ગતાંકથી આગળ

આજે ૧૩ માર્ચ ૧૯૨૩, મંગળવાર. કાલે વારુણી (ગંગાસ્નાન). રાત્રે દસ વાગે એક ભક્ત કલકત્તાથી આવ્યા. આ સ્થાન કલકત્તાથી ૧૪૪ માઇલ દૂર એક નાનું એવું ગામડું છે. આ છે સંથાલ પરગણાનું સ્વાસ્થ્યપ્રદ સ્થાન. રાત્રે દસ વાગ્યે અહીંયાં બધું શાંત થઈ ગયું. ભક્તે ‘વિનય’ બૂમ પાડતાં, બારણા પર હાથથી થપથપાવતાં ઓરડામાંથી શ્રી ‘મ’ બહાર આવી ગયા. હજુ થોડીક ઠંડી છે. શ્રી ‘મ’ ના માથા પર એક ગરમ મફલર છે.

શ્રી ‘મ’ છે વિશાળકાય, સુદૃઢ, ગૌરવર્ણ. લલાટ ઉન્નત, છાતી વિશાળ, હાથ ઘૂંટણ સુધી લંબાયેલા તથા સામે ફેલાયેલાં વિશાળ બે નયનો સદા પ્રેમથી ભીંજાયેલાં છે. એમની છાતી સુધી લંબાયેલ શ્વેત દાઢી, દિવ્ય વદન મંડળ પર એક પ્રશાંત અતિગંભીર ભાવ વિરાજમાન છે. સૌમ્યદર્શન, સુરસિક અને મધુરભાષી રામકૃષ્ણ ભાવવિભોર આ મહાયોગીએ અહર્નિશ રામકૃષ્ણ ગુણગાન કરવા માટે જ જાણે જીવન ધારણ કરેલ છે. તેઓ મહાજ્ઞાની, મહામનીષિ હોવા છતાં પણ નિરાભિમાન વિગ્રહ છે. આ જ નરદેવનાં દર્શન કરીને ભક્તોનાં હૃદય, મન, આનંદથી પરિપૂર્ણ થાય છે. તેઓ પોતાના મનમાં વિચારે છે, ‘હરિ પ્રેમોન્મત્ત નારદ-વ્યાસ તુલ્ય પૂર્ણકામ, છિન્નસંશય, વયોવૃદ્ધ આ મહર્ષિ આ નિર્જન કુટીરમાં કેમ નિવાસ કરે છે ? કેમ તેઓ આવું કઠોર જીવન લઈ રહેલ છે ? અથવા કેમ આ તપોતન્મયતા છે ? આ જ શું હરિ રસપાન માદકતા છે ? શું આ જ અહૈતુકી ભક્તિ છે ?’ આ જ સમજીને ભગવાન વ્યાસદેવે કહ્યું છે –

आत्मारामस्तु मुनयः निर्ग्रन्था अप्युरुक्रमे ।

कुर्वन्त्यहैतुकीं भक्तिं इत्थम्भूत गुणो हरिः ।।

આ સમયે આશ્રમમાં ત્રણચાર ભક્તો રહે છે. પ્રણામ અને પ્રાથમિક વાતચીત પછી શ્રી ‘મ’ નવા આગંતુકના આહાર માટે વ્યસ્ત થઈ ગયા. ભક્ત વારંવાર કહે છે – ‘આજે એકાદશી છે મારે ઉપવાસ છે. જે આહાર કરવાનો હતો કરીને આવ્યો છું.’ પરંતુ શ્રી ‘મ’ ભક્તની લાવેલી મીઠાઈ, ફળોમાંથી બે સંતરાં, બે સીતાભોગ અને ત્રણ બુંદીના લાડુ પોતાના હાથે શાલપત્ર પર રાખીને ઠાકુરને નિવેદન કરે છે. જ્યાં સુધી શ્રી ‘મ’ પ્રસાદ ગ્રહણ નથી કરતા ત્યાં સુધી નવા આગંતુક પણ પ્રસાદ લેતા નથી. આ જોઈને, સંતરાની બે ત્રણ પેશી રાત્રે અગિયાર વાગે શ્રી ‘મ’ ગ્રહણ કરે છે. ભક્ત ઠાકુર સામે બેસીને જ પ્રસાદ લે છે. શ્રી ‘મ’ કલકત્તાના ભક્તોના સમાચાર લે છે. આહાર પછી શાલપત્ર ફેંકવા માટે ભક્ત બહાર આવે છે, ફરી ઘરમાં પ્રવેશીને જુએ છે, શ્રી ‘મ’ પોતાના હાથે જ એઠા સ્થાનને પાણીથી સાફ કરી રહ્યા છે. ભક્ત અવાક થઈને વિચાર કરે છે, ‘બ્રહ્મદ્રષ્ટા મહાપુરુષોના બધા વ્યવહારો જ અસાધારણ.’

