૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૫ને મંગળવારે શૂલપાણેશ્વરના ઝાડી માર્ગે સાંજે કુલીગ્રામ પહોંચ્યા. કામતદાસ બાબાની સુંદર કુટિયા. તેઓ બપોરે બીજાસનમાં હિરાલાલ રાવતને ત્યાં મળ્યા હતા. હટાણું કરવા નીકળ્યા હતા, આવતાં મોડું થઈ જશે પણ તેઓએ તેમની કુટિયામાં જ આશ્રય લેવા કહ્યું હતું. મંડળીના ચાર લોકોમાંથી પી.સ્વામી અને ત્યાગીજીએ પહાડીથી થોડે નીચે આવેલ કુંડમાં સ્નાન કર્યું અને સંન્યાસી તેમજ પંડિતજી બે કિ.મી. દૂર આવેલ નર્મદાના ‘બૅક વાૅટર’માં સ્નાન કરવા પહોંચ્યા. નર્મદા નદીનો વિશાળ જળરાશિ! અમે જે જગ્યાએ ઊભા હતા તે સૂકી નદીમાં ૨૦૦ મીટર સુધી જળ ધસી આવ્યું હતું. શ્રીનર્મદા જળનાં દર્શન-સ્પર્શન કરી અત્યંત રોમાંચ થઈ આવ્યો. સ્નાન કરવા માટે મૂળ નર્મદા સ્રોતમાં જવાનું નક્કી કર્યું. તે માટે એક નાની પહાડીને પાર કરવાની હતી. પંડિતજી તો પોતાના ખોડંગાતા પગે એક પગને થોડો વક્ર રાખી હિંમત અને સાહસથી ચપળતાપૂર્વક પહાડી પાર કરી ગયા. હવે વારો આવ્યો સંન્યાસીનો. પગને થોડો વક્ર રાખીને પણ લપસવાની પૂરેપૂરી સંભાવના. જો થોડું પણ સંતુલન ન રહે તો લપસીને ‘બૅક વાૅટર’માં જઈ પડાય. પંડિતજી દૂર ઊભા રહીને ઘણું સાહસ આપે છે, ‘મહારાજજી, આ જાઈએ, આ જાઈએ.’ પણ સંન્યાસી હિંમત-સાહસના અભાવે પડી જવાના ભયથી જોખમ ઉઠાવી શકતા ન હતા. ત્યાં દૂર માછીમારી કરતાં પતિ-પત્નીએ આ નજારો જોયો. દૂરથી અવાજ લગાવી કહ્યું, ‘બાબા, ત્યાં જ પાણીમાં સ્નાન કરી લો. આ બાજુ આવવાનું છોડી દો.’ બસ, સંન્યાસીએ લીલને થોડી હટાવી હટાવીને નર્મદાના ‘બૅક વાૅટર’માં જ પ્રેમપૂર્વક સ્નાનવિધિ પતાવ્યો. જાણે શરીર-મનમાં નવીન ચેતના-પ્રાણનો સંચાર થયો ! ખોડંગાઈને ચાલતા પંડિતજીએ જે ચબરાકી અને સાહસથી થોડા જોખમી નાના પહાડને સહજતાથી પાર કર્યો એ જોઈને તેને વિશેની મનમાં રહેલી શંકા અને દુશ્ચિંતા દૂર થઈ. સંન્યાસીએ તો તેના પિતાજીના અને તેના મિત્રના મોબાઈલ નંબર પણ લઈ રાખ્યા હતા. રખેને તેને કંઈ થઈ જાય! કારણ કે કુલીગ્રામથી શૂલપાણેશ્વરની ઝાડીના આ રસ્તા પર પહાડી કઠિનાઈ શરૂ થવાની હતી. સંધ્યા પહેલાં કામતદાસજી મહારાજના આશ્રમે કુટિયા પર પહોંચી ગયા. સંધ્યા આગત. સૂર્યનારાયણ અસ્તાચલે. કુટિયાની ત્રણે તરફ પહાડૉ. એક તરફ નીચેના ભાગે કુંડ. વૃક્ષો અને બીજી પહાડીનાં દર્શન. પક્ષીનો કલરવ, શાંત નીરવ વાતવરણ. મન અનાયાસે અંતર્મુખ. મંડળીના ચારેય સાધકો પોતપોતાની નિત્ય ઉપાસનામાં મગ્ન. મન શાંત, એકાગ્ર બની ગયું. ઉપાસનામાં સમય ક્યાં પસાર થયો તેની ખબર જ ન પડી. આંખ ખોલીને સામાન્ય અવસ્થામાં આવીને જોયું તો ચિત્ર બદલાયેલું હતું. સર્વત્ર તિમિર! ચારેય તરફની પહાડી પ્રકૃતિએ ધીરગંભીર રૂપ ધારણ કર્યું હતું. અનંત આકાશના તિમિરની છટા પણ આહ્લાદક હોય છે. રાત્રે આઠેક વાગ્યે કામતદાસજી મહારાજ હટાણું કરીને આવી ગયા. કુટિયાનું તાળું ખોલ્યું. નાની કુટિયા એ જ મંદિર, રસોઈઘર, શયનઘર! આજે તેમના ભગવાનને માત્ર દીવાબત્તી કરી અને રસોઈ કરવા લાગી પડ્યા. સંતો માટે રસોઈ બનાવવાની એ જ જાણે આજે એમની પૂજા બની! અમારી મંડળીના ત્યાગીજી એકટાણું કરે. તેમને ફરાળી કંઈ હોય તો તે અંગે પૂછપરછ કરી. ત્યાં તો કામતદાસ ત્યાગીજી પર લાલપીળા થઈ ગયા અને ઘણી ખરી-ખોટી સંભળાવી દીધી. વાતાવરણ ગમગીન બની ગયું. અમને પણ થોડું સારું ન લાગ્યું. બીજી ઘટનાના સંદર્ભમાં આનું વિસ્તૃત વિશદ વર્ણન અગાઉના લેખમાં આપેલ છે તેથી એ ઘટનાને વિશેષ રૂપે વર્ણવતા નથી. અન્નપ્રસાદ ગ્રહણ કર્યો. આખા દિવસના પરિશ્રમથી થાક્યા-પાક્યા હતા. નિદ્રાદેવીની આવવાની તૈયારી હતી. કુટિયામાં તો જગ્યા હતી જ નહીં. બહાર ઠંડીમાં જ વિશાળ આકાશના ચંદરવામાં અમારી પથારી પાથરી સૂઈ ગયા.

