ગતાંકથી આગળ…

બીજાની નિંદા ન કરો : સાધક બધા સાથે વગર વિચાર્યે હળીમળી શકતા નથી. આમ છતાં પણ નિંદાવાદ તો ક્યારેય થવો ન જોઈએ. અપવિત્ર લોકોની નિંદા કરીને અહમ્-મન્યતાના ભાવને વધારવો ન જોઈએ. ‘હું તમારાથી પવિત્ર છું’, આ ભાવ ખરેખર ખરાબ છે અને એ ભાવ આપણને અતિસાહસી અને બેપરવાહ બનાવી દે છે. પરંતુ આધ્યાત્મિક સાધકોએ અપવિત્ર લોકો તથા અપવિત્ર સ્પંદનોથી પોતાનું રક્ષણ કરવા માટે સતર્ક રહેવું જોઈએ. જ્યાં સુધી પૂરતી પ્રગતિ ન કરી લઈએ તથા બીજાને પરિવર્તિત કરવાની પૂરતી આધ્યાત્મિક શક્તિ મેળવી ન લઈએ, ત્યાં સુધી ખરાબ લોકોની સાથે હળવુંમળવું જરાય આપદવિહોણું નથી. અલબત્ત, પરમાત્મા બધાં પ્રાણીઓમાં છે, પરંતુ એમનાં કેટલાંક રૂપ આપણી વર્તમાન પરિસ્થિતિમાં આપણા માટે નિરાપદ નથી. આ રૂપોને દૂરથી પ્રણામ કરવાં જોઈએ.

વારુ, જો ક્યારેય ખરાબ લોકોની સંગતથી બચી ન શકો, તો શું કરવું જોઈએ? એમના પ્રત્યે ઉપેક્ષા કે ઘૃણા પ્રદર્શિત ન કરવી જોઈએ. પૂર્ણપણે સજગ રહો અને પોતાની ભીતર એક પ્રબળ માનસિક અવરોધ ઊભો કરો. આંતરિક ઢાલથી પોતાની રક્ષા કરો. પ્રબળ આત્મનિરીક્ષણ કરો અને અશુભ પ્રભાવોને પોતાની ભીતર સ્થાયી સ્થાન ન જમાવવા દેવા માટે પ્રયત્નશીલ રહો. સાચો આધ્યાત્મિક સાધક સદૈવ વિવેક કરે છે. એ એની આદત બની જાય છે. તમારે તો હંમેશાં પરમાત્મા તરફ દોડવાની મન :સ્થિતિમાં રહેવું જોઈએ. કાંગારુનાં બચ્ચાંના દૃષ્ટાંતને અનુસરો. ભયની આશંકા ઊભી થતાં જ કાંગારુનું બચ્ચું માની થેલીમાં કૂદીને નિશ્ચિંત બની જાય છે. એવી જ રીતે આપણે પણ ભયના સમયે પરમાત્માના બાહુમાં પડવાનું શીખી લેવું જોઈએ.

અહંકારની અડચણ : આપણે જેટલા પ્રમાણમાં લોકોને તેમની નીચતા, લોલુપતા, કુટિલતા અને કામુકતા દ્વારા જાણવા-સમજવા માંડીએ છીએ, એટલા જ પ્રમાણમાં બધાની સાધુતા વિશેનો આપણો છીછરો આશાવાદ ઘટતો જાય છે. એ વખતે નિરાશાવાદી અને દોષદેખા બની જવાનો ભય રહે છે. આ પણ એક મોટો ખતરો છે. પણ આપણું સદ્ભાગ્ય એ છે કે આ જગતમાં ઘણા સજ્જન, સાધુ પ્રવૃત્તિવાળા અને આધ્યાત્મિક લોકો પણ છે. આપણે એમની સંગત કરવી જોઈએ. આધ્યાત્મિક લોકોએ એકબીજાનો સંગ કરવો જોઈએ, અને એમાંય વિશેષ કરીને આધ્યાત્મિકતાના પ્રારંભિક દિવસોમાં આધ્યાત્મિક પથમાં સહયાત્રીઓ સાથે વિચારવિનિમય કરવો આવશ્યક છે. તેટલું જ નહીં પણ આપણે સંતો દ્વારા પોતાની જાતને સંશોધિત પણ કરાવવી જોઈએ. બીજાના દ્વારા ભૂલ સુધારવાનું આપણને ગમતું નથી, પરંતુ આપણે પોતે જ પોતાની બધી નિર્બળતાઓને શોધી શકતા નથી. બીજા લોકો આપણી ભૂલો બતાવે ત્યારે આપણે એને સાચા દૃષ્ટિકોણથી સ્વીકારવી જોઈએ.

અહંકાર આધ્યાત્મિક જીવનમાં એક મોટી બાધા છે. સંતોના સંગમાં રહેવાથી જ આપણને અનુભવ થાય છે કે આપણે કેટલા પ્રમાણમાં અહંકારી છીએ. સાધુસંગ અહંકારની મહાન ઔષધિ છે એટલે ભારતમાં સંતોને મહાન આદર આપવામાં આવે છે. હિન્દુ પુરાણો સાધુસંગની પ્રશંસાથી ભરેલાં છે. જેમને સિદ્ધ મહાત્માની સેવા કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે, તેઓ જ એવી સેવા કરવાનું મહત્ત્વ સમજી શકે છે.

