‘અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ’ આ શબ્દો સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની ધર્મ-મહાસભામાં પોતાના પ્રથમ વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. બીજા શબ્દ બોલતાં પહેલાં એ મંચ પર બેઠેલા બધા ધર્મના પ્રખ્યાત પ્રતિનિધિ અને લગભગ સાત હજાર શ્રોતાઓ ઉત્સાહની ઉત્તુંગ લહેરથી છવાઈ ગયા. સેંકડો લોકો પોતપોતાના સ્થાને ઊભા થઈને પ્રચંડ અવાજે તાળીઓનો ગડગડાટ કર્યો. ધર્મ-મહાસભા ઉન્મત્ત થઈ ગઈ હતી. દરેક વ્યક્તિ વારંવાર જયજયકારની તાળીઓ વગાળતી રહી અને આ તાળીઓનો ગડગડાટ કેટલીક મિનિટ સુધી ચાલુ રહ્યો અને અંતે થંભ્યો. સ્વામી વિવેકાનંદે કનિષ્ઠતમ દેશોને, વિશ્વના પ્રાચીનતમ ધર્માચાર્યો અને ઋષિઓ તરફથી ધન્યવાદ પાઠવ્યા અને જેણે સંપૂર્ણ વિશ્વને સહિષ્ણુતા અને સાર્વભોમ પ્રેમ (સ્વીકાર) નો સંદેશ આપ્યો હતો એ હિન્દુધર્મને બધા ધર્મોની જનનીરૂપ પરિચિત કરતાં પોતાના ભાષણનો પ્રારંભ કર્યો. આ એક લઘુકાવ્ય હતું, પરંતુ તેની સાર્વજનીનતા તેની મૌલિક ગાંભીરતા તેમ જ ઉદાર માનસિકતાએ સંપૂર્ણ મહાસભાને વશીભૂત કરી મૂકી. ચોતરફ કરતલ ધ્વનિ થતી રહી.
આ રીતે ભારતના આ અજ્ઞાત પરિવ્રાજક તરત જ એક વિશ્વવિખ્યતા બની ગયા. શિકાગોની શેરી-ગલીઓમાં એમની પૂરા કદની તસ્વીરો લાગી ગઈ.
થોડા (બે) દિવસ પહેલાં સ્વામીજીને શિકાગો રેલ્વે સ્ટેશનની માલગાડીના ડબ્બામાં આખી રાત કેવી રીતે નિર્વાસિત અજ્ઞાત એવમ્ અસહાય વ્યક્તિની જેમ વિતાવવી પડી હતી. પરંતુ અમીરોની હવેલીઓનાં દ્વાર એમના ભવ્ય સ્વાગત માટે ખૂલી ગયા હતા. ધર્મસભામાં પ્રાપ્ત થયેલ સ્વામીજીની સફળતા ખરેખર અનુપમ હતી.
મહાનગરોમાં પ્રસિદ્ધ થતાં સુપ્રસિદ્ધ અને રૂઢિવાદી સમાચારપત્રોએ એમને એક ‘પયગંબર અને એક ભવિષ્ય દૃષ્ટા’ રૂપે ઉદ્ઘોષિત કર્યા. ‘ન્યૂયોર્ક હેરાલ્ડે’ આવું લખ્યું : ‘તેઓ ધર્મમહાસભામાં નિ :સંદેહ એક મહાનતમ વ્યક્તિ હતા. તેમને સાંભળ્યા પછી આપણે સૌ(પશ્ચિમના લોકો)ને એવી ખાતરી થાય કે એ જ્ઞાની રાષ્ટ્રમાં ધર્મપ્રચારકો (ક્રિશ્ચિયન મિશનરીઓ) મોકલવા એ કેટલી મોટી મૂર્ખતા છે.’ ન્યૂયોર્કમાંથી પ્રસિદ્ધ થતા ‘ક્રિટિકે’ એમને ‘દૈવી અધિકાર પ્રાપ્ત વક્તા’ કહ્યા. બધાં સમસામયિક પ્રસિદ્ધ સમાચારપત્રોએ એમનાં સંપૂર્ણ વ્યાખ્યાનોને ઉદ્ધૃત કર્યાં. અમેરિકાના પ્રધાન સમાચારપત્રો ‘રુધરફોર્ડ અમેરિકન’, ‘ધ બોસ્ટન
ઇવનીંગ ટ્રાન્સક્રિપ્ટ’ તેમજ ‘ધ શિકાગો ટ્રિવ્યૂને’ સ્વામી વિવેકાનંદ વિશે યુક્તિપૂર્ણ અને માર્મિક લેખો લખ્યા.