બ્રાહ્મમૂહુર્તમાં ઊઠી ગયા. અંધકારમાં જ સ્નાનાદિ નિત્યક્રમ કરી ઉપાસનામાં રત બન્યા. ઉપાસના પૂર્ણ થતાં ગગનમાં અંધકારને દૂર કરી ઉજ્જવલ પ્રકાશ વ્યાપી ગયો, જાણે સૂર્યનારાયણને આવકારવા તૈયાર હોય! હિમાલય સદૃશ ગિરિકંદરારૂપી પ્રકૃતિ પણ આળસ મરડી, રવિ-રશ્મિમાં સ્નાન કરી સોળ શણગાર સજવા તૈયારી કરી રહી હતી. દોઢ વર્ષથી આ પરિક્રમા દરમિયાન સંન્યાસીએ પ્રકૃતિનાં તથા શ્રીશ્રીનર્મદા મૈયાનાં કેટકેટલાં અનુપમ, આશ્ચર્ય પમાડે તેવાં, વિશેષ કરીને, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયનાં હેરત પમાડે તેવાં; આત્મામાં આનંદ, મનમાં શાંતિ, વાણીમાં મૌન અને શરીરને રોમાંચિત કરી દે તેવાં વિભિન્ન રૂપનાં દર્શન કર્યાં હતાં! આ કોણ ચિત્રકાર છે કે જેણે આ અદ્‌ભુત કલાનું સર્જન કર્યું છે! ક્યારેક ક્યારેક થાય છે કે જેમને આત્મજ્ઞાન થયું છે તેવા મહાપુરુષોને આ પ્રકૃતિનાં દર્શનની અનુભૂતિઓ કેવી થતી હશે! કારણ કે સમય અને વિશેષ સ્થાનોના પોતાના તરંગો, પોતાની ગરિમા-મહિમા હોય છે. જેમ કહે છે કે આધ્યાત્મિક પ્રવાહ વૃન્દાવનમાં રાત્રિના પ્રહરમાં, વારાણસીમાં બ્રાહ્મમૂહુર્તમાં, જગન્નાથ પુરીમાં બપોરના પ્રહરમાં વધુ પ્રમાણમાં પ્રવાહિત થતો હોય છે.