અધ્યાય-૨ : લક્ષ્ય ઈશ્વરલાભ, નિષ્કામકર્મ ઉપાય

એક બ્રહ્મચારી સાવરણીથી કુટિર-પ્રાંગણની સફાઈ કરી રહ્યા છે. શ્રી ‘મ’એ તેમને અંદર બોલાવી કશુંક કહ્યું. બ્રહ્મચારીએ ઝડપથી સ્નાન સમાપ્ત કરીને ઠાકુર-ઘરમાં પ્રવેશ કર્યો. સમય અનુમાને સવારના આઠ.

ઠાકુર-ઘર શ્રી ‘મ’ના શયનકક્ષનો જ એક ભાગ છે, એક પડદાથી અલગ કરાયેલો. સામે એક પેકીંગ બોક્ષને વસ્ત્ર ઢાંકીને તેના પર એક માટીની બાળ-ગોપાળની મૂર્તિ અને શ્રીરામકૃષ્ણ પરમહંસજીની એક છબિ. દેવતાઓની છબિઓ દક્ષિણ તરફ છે. બધા ભક્તો ઠાકુરના આસનની સામે જમીન પર ધાબળા પર બેસે છે. દેવમૂર્તિ અને ધાબળાના આસનની વચ્ચે ત્રણ ચાર હાથ જેટલું અંતર છે. વચ્ચે પૂજારી બેસીને ફળ-મીઠાઈ ધરાવે. પૂજારીના ડાબે-જમણે બે આસન બિછાવેલાં છે. એના પર બેસીને ધ્યાન થાય છે. ડાબા હાથના આસન પર શ્રી ‘મ’ રોજ બેસે છે. સવાર-સાંજ ધૂપ દેવામાં આવે છે. મધ્યાહ્ને ફૂલ અને ફળ મીઠાઈનો ભોગ નિવેદન કરવામાં આવે છે. ઉપનિષદ અને કથામૃતનો સવાર અને સાંજે આ જ સ્થાન પર બેસીને શ્રી ‘મ’ પાઠ અને વ્યાખ્યા કરે છે. ક્યારેક કોઈ બીજું પાઠ કરે અને તેઓ વ્યાખ્યા કરે છે.

કોઈ પણ આડંબર આ ઠાકુર-ઘરમાં નથી. પરંતુ જાણે કોઈ એક અપૂર્વ મન-પ્રાણ ઉન્નતકારી પવિત્ર વાતાવરણથી ગૃહ ભરેલું છે. જે પણ પ્રવેશ કરે તે એનો હૃદયમાં અનુભવ કરી શકશે. ગંગામાં ડૂબકી મારીને શરીર જેમ શીતળ થાય છે, તેવી જ રીતે આ અનાડંબર ઠાકુર-ઘરમાં પ્રવેશ કરતાં જ મન અતિ ઉચ્ચ પવિત્ર ભાવથી અભિભૂત થઈને આનંદથી પરિપૂર્ણ થાય છે.

