જ્યારે સ્વામી અખંડાનંદ કટોવા થઈને પગપાળા મુર્શિદાબાદ જતા હતા ત્યારે રસ્તામાં તેમને દુષ્કાળનો અનુભવ થયો. પછી તેઓ કાલીગંજ અને પ્લાસી થઈને દાદપુર આવ્યા. ત્યાં તેમણે જે કંઈ જોયું એનું એમણે પોતે વર્ણન કર્યું છે : ‘વહેલી સવારે ગંગામાં હાથ મોઢું ધોઈને બજાર તરફ આવતાં મેં જોયું, અત્યંત ફાટેલાં વસ્ત્ર પહેરેલી લગભગ ચૌદ વર્ષની ઉંમરની એક મુસલમાન છોકરી ચીસો પાડીને જોરથી રડી રહી છે. એની કમ્મર પર માટીનો એક ઘડો હતો, જેનો નીચેનો ભાગ તૂટી ગયો હતો. મને જોઈને તેણે કહ્યું : ‘ઘરમાં પાણી ભરવાનું બીજું વાસણ નથી. મા મને મારશે એ બીકે હું રડું છું.’ મેં એને લઈ જઈને બે પૈસાનો એક માટીનો ઘડો ખરીદી દીધો અને થોડો ચેવડો – ધાણી પણ ખરીદી દીધાં. (મારી પાસે ફક્ત એક જ પાવલી ત્યારે બચી હતી.) દુકાનદાર પાસેથી ત્રણ આના પાછા લેતો હતો ત્યાં તો બાજુના મરાદીધી ગામમાંથી દસ – બાર નાનાં મોટાં બાળકો એ દુકાનની સામે આવીને મારી પાસે ભિક્ષા માગવા લાગ્યાં. એ બધાં પણ દુષ્કાળને લઈને મોટેભાગે ભૂખ્યાં જ રહેતાં હતાં. મેં દુકાનદારને ત્રણ આનાનાં ચેવડા – ધાણી દરેકને વહેંચી દેવાનું કહ્યું. એ પછી હું અકિંચન સંન્યાસી બની ગયો, આ આપત્તિનો બીજો કોઈ ઉપાય ન જોતાં તેઓ બીજા દિવસે સવારે બીજા સ્થળે જવા માટે તૈયાર થઈ ગયા હતા, તેવામાં એક આધેડ વયની સ્ત્રીએ આવીને એમને કહ્યું :‘લગભગ ૮૦-૯૦ વર્ષની ઉંમરની એક વૃદ્ધા ગયા વૈષ્ણવીનો જો તમે કંઈ ઇલાજ નહીં કરી દો તો તે એકબે દિવસમાં જ મરી જશે.’ આ કારણે કોલેરાગ્રસ્ત તે વૃદ્ધાનાં પથ્ય, વસ્ત્ર, સેવા વગેરેની વ્યવસ્થા માટે તેમને ત્યાં થોડો સમય સુધી રહી જવું પડ્યું. એ કામ પૂરું કરીને તેઓ દાદપુરથી જેમ જેમ આગળ વધ્યા, દુષ્કાળની વિકરાળ મૂર્તિ એમને તેમ તેમ વધુ ને વધુ દુ :ખી કરવા લાગી. ભારે હૈયે, ખાલી હાથે સંન્યાસી ધીમે ધીમે ભાગતા ગામ પહોંચ્યા. ત્યાં રાત રોકાઈને સવારે બરહામપુર તરફ ચાલવા લાગ્યા. ત્યારે તેમને થયું કે જાણે કોઈ તેમને નીચેની તરફ ખેંચી રહ્યું છે. ત્રણ-ચાર વખત એવો અનુભવ થતાં તેઓ એ પ્રાંતમાં સેવાકાર્ય માટે રહી ગયા અને તેમણે આલમબજાર મઠમાં દુષ્કાળનું વર્ણન કરતો પત્ર લખી મોકલ્યો. એ પછી ચૈત્રી સંક્રાન્તિના દિવસે (૧૮૯૭ ઈ.સ.) તેઓ ચકેરમાઠ મહુલાથી કેદારમાટી બહુલા ગામમાં રહ્યા અને ત્યાં મઠના આદેશની રાહ જોવા લાગ્યા. એ ગામમાં એક શાસ્ત્રજ્ઞ તાંત્રિક સંન્યાસી થોડો સમય રહીને બે એક વર્ષ પહેલાં દિવંગત થયા હતા. ગામના લોકો તેમને ‘દંડીઠાકુર’ કહેતા હતા. હવે એમના જેવા જ સંન્યાસી જાણીને સ્વામી અખંડાનંદજીને પણ ‘દંડીઠાકુર’ કહેવા લાગ્યા.

