ધર્મના ક્ષેત્રમાં ઉપરછલ્લી વાતો કરવાથી કંઈ પણ થતું નથી. અંત:કરણપૂર્વક સાધના કરવાની હોય છે. જો આપણે ગ્રામોફોનના રેકોર્ડની માફક શાસ્ત્રના ઉપદેશોને પોપટની જેમ રટતા રહીને સંતુષ્ટ થઈ જઈશું અને આગળ વધવાનો પ્રયાસ નહીં કરીએ તો આપણને ધર્મલાભ થવાની કોઈ જ આશા નથી. આંતરિક અનુભૂતિ જ આધ્યાત્મિકતાની ઓળખ છે. જેમની અંદર ધર્મનું બીજ છે, તેમાં તેનું ક્રમશ: અંકુરણ થાય છે જ. એક વિશાળ વૃક્ષને ઉગાડવા માટે જેમ બીજની જરૂરિયાત છે તેવી રીતે સૌથી પહેલાં આપણી અંદર આધ્યાત્મિકતાનું બીજ હોવું જોઈએ, પછીથી આપણે તે વૃક્ષ ઉગાડવાનું હોય છે. આપણે અનુભૂતિ માટે પ્રયાસ કરવો પડશે. આપણું મન તે જ વિચારમાં પરિવર્તિત કરવું પડશે.
નહીંતર ઉપદેશોના ઢગલાથી મસ્તિષ્કને ભરીને વચ્ચે વચ્ચે બીજાઓ સામે તેનું રટણ કરતાં કરતાં અત્યંત પંડિતાઈનું પ્રદર્શન કરી શકાય છે, પરંતુ આધ્યાત્મિકતાની ઉપલબ્ધિ તો થતી જ નથી. શ્રીરામકૃષ્ણદેવ કહ્યા કરતા હતા કે પંડિત લોકો ગીધ જેવા છે, જેઓ ઊડે છે તો આકાશમાં અત્યંત ઊંચાઈ પર, પરંતુ તેમની દૃષ્ટિ પૃથ્વી પર નીચે સડેલા મડદાની શોધમાં હોય છે અર્થાત્ કામ અને કાંચન પર જ મંડાયેલી હોય છે.
આધ્યાત્મિક બનવા માટે સૌ પ્રથમ સત્યનિષ્ઠાની આવશ્યકતા છે. તે એટલે સુધી કે પોતાના પ્રાણની રક્ષા કરવા માટે પણ સત્યનો ત્યાગ કરવો ન જોઈએ. ભગવાન સત્ય-સ્વરૂપ છે અને તેઓ સત્યનિષ્ઠ વ્યક્તિના અધીન છે. જે વ્યક્તિ મન, વચન અને કર્મથી સત્યનું પાલન કરતી નથી તેના માટે ધાર્મિક હોવું અસંભવ છે અને તેની સમગ્ર સાધના વ્યર્થ છે. તેથી સૌ પ્રથમ પ્રાણપણે દૃઢતાપૂર્વક સત્યવાદી બનો. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધા કાળમાં એક માત્ર સત્યનો જ જય થાય છે.
ધર્મ શું છે? સિદ્ધાંતની દૃષ્ટિએ ઘણા બધા લોકો તેને કેટલું કેટલુંય સમજે છે, પરંતુ ખેદની વાત એ છે કે પોતાના જ્ઞાનને વ્યાવહારિક રૂપ આપવાવાળા લોકોની સંખ્યા કેટલી અલ્પ છે! જે સત્યનું પાલન કરે છે, માત્ર તેને જ ઉપલબ્ધિ થશે. મોટેભાગે લોકો કહે છે કે વેપારમાં સત્યનું પાલન કરવું અસંભવ છે. પરંતુ મને એમાં વિશ્વાસ નથી. જ્યાં સત્યનું રાજ્ય છે, ત્યાં ભગવાન સ્વયં નિવાસ કરે છે. જો કોઈ વેપારી પોતાના ઘરમાં સત્યની સ્થાપના કરે તો તેને બધી ધાર્મિક વ્યક્તિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવશે અને તેના વ્યાપારમાં અવશ્ય ઉન્નતિ સધાશે. નાગ મહાશયની સત્ય પ્રત્યે પ્રગાઢ નિષ્ઠા હતી. એક વખત તેઓ કંઈક ખરીદવા બજારમાં ગયા. દુકાનદારે તેમની પાસે વસ્તુની કિંમતરૂપે ચાર આના માગ્યા. સત્યવાદી હોવાને કારણે તેઓએ દુકાનદાર પર વિશ્વાસ રાખીને ભાવતાલ કર્યો નહીં. તેમની બાજુમાં ઊભેલી વ્યક્તિએ તેમને ચાર આના આપતા જોઈને આશ્ચર્યપૂર્વક વિચાર્યું, ‘આ કેવી વ્યક્તિ છે! તેમણે જરાય ભાવતાલ કર્યો નથી’ પરંતુ જ્યારે તેમને જાણવા મળ્યું કે તેઓ સંત નાગ મહાશય છે, જેમના મનમાં છળ-કપટની ધારણા સુધ્ધાં નથી, ત્યારે તેણે બે આનાની વસ્તુના ચાર આના વસુલ કરવા બદલ દુકાનદારને ખૂબ જ સાચું-ખોટું સંભળવી દીધું. દુકાનદારના હૃદયમાં આ વાત ઘર કરી બેઠી. તેથી બીજા દિવસે નાગ મહાશય જ્યારે ફરી વખત દુકાને કંઈક ખરીદવા આવ્યા, ત્યારે તેણે પાંચ આનાની વસ્તુના માત્ર બે આના જ માગ્યા. ત્યારે નાગ મહાશયે હાથ જોડીને દુકાનદારને કહ્યું, ‘તમે મારી સાથે આવો વ્યવહાર શા માટે કરો છો? આ વસ્તુની કિંમત તો બે આનાથી વધારે હશે. તમે મારી પાસેથી યોગ્ય કિંમત વસુલ કરો.’ આ સાંભળીને દુકાનદાર ભાવવિભોર બની ગયો અને સંતના ચરણમાં મસ્તક નમાવ્યું. એટલા માટે કહું છું કે સત્યને પકડી રાખવાથી તમે ક્યારેય નુકસાનમાં નહીં મુકાઓ. જો તમે સત્યનિષ્ઠ રહેશો તો તમારા પર ભગવાનની કૃપા અવશ્ય થશે અને સાંસારિક ઉન્નતિની સાથે સાથે આધ્યાત્મિક પ્રગતિ પણ થશે.
જો તમારી અંદર સત્યનિષ્ઠા છે તો બાકી બધા ગુણ, એટલે સુધી કે આત્મસંયમ પણ આપોઆપ તમારામાં પ્રગટશે. પરંતુ આ સત્યનિષ્ઠાને ગુમાવવાથી આપણી આ દુર્ગતિ થઈ છે અને આપણે કષ્ટ તથા પતનનો બોજ ભોગવી રહ્યા છીએ. હવે આને સુધારવા માટે આપણે પ્રાણપૂર્વક પ્રયાસ કરવો જોઈએ, પરંતુ માત્ર લુખ્ખી વાતો દ્વારા જ નહીં, પણ પૂર્ણ મનોયોગ અને કર્મઠતાની સાથે. સાધનાની મુખ્ય વાત છે – જીવનમાં સચ્ચાઈ – આંતરિક ભાવોની સાથે બાહ્ય આચરણનું સામ્ય – મન તથા મુખને એક કરવું. વર્તમાનમાં આપણે વિચારીએ છીએ કંઈ અને કહીએ છીએ બીજું કંઈ. તેથી આપણે મિથ્યાચારી છીએ. આ અજ્ઞાન અને ભ્રમનું દ્યોતક છે. જો કોઈ પણ આધ્યાત્મિક બનવા માગે છે, તેણે વાતો કરવાનું છોડીને સાધન-ભજનમાં લાગી જવું જોઈએ. આવી વ્યક્તિ પર જ પરમાત્માની કૃપા થાય છે અને તેની ઇહલોક તથા પરલોક બન્નેમાં ઉન્નતિ થવી નિશ્ચિત છે.
