માનવીના પ્રકાર

એક રાજાને ત્યાં ભગવાન બુદ્ધ પોતાનું પ્રવચન આપતા હતા. પ્રવચન પૂરું થયા પછી રાજાએ ભગવાન બુદ્ધને પૂછ્યું, ‘મહારાજ ! આપ માણસની પ્રકૃતિ પ્રમાણે તેનું સ્થાન, કક્ષા અને પ્રકાર કહીં શક્યા. તો માનવીના પ્રકાર વિશે હું જાણવા માગું છું. મને એ વિશે સમજણ આપો એવી મારી વિનંતી છે.’

તથાગતે કહ્યું, ‘હે રાજન ! માનવના ચાર પ્રકાર આ પ્રમાણે છે; અંધકારમાંથી અંધકાર તરફ જનારા, પ્રકાશમાંથી અંધકાર તરફ જનારા, અંધકારમાંથી તેજ-પ્રકાશમાં જનારા અને તેજમાંથી તેજ તરફ જનાર.’

તથાગતે સમજાવતાં કહ્યું, જે માનવી અતિ સામાન્ય કે હલકા કુળમાં જન્મે અને કુકર્મો, હિંસા, દુરાચાર, અવિદ્યા, અસત્યાચરણ અને અજ્ઞાનને માર્ગે ચાલતો રહે તે માનવી અંધકારમાંથી ઊંડા અંધકાર તરફ જનારો પામર, નિર્માલ્ય માનવી છે. પરંતુ જે માનવી ગમે તેવા હલકા કુળ કે સંસ્કારવાળા ઘેર જન્મ લે પરંતુ વિજ્ઞાન, જ્ઞાન, વિવેક, સદ્વિચાર સત્યપાલન, સહાનુભૂતિ, પ્રેમ, કરુણાને માર્ગે આગળ વધીને સાચા સાધક બનીને પ્રગતિશીલ જીવન જીવે તે ઊંડા અંધારામાંથી નીકળીને પરમ તેજના પંથે ચાલનારા કહેવાય.

સંસારમાં કેટલાય માનવી એવા હોય છે જે કુલીન, ગુણવાન અને સંસ્કારી મા-બાપને ત્યાં જન્મ લે છે અને અધર્મ, અસત્ય, પાખંડ, અજ્ઞાન, અવિવેક અને વેરને ભજીને ચાલે છે. જીવનને સ્વર્ગમાંથી નરક જેવું બનાવે છે. આવા માનવી પરમ તેજમાંથી ઊંડા અંધારા તરફ ગતિ કરનાર અતિ નિર્માલ્ય અને પામર માનવી કહેવાય.

જગતમાં એવા માણસ હોય છે જે જન્મથી કુલીન, વિદ્યાવાન, શાણા, ચતુર અને વિવેકી હોય છે અને આવા ઉદાત્ત ગુણવાળા કુટુંબમાં જન્મ લઈને એવું જ વાતાવરણ મેળવવાનું સદ્ભાગ્ય પામે છે. આ સદ્ભાગ્યને સાથે લઈને વધુ કુલીન, વિવેકી, સહાનુભૂતિશીલ પ્રેમાળ-કરુણાળુ, ઉદાર અને ઉદાત્ત ચારિત્ર્યશીલ બનવાનો નિરંતર પ્રયાસ કરતા રહે છે અને સર્વોત્કૃષ્ટ જ્ઞાન-પ્રેમ-દિવ્ય તત્ત્વને પામે છે. આવા માનવી એક દિવ્ય અને તેજોમય જગતમાંથી બીજા પરમોચ્ચ દિવ્ય તેજોમય જગતમાં પહોંચવા અને એ જગતને પામવાનો નિરંતર પ્રયાસ કરતાં રહે છે અને દિવ્ય તત્ત્વને પામીને પોતાના, પોતાના કુટુંબના અને સમગ્ર માનવ સમાજને તારક, ધારક અને ઉદ્ધારક બની શકે છે. માત્ર જન્મને કારણે કે કુળને કારણે કોઈ ઊંચ કે નીચ નથી બનતો. ગુણોના સાગરમાં રહીને સદ્ગુણની ઉપાસના કરનાર કે સદ્ગુણોનો સંગાથ મેળવીને ઉચ્ચતર સદ્ગુણોની ઉપાસના કરનાર માનવમાત્ર માટે કલ્યાણકારી-ઉપકારી છે. માટે હે રાજન! માનવીની ગતિ ઉચ્ચ અને ઉચ્ચતર કે સર્વોત્તમ તરફ હોય એમાં જ એના જીવનની સાર્થકતા છે.

સાચ્ચો બ્રાહ્મણ

‘जन्मना जायते शुद्र ः संस्कारत् द्विज उच्यते’

જન્મથી તો દરેક વ્યક્તિ શૂદ્ર જ છે. પણ માનવસમાજને જીવાડતા, સમાજની દરેક વ્યક્તિની સર્વાંગી ઉન્નતિ સાધતા ગુણોની ઉપાસના કરનારા અને પોતાના જીવનમાં આ ઉદાત્ત ગુણોને ઉતારીને સદાચરણ દ્વારા બીજાના જીવનની દીવાદાંડી બનનારા સાચા બ્રાહ્મણ છે.

