ભારતીય દર્શનશાસ્ત્રમાં ધ્યાન, યોગ, સમાધિ, સમાપત્તિ વગેરેનું વર્ણન મળે છે. યોગસાધનામાં ધ્યાનનું સર્વોપરી સ્થાન છે. કોઈ પણ આધ્યાત્મિક ઉપલબ્ધિ ધ્યાનસાધના વગર શક્ય નથી.

ધ્યાન શબ્દ ध्ये-चिन्तयाम् ધાતુ પરથી નિષ્પન્ન થયો છે. તેનો અર્થ ચિંતન છે. પાલિભાષામાં તેને માટે ज्ञान શબ્દ છે. તેની ઉત્પત્તિ આ રીતે બતાવવામાં આવી છે; ‘ज्ञायति उपनिष्ज्ञायतीति ज्ञानं’- અર્થાત્ કોઈ વિષય પર ચિંતન કરવું. ગૌતમ બુદ્ધ પણ સદૈવ સમાધિ અને ધ્યાનની પ્રશંસા કરતા હતા.

ગૌતમ બુદ્ધે મહાભિનિષ્ક્રમણ પહેલાં પિતાના ખેતરમાં જાંબુવૃક્ષની નીચે ધ્યાનસુખનો અનુભવ કર્યો હોવાનો ઉલ્લેખ મળે છે.

મહાભિનિષ્ક્રમણ પછી અતિ કઠિન તપસ્યા કરતાં તેમને ખ્યાલ આવ્યો કે શરીર કે આત્માને અતિ કષ્ટ આપીને ધ્યાનારાધન કે જ્ઞાનારાધન થઈ શકે નહિ. તેવી રીતે કામોપભોગમાં સંલગ્ન રહીને પણ જ્ઞાનપ્રાપ્તિ થઈ શકે નહિ. તેથી તેમણે મધ્યમમાર્ગ ગ્રહણ કરીને ધ્યાનસાધના દ્વારા સમ્યક્્ સંબોધિની પ્રાપ્તિ કરીને નિર્વાણનો અનુભવ કર્યો.

શિષ્યોને પણ તે વારંવાર ધ્યાનસાધના કરવાનો અને પ્રમાદરહિત બનવાનો ઉપદેશ આપતા હતા. ધ્યાનનો અર્થ અકુશળ ધર્મોનું દહન કરવું- એવો પણ આપવામાં આવ્યો છે. જ્યારે સત્ત્વના ભાવ નિર્મળ બને છે, ત્યારે તેની ક્રિયાઓ પણ રાગ-દ્વેષ અને મોહથી રહિત બને છે. વિશુદ્ધ ભાવનાઓની વૃદ્ધિ થતાં જ તે ચિત્તની એકાગ્રતામાં પરિણત થાય છે. એ અવસ્થાને ધ્યાનયોગ કહે છે. ધ્યાનયોગથી સમાહિત ચિત્તવાળો ભિક્ષુ ધર્મપરાયણ અને સંબોધિપરાયણ થઈને નિર્વાણગામી બને છે.

પ્રજ્ઞાપ્રાપ્તિ માટે ધ્યાન – સમાધિ અનિવાર્ય હોવાનું તેમનુ દૃઢ મંતવ્ય હતું. સમાધિ એટલે ચિત્તનું કોઈ પણ એક વિષય પર એકાગ્ર થવું. તેમાં કુશળ ધર્મો પર આધારિત સમ્યક્્ સમાધિ જ નિર્વાણપ્રાપ્તિનો સાચો માર્ગ હોવાનું તેમણે જણાવ્યું છે.

ધ્યાન-ચતુષ્ટય :

બૌદ્ધધર્મમાં ધ્યાનચતુષ્ટયનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેના ધ્યાનાંગો, ધ્યાનપ્રાપ્તિ માટે ઉત્સુક ચિત્તની વિવિધ અવસ્થાઓ, સમાધિના અંતરાયો, અપધ્યાન, રૂપાવચર અને અરૂપાવચર ધ્યાન, વિશુદ્ધ ધ્યાનથી પ્રાપ્ત થતી નિર્વાણની સ્થિતિ વગેરે વિશે ખૂબ સૂક્ષ્મ રીતે અને વિસ્તારથી અહીં ચર્ચા કરવામાં આવી છે.

સુજ્ઞપિટકમાં ધ્યાનના મુખ્ય ચાર ભેદ બતાવ્યા છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય, અને ચતુર્થ ધ્યાન. તેનાં મુખ્ય પાંચ અંગો છે અથવા રૂપનું અવલંબન કરનાર ચિત્તની આ પાંચ અવસ્થાઓ છે. તેને વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને સમાધિ કહે છે.

