શ્રી મનસુખભાઈ મહેતાને સ્મરણાંજલી

શ્રીરામકૃષ્ણ જ્યોતની સંપાદકીય સલાહકાર સમિતિના સભ્ય

આશ્રમના પરમ શુભેચ્છક ભક્ત અને સ્નેહીજન આંબલા

(જિ.જૂનાગઢ) ના મૂળ વતની એવા શ્રી મનસુખભાઈ હરજીવન મહેતા (ઉ. વર્ષ ૮૧)નું તા.૪-૯-૨૦ ના રોજ અમદાવાદ મુકામે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની ટૂંકી બીમારીના કારણે દુ:ખદ અવસાન થયું.

શ્રી મનસુખભાઈ હરજીવન મહેતા ઈ.સ. ૧૯૬૦માં વિરાણી હાઇસ્કૂલમાં જોડાયા હતા. શિક્ષક અને આચાર્ય તરીકેની તેમની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈ ઈ.સ. ૧૯૯૦માં રાજ્ય સરકાર તથા ૧૯૯૪માં કેન્દ્ર સરકાર તરફથી તેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓશ્રી આજીવન રામકૃષ્ણ મિશનની સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહ્યા. રામકૃષ્ણ-વિવેકાનંદ-વેદાંત સાહિત્ય પ્રકાશન, ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ માસિક પત્રિકા, તેમજ અનેક પુસ્તકોના સંપાદન કાર્ય તેમજ કેટલાંક પુસ્તકોના અનુવાદ દ્વારા તેમણે અમૂલ્ય સેવા આપી હતી. ઈ.સ. ૧૯૭૯માં મોરબીની જળહોનારત વખતે પણ વિરાણી હાઇસ્કૂલના શિક્ષકો અને સો વિદ્યાર્થીઓની ટુકડીના સથવારે બે માસ સુધી રાહતસેવાનું કાર્ય કરેલું. ઈ.સ.૧૯૮૬-૮૭-૮૮માં સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપેલ કારમા દુષ્કાળ વખતે પણ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે રહીને દુષ્કાળ રાહતસેવાની કામગીરી બજાવી હતી.

જ્ઞાતિના અનેક સામાજિક પ્રકલ્પોમાં પણ તેઓ વિવિધ હોદ્દા ઉપર રહી આર્થિક સહાય પૂરી પાડતા હતા. કોરોનાની મહામારીમાં સરકારશ્રી તરફથી આર્થિક સહયોગની અપીલ થતાં વેંત જ તેમણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના રાહતનિધિમાં આર્થિક યોગદાન આપ્યું હતું. તેમજ તેઓ ગુપ્તતાપૂર્વક જ્ઞાતિની જરૂરિયાતમંદ વ્યક્તિઓને પણ આર્થિક સહાય પૂરી પાડતા હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમમાં તેઓ છેલ્લાં પચાસ વર્ષથી અવિરત નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા હતા. આચાર્ય તરીકેની કારકિર્દી દરમિયાન અને નિવૃત્તિ બાદ પણ શ્રીરામકૃષ્ણ જ્યોતથી માંડીને પ્રકાશન વિભાગની મોટાભાગની જવાબદારી વર્ષોથી સંભાળી રહેલા મનસુખભાઈ છેલ્લા અઠવાડિયા સુધી સતત પ્રવૃત્તિમય હતા. તેમને આવી પડેલ આ બીમારીમાંથી ઉગારવા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ-રાજકોટ દ્વારા પ્રાર્થના માટે અપીલ કરાઈ હતી.

તેઓ ભારતભરમાં અને વિદેશમાં વસતા પણ તેમના વિરાણી હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વ્યાપક વર્તુળમાં અપાર ચાહના ધરાવતા હતા. સમગ્ર વિરાણી હાઇસ્કૂલ પરિવાર તેમની તબિયત અંગે સતત ચિંતિત હતો, પ્રાર્થના કરતો હતો.

ઈશ્વરનાં ચરણોમાં વ્યાકુળભાવે પ્રાર્થના કરીએ છીએ કે સત્પુરુષ એવા સ્વર્ગસ્થ શ્રી મનસુખભાઈ મહેતાના આત્માને ચિર શાંતિ પ્રદાન કરે.

Total Views: 251
By Published On: October 1, 2020Categories: Shraddhanjali0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram