એક દિવસ શ્રીમા શારદાદેવીને એમના સેવકે જણાવ્યું કે ‘અમુક વ્યક્તિએ મરતી વખતે પોતાની બધી મિલકત બેલુર મઠમાં વસિયતનામું કરીને આપી દીધી છે.’ સેવકે વિચાર્યું હતું કે આ સાંભળીને શ્રીમા પ્રસન્ન થશે. પરંતુ શ્રીમાએ ગંભીર સ્વરે કહ્યું, ‘એ તો ઠીક છે, પરંતુ શું ગરીબો માટે પણ તેણે કંઈ આપ્યું છે?’
ઉપરની ઘટનાથી પૂજ્ય સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને પછીના સમયે તેઓ આ ઘટનાને અવારનવાર સંભળાવ્યા કરતા હતા. તેઓ શ્રીમાના મંત્ર-શિષ્ય તો હતા જ, પરંતુ સાથે ને સાથે શ્રીમાના અનેક ગુણો જેવા કે ગરીબો પ્રત્યે પ્રેમ, ધૈર્ય, સહનશીલતા, પવિત્રતા, સ્નેહ વગેરે પણ તેમને વારસામાં શ્રીમા તરફથી મળ્યા હતા. પૂજ્ય મહારાજ દ્વારા દીક્ષિત એક મહિલાએ તેમનાં સંસ્મરણ સંભળાવતાં કહ્યું હતું કે તેઓ દીક્ષાર્થીને મોટે ભાગે પૂછતા, ‘દીક્ષા લેવા તો આવ્યા છો, પરંતુ ગરીબો માટે શું તમે કંઈ કર્યું છે?’
ગરીબો અને નિમ્નવર્ગના લોકો માટે તેઓ રાતદિવસ વિચારતા, તેમના ઉત્થાનની યોજના બનાવતા, સંન્યાસી અને ગૃહસ્થ ભક્તોને આવા લોકોની સેવા કરવા માટે વારંવાર પ્રોત્સાહિત કરતા. આ બધું જોઈને કેટલાક વરિષ્ઠ સંન્યાસી ક્યારેક ક્યારેક તેમને મજાકમાં કહેતા, ‘અરે, તમારી દૃષ્ટિ આટલી નિમ્ન કેમ છે? જરાક ઉપર પણ જુઓને.’
તેઓ હસીને જવાબ આપતા, ‘ભાઈ, આ જન્મમાં તો આ કંઈ છૂટવાનું નથી. નિમ્નવર્ગના લોકોની સેવા માટે જ આ જીવન અર્પણ કર્યું છે.’ વાસ્તવમાં સ્વામી વિવેકાનંદના પત્રો વાંચીને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. તથા સ્વામી વિવેકાનંદે જે રીતે ‘દરિદ્રદેવો ભવ! મૂર્ખદેવો ભવ!’ કહીને ગરીબોમાં જ ભગવાનનાં દર્શન કરતા રહીને તેઓની સેવા કરવાનું આહ્વાન કર્યું હતું, એમાંથી તેઓને પ્રેરણા મળી હતી અને એણે જ તેઓના જીવનને પરિવર્તિત કરી દીધું હતું.
એક દિવસ એક બ્રહ્મચારી તેઓને પ્રણામ કરવા આવ્યો. તેઓએ તેને બેસવાનું કહ્યું અને પોતે ઊભા થઈને એક પુસ્તક લઈ આવ્યા. તે પુસ્તક બ્રહ્મચારીના હાથમાં આપીને તેમણે કહ્યું, ‘જે જગ્યાએ ચિહ્ન કર્યું છે ત્યાંથી વાંચવાનું શરૂ કરો.’ તે પુસ્તક હતું – Letters of Swami Vivekananda. તે બ્રહ્મચારીએ નિમ્નલિખિત અંશ વાંચ્યો :
અલ્મોડા
૧૧ જુલાઈ, ૧૮૯૭
પરમ પ્રિય શુદ્ધાનંદ,
…મહુલામાં અખંડાનંદ અદ્ભુત કામ કરી રહ્યા છે, પણ એ પદ્ધતિ સારી નથી. એક નાના ગામડામાં જ તેઓ પોતાની શક્તિ વેડફી નાખતા લાગે છે અને તે પણ માત્ર ચોખાનું સદાવ્રત આપવામાં. આ મદદ સાથે કંઈ ઉપદેશ પણ અપાય છે તેવું મેં સાંભળ્યું નથી. લોકોને જો જાતે મદદ કરવાનું શીખવવામાં નહીં આવે તો દુનિયા આખીનું સઘળું ધન ભારતના એક નાના ગામડાને પણ મદદ નહીં પૂરી પાડી શકે.