આ જીવનમાં મુક્તિ મેળવવા માટે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ આપણને અનાસક્ત થઈને કર્મ કરવાની સલાહ આપે છે. આ એક મનગઢંત વાત અથવા અસામાન્ય મસ્તિષ્કની કપોળ કલ્પના નથી. આપણે આપણી આંખોથી એવાં જીવન જોયાં છે. આપણે પણ આ જીવનમાં જ મુક્તિ મેળવવી પડશે. ભલેને એના માટે આપણું સર્વસ્વ બલિદાન કેમ ન કરી દેવું પડે, પરંતુ આપણે તેની ઉપલબ્ધિ કરવી જ પડશે. અન્યથા ધર્મ, ભક્તિ વગેરેની મોટી મોટી વાતો જીવનમાં અનુભૂતિ મેળવ્યા વગરની રહી જશે. મુક્તિ મેળવ્યા વગર આપણે શુદ્ધ ભક્તિની પ્રાપ્તિ કરી શકતા નથી. આપણે જીવનની ગમે તે અવસ્થામાં કેમ ન હોઈએ, આપણે આપણા સંપૂર્ણ આત્મબળ સાથે કહેવું જોઈએ કે અમે ચોક્કસ જીવનમુક્ત બનીશું. પરંતુ એના માટે આપણે સમગ્ર જીવનનું બલિદાન દેવું પડશે. ઘણા લોકો ભક્તિની વાતો સાંભળવાનું પસંદ કરે છે અને તે સાંભળવું આનંદદાયક પણ છે; પરંતુ જ્યારે આપણે તેની સાધના કરવા માગીએ છીએ ત્યારે તો એના માટે આપણે આપણું સર્વસ્વ ન્યોચ્છાવર કરવું પડે છે.
એક વખતે એક વ્યક્તિ ભગવત્પ્રેમની પ્રાપ્તિ કરવા માગતી હતી. તે વખતે તેણે જોયું કે એક ફેરિયો પોતાના મસ્તક પર ટોપલી લઈને બૂમો પાડતો પાડતો સડક પરથી પસાર થઈ રહ્યો છે – ‘પ્રેમ લો, પ્રેમ! કોઈને પ્રેમ જોઈએ છે? કોઈ પ્રેમ ખરીદશે પ્રેમ?’ આ બૂમને સાંભળીને કેટલાંક બાળકો બોલી ઊઠ્યાં – ‘અમે પ્રેમ લઈશું, અમે પ્રેમ ખાઈશું.’ કેટલાક વયસ્ક પણ બોલી ઊઠ્યા – ‘અમે પણ પ્રેમ લેવા માગીએ છીએ, અમે પ્રેમ ખરીદીશું.’ આ સાંભળીને ફેરિયાએ પોતાના મસ્તક પરથી ટોપલી ઉતારતાં કહ્યું – ‘આવો, બોલો, તમારામાંથી કોને કોને કેટલો પ્રેમ જોઈએ છીએ? હું પ્રેમ વજનના આધારે વેચું છું. કેટલો જોઈએ છીએ? એક કિલો?’ આમ કહીને તેણે એક ધારદાર છરો કાઢ્યો અને પછી બોલ્યો- ‘આ જુઓ! આ છરા દ્વારા તમારું મસ્તક કાપીને આપો અને મસ્તકના વજન બરાબર જ હું તમને પ્રેમ આપીશ.’
જો તમારે ભગવત્પ્રેમ જોઈતો હોય તો તમારે તેની કિંમત ચૂકવવી પડશે અને તે કિંમત છે તમારું જીવન. કોઈ પણ દેખાડા કે લુખ્ખી વાતોથી ધર્મજીવનની પ્રાપ્તિ થતી નથી. તેની એક માત્ર કિંમત બલિદાન-મહાન આત્મત્યાગ જ છે. તમે સર્વસ્વનો ત્યાગ કરશો ત્યારે જ તમને ધર્મજીવન અને આધ્યાત્મિકતા પ્રાપ્ત થશે.
Your Content Goes Here