સાધકના ચિત્તનું કુશળ મનોવૃત્તિઓમાં પ્રતિષ્ઠિત થવું તે સમ્યક્્ સમાધિ છે. સમ્યક્્ સમાધિમાં ચાર રૂપાવચર ધ્યાનનો સમાવેશ થાય છે. તે રૂપાવચર અથવા રૂપસંજ્ઞા પર આધારિત ધ્યાન કહેવાય છે. પ્રથમ ધ્યાનમાં ભિક્ષુ કામાદિથી વિરત થઈને વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને ચિત્તની એકાગ્રતાથી યુક્ત થઈને વિહાર કરે છે. દ્વિતીય અને તૃતીય ધ્યાનમાં તે ક્રમશ: વિતર્ક, વિચાર અને પ્રીતિનું ઉપશમન કરે છે. ચતુર્થ ધ્યાનમાં ચેતો વિમુક્તિના ચાર પ્રત્યય છે : સુખ-દુ:ખનો પરિત્યાગ, સૌમેનસ્ય-દૌમેનસ્યનો અસ્ત, સુખ-દુ:ખ રહિત ઉપેક્ષા અને સ્મૃતિની પરિશુદ્ધિ. ચાર ધ્યાનની પ્રાપ્તિથી રાગ, અવિદ્યા અને અનુશયોનો ક્ષય કરીને સાધક આસ્રવરહિત બને છે.

ત્યાર બાદ સાધક ચાર બ્રહ્મવિહાર-મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના કરીને અરૂપાવચર ધ્યાન માટે ચિત્તને તત્પર કરે છે. રૂપરહિત ધ્યાન માટેનાં અરૂપ આલંબનોને અરૂપાવચર આયતન કહે છે. તે ચાર છે : આકાશાનન્ત્ય, વિજ્ઞાનાનન્ત્ય, આકિંચન્ય અને નૈવસંજ્ઞાનાસંજ્ઞા આયતન.

આ પ્રમાણે બૌદ્ધધર્મમાં ધ્યાનના મુખ્યત્વે આઠ પ્રકાર છે : પ્રથમ ચાર ધ્યાન રૂપાવચર છે અને પછીનાં ચાર ધ્યાન અરૂપાવચર છે. આ આઠ ધ્યાન સિદ્ધ થતાં સાધક નિર્વાણનો અનુભવ કરે છે. નિર્વાણ એ આત્યંતિક દુ:ખવિમુક્તિની અવસ્થા છે. તેમાં સર્વ સંસ્કારોનું ઉપશમન થાય છે.

પારમિતા :

બુદ્ધકારક ધર્મોને પારમી અથવા પારમિતા કહેવામાં આવે છે. પારમિતાના સંદર્ભમાં એવા દસ ધર્મોનું કથન છે કે જેની સમ્યક્્ પરિમિતાના ફળસ્વરૂપે બુદ્ધત્વની પ્રાપ્તિ કે ધ્યાનયોગની સિદ્ધિ શક્ય બને છે. નિર્વાણપ્રાપ્તિના માર્ગમાં આગળ વધનાર સાધકે દાન, શીલ, નૈષ્ક્રમ્ય, પ્રજ્ઞા, વીર્ય, ક્ષાન્તિ, સત્ય, અધિષ્ઠાન, મૈત્રી તથા ઉપેક્ષા પારમિતાની સમ્યક્ પરિપૂર્તિ અને પ્રાપ્તિ કરવી અનિવાર્ય છે. બોધિસત્ત્વોની ચર્યા પરથી સમજાય છે કે તેમણે દાન, શીલ વગેરે પારમિતાઓની ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેથી જ તેમને બુદ્ધકારક ધર્મો કહેવામાં આવે છે. મહાયાનમાં છ પરિમિતાઓ છે. બૌદ્ધધર્મની યોગસાધનાનું આ મહત્ત્વનું અંગ છે.

ભૂમિ :

સાધકના વિકાસક્રમના સંદર્ભમાં હીનયાનમાં સ્રોતાપન્ન, સકૃદાગામી, અનાગામી અને અર્હત્ એ ચાર ભૂમિ ગણાવવામાં આવી છે. પરંતુ મહાયાનમાં દસ ભૂમિ છે. તે સાધકની ચિત્તની અવસ્થાને, સાધનામાં તેના થયેલા વિકાસક્રમને સમજાવે છે. તે આ પ્રમાણે છે:

(૧) મુદિતા કે પ્રમુદિતા : આ ભૂમિમાં લોકોના કલ્યાણની ઇચ્છાથી સાધકનું હૃદય પ્રફુલ્લિત બને છે. કરુણાનો ઉદય આ ભૂમિની વિશેષતા છે.

(૨) વિમલા : સાધકના મયિક, વાચિક અને માનસિક પાપોનો ક્ષય આ ભૂમિમાં થાય છે. આ સ્થિતિમાં તે વિશેષ રૂપથી શીલપરિમિતાનો અભ્યાસ કરે છે.

(૩) પ્રભાકારી : આ ભૂમિમાં આવીને સાધક સંસારના સંસ્કૃત ધર્મો તુચ્છ હોવાનું સમજે છે. તેની કામવાસના-તૃષ્ણા ક્ષીણ થવા લાગે છે અને ધૈર્ય પરિમિતાનો અભ્યાસ કરે છે.

(૪) અર્ચિષ્મતી : આ ભૂમિમાં સાધક આર્ય અષ્ટાંગિક માર્ગનો અભ્યાસ કરે છે. તેના હૃદયમાં દયા તથા મૈત્રીનો ભાવ ઉદ્ભવે છે અને તે વીર્ય પરિમિતાનો અભ્યાસ કરે છે.

(૫) સુદુર્જયા : આ અવસ્થામાં પહોંચીને સાધકનું ચિત્ત સમતાને પ્રાપ્ત કરે છે અને તે જગતથી વિરક્ત બને છે. અહીં તે ધ્યાન પરિમિતાનો અભ્યાસ કરે છે.

(૭) દૂરંગમા : આ ભૂમિમાં પહોંચીને બોધિસત્ત્વ જ્ઞાનના માર્ગમાં અગ્રેસર થાય છે અને અનેક રીતે અગ્રેસર થાય છે.

(૮) અચલા : અહીં સુધી આવીને સાધક સમસ્ત જગતને અર્થહીન-તુચ્છ સમજે છે અને પોતાથી પર હોવાનું અનુભવે છે.

(૯) સાધુમતી : આ અવસ્થામાં સાધક અન્ય જનોના કલ્યાણ માટેના ઉપાયો શોધે છે અને સર્વને ધર્મનો ઉપદેશ આપે છે.

(૧૦) ધર્મમેધા : આ ભૂમિમાં પહોંચીને સાધક સમાધિનિષ્ઠ બનીને બુદ્ધત્વને પ્રાપ્ત કરે છે. મહાયાન સંપ્રદાયના સાધકોની આ અંતિમ અવસ્થા છે, અહીં સુધી પહોંચીને તે નિર્વાણની પ્રાપ્તિ કરે છે.

આ ભૂમિમાં સાધક ક્રમશ: ઉત્તરોત્તર ઊંચા સ્તરે પહોંચે છે. એક ભૂમિની પ્રાપ્તિ કર્યા પછી જ સાધક એના પછીની બીજી ભૂમિમાં પહોંચી શકે છે.

આ રીતે બૌદ્ધ યોગસાધનામાં આઠ ધ્યાન – રૂપાવચર અને અરૂપાવચર, દસ પરિમિતા અને દસ ભૂમિનું ઘણું મહત્ત્વ છે.

દસ ભૂમિ દ્વારા ધ્યાનનો, સાધકની સાધનાનો વિકાસક્રમ સૂચવાય છે. કુશળ ધર્મોમાં એકાગ્ર ચિત્તની સમ્યક્્ સમાધિ-સમાપ્તિ તેના મૂળમાં છે.

બૌદ્ધ ધર્મચર્યામાં ધ્યાનયોગની ચર્ચા ઘણી સૂક્ષ્મ અને વ્યાપક રીતે થઈ છે. સમાધિ પ્રાપ્ત કરવાના માર્ગ સાથે સમાધિના વિવિધ પ્રકારોમાં મુખ્યત્વે ઉપચાર સમાધિ અને અર્પણાસમાધિનું નિરૂપણ થયેલું છે. તે સાથે સમાધિના માર્ગમાં આવતા અવરોધો- જેમ કે ચિત્તના ઉપકલેશો, સમાધિ માટે યોગ્ય આવાસ અને આહાર, યોગ્ય ગુરુ અને કલ્યાણમિત્ર, પાંચ ચેતોખિલ અને પાંચ ચિત્તબંધનો વગેરે વિશે વિસ્તારથી પણ સૂક્ષ્મ રીતે મીમાંસા થઈ છે.

(‘પ્રબુદ્ધ જીવન’, ફેબ્રુઆરી,૨૦૧૮માંથી સાભાર ગૃહીત.)

Total Views: 326

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.