શ્રી ‘મ’એ પોતાના આસન પર બેસીને સંકેતથી બ્રહ્મચારીને પોતાની સામે આસન પર બેસવાનો આદેશ કર્યો. બંને લગભગ એક કલાક ધ્યાન કરતા રહ્યા. મઠના ભક્ત પુલિન મિત્ર અને તેમનો જમાઈ રણદા ધાબળા પર ઠાકુરની સામે આવીને બેસી ગયા. રણદાએ વિશ્વવિદ્યાલયની સર્વોચ્ચ પરીક્ષા પાસ કરી છે. પુલિન કોઈ સાંસારિક અનિચ્છિત અવસ્થામાં પડીને અશાંતિ ભોગવી રહ્યા છે. શ્રી ‘મ’ને પૂછવા લાગ્યા, ‘અચ્છા, માસ્ટર મહાશય, ઠાકુરે આ વિપત્તિઓ અમને કેમ આપી ?’ શ્રી ‘મ’એ ઉત્તર આપ્યો, ‘તરંગ ન હોય તો નાવિક સશક્ત નથી બનતો.’-એટલે જ છે વિપત્તિઓની આવશ્યકતા. આપત્તિ-વિપત્તિની અંદરથી જ સત્યનો પથ છે. જુઓ, સંસારમાં જે લોકો મહાન થયા છે તેમને કેટલી વિપત્તિઓમાંથી પસાર થવું પડ્યુંું છે. તકલીફ રહિત આળસુ જીવન દુર્બળતાઓનો અડ્ડો છે. ઈશ્વર જેને મોટો બનાવે છે એને વિપત્તિમાં નાખે છે. મકરધ્વજ જો તૈયાર થશે તો આગમાં બળીને, અગ્નિવૃષ્ટિની અંદરથી જ. તરંગ શક્તિમાં વૃદ્ધિ કરે છે. ગુરુ અથવા ગુરુ-સ્થાનીય વ્યક્તિઓના જીવનની ઘટનાઓને સૂક્ષ્મરૂપે જોવી અને ચિંતન કરવી જોઈએ. કેટલીય વિપત્તિઓમાંથી પસાર થઈને એ લોકો આટલા મહાન બન્યા છે. તો જ પોતાની શક્તિ વધશે અને મનમાં બળ આવશે. જુઓને, મહારાજ સ્વામી બ્રહ્માનંદનું જીવન. તેઓ પત્ની માટે કેટલું વિચારતા હતા, એ જ પત્નીનો પરિત્યાગ કરીને સંન્યાસી થયા અને વળી એ જ સ્ત્રીના મૃત્યુના સમાચાર પરિવ્રાજક અવસ્થામાં લાહોરમાં તારથી સાંભળ્યા. સાંભળી આકાશ તરફ જોતા રહ્યા અને પછી વૃંદાવનમાં તપસ્યા કરી કુસુમ સરોવર પર. કેટલી કઠોર તપસ્યા! સામાન્ય રોટી-ભિક્ષા કરીને જીવન ધારણ કર્યું. દિવસની રોટલી રાત્રે પાણીમાં પલાળીને ખાતા. આટલા તરંગોમાંથી જઈને જ તો આટલા મહાન થયા.

તે જ મહારાજ શું એવું નહીં કરે ? જે પોતાના ગુરુ પરમહંસજીના મુખેથી સદાય સાંભળતા રહ્યા – ‘બેટા, ભગવાનનાં દર્શન જ મનુષ્યના જીવનનો ઉદ્દેશ્ય છે. એ ન હોય તો જીવન વૃથા છે.’ શ્રી ગુરુદેવની આ વાત માનીને આટલાં કષ્ટ અને વિપત્તિઓમાંથી પસાર થઈને જ આટલા મોટા થયા. પરમહંસદેવજી પોતાના અંતરંંગોને કહ્યા કરતા હતાને, ‘જે મારું ચિંતન કરશે તે મારું ઐૈશ્વર્ય પ્રાપ્ત કરશે, જેમ પિતાનું ઐશ્વર્ય પુત્ર મેળવે છે. મારું ઐશ્વર્ય છે – જ્ઞાન, ભક્તિ, વિવેક, વૈરાગ્ય, પ્રેમ, સમાધિ.’ ગુરુના જીવનની આલોચના કરવી જોઈએ તો જ શક્તિવૃદ્ધિ થશે. કર્યું તો કાંઈ નહીં ને એમ જ બધું ઝટ થઈ જાય – એ કેવી વાત ? સામે સંસારતરંગ, વચ્ચે ગુરુઉપદેશ, અંતમાં ઈશ્વરલાભ. (ક્રમશ 🙂

Total Views: 300

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.