ધર્મસભાના વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ માનનીય મરવિન મેરી સ્નેલે લખ્યું હતું : ‘એક પણ ધર્માચાર્યે ધર્મ મહાસભા અને અમેરિકન જનતાના મન-હૃદયમાં એટલી ગહન છાપ ન છોડી, જેટલી છાપ હિન્દુત્વે છોડી. સાથે ને સાથે એમા પણ સર્વાધિક મહત્ત્વપૂર્ણ એવં હિન્દુધર્મના વિશિષ્ટ પ્રતિનિધિ સ્વામી વિવેકાનંદ હતા, તેઓ વસ્તુત : નિ :શંક રૂપે સર્વાધિક લોકપ્રિય અને મહાસભામાં સર્વાધિક પ્રભાવશાળી હતા.’
પરંતુ આ બધા વિજય અને ગૌરવ માત્ર વ્યક્તિગત ન હતા. સામાન્યત : પૂર્વનાં સંસ્કૃતિ અને ધર્મ તેમાંય વિશેષરૂપે ભારતીય સંસ્કૃતિ અને ધર્મને પ્રતિષ્ઠાની ઉચ્ચતા શીઘ્ર જ આકાશની ઊંચાઈને આંબી ગઈ. ભારત એક ગુલામ દેશ. વળી ભારત કે જેને અંધવિશ્વાસુ, અસભ્ય, અસંસ્કૃત વગેરે કહેવામાં આવતો, અને એની ગણના એવી જ થતી. એ જ અલ્પકાળમાં શાશ્વત જ્ઞાન અને વિશ્વધર્મની પવિત્ર ભૂમિ બની ગયો, અને તે પણ એ અમેરિકનોની નજરે. જેને કેટલાક કટ્ટરપંથી ખ્રિસ્તી મિશનરીઓએ તેમનાં મનમાં ઠસાવી દીધું હતું કે અને જેના પર તેઓ વિશ્વાસ કરી ચૂક્યા હતા કે જ્યાં સુધી એનું સંરક્ષણ થઈ શકે તેમ નથી અને આ બધા માટે એમણે ભાત ભાતની ભ્રામક વાર્તાઓ રચી નાખી હતી. આ બાળકોના પુસ્તકોમાં સચિત્ર વર્ણવવામાં આવતી. ભારતની એક ખ્રિસ્તી મિશનરીએ અમેરિકી બાળકોના મસ્તિષ્કના વિકાસ માટે ‘સોંગ્સ ફોર ધી લિટલ વન્સ એટ હોમ’ નામના એક પુસ્તકમાં એક ગીત લખ્યું હતું :
જુઓ જ્યાં વહે પવિત્ર ધારા
ત્યાં ઊભી છે એક મૂર્તિપૂજક માતા,
પોતાના માતૃત્વ ભર્યા હાથે,
એ ફેંકે છે સ્વશિશુને વહેતી ધારામાં.
સાંભળો ! શિશુ ક્રંદન હું સાંભળું છું
ભયાનક મગર-રાક્ષસને મળ્યો શિકાર !
કે અંધખૂની આ નિર્ઝર,
દૂર ઘસડી જાય છે એ બાળ શિશુને !
અસ્પષ્ટ, અસ્પષ્ટ એ ક્રંદન પડે છે મારા કાને !
પરંતુ આ મા તો નીરવ-નિશ્ચલ હૃદયે
તે રહે છે કરુણક્રંદથી અવિચલિત !
