ય કરતો રહીશ. આ કર્મયોગ યુદ્ધ છે. એટલે આપણે સૌ સ્વામીજી પાસેથી આટલું ઇચ્છીએ :

‘હે પ્રભુ ! અમને શુદ્ધ કર પ્રબુદ્ધ કર સૌનાં કલ્યાણ અર્થેના યુદ્ધ કાજે.’

Total Views: 410

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.