શાસ્ત્રો આત્મજ્ઞ માટે કહે છે : ‘ન તત્ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક:!’ ‘યતો વાચો નિવર્તન્તે મનસા સહ.’ અરે બાબા! એ તો બરાબર છે, પરંતુ આત્મજ્ઞાની મહાપુરુષ પણ સામાન્ય મનુષ્યની જેમ શ્વાસ લે છે, ખાય છે, પીએ છે, પ્રકૃતિના સંગમાં રહે છે, તો કંઈક તો અવનવો અનોખો અનુભવ તો થતો હશે ને! જે હોય તે, એવી અનોખી વ્યક્તિની શોધ ચાલુ છે!

અમારા એક સંન્યાસીએ એક ઘટના કહી હતી. તેમની સાથે બેલુર મઠમાં રહેલ એક સંન્યાસીની હિમાલયમાં આવેલ અલ્મોડા આશ્રમમાં બદલી થઈ. થોડા કાળ પછી ફરી બન્ને કોઈ ઉત્સવમાં મળ્યા હશે ત્યારે પહેલા સંન્યાસીએ તેમને કહ્યું, ‘તારે તો કેવું સારું! હિમાયલના અલ્મોડા આશ્રમમાં રહેવાનું, આખો દિવસ હિમાલયની ગિરિકંદરાનાં દર્શન થાય. અરે વાહ! તારે તો કેવું સારું! આખો દિવસ આ પ્રકૃતિનાં દર્શન.’ આવું બે ત્રણ વાર કહ્યા પછી પેલા સંન્યાસીએ કહ્યું, ‘દેખુન મહારાજ, જુઓ મહારાજ, આ પહાડી અને પ્રકૃતિને તમે એક દિવસ, બે દિવસ, એક અઠવાડિયું જોશો પછી તમારે માટે એ એટલું અજાયબભર્યું નહીં રહે! વાસ્તવમાં મન તમારું જેવું હોય તેવી અનુભૂતિ થાય છે.’ એ સંન્યાસીની વાત સાચી હતી. કહેવાય છે ને કે ‘મન ચંગા તો કથરોટમાં ગંગા.’ બીજી એક બંગાળી કહેવત છે ‘ઢેકી સ્વર્ગે ગેલેય ધાન કૂટે.’ ‘ખાયણી-દસ્તો સ્વર્ગમાં જાય તોય અન્ન કૂટે.’ વાસ્તવમાં શરીરની તપનતા(તપસ્યાથી), મનની પાવનતા-પ્રસન્નતાથી, બુદ્ધિની સમરસતા(સમદર્શિતાથી) અને આત્માની પ્રશાંતતાથી પ્રકૃતિનાં અનન્ય દર્શન થાય છેે. સંન્યાસીએ પરિક્રમા દરમિયાન કેટકેટલાંય દર્શનો કર્યાં, અનુભૂતિઓના ખજાનાની સાથે સાથે તેમની કેટકેટલીય ભ્રમણાઓ છૂટી, મનહૃદયની ગ્રંથિઓ તૂટી, કેટકેટલુંય બોધજ્ઞાન, શિક્ષણ મળ્યું. શ્રીશ્રીમા નર્મદામૈયાની અદૃશ્યરૂપે સાક્ષાત્ હાજરીની અનુભૂતિઓની સાથે સર્વશ્રેષ્ઠ તો એમની અમોઘ કૃપા-સાચા હૃદયથી, નિષ્ઠાથી, સમર્પિત ભાવથી પરિક્રમા કરનારને શ્રીશ્રીનર્મદામૈયાનું મનવાંછિત વરદાન અવશ્ય પ્રાપ્ત થાય છે. જેમ જનની કેટકેટલીય સંગ્રહિત કરેલી કિંમતી વસ્તુ પોતાના નાના બાળને આપતી નથી કારણ કે તેને માટે અત્યારે તે ઉપયોગી નથી તેમજ તેનું રક્ષણ પણ તે ન કરી શકે. મોટો થાય એટલે જનની તેને સામેથી અર્પણ કરે છે, એ જ આશ! ક્યારે એ અવસ્થા આવે અને લેણું વરદાન શ્રીશ્રીમા ક્યારે આપે!

હવે વાતોનાં ગરમ વડાં જ કરવાં છે કે આગળ ચાલવું છે. વાસ્તવમાં શૂલપાણેશ્વરની ઝાડીના અંદરના રસ્તાની કઠિન પહાડીઓ અહીં કુલીગ્રામથી શરૂ થાય છે તેથી સંન્યાસી આગળ ચાલવાના ઠાગાઠૈયા કરતા લાગે છે. એટલે જ બે મહિના સુધી જ્યોત પ્રકાશન વિભાગમાં લેખ લખીને નહોતો મોકલ્યો. શૂલપાણેશ્વરની ઝાડીને નર્મદા પાસેના રસ્તાથી પાર કરવાના અભરખા હતા તો હાલો હવે પહાડી ઊતરો-ચડો, પગ ઉપાડો! સંન્યાસીએ પોતાની જોળીમાંથી વધારાનો સામાન-કપડાં, ટોપી, શાલ, અરે સ્તવનાંજલીનાં અવારનવાર ગવાતાં સ્તોત્રનાં ૪૦-૫૦ પાનાં તોડી વધારાની સ્તવનાંજલી પણ ત્યાં રાખી દીધી! હવે ઊંચા પહાડો! વજન જેટલું ઓછું થાય તેવો પ્રયત્ન! કામતદાસજી દ્વારા અપાયેલ કાળી ચા બધાએ પીધી. (ત્યાગીજી ચા નહોતા પીતા.)

શૂલપાણેશ્વરના રસ્તાના આ અંદરના ભાગમાં પણ ક્યાંક ક્યાંક દ્વિચક્રી વાહનો ચાલે તેવા નાના રસ્તાઓ બનાવેલ છે. ત્યાં પંદરેક દિવસે પોલીસવાળા આવી કંઈ લૂંટફાટ થતી નથીને તેની તરતપાસ કરી જાય. કૂલીથી ઘોંઘલા વચ્ચેનો આશરે ૭ કિ.મી.નો રસ્તો માત્ર પગેથી ચાલી શકાય તેવો પગદંડી જ છે. ત્યાં દ્વિચક્રી વાહન પણ ન ચાલે એટલે કામતદાસ બાપુ અમોને ડરાવવા લાગ્યા, ‘જુઓ, બે દિવસ પહેલાં પરિક્રમાવાસીઓ જતા હતા તેમને આદિવાસીઓ લૂંટવા આવ્યા હતા. આ તો અહીંથી એક માણસ સાથે મોકલ્યો હતો તેથી માંડમાંડ લૂંટાતા બચી ગયા. હવે તમારે જેમ કરવું હોય તેમ કરો. કહો તો એક માણસ તમારી સાથે મોકલું. તમારે તેને પૈસા આપવા પડશે.’ અમે તો વિમાસણમાં પડી ગયા. પી.સ્વામીએ કહ્યું, ‘ઠીક છે, અમે પણ તેમને કંઈક આપીશું.’ પી.સ્વામીએ ૧૦૦ રૂપિયા આપ્યા. પંડિતજીએ પણ કંઈક આપ્યું. સંન્યાસી પાસે ૭૦ રૂપિયા હતા, તેમાંથી ૫૦ રૂપિયા કાઢ્યા. ત્યાગીજી તો મહાત્યાગી જ હતા!

કામતદાસજી પોતાની કુટિયાને તાળું વાખી બે ત્રણ પહાડી પાર કરી એક આદિવાસીને લેવા ગયા. પી. સ્વામી કામતદાસ પ્રત્યે અણગમો વ્યક્ત કરવા લાગ્યા, ‘આ કામતદાસ આપણને ડરાવે છે. ચાલો, જેવી મૈયાની ઇચ્છા.’ આદિવાસી માણસ હાજર. નર્મદે હરના સાદ સાથે મંડળી રવાના થઈ. પણ ત્યાગીજી હજુ ગીતાના પાઠ કરે છે! ગઈકાલના કામતદાસના તેમના પરના ક્રોધને કારણે તેમના ઉત્સાહે ગંભીરતા અને મૌન ધારણ કરેલ હતાં. ‘અરે ત્યાગીજી, આ પહાડી રસ્તામાં તમે એકલા હશો તો ક્યાંય ભૂલા પડી જશો’ એવી ટકોર થતાં તેઓ પાછળથી તત્કાળ અમારી સાથે થઈ ગયા. રસ્તામાં પી.સ્વામીએ આદિવાસી સાથે વાતચીત દરમિયાન જાણી લીધું કે અડધા પૈસા કામતદાસજીને આપવાના હોય છે! ચારેક કિ.મી. સાથે આવીને અમને દૂરનો રસ્તો બતાવી દીધો અને કહ્યું, ‘હવે કોઈ ભય નથી.’ અમે હવે તેમણે બતાવેલ દિશા તરફ ઘોંઘસા જવા આગળ વધવા લાગ્યા.

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram