ગતાંકથી આગળ…
મન ઇન્દ્રિયગમ્ય નથી, તમે એને સ્પર્શી શકતા નથી, એની સાથે કામ પાર પાડી શકાતું નથી. તમે જ્ઞાનતંતુતંત્ર સાથે કામ પાર પાડી શકો છો, ઇન્દ્રિયતંત્ર સાથે કામ પાર પાડી શકો છો, આંખો, કાન, બધાંની સાથે કામ પાર પાડી શકો છો. પણ मनस्, મન સાથે તેમ કરી શકતા નથી. ને છતાંય મન બેઠું છે. ઇન્દ્રિયતંત્ર કરતાં એનો શક્તિભંડાર મોટો છે. મન નબળું તો ઇન્દ્રિયોનું કામ ઢીલું. આ રીતે, મન સૂક્ષ્મ છે, ‘વ્યાપ અને શક્તિમાં વધારે વિશાળ છે’, महान्तश्च અને प्रत्यगात्म-भूताश्च, ‘અંતરાત્માની વધારે નિકટ’ છે.
પછી બુદ્ધિ આવે છે, માનવતંત્રમાંની ત્રીજી ચીજ છે. ઇન્દ્રિયતંત્ર અને ચૈતસિક તંત્ર કરતાં એ કયાંય વધારે સૂક્ષ્મ, કયાંય વધારે વ્યાપ અને શક્તિશાળી, આપણા સ્વની કયાંય વધારે નિકટ છે, सूक्ष्म, महान्तश्च, प्रत्यगात्मभूताश्च, છે. આપણે આ ત્રણનું અધ્યયન કરી શકીએ છીએ અને મેં અગાઉ જણાવ્યા પ્રમાણે, એમાંથી પ્રગટ થતા સત્ય અનુસાર, જેટલા ભીતર આપણે જઈએ તેટલા ભીતરમાં વધારે શક્તિસ્રોતો આપણને સાંપડે.
બુદ્ધિ ‘આત્માની નિકટતમ’, नेदिष्ठं ब्रह्म, હોવાનું મનાય છે. બ્રહ્મ – એ આત્મા તરીકે પણ ઓળખાય છે – તમારો આત્મા છે. પાછળ જોવાની વિશુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે એ અનંત આત્માનો, બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે અને જે વ્યક્તિ આ અનુભૂતિ કરે છે તે બુદ્ધ, જ્ઞાનપ્રાપ્ત, કહેવાય છે. શંકરાચાર્ય કહે છે કે આ सूक्ष्म, महान्तश्च, प्रत्यगात्मभूताश्च, નિત્ય મુક્ત આત્મામાં પોતાનું અનંત મૂલ્ય સિદ્ધ કરે છે. પ્રત્યેક માનવમનોદૈહિક-તંત્ર પાસે થોડી માત્રામાં સ્પષ્ટ શક્તિ અને અનંત માત્રામાં ગર્ભિત શક્તિ છે. જે સ્પષ્ટ છે તે દેહમાં, સ્નાયુમાં, જ્ઞાનતંતુમાં, મનમાં, બુદ્ધિમાં જોવા મળે છે; ગર્ભિત છે તે ઊંડે આત્મામાં છે. આથી, દરેક વ્યક્તિ શક્તિના નાના પડીકા સાથે જ કામ પાર પાડે છે, જો કે એની પાછળ અનંત શક્તિનું પડીકું છે અને આપણે તે જાણતા નથી.
આપણા સૌમાં આત્માની શક્તિનું મોટું ભંડોળ પડ્યું છે એમ વેદાંત સૌને કહેવા ઇચ્છે છે. આ આત્મા મુક્ત છે એમ મેં અગાઉ કહ્યું હતું. કોઈ પાપ કે ગુનો એને મલિન કરી શકે નહીં, કોઈ અનિષ્ટ એને સ્પર્શી શકે નહીં. આપણું સાચું સ્વરૂપ એ છે. સમસ્ત માનવજાતને વેદાંત એ સત્યની લહાણી કરવા માગે છે. શિકાગોની ધર્મપરિષદમાં શ્વેતાશ્વતર ઉપનિષદમાંથી સ્વામી વિવેકાનંદે કરેલી ઘોષણાની વાત મેં અગાઉ કરી હતી. ‘હું એ જાણતો નથી કે જાણતી નથી’, એમ કોઈપણ એનો વિરોધ કરી શકે. પણ અજ્ઞાન સત્યનો નાશ કરી શકતું નથી. સદીઓ પહેલાં, પૃથ્વી ગોળ છે એમ લોકો જાણતા ન હતા. પછીથી, વિજ્ઞાને એ સત્ય શોધી કાઢ્યું, એણે એનું સર્જન નથી કર્યું. એ જ રીતે, સમગ્ર માનવજાત વતી મહાન ઋષિઓએ આત્મા વિશેના ગહન સત્યની ખોજ કરી હતી. આગલા શ્લોકમાં ગીતાએ કહ્યું છે કે પાપ અને ગુનાખોરી ઇન્દ્રિયતંત્રને, ચિત્તતંત્રને અને બુદ્ધિને રોગગ્રસ્ત કરી શકે. આત્માને એ કદી ગ્રસ્ત ન કરી શકે. પ્રત્યેકમાં એક કેન્દ્ર નિત્યશુદ્ધ, નિત્યમુક્ત છે. એટલે તો મેં ત્યારે કહ્યું હતું કે આપણી મુક્તિ આપણામાં જડાયેલી છે; આપણે માત્ર આ સત્ય ખોળી કાઢવાનું છે. એ સત્યનો નાશ કોઈ કરી શકે નહીં. પોતાના ગીતાભાષ્યમાં શંકરાચાર્યે કહ્યું છે કે ઈશ્વર પણ મનુષ્યના સત્ય આત્માનો નાશ ન કરી શકે. એ ભાષા છે. सूक्ष्म, महान्तश्च, प्रत्यगात्मभूताश्च, આ ત્રણ વિભાવનાઓ આત્મામાં પોતાના અનંત પરિમાણને પામે છે. કેવી સુંદર વિભાવના છે !
મનુષ્ય આ સત્ય વિશે જાગ્રત થાય ત્યારે આ બુદ્ધિ, આ મન, આ ઇન્દ્રિયતંત્ર ત્રણેય, નવી નિર્મળતાથી, પ્રેમ અને કરુણાની નવી ભાવનાથી સમૃદ્ધ થાય છે. આ સત્યના થોડાક પણ સાક્ષાત્કારથી મનુષ્યજીવનમાં અને પારસ્પરિક માનવસંબંધોમાં કેવું આવકારપાત્ર પરિવર્તન આવે છે; ગીતાના બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણે આ કહ્યું છે : स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ।
વિશુદ્ધ ચેતના તરીકે આત્માના ખંડ પાડી શકાય નહીં. ૧૩મા અધ્યાયના ૧૬મા શ્લોકમાં ગીતા કહે છે : अविभक्तं च भूतेषु विभक्तं इव च स्थितम्, ‘જુદાં જુદાં – વિભક્ત – દેખાતાં બધાં પ્રાણીઓમાં આ આત્મા અવિભક્ત દેખાય છે’; अविभक्तं विभक्तेषु, તેમજ, (અ. ૧૮, શ્લો. ૨૦), ‘આ વિભક્ત દેખાતા પદાર્થાેમાં અવિભક્ત.’ આ મહાન શોધ છે ને તેને આધારે, જીવન અને કર્મનું ગહન તત્ત્વજ્ઞાન ગીતા આપણને આપે છે. મનુષ્યજીવનમાં અને ભાવિમાં આ સત્યના જે સૂચિતાર્થાે છે તે ગીતા પ્રકટ કરે છે. તેમાં મનુષ્યોની અનિષ્ટ કરવાની વૃત્તિ ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો તથા સમાજમાં ગુનાવૃત્તિ કેમ ઘટાડવી તેનો પણ સમાવેશ થાય છે. ભ્રષ્ટ સમાજમાં કોઈ સુખી ન થઈ શકે. સ્વસ્થ સમાજમાં સૌ સુખી હોય. ગુનામુક્ત સમાજ માટે, સમાનતા આધારિત સમાજ માટે, સમાજના અંગભૂત હોવાની અને સહકારની ભાવના માટે મથવું તે મનુષ્યનો અધિકાર છે. એ હેતુ માટે તો મહાન ગુરુઓ પુન : પુન : અવતરે છે; પારસ્પરિકતા, પરસ્પરાધાર, સહકાર અને સંઘર્ષ, હિંસા, ગુના આદિથી દૂર રાખવા માટે તેઓ આવે છે.
દિલ્હી દૂરદર્શન પરથી પ્રસારિત થતા મહાભારતમાં તમે જુઓ છો કે પાંચાલનો રાજા દ્રુપદ, એના ગુરુભાઈ દ્રોણ એની પાસે ગયા ત્યારે અભિમાની અને ઉદ્દંડ બની ગયો. દ્રોણ ઘણા ગરીબ હતા અને સહાય માગવા માટે દ્રુપદ પાસે ગયા હતા. બંને સહપાઠી હતા ત્યારે દ્રુપદે કહ્યું હતું, ‘દ્રોણ, ભવિષ્યમાં તમને જરૂર પડે ત્યારે મારી પાસે આવજો, હું તમને સહાય કહીશ.’ પણ ગાદીએ ચડતાં દ્રુપદ બદલાઈ ગયો! સત્તાધીશ બન્યો હતો ને ! મનમાં ગર્વ ભરાઈ ગયો. ને એણે દ્રોણનું અપમાન કર્યું. મહાભારતની પછીની કરુણ કથાનાં, કુરુક્ષેત્રનાં બીજ અહીં રોપાયાં. (ક્રમશ 🙂
Your Content Goes Here