રુક્મિણીના વિવાહની ચર્ચા અને તેણે શ્રીકૃષ્ણને મોકલેલ સંદેશ :

મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના અધિપતિ હતા. તેઓ ધર્મભીરુ અને સાધુ સ્વભાવના માનવ હતા. તેઓ હંમેશાં બીજાનું ભલું કરવામાં પ્રયત્નશીલ રહેતા. તેમને પાંચ પુત્રો અને એક સુંદર કન્યા હતી. સૌથી મોટા પુત્રનું નામ રુક્મી અને પુત્રીનું રુક્મિણી હતું. નારદજી જેવા સંત મહાત્માઓનું મહારાજ ભીષ્મકને ત્યાં આવવા-જવાનું થતું. જ્યારે રુક્મિણીએ નારદજી જેવા સંતોના મુખેથી ભગવાન શ્રીકૃષ્ણનાં સૌંદર્ય, પરાક્રમ, ગુણ અને વૈભવની પ્રશંસા સાંભળી, ત્યારે તેણે તે પોતે શ્રીકૃષ્ણ સાથે જ વિવાહ કરશે, એવો નિર્ણય કર્યોે. આપણી બહેનના વિવાહ શ્રીકૃષ્ણ સાથે થાય, એવું રુક્મિણીના બીજા ભાઈબંધુ પણ ઇચ્છતા હતા. પણ રુક્મી શ્રીકૃષ્ણનો ઘણો દ્વેષી હતો. એટલે તેણે રુક્મિણીના વિવાહ ચેદિરાજ દમઘોષના પુત્ર શિશુપાલ સાથે કરવાનો નિર્ણય કર્યો.

તેનો ભાઈ પોતાના વિવાહ શિશુપાલ સાથે કરવા ઇચ્છે છે એવું જ્યારે રુક્મિણીને જાણવા મળ્યું, ત્યારે તે ખૂબ ઉદાસ થઈ ગઈ. તે તો અહર્નિશ શ્રીકૃષ્ણનું જ ચિંતન કર્યા કરતી અને મનથી શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. તેણે ઘણો વિચાર કરીને એક વિશ્વાસપાત્ર બ્રાહ્મણને પોતાનો સંદેશો લઈને શ્રીકૃષ્ણ પાસે મોકલ્યો.

જ્યારે તે બ્રાહ્મણ દ્વારકા પહોંચ્યો, ત્યારે દ્વારપાળ તેને રાજમહેલમાં લઈ ગયો. અહીં આવીને પેલા બ્રાહ્મણે જોયું તો શ્રીકૃષ્ણ સોનાના સિંહાસન પર બિરાજમાન છે. શ્રીકૃષ્ણે પેલા બ્રાહ્મણને જોયો કે તરત જ પોતાના આસન પરથી ઊતરીને એ બ્રાહ્મણને આદરપૂર્વક પોતાના સિંહાસન પર બેસાડ્યો. પછી એમણે જેમ લોકો કોઈ દેવતાની પૂજા કરે તેમ પેલા બ્રાહ્મણની પૂજા કરી. ત્યાર પછી શ્રીકૃષ્ણે વિનમ્રતા સાથે તેના આગમનનું કારણ પૂછ્યું.

શ્રીકૃષ્ણના પ્રશ્નના ઉત્તરમાં બ્રાહ્મણે તેમને રુક્મિણીનો આ સંદેશ કહી સંભળાવ્યો, ‘હે પ્રિયતમ શ્રીકૃષ્ણ ! મેં આપના અનંત સદ્ગુણો અને ભક્તો પ્રત્યે આપની અનુકંપા વિશે ઘણું ઘણું સાંભળ્યું છે. ગમે તે દૃષ્ટિએ જોઈએ તોપણ આપ અનુપમ છો. મનુષ્યલોકનાં બધાં પ્રાણીઓનું મન આપને જોઈને આનંદિત થાય છે. મેં આપને પતિના રૂપે પસંદ કર્યા છે અને હું આપને જ મારા જીવનનું સર્વસ્વ માની ચૂકી છું. કૃપા કરીને મારો આપનાં ચરણોની દાસી રૂપે સ્વીકાર કરો. જો મેં ભક્તિપૂર્વક ઈશ્વરની આરાધના કરી હોય તો આપના સિવાય બીજું કોઈ મારું પાણિગ્રહણ ન કરી શકે, એવું કરજો. રાજમહેલના રાણીવાસમાં રહેનાર રુક્મિણી સાથે આપ કેવી રીતે મળી શકશો કે મારા પરિજનો સાથે યુદ્ધ કર્યા વિના મને કેવી રીતે લઈ જઈ શકશો, જો આપ એવું વિચારતા હો તો એનો ઉપાય હું આપને બતાવું છું. અમારા કુળનો એવો નિયમ છે કે વિવાહના એક દિવસ પહેલાં કુળદેવીનાં દર્શન માટે મોટી યાત્રા યોજાય છે, એમાં કન્યાને નગરની બહાર ગિરિજાદેવીના મંદિરમાં જવું પડે છે. જ્યારે હું મંદિરમાંથી બહાર નીકળું, ત્યારે આપ મારું અપહરણ કરી શકો છો. જો આપે મારી આ પ્રાર્થના ન સાંભળી તો હું મારો પ્રાણ ત્યજી દઈશ.’

અંતે બ્રાહ્મણે કહ્યું, ‘ભગવાન ! આ છે રુક્મિણીનો ગોપનીય સંદેશ. હવે આગળ શું કરવું એનો વિચાર તમારે કરવાનો છે.’