મુખ્યત્વે કરીને આપણું કામ ‘શિક્ષણાત્મક’ હોવું જોઈએ, નૈતિક તેમજ બૌદ્ધિક ક્ષેત્રોમાં. તે વિશે મેં કંઈ જ સાંભળ્યું નથી; માત્ર આટલા ‘ભિખારીઓને મદદ કરી છે’, એટલું જ જાણવા મળે છે ! બ્રહ્માનંદને કહેજો કે જુદા જુદા જિલ્લાઓમાં કેન્દ્રો ખોલે કે જેથી આપણી થોડી મૂડીમાં મોટા ક્ષેત્રને પહોંચી શકાય.
અને વળી અત્યાર સુધી તો અસરકારક નીવડ્યું હોય એવું દેખાતું નથી, કારણ કે લોકોને કેળવણી આપનારી સમિતિઓ ઊભી કરવા માટે તે સ્થળના લોકોને જગાડવામાં તેઓ સફળ થયા નથી કે જેથી કરીને લોકો પોતે સ્વાશ્રયી બને, કરકસરિયા થાય, પરણવામાં ન પડી જાય અને ભાવિ દુકાળમાંથી પોતાને ઉગારી લે તેવી જાગૃતિ તેમનામાં આવે. દાન હૃદયને ઉઘાડે છે ખરું, પણ તે ફાચર દ્વારા કામ આગળ વધવું જોઈએ.
સરળમાં સરળ માર્ગ એક ઝૂંપડી લેવાનો છે; તેને ગુરુદેવનું (શ્રીરામકૃષ્ણનું) મંદિર બનાવો ! ગરીબ લોકો ત્યાં મદદ લેવા તેમજ પૂજા કરવા પણ આવે…. સવારસાંજ ત્યાં કથા (પૌરાણિક કીર્તનો) થવા દો; તે દ્વારા લોકોને તમારે જે શીખવવું હોય તે શીખવજો. ક્રમે ક્રમે લોકો તેમાં રસ લેતા થશે. તેઓ પોતે જ મંદિર ચલાવશે; એમ પણ બને કે ઝૂંપડીનું મંદિર થોડા વર્ષોમાં એક મહાન સંસ્થા પણ થઈ જાય. જે લોકો સંકટ નિવારણ કાર્ય કરવા જાય, તેઓ દરેક જિલ્લામાં એક મધ્ય સ્થળ પસંદ કરીને આવું ઝૂંપડીનું મંદિર ઊભું કરે; ત્યાંથી આપણું બધું નાનું કાર્ય આગળ વધશે…..
પ્રેમ અને આશિષપૂર્વક,
વિવેકાનંદ.
પઠન પૂરું થતાં પૂજ્ય મહારાજે તે બ્રહ્મચારીને કહ્યું, ‘જુઓ, સ્વામીજી શું ઇચ્છતા હતા! ગામડાંના લોકો માટે, નિમ્નવર્ગના લોકો માટે, ગરીબો માટે કઠોર પરિશ્રમ કરવો પડશે. તેમના વિચારો મુજબ જ ગ્રામીણ વિકાસનું કાર્ય કરવું પડશે. તમે રાંચી જઈને એ વિસ્તારમાં આદિવાસીઓ માટે આ વિચારો મુજબનું કાર્ય કરવાનો પ્રયત્ન કરો.’
જ્યારે પણ એ બ્રહ્મચારી રાંચીથી બેલુર મઠ જઈને પૂજ્ય મહારાજને મળતા ત્યારે તેઓ તેમની પાસેથી તે અંગેની વિસ્તૃત માહિતી મેળવતા કે ગ્રામીણ વિકાસનું કાર્ય કેવી રીતે ચાલી રહ્યું છે, કેટલા લોકોને આનો યથાર્થ લાભ પહોંચ્યો છે. એટલે સુધી કે તેઓ એ પણ જાણવા માગતા કે કેટલા ગામલોકોની કેટલા ટકા વાર્ષિક આવક વધી છે. એક વાર જ્યારે તે બ્રહ્મચારીએ પૂજ્ય મહારાજને મધની શીશી ભેટ સ્વરૂપે આપતાં કહ્યું કે, ‘મહારાજ, આ મધ શુદ્ધ છે. અમે લોકોએ જેમને મધમાખી-પાલનનું પ્રશિક્ષણ આપ્યું હતું તેઓએ જાતે તે ઉત્પન્ન કર્યું છે. ગયા વર્ષે આ ગામલોકોએ મધ વેચીને લગભગ ૪૫૦૦૦ રૂપિયાની આવક મેળવી છે, જે આવક કૃષિ ઉત્પાદન દ્વારા મેળવેલ આવકથી વધારાની છે.’
