ગતાંકથી આગળ…

અત્યાર સુધીમાં બેઝ કૅમ્પ આવી ગયેલાં બચેન્દ્રી પાલે અમારા સહુ માટે પ્રેમથી પરાઠાં બનાવ્યાં હતાં અને તેણે અમને ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચાડ્યાં. મને એ શીતળ વાતાવરણમાં પરાઠાં ખાવાની મજા તો આવી, પરંતુ હું બચેન્દ્રી પાલને ખુદ મળી ન શકી, કારણ કે અમે ઉપરના કૅમ્પમાં પહોંચ્યાં ત્યાં તો ખૂબ અંધારું થઈ ગયું હતું અને બચેન્દ્રી પાલ પાછાં બેઝ કૅમ્પ જવા રવાના થઈ ગયાં હતાં. ઉપરના કૅમ્પમાં રાત ગાળીને અમે નીચે આવ્યાં ત્યારે એ બીજે દિવસે બેઝ કૅમ્પમાં બચેન્દ્રી પાલે ‘મારી સિંહણ’ કહીને મારું સ્વાગત કર્યું અને ઉષ્માથી મને ભેટ્યાં. પછી અમે નીચે ઊતર્યાં અને એ કૅમ્પમાં આવ્યાં. ઉપર જતાં માંદા થયા હતા તે બચેન્દ્રી પાલના મોટા ભાઈ અહીં સારવાર લઈ રહ્યા હતા.

તે સાંજે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે હવે એવરેસ્ટ જવા માટે હું એકદમ તૈયાર થઈ ગઈ છું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પોતે તાતા સ્ટીલના અધિકારીઓને વાત કરશે અને આશા રાખી કે એવરેસ્ટના સ્વપ્નના મારા એ પ્રવાસનો આર્થિક બોજ ઉપાડવા તેઓ સંમત થશે. એમણે આપેલી આ સંમતિનું મારે મન બહુ મોટું મૂલ્ય હતું. સાચું પૂછો તો જ્યાં સુધી તેઓ મને લીલી ઝંડી ન આપે ત્યાં સુધી મને પણ મારી એવરેસ્ટની યોજના અને તૈયારી ઉપર શંકા રહેતી હતી. હું જાણતી હતી કે એવરેસ્ટ વિશે તેમને અનન્ય જ્ઞાન હતું. વળી તેઓ એક મહિલા હતાં તેથી બીજા કોઈ કરતાં મારી વિશિષ્ટ મુશ્કેલીઓને સારી રીતે સમજતાં હતાં. તેમણે મને કહ્યું, ‘એ કદી ન ભૂલીશ કે પહાડ ઉપર કોઈ પણ બાબત નિશ્ચિત જ રહે એવું નથી.’ મેં તેમને ખૂબ ધ્યાનથી સાંભળ્યાં અને મેં જોયું છે કે તેમણે આપેલ બધો બોધ મને ઉપયોગી નીવડ્યો છે.

મને હજી એ દિવસ યાદ છે, જ્યારે ઉત્તરકાશીમાં થતી તાલીમ દરમિયાન એક વાર નવેમ્બર મહિનામાં જંગલી વાંદરાઓને જોયા. અમારા તંબુને ગરમ રાખવા અમે લાકડાં લેવા બહાર નીકળ્યાં હતાં. એક મૃત ઝાડમાંથી અમે લાકડાં એકઠાં કરી રહ્યાં હતાં ત્યારે એ જંગલી વાંદરાઓ અમારા તંબુમાં ઘૂસ્યા અને તેને ખૂબ અસ્તવ્યસ્ત કરી મૂક્યો. અમારાં કપડાં ફાડી નાખ્યાં અને જે હાથ લાગ્યું તે તોડી નાખ્યું.

હવે અમારી પાસે કશું ન રહ્યું – શબ્દશ: કશું જ નહીં. એ ઓછું હોય તેમ જ્યારે હવે અમે સહુથી નજીકના ગામ તરફ જવા અન્ન અને આશ્રયની શોધમાં નીકળ્યાં ત્યારે ભારે બરફ પડવા લાગ્યો. અમે અસહાય બનીને હિમવર્ષા બંધ ન થાય ત્યાં સુધી અટકી ગયાં. પણ તે તો આખી રાત ચાલી અને છેક સવારે બંધ થઈ. તેટલા સમયમાં તો આખો વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો હતો અને અમારા રસ્તે પાછા ફરવું અશક્ય બની ગયું હતું. અમે માર્ગ ભૂલી ગયાં અને જંગલમાં જઈ ચડ્યાં અને છેવટે એક ગુફામાં શરણ લેવું પડ્યું. ભૂખ્યાં અને તરસ્યાં એવાં અમને એ ગુફામાં પાણી હોવાનાં એંધાણ મળ્યાં. તેનું મૂળ શોધતાં અમે એ સ્થાને પહોંચ્યાં જ્યાંથી પાણી ગુફામાં ટપકતું હતું. લગભગ ત્રીસેક મિનિટમાં અમે ૨૦૦ મીલી પાણી ભેગું કર્યું. વળી ગુફામાં થોડો સખત બરફ હતો તેને પણ અમે ભાંગ્યો.

પણ હવે અમારે કશું અન્ન તો લેવું જ પડે એમ હતું. ગુફામાં ભરાઈને અમને કશું સૂઝતું નહોતું. પણ અચાનક મને યાદ આવ્યું કે બચેન્દ્રી પાલે અમને આવી સ્થિતિ આવે તો શું કરવું તે વિશે સમજાવેલું. તેમણે મને શીખવ્યું હતું કે પહાડોમાં કેવાં કેવાં છોડ-પાન હોય જેને માનવ ખાઈ શકે અને તેમને કઈ રીતે ઓળખવાં. અહીં એ બાબતે ભાર આપવો જરૂરી છે કે જો એવાં છોડ-પાનની એકદમ યોગ્ય જાણકારી ન હોય તો કદી માત્ર અનુમાન કરીને એવાં છોડ-પાન ખાવાં નહીં, કારણ કે તેની એક ખોટી પસંદ તમને મદદરૂપ થવાને બદલે મોટું નુક્સાન કરી શકે છે.

અમે જે છોડને પછી ખાઈ શક્યાં તેનું નામ છે ‘લિંગ્ડી’. તે કૂણો હોય ત્યારે તેનામાં અદ્‌ભુત પોષણ હોય છે, પરંતુ જેમ જેમ તે મોટો થાય તેમ તે ઝેરી બનતો જાય અને પછી તેને ‘બેચ્છુ ઘાસ’ કહે છે. હિમાલયમાં ‘યારાસગુમ્બા’ નામે એક કાનખજૂરો થાય છે જેને એક ફંગસ લાગે છે અને તેના વૈદકીય મૂલ્ય માટે તે પ્રખ્યાત છે. સામાન્ય રીતે તે હિમાલયમાં ૩૫૦૦ મીટરની ઊંચાઈએ થાય છે. તેને ભારતમાં જ નહીં, ચીન જેવા દેશોમાં તો એક શક્તિશાળી કામોદ્દીપક ગણે છે, જ્યાં તેની ખૂબ માગ છે. ઘણા લોકો દર વર્ષે આ પહાડોમાં એક જાદુઈ કાનખજૂરાને શોધવા આવે છે, કેમ કે તેના ૧ કિ.ગ્રા.ના વેચાણથી તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી કિંમત મેળવી શકે છે.

એ જ ગુફામાં ત્રણ-ત્રણ દિવસ રહ્યા બાદ અમે લિંગ્ડી ઉપર ટકી રહ્યાં અને છેવટે પાસેના એક ગામડા તરફ ગયાં. અહીં અમને એક દયાળુ ખેડૂતે રહેવાની રજા આપી અને પોતે બે છેડા માંડ ભેગા કરી શકતો હોવા છતાં અમને ભાત અને મીઠાનું ભોજન કરાવ્યું. ચોથે દિવસે ૧૫,૦૦૦ ફૂટ ઊંચાઈએ આવેલા બેઝ કૅમ્પ સુધી અમે પહોંચ્યાં.

એક બીજો પણ યાદગાર બનાવ બનેલો. દારવા પાસેના ૧૬,૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કૅમ્પમાં અમે એક જુદા માર્ગે જતાં હતાં ત્યારે ભારે બરફ પડવા લાગ્યો. આખો માર્ગ બરફથી છવાઈ ગયો. આ ફેબ્રુઆરીનો મહિનો હતો. હું અને સાહેબ, એક રસોઈયો અને એક પ્રશિક્ષક નામે અન્નુ મેડમ નીકળ્યાં હતાં. મને અન્નુ મેડમ સતત કહેતાં હતાં કે મારે પહાડની નજીક રહીને ચાલવું, કરાડ કે ઊભા ખડકના છેડે ન ચાલવું.

પણ એક ઠેકાણે મેં તેમનું કહ્યું માન્યું નહીં અને કરાડની તરફ વળી અને એક ડગલું લીધું ત્યાં તો મેં સંતુલન જ ખોયું ! મને યાદ હતું કે બચેન્દ્રી પાલે કહેલું કે દરેક બાબત માટે આપણે પ્રભુનો ઉપકાર માનવો. ખરેખર જો મને વિકલાંગ કરવા માટે કદી પ્રભુનો આભાર માનવો પડ્યો હોય તો તે આ ક્ષણે બન્યું, કારણ કે પડતી વખતે મારો કૃત્રિમ પગ એ નરમ બરફમાં ફસાઈ ગયો અને તેને લીધે હું નીચે ઘસડાઈ જતાં અટકી ગઈ. અન્નુ મેડમ મારી આગળ હતાં અને સાહેબ તથા મજૂર પાછળથી આવતા હતા. મજૂરે નીચે કૂદીને મને મારા વાળથી પકડીને ઉપર ખેંચી અને અન્નુ મેડમે મારો પગ ઝાલી રાખ્યો. સાહેબે મારો હાથ પકડ્યો પણ તેનાથી તેઓ પણ લપસવા લાગ્યા.

પણ છેવટે મારો કોઈ રીતે બચાવ થયો ખરો અને મેં વચન આપ્યું કે હવે હું આજ્ઞાપાલન કરતી રહીશ. મને ખ્યાલ આવી ગયો હતો કે હું મારા અંતની કેટલી નજીક પહોંચી ગયેલી. મારે માટે પેલો મજૂર તો દેવદૂત હતો, કેમ કે એની મદદ વિના હું બચી ન શકી હોત.

પછી તો ફરી ઉત્તરકાશી આવીને મેં તાલીમ ચાલુ રાખી અને છેક ૧૫ માર્ચ સુધી પણ ચાલુ રાખી, આમ કરવા પાછળ મારો હેતુ એ હતો કે મારી શારીરિક ચુસ્તી-તંદુરસ્તી ચાલુ રહે તે જરૂરી હતું. મને બચેન્દ્રી પાલનો સંદેશો મળ્યો કે તેઓ હવે જમશેદપુર છે. મને તેમણે ફોન કરીને ૨૫મી માર્ચ સુધીમાં દિલ્હી જવા કહ્યું. મને ખ્યાલ આવી ગયો કે મોટી ક્ષણ આવી લાગી છે.

તેથી તરત જ ઉત્તરાખંડના પહાડો છોડીને પહેલાં લખનૌ પહોંચી, જ્યાં મારા પરિવારની મુલાકાત લીધી. લગભગ એક સપ્તાહ તેમની સાથે વિતાવીને પછી મેં જમ્મુ સ્થિત વૈષ્ણોદેવી તીર્થની પણ યાત્રા કરી.

અહીંથી અમે લખનૌ ટ્રેનમાં ગયાં. રાજ્યના પાટનગરમાં પહોંચીને સમય ન ગુમાવતાં અમે દેશના પાટનગર તરફ ઊપડયાં જ્યાં મારે એક રાષ્ટ્રને ઉત્તર આપવાનો હતો કે શું હું મારું સ્વપ્ન સાકાર કરવા સક્ષમ છું? (ક્રમશ:)

Total Views: 256

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram