આ વિશ્વધર્મપરિષદ ભરવાનો મૂળ હેતુ, એક પ્રખ્યાત અમેરિકન ધારાશાસ્ત્રી શ્રી ચાર્લ્સ કેરોલ બોનીના મગજમાં મનુષ્યજાતિની વિચારના ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ખ્યાલ આપે એવી એક પરિષદ ભરાય એ હતો. પરંતુ પાછળથી પરિષદના યોજકોએ આ પ્રસંગને જુદી દૃષ્ટિથી જોયો. એ બાબત સ્વામીજીએ પોતે જ એક પત્રમાં સ્પષ્ટ કરી છે કે, ‘બીજા ધર્મો કરતાં ખ્રિસ્તી ધર્મ ચડિયાતો છે, એવું પુરવાર કરવાના આશયથી આ ધર્મપરિષદ યોજાઈ હતી.’

પરંતુ ઈશ્વરની યોજના કંઈક જુદી જ હતી અને વિધિની વિચિત્રતા તો એ જણાઈ આવી કે ખ્રિસ્તી ધર્મની સર્વશ્રેષ્ઠતા સાબિત કરવાના જે ખ્યાલથી એ

યોજાઈ, એ ખ્યાલની જ એમાં આહુતિ અપાઈ !

આ બાજુ બીજે દિવસે એટલે સને ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે સવારના દશ વાગે વિશ્વધર્મપરિષદનું વિધિપૂર્વક ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. શિકાગોની આર્ટ ઈન્સ્ટિટ્યૂટના વિશાળ મકાનમાં, ‘હોલ ઓફ કોલંબસ’ તરીકે ઓળખાતા વિશાળ ખંડમાં ચાર હજાર પ્રતિષ્ઠિત પ્રેક્ષકો કબૂતરની પાંખોનો ફફડાટ પણ સંભળાય એવી ગંભીર શાંતિમાં, પોતાની સામેની સો ફૂટ લાંબી અને પંદર ફૂટ પહોળી ખાલી પડેલી વ્યાસપીઠ પર મીટ માંડીને બેઠા હતા. દશના ટકોરા પડતાંની સાથે જ શ્રીયુત બોની અને પ્રમુખ કાર્ડિનલ ગીબન્સની આગેવાની નીચે બબ્બેની હારમાં પ્રતિનિધિઓ આવતા દેખાયા. એ દૃશ્ય ખરેખર ખૂબ જ ભવ્ય હતું. અનેક ધર્મોના અને પંથોના પ્રતિનિધિઓ પોતપોતાના દેશના પોશાકોમાં સજ્જ થઈને એક વિચિત્ર રીતે રમણીય અને અદ્‌ભુત દૃશ્ય ખડું કરી રહ્યા હતા. સમગ્ર વિશ્વની વિદ્વાત્તા જાણે કે એક સ્થળે કેન્દ્રિત થઈ હતી.

શરૂઆત પ્રાર્થનાથી થઈ. આખી સભાએ તેમાં સૂર પુરાવ્યો. એ મેઘગંભીર અવાજે આખા વિશ્વના સર્વ ધર્મો પરમેશ્વરની પ્રાર્થનામાં એક થયા ! એ વખતનું વર્ણન કરતાં ઇતિહાસકાર હોટને લખ્યું કે, ‘ઓગણીસમી સદીની સર્વશ્રેષ્ઠ પળ આવી પહોંચી હતી !’

પ્રથમ દિવસે તો પરસ્પર આભારવિધિ જ થયો. સવારની બેઠકનો ઘણોખરો વખત તો સ્વાગત સમિતિના સાત સભ્યોએ જ લઈ લીધો. પ્રતિનિધિઓમાંથી આઠ સભ્યોએ જવાબમાં ટૂંકાં નિવેદનો કર્યાં. સવારના ભાગમાં સ્વામીજીનું નામ બોલાયું હતું ખરું, પણ ‘હમણાં નહીં’ એમ કહીને સ્વામીજીએ સવારની બેઠક જવા જ દીધી. બપોરની બેઠકમાં ત્રણ પ્રતિનિધિઓ બોલી ગયા પછી પણ સ્વામીજીની હિંમત નહોતી ચાલી. પ્રમુખને લાગ્યું કે આ પ્રતિનિધિ બોલશે કે કેમ ? આખરે ચોથો પ્રતિનિધિ બોલીને બેસી ગયો એટલે સ્વામીજીનું નામ પોકારાયું. હવે ઉપાય ન રહ્યો એટલે સ્વામીજી ઊભા થયા. ‘પ્રથમ તો,’ સ્વામીજી કહે છે કે, ‘મારું હૃદય ધ્રૂજી ઊઠ્યું અને જીભ લગભગ સૂકાઈ ગઈ !’ આગળ આવતાંની સાથે જ સ્વામીજીની અંદર જાણે કે એક મહાશક્તિ જાગી ઊઠી. સ્વામીજીનો ચહેરો દેદીપ્યમાન થઈ ઊઠ્યો. દૃષ્ટિના એક સપાટામાં આખા પ્રેક્ષક સમુદાયને લઈ લીધો. સહેજ નેત્રો મીચાયાં ત્યાં પાછળ ભગવાન શ્રીરામકૃષ્ણનું જ્યોતિર્મય સ્વરૂપ દેખાયું અને મનમાં સરસ્વતીનું સ્મરણ કરીને સ્વામીજી બોલ્યા : ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ!’ એ વાક્ય પૂરું થતાંની સાથોસાથ તાળીઓનો ગડગડાટ શરૂ થયો. સ્વામીજી કહે છે કે, ‘કાન બહેર મારી જાય એવો એ તાળીઓનો ગડગડાટ બે મિનિટ સુધી ચાલુ રહ્યો. એ પૂરો થાય પછી જ મારાથી આગળ વ્યાખ્યાન કરી શકાયું. એ જ્યારે પૂરું થયું ત્યારે ઊર્મિના આવેશમાં હું લગભગ લોથપોથ થઈ જઈને બેસી ગયો. બીજે દિવસે બધાં અખબારોએ જાહેર કર્યું કે મારું વ્યાખ્યાન સર્વશ્રેષ્ઠ હતું. પરિણામે આખા અમેરિકામાં હું જાણીતો થઈ પડ્યો.’

છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ

૨૭મી સપ્ટેમ્બર, ૧૮૯૩

વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને એમના પરમ નિ :સ્વાર્થ શ્રમને સફળતા મળી છે.

આવું અજબ સ્વપ્ન પ્રથમ સેવનાર, સત્યસેવી, ઉદારહૃદયી અભિજાત આત્માઓનો હું આભાર માનું છું. આવું સ્વપ્ન સેવીને એને પાર પાડવા માટે હું તેમનો આભાર માનું છું. આ વ્યાસપીઠ પર જે ઉદાર વિચારોની, જે ઉમદા લાગણીઓની વર્ષા છલકાઈ છે તે માટે હું આભાર માનું છું. મારા પ્રત્યે સતત દર્શાવવામાં આવેલી સહાનુભૂતિ માટે આ બુદ્ધિશાળી શ્રોતાવર્ગનો, તેમજ ધર્મ ધર્મ વચ્ચેના સંઘર્ષણને હળવું બનાવે એવા દરેક વિચાર પ્રત્યેની એમની કદરદાનીનો હું આભાર માનું છું. આ સુસંવાદિતામાં વચ્ચે કોઈવાર કર્કશતા આવતી હતી; એ કર્કશતા લાવનારનો પણ હું આભાર માનું છું, કેમ કે એ કર્કશતાને લીધે સામાન્ય સંવાદિતામાં વધુ મધુરતા આવી છે.

ધાર્મિક એકતાની સામાન્ય મિલનભૂમિ વિશે ઘણું કહેવાયું છે. આ સમયે હું મારો પોતાનો મત જાહેર કરવા માગતો નથી. પણ જો તમારામાંના કોઈની એવી માન્યતા હોય કે બીજા ધર્મોનો પરાભવ કરીને કોઈ એક ધર્મના વિજયમાંથી આ એકતા આવશે, તો એને હું કહેવા માગું છું કે, ‘ભાઈ ! તમારી આશા ફળે એ અશક્ય છે.’ ખ્રિસ્તીધર્મી હિંદુ થાય એવી આશા હું સેવું ? ના, ભાઈ! ના. હિંદુધર્મી કે બૌદ્ધધર્મી ખ્રિસ્તી થાય એવી આશા હું સેવું ? નહીં જ.

બીજને ખેતરમાં વાવવામાં આવ્યું છે અને એની આસપાસ માટી, હવા અને પાણી સીંચવામાં આવ્યાં છે. બીજ શું માટી થશે, હવા થશે, પાણી બનશે ? ના, ભાઈ! ના. એ છોડ થશે; એના વિકાસના નિયમ અનુસાર એ વિકાસ પામશે. એ હવાને પચાવશે, માટીને પચાવશે, પાણીને પચાવશે અને બીજ આખરે એક છોડ રૂપે જ વિકસશે.

આવું જ કંઈક ધર્મ વિશે છે. ખ્રિસ્તી ધર્મીએ હિંદુ ધર્મી કે બૌદ્ધધર્મી થવાનું નથી, હિંદુધર્મી કે બૌદ્ધધર્મીએ ખ્રિસ્તી થવાનું નથી, પણ એકબીજાએ એકબીજાનાં તત્ત્વને પચાવવાનાં છે અને તે સાથે પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખવાનું છે, પોતાના વિકાસના નિયમાનુસાર વિકાસ મેળવવાનો છે. (શિકાગો વ્યાખ્યાનો પુસ્તકમાંથી)

Total Views: 266

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.