અરે, ત્યાં બાઈબલ પહોંચાડો
તેનું નૈતિક શિક્ષણ પહોંચે એ મા સુધી
પછી તો એનાં શિશુને મળશે દયા, કરુણા
અને તે મા બને ખરી મા !
આ એક પ્રતિકાત્મક કવિતા છે અને તે ખ્રિસ્તી ધર્મના પ્રચારકોના ગંભીર અપરાધો તરફ આંગળી ચીંધે છે. એણે જ તત્કાલીન અમેરિકનોના મન-મસ્તિષ્કને એક ઇન્દ્રજાળ અને સંમોહનમાં બરાબર ફસાવી દીધા હતા. ભારત વિશે અમેરિકન સમાજમાં પ્રચારિત જૂઠા અને બદનામ કરનારા આરોપોને પ્રચારિત કરી મૂક્યા હતા તેને દૂર કરવા આ બધા સામે સ્વામી વિવેકાનંદે વીરતાપૂર્વક લડવાનું હતું.
આવા પુસ્તકોમાંના એક ‘ભારત અને એના નિવાસીઓ’ નામના પુસ્તકમાં (આ પુસ્તક ઈ.સ. ૧૮૫૮માં પ્રથમ પ્રકાશિત થયું હતું.) ભારત વિશેની અનેક ખોટી અને ભ્રામક વાર્તાઓ ભરેલી હતી. એમાં અનેક પંક્તિઓમાં ઉલ્લેખ છે કે એક મૂર્તિપૂજક માતા પોતાના બાળકને ગંગામાં ફેંકી દેતી, એક મનુષ્ય પોતાની જીવતી પત્નીને સળગાવી દેતો અને એક અંધશ્રદ્ધાળુ મા પોતાના બાળકને પક્ષીઓનું પેટ ભરવા ફેંકી દેતી હોય એવા અનેક દૃશ્ય કાવ્યો છે.
ડેટ્રોઈટના એક ઈસાઈ ચર્ચમાં વ્યાખ્યાન આપતી વખતે સ્વામીજીને એક વાર આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું હિન્દુ માતાઓ પોતાનાં શિશુઓને મગરની આગળ ફેંકી દે છે, તો વિનોદભર્યા વ્યંગમાં થોડાં સ્મિત સાથે કહ્યું : ‘હા, મહોદયા! મને પણ મારી માએ એવી રીતે ફેંકી દીધો હતો. પરંતુ તમે નજરે જુઓ છો ને કે હું એટલો જાડો શિશુ હતો કે મગરે મને ગળી ખાવાનો ઇન્કાર કર્યો!’ પછી તો તત્ક્ષણ તેઓ બહુ ગંભીર બની ગયા અને ગર્વથી બરાબર અક્કડ થઈ ગયેલી મુદ્રામાં ઘીરગંભીર વાદળોની જેમ ગર્જના કરતી વાણીમાં તેઓ બોલી ઊઠ્યા, પરંતુ દેવીઓ અને સજ્જનો, હું આપને આશ્વાસન આપું છું કે અમે લોકોએ ક્યારેય ડાકણોને બાળી નાખી નથી.’ મક્કમ મનના નિર્ભિક શબ્દો સાંભળીને સભા શાંત થઈ ગઈ અને સર્વત્ર પ્રસન્નતાની લહેર છવાઈ ગઈ.
અમેરિકા-પ્રયાણ પહેલાં સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજીને કહ્યું હતું : ‘આ ધર્મસભા આને માટે (પોતાની તરફ આંગળી ચીંધીને) યોજાઈ રહી છે. મારું મન એમ જ કહે છે અને એ દિવસ દૂર નથી કે એને પ્રમાણિત થતા જોશો.’ આશ્ચર્યજનક રીતે આ વાત અત્યંત સત્ય નીવડી.
આમ તો ધર્મ-મહાસભાનો ઉદ્દેશ હતો : વિશ્વના બધા મહાન ધર્મોના પ્રતિનિધિઓને એકત્ર કરીને પરસ્પર જ્ઞાન અને સમજણનું આદાન-પ્રદાન કરવું. પરંતુ અંદરખાનેથી એનો હેતુ તો સમગ્ર વિશ્વપર ખ્રિસ્તીપણાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવાનો હતો ! પરંતુ સર્વ કંઈ આનાથી ઊલ્ટુ જ થઈ ગયું.