જૈન ધર્મમાં જયધોષ નામના એક મહામુનિ હતા. પંચ મહાવ્રતનું સદાસર્વદા પાલન કરતા હતા. તેઓ તીર્થાટન કરતા કરતા એક વખત કાશીમાં પહોચ્યા. તેમણે શહેરની બહારના એક ઉદ્યાનમાં વાસ કર્યો. કાશી એટલે વેદપાઠી-વેદજ્ઞ-યજ્ઞ-યાગ કરનારા બ્રાહ્મણોની ભૂમિ. વેદમાં કુશળ વિજયઘોષ નામનો બ્રાહ્મણ કાશીમાં મહાન યજ્ઞ કરતો હતો. અણગાર- ઘર ત્યજીને યતિ બનેલ મુનિ જયઘોષ એક માસના ઉપવાસ કરીને પારણા માટે ભિક્ષાન્ન લેવા વિજયઘોષના આંગણે આવીને ઊભા રહ્યા. જયઘોષને જોઈને તેણે કહ્યું, ‘હું તમને ભિક્ષાન્ન આપી શકું તેમ નથી. હું તો વેદનું જ્ઞાન ધરાવનારા, યજ્ઞના પરમ રહસ્યને જાણનારા, જયોતિષજ્ઞ અને આત્મજ્ઞાની તેમ જ પારસમણિ જેવા પોતાના સંસ્પર્શથી બીજામાં આત્મજ્ઞાન અને પરમાત્મજ્ઞાન ઉતારીને તેમનો ઉદ્ધાર કરવામાં સમર્થ હોય તેવા બ્રાહ્મણને જ દાન આપું છું એટલે તમે બીજેથી ભિક્ષાન્ન મેળવો.’

તેમના આ શબ્દો સાંભળીને મનોજયી જયઘોષે જરા પણ ગુસ્સે થયા વિના વિનમ્રભાવે અન્યના કલ્યાણને જ નજર સામે રાખીને કહ્યું, ‘હે મિત્ર, મારી દૃષ્ટિએ વેદનું સારભૂતતત્ત્વ તમે જાણતા નથી. યજ્ઞ એટલે શું તેનું તમને જ્ઞાન નથી, આ સંસાર- સાગરમાંથી તરવા અને તારવા કોણ સમર્થ છે અને કોણ નથી તેનો પણ તમને ખ્યાલ નથી. છતાંય તમે આ વિષે કંઈ જાણતા હો તો એ વિષે સાચી સમજણ આપો એમ હું ઇચ્છું છું.’

વિજયઘોષ પાસે આ પ્રશ્નોના ઉત્તર ન હતા. તેના સાથી મિત્રો પણ જવાબ આપી શકે તેમ ન હતા. એટલે એણે એની સાથે રહેલા બધા બ્રાહ્મણોએ મુનિ જયધોષને વિનંતિ કરી, ‘હે મુનિવર, આપ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા અમે અસમર્થ છીએ. એટલે વેદ, યજ્ઞ, નક્ષત્ર, ધર્મના સાચા રહસ્ય વિષે અમને સવિસ્તાર જ્ઞાન આપો.’

મુનિ જયઘોષે આ બધું સવિસ્તાર સમજાવ્યું અને અંતે કહ્યું, ‘જે પ્રાણીમાત્ર ચરાચર પ્રત્યે મન, વાણી અને કાયાથી મૈત્રી, કરુણા દાખવે અને જે મન, વાણી, કાયાથી અહિંસા પાળે તે જ સાચો બ્રાહ્મણ ગણાય. જે વ્યક્તિ ક્રોધ, ભય, લોભ ન કરે તથા અસત્ય ન ઉચ્ચારે, જે દાન આપ્યા વિનાના ધનની કે કશી ચીજવસ્તુની એષણા કરતો નથી અને એ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે તેને બ્રાહ્મણ જાણવો જોઈએ. જેમ કમળપત્ર જળમાં રહે છતાં પાણી તેને ભીંજવી શક્તું નથી તેમ સંસારના ભૌતિક સુખના સર્વ પદાર્થાેથી જે નિર્લેપ રહે છે તેને બ્રાહ્મણ ક્હેવો જોઈએ. માત્ર શિર મૂંડનથી, ૐકારનો ઉચ્ચાર કરવાથી, વનમાં વસવાથી અને વલ્કલ ધારણ કરવાથી મુનિ કે બ્રાહ્મણ બની ન શકાય. સમતાથી શ્રમણ બને, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તપસ્વી બને. માનવ પોતાના કર્મ દ્વારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર બને. બ્રાહ્મણ માટે મેં જે ઉત્તમ ગુણો વર્ણવ્યા તેવી ગુણધારી વ્યકિત પોતાના ઉદાત્ત ગુણો દ્વારા પોતાનો ઉદ્ધાર કરી અન્યનો ઉદ્ધારક બની શકે. આ સાંભળીને વિજયઘોષ અને તેમના સાથી મિત્રોને સાચા બ્રાહ્મણત્વનો ખ્યાલ આવ્યો. જાણે કે મુનિ જ્યઘોષે જ્ઞાન-શલાકા વડે દૃગાંજન કરીને તેમને સાચી અને નવી દૃષ્ટિ આપી.

Total Views: 487

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.