ઈ.સ.૧૮૯૭ (બંગાળી સંવત નવ વર્ષ ૧૩૦૪)ના વૈશાખ એકમથી દંડીઠાકુર દરરોજ ત્રીજા પહોરે ગીતા પાઠ કરીને તેની વિવેચના સ્થાનિક જનતાને સંભળાવવા લાગ્યા. ‘કર્મપ્રેરણાથી એમની એવી સ્થિતિ થઈ ગઈ હતી કે ચૂપચાપ બેસી રહેવાનું તેમને માટે અશક્ય બની ગયું હતું.’ થોડા દિવસો પછી એમનું ધ્યાન યોગવાશિષ્ઠ પ્રત્યે ખેંચાયું. ‘કર્મ અને પુરુષાર્થ જ યોગવાશિષ્ઠનો મેરુદંડ છે. કર્મ જ મહાસાધન છે અને તે મોક્ષનો એક માત્ર ઉપાય છે.’ તેઓ બ્રાહ્મણોના ઘરમાં રહીને ભિક્ષાનું અન્ન ખાઈને દિવસ પસાર કરવા લાગ્યા. પરંતુ દરરોજ અન્ન ખાવામાં એમને રુચિ થતી ન હતી. સામે હાજર રહેલાં, ભૂખમરાથી પીડાતા લોકોને કંઈક આપ્યા વગર તેમને તૃપ્તિ થતી ન હતી. ભિક્ષા પછી ઘરે પાછા આવીને બારણું બંધ કરીને ઠાકુરને અસહાયના સહાયક થવા આર્ત સ્વરે પ્રાર્થના કરવા લાગ્યા. પ્રાર્થના કરતાં કરતાં એક દિવસ જાણે તેમને સંભળાયું કે ઠાકુર કહી રહ્યા છે : ‘જોને, શું થાય છે તે ?’ ત્યાં ગુરુભાઈઓ સાથેના પત્રવ્યવહારને પરિણામે થોડા જ દિવસોમાં સ્વામી વિવેકાનંદ વગેરે બધા એમના હૃદયની નિષ્ઠા, સંવેદનાથી આકર્ષાઈને તથા દુષ્કાળથી ગ્રસ્ત લોકોના દુ :ખથી વિચલિત થઈને મદદ કરવા તત્પર બન્યા અને મદદ પણ આવી ગઈ. મહાબોધિ સોસાયટીના સેક્રેટરી શ્રી ચારુચન્દ્ર બસુ મહાશયે નાણાંની સગવડ પણ કરી દીધી. સ્વામીજીએ સ્વામી અખંડાનંદને મદદ કરવા માટે સેવકો મોકલ્યા. તેઓ વૈશાખ સંક્રાન્તિના દિવસે મહુલા પહોંચ્યા અને ઈ.સ.૧૮૯૭ના પંદરમી મેથી સેવાકાર્ય શરૂ થયું. આ જ હતું રામકૃષ્ણ મિશનનું પહેલું સામૂહિક દુષ્કાળ-સેવાકાર્ય. અખંડાનંદજી કે તેમના સહકાર્યકરો દુષ્કાળ ફંડમાંથી પોતાના ખર્ચ માટે નાણાં લેતા નહીં, પણ બીજા સ્થળેથી તે મેળવતા. એ વખતે ધરતીકંપના કારણે એ પ્રાંતના લોકોને ખૂબ જ નુકસાન થયું હતું. તેથી આ લોકોને તે આપત્તિનો પણ સામનો કરવા માટે અખંડાનંદજી યથાશક્તિ મદદ કરતા હતા.

દુષ્કાળ પૂરો થયો. પરંતુ આ મહાન ઉદાર પુરુષના જીવસેવાવ્રતની તે એક પ્રાથમિક – પ્રારંભ અવસ્થા માત્ર હતી. દુષ્કાળને લઈને અનેક અનાથ બાળકોને ઘર વગરનાં જોઈને તેમનું હૃદય દ્રવીને રડી ઊઠ્યું. જિલ્લાના મેજિસ્ટ્રેટ લેવિંગ્ઝ સાહેબે પણ તેમને કહ્યું કે આ અનાથોને લઈને આશ્રમ બાંધવાથી દેશની એક જરૂરી ઊણપ દૂર થશે અને આ કામમાં સરકારી મદદનો અભાવ રહેશે નહીં. આ રીતે આ કામ માટે ત્યારે એમના પ્રાણ વ્યાકુળ થઈ ગયા હતા અને પછી સ્વામી વિવેકાનંદની સંમતિ પ્રમાણે તેમણે ઈ.સ. ૧૮૯૭ના શેષ છ મહિનામાં તેમણે બે અનાથ બાળકોની જવાબદારી લીધી. બીજા વર્ષે મે મહિનામાં દાર્જિલિંગનાં ચાર બાળકોથી અનાથ આશ્રમની શરૂઆત થઈ. ઈ.સ. ૧૮૯૮ના અંત સુધી આશ્રમ મહુલા ગામના ભટ્ટાચાર્યોના ખુલ્લા ઘરમાં હતો. ત્યારબાદ સારગાછિ ગામમાં એક પહોળી સડકની પાસેના જૂના બે માળવાળા મકાનમાં; અને એ પછી તેર વર્ષે એ આશ્રમ ઈ.સ. ૧૯૧૩ના માર્ચ મહિનામાં સારગાછિની અત્યારની પોતાની જમીનમાં ફેરવાયો.

(૧૭ સપ્ટેમ્બર સ્વામી અખંડાનંદજીની જન્મતિથિ નિમિત્તે)

Total Views: 313

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.