ધર્મ-મહાસભામાં પોતાના અંતિમ વ્યાખ્યાન દરમિયાન સ્વામી વિવેકાનંદ પોતાની અત્યંત સંતોચિત અને પ્રદીપ્ત મુદ્રામાં આવી ગયા અને એમણે ઘોષણા
કરી : ‘એક ખ્રિસ્તીએ હિન્દુ કે બૌદ્ધ બનવાની આવશ્યકતા નથી; વળી બૌદ્ધ અને હિન્દુએ પણ ખ્રિસ્તી બની જવાની જરૂર નથી; પરંતુ તાતી આવશ્યકતા તો એક બીજાને પચાવી લેવાની એકબીજામાં ભેળવી દેવાની છે. સાથે ને સાથે પોતપોતાનું પોતીકાપણું સુરક્ષિત રાખીને પોતાના વિકાસ નિગમોના નિયમને અનુરૂપ રહીને વિકસિત થવાની જરૂર છે.
જો વિશ્વ-ધર્મમહાસભાએ વિશ્વને કંઈ દેખાડ્યું હોય તો એજ કે પવિત્રતા, શુદ્ધિ તથા પરોપકાર કોઈ ચર્ચની એકાંતિક સંપત્તિ નથી, તેમજ ધર્મના દરેક પથ-સંપ્રદાયે આંતરિક પ્રકાશયુક્ત શ્રેષ્ઠ નર-નારીઓને નિપજાવ્યાં છે. આ સાક્ષ્યના સંદર્ભમાં જો કોઈ વ્યક્તિ માત્ર પોતાના ધર્મની ઉન્નતિ અને બીજાના ધર્મનો ધ્વંસ કરવાનું સ્વપ્ન જોતી હોય, તો તેને એ દર્શાવી દેવું જોઈએ કે હવે અતિ અલ્પ સમયમાં દરેક ધર્મની પતાકા પર બધા વિરોધો હોવા છતાં આવું લખાશે : ‘સંઘર્ષ નહીં, પણ સહાયતા, પરસ્પરનો સમન્વય, નહીં કે ગુસ્સાભર્યો વિરોધ, સમરસતા અને શાંતિ, અને નહીં સંઘર્ષ !’
ધર્મ-મહાસભાનો આ જ બોધપાઠ હતો. એનાથી કટ્ટરતાવાદીની કમર તૂટી તો નહીં પરંતુ એ કમર પર પહેલીવાર એક જોરપૂર્વકનો પ્રહાર તો અવશ્ય થયો. એણે ભારતને પશ્ચિમની દૃષ્ટિએ ઉન્નત ન કર્યું, પરંતુ તેને પોતાની નજરમાં ઊંચે ઉઠાવ્યું અને એણે રાષ્ટ્ર ગૌરવ અને રાષ્ટ્રીય પુનર્જાગરણને પણ જન્મ આપ્યો. પશ્ચિમે પૂર્વમાંથી બોધપાઠ લેવાનું શરૂ કર્યું.
પરંતુ હજી આપણે ઘણી લાંબી મંજિલ કાપવાની છે. આજે કટ્ટરવાદી વિચારોને દૂર કરવાની તાતી આવશ્યકતા છે. સમરસતા, શાંતિ, પૂર્વ અને પશ્ચિમના આદર્શાેનો સમન્વય અને તેમનું આદાનપ્રદાન તેમજ નવા વિશ્વના નિર્માણની આવશ્યકતા છે.
આજે ૧૧, સપ્ટેમ્બર, ૨૦૨૦માં આપણે શિકાગો ધર્મ-મહાસભાનું ૧૨૭મું વર્ષ ઊજવી રહ્યા છીએ, ત્યારે આપણા પૂરા સામર્થ્યથી એને સફળ બનાવવાનો સૌ પ્રયત્ન કરીએ.
Your Content Goes Here