ક્યારેક ક્યારેક પોતાની આધ્યાત્મિક પ્રગતિ દરમિયાન આપણામાં અહિતકર અંતર્મુખતા આવી શકે છે, તેને સાધુસંગ દ્વારા દૂર રાખવી જોઈએ. જ્યારે આપણને નિરાશા આવે, પરમાત્મા સાથે સંપર્ક સ્થાપિત કરવાનું કઠિન લાગે ત્યારે આધ્યાત્મિક ભાવવાળા લોકોનો સંગ અને તેમની સાથેનો વાર્તાલાપ ઘણો સહાયક બને છે. અસ્વસ્થ અંતર્મુખી લોકો આધ્યાત્મિક લોકોથી દૂર રહેવા ઇચ્છે છે. અસ્વસ્થ બહિર્મુખીવૃત્તિવાળા લોકો સંતોનો સંગ કેવળ ગપસપ કરવામાં અને સમયને વ્યર્થ ગુમાવી દેવા માટે કરે છે. સંતુલિત સ્વભાવવાળા, પવિત્ર આધ્યાત્મિક લોકોના સંગમાં આનંદ પ્રાપ્ત થાય છે, તેમની સાથે આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરે છે અને પોતાનાં શ્રદ્ધા અને આધ્યાત્મિક સ્પૃહામાં વૃદ્ધિ કરે છે. શ્રીરામકૃષ્ણ સદૈવ પોતાના શિષ્યોને એકબીજા સાથે મળવા પ્રોત્સાહિત કરતા.

સંતોની સંગત કરતી વખતે પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે માનવીય સંપર્કની પાછળ એક દૈવી સંપર્ક છે, દૈવી સંબંધ છે. આપણે એ જાણવું જોઈએ કે બધામાં પરમાત્મા નિવાસ કરે છે અને એ આપણને બધાંને જોડનારી કડી છે. આપણે સદા પરમાત્માના માધ્યમથી બીજાનો સંપર્ક કરવો જોઈએ. શ્રીરામકૃષ્ણને પોતાના શિષ્યો પ્રત્યે અગાધ પ્રેમ હતો, પરંતુ તે માનવતાના પરમાત્મામાં એકત્વ પર આધારિત હતો. એક દિવસ એમણે પોતાના પ્રિય શિષ્ય નરેન્દ્રને કહ્યું, ‘હું તને ચાહું છું, કારણ કે હું તારામાં નારાયણને જોઉં છું.’ એમનો આ સંબંધ શારીરિક આસક્તિરહિત દૈવીસંબંધ હતો.

પોતાના ગુરુ પ્રત્યેનો દૃષ્ટિકોણ : કોઈ સિદ્ધપુરુષનું માર્ગદર્શન મેળવનાર ખરેખર ભાગ્યશાળી છે. પરંતુ ગુરુના સંપર્કમાં આવવું અને એમની પાસેથી કેટલાક નિર્દેશ મેળવવા એ પૂરતું નથી. એમના બોધનું અત્યંત નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ. પરંતુ એમની સાથે વધારે પડતો ભાવનાત્મક લગાવ રાખવો ન જોઈએ અને એમના બાહ્ય રૂપમાં આસક્ત ન થવું જોઈએ. એક સાચા આચાર્ય એવું ઇચ્છે છે કે એમના શિષ્યો પરમાત્માને પોતાનાથી વધારે ચાહે અને એમને કેવળ પરમાત્માના એક યંત્રરૂપે જ જુએ. સત્યનું પ્રકાશન કરનારા વાસ્તવિક ગુરુ આપણા હૃદયમાં છે અને તેઓ પોતે પરમાત્મા સિવાય બીજા કોઈ નથી. એમનો સંદેશ સામાન્યત : કોઈ વ્યક્તિના માધ્યમથી આવે છે અને તે પણ ગુરુ કહેવાય છે. અત : પરમાત્માને ક્યારેક ક્યારેક પરમગુરુ કહેવામાં આવે છે.

આપણે બાહ્ય ગુરુ પાસેથી વધારે અપેક્ષા ન રાખવી જોઈએ. ઊલટાનું આંતરિક ગુરુ, અંતર્યામી પરમાત્મા, આપણા આત્માના પણ આત્મા સાથે તાદાત્મય સ્થાપીને એમનાં જ્ઞાન અને પ્રેરણા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે પોતાના ઇષ્ટ દેવતાને (પરમાત્માનું જે રૂપ તમને સૌથી વધારે રુચિકર હોય) બધા ગુરુઓના પરમગુરુના રૂપે જોઈ શકો છો.

ગુરુ અને શિષ્ય બન્નેએ યથાસંભવ અવૈયક્તિક થવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે ગુરુ શિષ્યમાં પરમાત્માને જોવાનો અને શિષ્ય ગુરુમાં પરમાત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન કરે છે, એ ત્યારે જ સંભવ બને છે. બીજી વ્યક્તિના રૂપે નહીં, પરંતુ પરમાત્મસત્તાની એક અભિવ્યક્તિના રૂપે તથા સ્વયંને પણ એ જ રૂપે વિચારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ વ્યાવહારિક વેદાંતનો પ્રારંભ છે અને કાલાંતરે આ આદર્શ બધી વસ્તુઓ તથા બધાં પ્રાણીઓને ગ્રહણ કરી લે છે.

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે. (ક્રમશ 🙂

Total Views: 391

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.