આ સાંભળીને મહારાજ અત્યંત રાજી થયા. તે દિવસે રાત્રે ભોજન સમયે પોતાના સેવકને પ્રસન્નતાપૂર્વક તેઓએ કહ્યું, ‘રાંચીનું પેલું મધ લાવોને. આજથી જ તેને ખાવાનું શરૂ કરવું પડશે. તમે જાણો છો, કેટલા પરિશ્રમથી તે ગરીબ આદિવાસીઓએ તેને ઉત્પન્ન કર્યું છે! ત્યાં આપણા આશ્રમની મદદથી તે વેચીને તેઓએ ૪૫૦૦૦ રૂપિયા મેળવ્યા છે. ખરેખર ગરીબોના વિકાસ માટે આવા પ્રકારનાં જ કાર્યો કરવાં જોઈએ.’
પૂજ્ય મહારાજ આ ગરીબોને, નિમ્નવર્ગના લોકોને એટલો પ્રેમ કરતા હતા કે જ્યારે રાંચી આશ્રમ દ્વારા સંચાલિત દિવ્યાયન-કૃષિ-વિજ્ઞાનકેન્દ્ર દ્વારા પ્રશિક્ષિત યુવકોનું એક જૂથ બેલુર મઠની મુલાકાતે ગયું હતું ત્યારે પૂજ્ય મહારાજે તે લોકો સાથે અલગ રીતે વિશેષપણે વાતચીત કરી હતી, તેઓને ગ્રામીણ વિકાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા અને સેવકોને કહ્યું હતું, ‘એ લોકોને ચરણસ્પર્શ કરીને પ્રણામ કરવા દો.’ (જો કે તે સમયે મહારાજની અસ્વસ્થતાને કારણે કોઈને પણ ચરણસ્પર્શ કરીને પ્રણામ કરવાની છૂટ ન હતી.)
વાસ્તવમાં રામકૃષ્ણ મિશન દ્વારા સંચાલિત ગ્રામીણ વિકાસના કાર્યક્રમો-‘દિવ્યાયન’, ‘પલ્લીમંગલ’, ‘ગ્રામશ્રી’, ‘લોકશિક્ષા પરિષદ્’ વગેરેના આદિ પ્રેરણાસ્રોત તેઓ જ હતા.
કેટલાક દિવસો પહેલાં પૂજ્ય મહારાજે પલ્લીમંગલ દ્વારા આયોજિત ‘નિ:શુલ્ક નેત્ર ચિકિત્સા શિબિર’નું ઉદ્ઘાટન જયરામવાટીમાં કર્યું હતું. તે સમયે તેઓએ ઓપરેશન કરવામાં આવેલ ૫૯ દર્દીઓને ચશ્માંનું વિતરણ કર્યું હતું તથા દરેક સાથે વાતચીત કરી- તમારું ઘર ક્યાં છે, પરિવારમાં કેટલા લોકો છો, ભરણપોષણ કેવી રીતે ચાલે છે વગેરેની તપાસ કરી. તે દિવસે તેમના આ મધુર વ્યવહારથી ગરીબ લોકો અત્યંત અભિભૂત થઈ ગયા હતા.
