આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અર્થાત્ નિર્વાણ યા મોક્ષ તે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. તેમાં જૈન દર્શન પરમ આસ્તિક મોક્ષૈકલક્ષી છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય અથવા માર્ગ તે જ યોગ છે. મોક્ષનો મુખ્ય હેતુ યોગ છે, નિમિત્ત હેતુ તો ગૌણ કહેવાય છે. યોગ મોક્ષનું ઉપાદાન કારણ છે. મોક્ષપ્રાપ્તિ અર્થે યોગમાર્ગ છે. મોક્ષ એ જ સર્વ દર્શનોનું નિશ્ચિત સાધ્ય-ધ્યેય છે. તેના સાધનરૂપ યોગમાર્ગ પણ એક જ છે. અને તે શમપરાયણ-શમનિષ્ઠ એવો યોગમાર્ગ છે. શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, રાગદ્વેષરહિતપણું, સમભાવ-સામ્યમાં અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ થવી, સ્વસ્વરૂપને સમજી સ્વરૂપમાં રમણતા કરવી એ જ શમ છે. પરભાવ- વિભાવમાંથી નીકળી આત્મભાવમાં સ્થિર થવું તે જ શમનિષ્ઠ માર્ગ, યોગમાર્ગ છે. જૈન દર્શનમાં આ મોક્ષમાર્ગ, યોગમાર્ગ એ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યગ્ચારિત્ર એ શુદ્ધ રત્નત્રયરૂપ છે અને એ જ જૈન યોગ છે. આની સાધના કરીને અનંત આત્માઓએ મોક્ષની પ્રાપ્તિ કરી છે. અનાદિકાળથી આ સંસારચક્રમાં ફરતા જીવોને તેમાંથી બચાવનાર અને મોક્ષપ્રાપ્તિ કરાવનાર આ યોગમાર્ગ છે. દરેક આત્મા જેમાં પરમાત્મા થવાની ક્ષમતા છે તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયને આદરીને અર્થાત્ યોગમાર્ગને અનુસરીને પરમાત્મપણું પ્રાપ્ત કરી શકે છે. આત્મામાં અનંત શક્તિ રહેલી છે. આત્માનું ઐશ્વર્ય એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત આનંદ. આત્માના આ પોતાના જ ગુણો છે. આ ગુણોનો ઉત્કૃષ્ટ વિકાસ કરી, ઉત્તરોત્તર ગુણસ્થાનમાં પ્રગતિ કરી એ પોતાના પુરુષાર્થથી પરમાત્મા બની શકે છે. આ આત્મગુણોનાં આવરક કર્મોનો ક્ષય થતાં એ ગુણો પ્રગટ થાય છે. ક્રમશ: આગળના ગુણસ્થાનક પ્રાપ્ત થતા જાય છે, જેમાં આત્માનો અનુક્રમે ઉત્તરોત્તર વિકાસ થતાં એ આત્મસ્વરૂપમાં રમણતા, સ્થિરતા પ્રાપ્ત કરે છે અને અંતે ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરી વીતરાગતા, કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરે છે. આ જૈન ધર્મની સાધના પદ્ધતિ છે, જે મોક્ષમાર્ગ તરીકે જાણીતી છે.
જૈન શાસ્ત્રોમાં ‘યોગ’ શબ્દ પ્રાચીન કાળથી જ જોવા મળે છે. જીવની મન, વચન, કાયાની પ્રવૃત્તિને યોગ તરીકે ઓળખવામાં આવે છે, તેવી જ રીતે મોક્ષમાર્ગની સાધના પણ યોગસાધના તરીકે ઓળખાય છે. જૈન દર્શન અને આગમ સાહિત્યમાં આત્માને અનંત શક્તિમાન કહ્યો છે. આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય છે. યોગસાધનાથી એ પ્રાપ્ત કરી શકાય છે. જૈન આગમોમાં યોગના અર્થમાં અધિકતર ‘ધ્યાન’ શબ્દ પ્રયુક્ત થયેલો છે. તેમજ ‘યોગ’ શબ્દ સમાધિના અર્થમાં પણ પ્રયુક્ત થયેલો છે. આપણે ઐતિહાસિક દૃષ્ટિથી વિચારીએ તો જૈન પરંપરામાં યોગ અથવા યોગસાધનાને ચાર વિભાગમાં વિભક્ત કરી શકાય.