રુક્મિણીનો સંદેશ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણે હસતાં હસતાં કહ્યું, ‘હે બ્રાહ્મણ દેવતા ! રુક્મિણી મારી સાથે વિવાહ કરવા ઇચ્છે છે, એ સાંભળીને મને ઘણો આનંદ થયો છે. જેમ વિદર્ભ રાજકુમારી મને ચાહે છે, તેવી જ રીતે હું પણ તેને ચાહું છું. મને એ પણ ખબર છે કે રુક્મીએ જ મારા અને રુક્મિણીના વિવાહમાં વિઘ્ન નાખ્યું છે. હું તેને અને તેના સહાયકોને પરાજિત કરીને એમની નજર સામે જ રુક્મિણીને લઈને દ્વારકા આવી જઈશ.’

આમ કહીને શ્રીકૃષ્ણે પોતાના સારથિ દારુકને પોતાના રથને વિના વિલંબે લાવવા આજ્ઞા કરી. દારુક ચાર ઘોડા જોડીને રથ લઈ આવ્યો. બ્રાહ્મણ અને શ્રીકૃષ્ણ રથ પર સવાર થયા અને એ તીવ્રવેગે દોડતા ઘોડાઓ દ્વારા એક જ રાતમાં વિદર્ભ પહોંચી ગયા.

મહારાજ ભીષ્મકે આ સમય દરમિયાન પોતાની પુત્રીના વિવાહની પૂરી તૈયારીઓ કરી લીધી હતી. રુક્મિણીને નવાં નવાં વસ્ત્રો પહેરાવ્યાં અને તેને ઉત્તમ આભૂષણોથી વિભૂષિત કરવામાં આવી. રાજા દમઘોષે પણ પોતાના પુત્ર શિશુપાલ માટે બ્રાહ્મણો દ્વારા વિવાહ સંબંધી મંગલ કાર્યો કરાવ્યાં. ત્યાર પછી તેઓ પોતાના હાથી, ઘોડા, રથ વગેરેની ચતુરંગિણી સેના લઈને કુંડિનપુર પહોંચ્યા. આ જાનમાં જરાસંધ અને શાલ્વ જેવા શિશુપાલના અન્ય નરપતિ મિત્ર પણ આવ્યા હતા. તેઓ બધા શ્રીકૃષ્ણ અને બલરામજીના વિરોધી હતા અને એમણે એવો નિશ્ચય કરી રાખ્યો હતો કે જો કૃષ્ણ કન્યાનું હરણ કરવાની ચેષ્ટા કરે, તો આપણે બધા સાથે મળીને એની સાથે યુદ્ધ કરીશું. એટલે આ રાજાઓ પોતપોતાની સેનાઓ પણ સાથે લાવ્યા હતા.

બલરામજીને વિપક્ષી રાજાઓની આ તૈયારીની ખબર મળી ગઈ હતી અને જ્યારે એમણે સાંભળ્યું કે શ્રીકૃષ્ણ એકલા જ રુક્મિણીનું અપહરણ કરવા ગયા છે, એટલે એમણે ઘણી આશંકા અનુભવી. તરત જ તેઓ રથ, હાથી, અશ્વ અને પાયદળ સૈનિકોના એક મોટા સૈન્ય સાથે કુંડિનપુર જવા નીકળી પડ્યા.

આ બાજુએ રુક્મિણી શ્રીકૃષ્ણના શુભાગમનની પ્રતીક્ષા કરી રહી હતી. પરંતુ એમણે મોકલેલ બ્રાહ્મણ હજી સુધી પાછો ફર્યો ન હતો. રુક્મિણી તો ઘણી ચિંતામાં પડી ગઈ અને મનોમન વિચારવા લાગી, ‘થોડા સમય બાદ મારાં લગ્ન શિશુપાલ સાથે થઈ જશે. હું કેટલી અભાગી છું. શ્રીકૃષ્ણ હજુ સુધી કેમ ન આવ્યા ? શું એમણે મારા અનુરોધને અવગણ્યો છે ?’ આમ વિચારતાં વિચારતાં એની આંખોમાં આંસુ વહેવા લાગ્યાં. પરંતુ ‘હજી પણ સમય તો છે’ આવું વિચારીને તેણે પોતાની જાતને દિલાસો આપ્યો.

એ સમય દરમિયાન સંદેશવાહક બ્રાહ્મણની સાથે શ્રીકૃષ્ણ નગરના કિનારે આવેલ એક ઉદ્યાનમાં આવી પહોંચ્યા. શ્રીકૃષ્ણે બ્રાહ્મણને રુક્મિણી પાસે આશ્વાસન દેવા મોકલ્યો. રુક્મિણીએ જોયું કે બ્રાહ્મણનું મુખ પ્રફુલ્લિત છે અને તે તરત જ સમજી ગઈ કે ભગવાન શ્રીકૃષ્ણ એને લેવા આવી ગયા છે. બ્રાહ્મણે આવીને રુક્મિણીને શુભ સમાચાર આપ્યા કે શ્રીકૃષ્ણ અહીં પધાર્યા છે. આ સાંભળીને રુક્મિણીનું હૃદય આનંદથી છલકાઈ ગયું. આવા શુભ સમાચારના બદલામાં પેલા બ્રાહ્મણને કયો ઉપહાર દેવો એ પણ એને ન સમજાયું.

Total Views: 358

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.