લોકોની દુર્દશા તેમના પ્રાણને વ્યથિત કરી દેતી હતી. ઈ.સ.૧૯૭૮માં જ્યારે પશ્ચિમ બંગાળમાં ભયંકર પૂરની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ ત્યારે અસંખ્ય લોકોના દુ:ખથી તેઓ કેટલા વિચલિત થયા હતા તેનું વર્ણન કરવું સંભવ નથી. બેલુર મઠ તથા અન્યાન્ય કેન્દ્રોના સાધુ-બ્રહ્મચારીઓને તત્કાલ રાહત કાર્યમાં કૂદી પડવા તેઓએ આહ્વાન કર્યું તથા રામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોને તેઓએ એ સૂચન કર્યું કે તે વર્ષે દુર્ગાપૂજા સાદગીથી ઉજવવામાં આવે. રાહતકાર્ય માટે બેલુર મઠમાં મોટા પાયા પર ખીચડી રાંધવાનો પ્રારંભ કરવામાં આવ્યો જેથી પીડિતોમાં તેનું વિતરણ થઈ શકે. પરંતુ એક સમસ્યા ઊભી થઈ. પશ્ચિમ બંગાળ સરકારે જે ચોખા રાહતકાર્ય માટે આપવાનું નક્કી કર્યું હતું તે ત્યાં સુધી આવી શક્યા ન હતા. કેટલાક લોકોએ સલાહ આપી કે દુર્ગાપૂજા માટે અલગથી રખાયેલા ચોખાનો જ ઉપયોગ આ રાહતકાર્યમાં કરવો. પરંતુ કેટલાક લોકોએ મુદ્દો ઉઠાવ્યો કે જગદંબાની પૂજાના ચોખા શું આવી રીતે વાપરી નખાતા હશે? પૂજ્ય મહારાજની જ્યારે આ બાબતમાં સલાહ લેવામાં આવી ત્યારે તેઓએ કહ્યું, ‘આ ચોખા જ રાહતકાર્યમાં વાપરી નાખો.’ તેઓએ એ પણ કહ્યું, ‘આ વખતે જગદંબાની પૂજા અત્યંત સાદગીથી સંપન્ન કરવામાં આવશે. આ વખતે બેલુર મઠમાં દુર્ગાપૂજા પ્રસંગે પ્રસાદ-વિતરણ કરાશે નહીં. આ વખતે જગદંબા આર્ત, પીડિત અને ભૂખ્યા લોકોના મુખે જ ભોગ ગ્રહણ કરશે.’
૧૯૮૪માં બિહારમાં જ્યારે ભયંકર પૂર આવ્યું હતું ત્યારે પણ પીડિતો પ્રત્યેની વ્યથા તેઓમાં આવી જ જણાઈ હતી. એક દિવસ એક સંન્યાસી તેમની પાસે ગયા અને તેમને પ્રણામ કરીને અનુમતિ મેળવવા માગી કે તે કેટલાક દિવસ તપસ્યા તથા તીર્થભ્રમણમાં વિતાવી શકે. પૂજ્ય મહારાજે નારાજ થઈને કહ્યું, ‘બિહારમાં અસંખ્ય લોકો હાલમાં પૂરના કારણે ઘર વિહોણા બની ગયા છે; કેટલાય દિવસોથી કેટલાય લોકો ભૂખથી તડપી રહ્યા છે અને તમને અત્યારે તીર્થભ્રમણની ઇચ્છા થઈ છે? જાઓ, રાહતકાર્યમાં લાગી જાઓ.’ પૂજ્ય મહારાજનો ગરીબો તથા પીડિતો પ્રત્યેનો આ પ્રેમ જીવનના અંતિમ દિવસો સુધી અક્ષુણ્ણ હતો. તેમની મહાસમાધિના બેચાર દિવસ પહેલાંની જ વાત છે. તેઓ ગંભીરપણે અસ્વસ્થ હતા. કેટલાય દિવસથી તેઓએ મુખમાં પાણી સુધ્ધાં મૂક્યું ન હતું. ઘણું કષ્ટ વેઠી રહ્યા હતા. પડખું બદલવાનું પણ બળ રહ્યું ન હતું.
તેઓ સમજી ગયા હતા કે હવે દેહત્યાગ થશે. સંઘની કેટલીક ગંભીર સમસ્યાઓ વિશે વરિષ્ઠ સંન્યાસીઓને અંતિમ સલાહ આપવાનો પ્રારંભ કરી દીધો. પરંતુ તેમનું મન તે સમયે પણ ગરીબોના કલ્યાણમાં રત હતું. એક દિવસ તેઓએ સેવકને બોલાવીને એમના બિછાના નીચે રાખેલાં પિત્તળનાં વાસણો બહાર લઈ જવાનું કહ્યું તથા સમજાવી દીધું કે એ બધું બેલુર મઠના માળીના છોકરાને ચોક્કસપણે આપવામાં આવે. આ વસ્તુઓ તેમણે ઘણા મહિનાથી સંભાળપૂર્વક તેના માટે રાખી હતી. આટલા કષ્ટ વચ્ચે પણ તેમનું મન સર્વદા ગરીબોના કલ્યાણમાં રત હતું. તેના ત્રણ દિવસ પછી ગરીબોની આશાનો આલોક બુઝાઈ ગયો, પરંતુ આપણા માટે વારસામાં તેઓ રાખી ગયા છે – ગરીબો પ્રત્યેનાં આ દર્દ, પ્રેમ તથા સેવાપરાયણતા.
Your Content Goes Here