(૧) આગમ અને આગમ સાહિત્યમાં યોગ
(૨) આચાર્ય કુંદકુંદદેવથી આચાર્ય હરિભદ્રસૂરિ સુધી (વિક્રમની આઠમી શતાબ્દી સુધી)
(૩) આચાર્ય હરિભદ્રસૂરિથી ઉપાધ્યાય યશોવિજયજી સુધી (વિક્રમની અઢારમી શતાબ્દી સુધી)
(૪) ઉપાધ્યાય યશોવિજયજીથી અત્યાર સુધી (અઢારમી શતાબ્દી પછી)
(૧) આગમ અને આગમ સાહિત્યમાં યોગ :
આ અવસર્પિણી કાળમાં જૈન ધર્મના આદ્ય પ્રણેતા ભગવાન ઋષભદેવ છે, જે સ્વયં મહાયોગી હતા. એટલે જૈન યોગના પ્રણેતા તરીકે પણ એમને જ સ્થાપી શકાય. ભક્તામર સ્તોત્રમાં ઋષભદેવ ભગવાનને યોગીશ્વર તરીકે વર્ણવેલા છે. (ગાથા નં.૨૪) અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો સંસારત્યાગ પછી કેવળજ્ઞાન સુધીનો જે સાડા બાર વર્ષનો સાધનાકાળ હતો એ સાધનાકાળમાં અધિકાંશ સમય એ યોગસાધનામાં અર્થાત્ ધ્યાનમાં જ હતા. ભગવાન મહાવીરના મુખેથી વર્ણવેલા અને ગણધરો દ્વારા રચાયેલા આગમોમાં યોગ અને ધ્યાન વિશે વર્ણન મળી આવે છે. જેમ કે શ્રી આચારાંગ સૂત્ર, સૂત્રકૃત્તાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, સ્થાનાંગ સૂત્ર તેમજ ઉત્તરાધ્યયન સૂત્રમાં આ સાધનાપદ્ધતિનું પ્રતિપાદન કરેલું છે. સૂત્રકૃત્તાંગ સૂત્રમાં સમાધિયોગ, ધ્યાનયોગ, અધ્યાત્મયોગ, ભાવનાયોગ જેવા શબ્દો પ્રયુક્ત થયેલા છે. આગમ સાહિત્યમાં પણ તેનો નિર્દેશ મળે છે.
(૨) જૈન યોગનો દ્વિતીય યુગ : આચાર્ય કુંદકુંદદેવથી આચાર્ય હરિભદ્રસૂરિ સુધી :
વિક્રમની પ્રથમ શતાબ્દીથી આજપર્યંત જૈન યોગ સંબંધી ઘણું સાહિત્ય રચાયેલું છે. પ્રથમ શતાબ્દીમાં આચાર્ય કુંદકુંદદેવે સમયસાર, નિયમસાર, મોક્ષપાહુડ આદિ ગ્રંથોમાં યોગ સંબંધી વિવેચન કરેલું છે. તેમાં ધ્યાન સાધનાની આવશ્યકતાને જરૂરી ગણી છે. ધ્યાન દ્વારા સાધક બહિરાત્મભાવનો ત્યાગ કરી અંતરાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પરમાત્મભાવ પ્રાપ્ત કરી સ્વયં પરમાત્મા બને છે. એમણે યોગ અને યોગભક્તિનું વ્યવસ્થિત પ્રતિપાદન કર્યું છે. આ પછી વિક્રમની ત્રીજી શતાબ્દીમાં આચાર્ય ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં મોક્ષમાર્ગનું અર્થાત્ યોગનું પ્રતિપાદન કરેલું છે.
सब्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः ।।1।।
– તત્ત્વાર્થ સૂત્ર
આ સાધનાપદ્ધતિમાં શુદ્ધ આત્મસ્વરૂપ અર્થાત્ પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાના માર્ગમાં ધ્યાનની અત્યંત મહત્ત્વની ભૂમિકા છે, જેનું વિવેચન આચાર્ય જિનભદ્રગણીએ ધ્યાનશતકમાં, પૂજ્યપાદ દેવાનંદીએ સમાધિતંત્ર તેમજ ઇષ્ટોપદેશમાં કરેલું છે. આચાર્ય કુંદકુંદદેવની જેમ આચાર્ય પુજ્યપાદે પણ આત્માની ત્રણ અવસ્થાઓ-બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું નિરૂપણ કરેલું છે. આ ગ્રંથમાં આત્મામાં લીન થવું અને આત્મામાં આત્મબુદ્ધિ રાખવી એને જ દુ:ખમુક્તિનો ઉપાય કહ્યો છે. જ્યારે ઇષ્ટોપદેશમાં ઇષ્ટ અર્થાત્ મોક્ષનું પ્રતિપાદન કરેલું છે.
મનની એકાગ્રતાથી ઇન્દ્રિયોનું નિયમન કરી આત્મા દ્વારા આત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે. છઠ્ઠી શતાબ્દીમાં જિનભદ્રગણી ક્ષમાશ્રમણે ‘ધ્યાનશતક’ ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં યોગસાધના અને ધ્યાનસાધનાની મૌલિક પદ્ધતિઓ છે. છદ્મસ્થ અને કેવળી બેઉને ધ્યાનમાં રાખી જિનભદ્રગણીએ ધ્યાનની સ્પષ્ટ પરિભાષા આપી છે. એક વસ્તુ પર ચિત્તને એકાગ્ર કરવું અને યોગનિરોધ એ ધ્યાન છે.
(૩) જૈન યોગનો તૃતીય યુગ : આચાર્ય હરિભદ્રસૂરિથી ઉપાધ્યાય યશોવિજયજી સુધી :
વિક્રમની આઠમી શતાબ્દીમાં આચાર્ય હરિભદ્રસૂરિએ જૈન યોગ સાહિત્યમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી. એમણે જૈન દર્શનમાં પ્રતિપાદિત આત્માના વિકાસક્રમનું વર્ણન યોગરૂપથી કર્યું. પાતંજલ યોગપદ્ધતિ અને પરિભાષાઓ સાથે જૈન પદ્ધતિઓનો સમન્વય કરી જૈન યોગને નવી દિશા આપી. આ સમન્વયમાં એમણે જૈન ધર્મમાં પ્રતિપાદિત ચૌદ ગુણસ્થાનકોને પતંજલિ યોગપદ્ધતિઓ સાથે તુલનાત્મક સ્વરૂપમાં પ્રસ્તુત કર્યા. એમના યોગવિષયક ચાર ગ્રંથો છે – યોગબિંદુ, યોગશતક, યોગવિંશિકા અને યોગદૃષ્ટિસમુચ્યય. ‘યોગબિંદુ’ ગ્રંથમાં કહે છે, ‘જે મોક્ષ સાથે જોડી આપે તે યોગ કહેવાય છે.’ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંશય આ યોગમાર્ગ (મોક્ષમાર્ગ)નાં પાંચ અંગ છે, જે સકલક્ષયરૂપ મોક્ષ સાથે આત્માનું યોજન કરે છે તેથી યોગરૂપ છે. એમાં ઉત્તરોત્તર યોગ શ્રેષ્ઠ યોગ છે. ‘યોગશતક’ ગ્રંથમાં યોગના બે ભેદ નિશ્ચય અને વ્યવહાર બતાવી એમનું સ્વરૂપ બતાવ્યું છે. મોક્ષ સાથે જોડનાર રત્નત્રયી એટલે કે સમ્યગ્જ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યગ્ચારિત્ર છે તે નિશ્ચયદૃષ્ટિએ યોગ છે અને ગુરુવિનય, શાસ્ત્રશ્રવણ, શાસ્ત્રવિહિત કાર્યોનું યથાશક્તિ પાલન વગેરે અનુષ્ઠાન એ સમ્યગ્જ્ઞાનાદિનાં પ્રધાન સાધન હોવાથી વ્યવહાર દૃષ્ટિએ યોગ છે. જ્યારે ‘યોગવિંશિકા’માં યોગ કોને કહેવાય એનું રહસ્ય સમજાવતાં કહે છે :
‘પરિશુદ્ધ એવો બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડી આપનારો હોવાથી યોગ છે.’ ‘યોગદૃષ્ટિસમુચ્યય’માં જીવને પ્રાપ્ત થતા આત્મપ્રકાશની માત્રાની દૃષ્ટિએ એને આઠ ભાગમાં વહેંચી આઠ યોગદૃષ્ટિ તરીકે અહીં નિરૂપવામાં આવી છે અને એના અનુસારે જીવનો ક્રમિક વિકાસ બતાવ્યો છે. એમના પછી વિક્રમની અગિયારમી શતાબ્દીમાં આચાર્ય રામેસેને ‘તત્ત્વાનુશાસન’ અને આચાર્ય સોમદેવસૂરિએ ‘યોગસાર’ ગ્રંથ લખ્યો. બેઉ ગ્રંથમાં યોગ વિશે વર્ણન છે. બારમી શતાબ્દીમાં શ્રી હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર’ની રચના કરી. આ શતાબ્દીઓમાં જૈન યોગ અષ્ટાંગ યોગ, હઠયોગ અને તંત્રશાસ્ત્રથી પ્રભાવિત થયેલો જોવા મળે છે. આગમિક યુગમાં ધર્મધ્યાન હતું. ‘યોગશાસ્ત્ર’માં ધર્મધ્યાનનું પરંપરાગત સ્વરૂપ પ્રસ્તુત કરી એના પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર ભેદ અને એના સ્વરૂપનું વિસ્તારથી વિવેચન કરેલું છે. મોક્ષપ્રાપ્તિ માટે યોગસાધનાનું ક્રમવાર સંપૂર્ણપણે વર્ણન કર્યું છે. અઢારમી શતાબ્દીમાં ઉપાધ્યાય યશોવિજયજીએ પોતાની અનેક રચનાઓ દ્વારા યોગસાહિત્યને સમૃદ્ધ કર્યું. એમણે લખેલ ‘અધ્યાત્મસાર’, ‘અધ્યાત્મોપનિષદ’, ‘જ્ઞાનસાર’ તેમજ દ્વાત્રિંશદ-દ્વાત્રિંશિકામાં ‘યોગાવતાર’માં યોગ વિશે પ્રકાશ પાડેલો છે. ‘પાતંજલયોગસૂત્રવૃત્તિ’માં યોગસૂત્રનાં અમુક સૂત્રોની જૈન દૃષ્ટિએ સમીક્ષા કરી જૈન મંતવ્ય સાથે સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો છે. પાતંજલ યોગ અને જૈન યોગના તુલનાત્મક અધ્યયન માટે આ વૃત્તિ માર્ગદર્શન છે.
(‘પ્રબુદ્ધ જીવન’, ફેબ્રુઆરી, ૨૦૧૮માંથી સાભાર ગૃહીત.)
Your Content Goes Here