સાધકગણ જપમાળાની સહાયથી ભગવન્નામનો જપ કરે છે. જપમાળા રુદ્રાક્ષની, સ્ફટિકની, ચંદનની અથવા બીજા કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. માળા ફેરવતી વખતે કંઠમાં, જીભથી અથવા મનોમન ઇષ્ટમંત્રનું ઉચ્ચારણ કરવાનું હોય છે. માળા ૧ વખત ફેરવવાથી ૫૪ અથવા ૧૦૮ની અથવા ૧૦ વખત ફેરવવાથી ૫૪૦ અથવા ૧૦૮૦ની સંખ્યા પૂરી થાય છે. જપમાળાનો ઉદ્દેશ છે જપ કરનારની જપસંખ્યાને ગણતરીમાં રાખવી.

આનો બીજો ઉદ્દેશ છે જપ કરનારના મનની એકાગ્રતામાં સહાયતા કરવી. ચંચળ મન દશેય દિશાઓમાં દોડવા માગે છે. પરંતુ માળાની સહાયતાથી જપ કરવાથી મનને થોડાક અંશે માળા સાથે જોડાઈ રહેવું પડે છે. એનો ઉદ્દેશ એ છે કે મન જેટલું પણ બની શકે તેટલું મંત્રમાં જોડાયેલું રહે. આમ કરવાથી અહીં તહીં ભટકતું મન મંત્રજાપ સાથે બંધાયેલું રહે છે.

આ બે સિવાય માળાનો એક ત્રીજો પણ ઉદ્દેશ છે- જપસાધનાને બળવત્તર બનાવવી, તેને ઉચ્ચથી ઉચ્ચતર સ્તરે લઈ જવી. જપસાધનાના પ્રારંભિક સ્તરમાં માળા- જપનું આ ત્રીજું તત્ત્વ પકડમાં આવતું નથી. મંત્રમાં વિશ્વાસ તથા પ્રીતિમાં જેટલો પણ વધારો થશે, તેટલું જ આ અંગેનું જ્ઞાન વિશેષ અનુભૂતિમાં આવશે. ત્યારે પણ સાધક માળા-જપ કરે છે પણ તે સંખ્યા ગણતરી માટે હોય છે અને મનની એકાગ્રતામાં સહાયતા મેળવવા માટે હોય છે. માળાનું ફરવું એ તેના માટે ક્રમશ : મંત્રજપની શક્તિ તથા આનંદની સાથે એકાકાર થઈ જાય છે. લાગે છે કે જાણે સંપૂર્ણ વિશ્વપ્રકૃતિ તે માળાને ફરવામાં મદદરૂપ બની રહી છે, તેના મંત્રજપના તાલે નૃત્ય કરી રહી છે. રૂપ, રસ, શબ્દ, સ્પર્શ, ગંધની અગણિત અભિવ્યક્તિઓ મનને બહાર જતું રોકીને મિત્ર રૂપે માળાની મદદથી મંત્રરૂપ પરમાત્માનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવામાં ઇચ્છુક છે. મંત્રસાધના વખતે જો માળા બહારના વિભિન્ન વિક્ષેપોને પોતાનામાં આકૃષ્ટ કરીને સાધકના જપ-વિઘ્નને દૂર કરી શકે તો માળા અવશ્યપણે તેનો પરમ મિત્ર છે. જ્યારે આપણે માળાના આ સૂક્ષ્મતર અને બલવત્તર પ્રદાનને સમજી શકીએ છીએ ત્યારે આપણી જપ-પ્રણાલી પણ બદલાતી જાય છે અને જપમાળાનું સાધન પણ રુદ્રાક્ષ-તુલસી-સ્ફટિક વગેરેથી પણ ભિન્ન વસ્તુમાં પરિવર્તિત થઈ જાય છે.

ભારતવર્ષની ધર્મ-સંસ્કૃતિમાં ભગવાનનું નામ એક શબ્દ માત્ર નથી, પરંતુ તેમની શબ્દમયી મૂર્તિ છે. શાસ્ત્ર તથા સંત-મહાપુરુષગણ પ્રાચીનકાળથી જ ઈશ્વરના નામ તથા તેમના મંત્રને ઈશ્વરનું જ સ્વરૂપ સમજવાનો ઉપદેશ આપતા આવ્યા છે. ભારતના બધા સંપ્રદાયોમાં મંત્રના માધ્યમથી ભગવાનની ઉપાસના પ્રચલિત છે. નામ-જપની પ્રારંભિક અવસ્થામાં નામનો શબ્દરૂપે બોધ થવો સ્વાભાવિક છે. પરંતુ નામમાં વિશ્વાસ તથા એકાગ્રતાની જેમ જેમ વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ નામની ચૈતન્ય સત્તાનું જ્ઞાન થવા લાગે છે. સાધક નામ તથા મંત્રની અંદર પોતાના આરાધ્ય ઇષ્ટનું જ્ઞાનઘન અસ્તિત્વ તથા પ્રેમના સ્પર્શનો સ્પષ્ટ અનુભવ કરવા લાગે છે. મંત્રજપ તેના સમગ્ર દેહ-મન-પ્રાણને અમૃતથી સિંચિત તથા જ્યોતિર્મય કરી દે છે.

મન સાધકની જપમાળા છે. મનમાં માળાનું ફરવું તેજાણે કે વિવિધ વૃત્તિઓનો ઉદય તથા વિલય છે. ત્યારે મનની વૃત્તિઓ વિક્ષેપ ઉત્પન્ન નથી કરતી, પરંતુ જપ-સાધનાના એક અંગ રૂપે તેની આધ્યાત્મિક સહચરી બની જાય છે. સાધકના કંઠ અથવા હૃદયમાં મંત્રજપ ધ્વનિત થાય છે. તે ધ્વનિ ચિત્તની વૃત્તિઓનો સ્પર્શ કરીને તેને પવિત્ર બનાવે છે. એનાથી તેઓ રાજસિક તથા તામસિક અભિવ્યક્તિઓને દૂર કરીને સાત્ત્વિક ભૂમિમાં પહોંચી જાય છે. સાધક પહેલાં જપ કરતી વખતે મનની વિવિધ વૃત્તિઓને જોઈને કષ્ટનો અનુભવ કરતો હતો, વિક્ષિપ્ત મનને શત્રુ જેવું માનતો હતો અને જપમાં મનને એકાગ્ર કરવા માટે ભગવાનને પ્રાર્થના કર્યા કરતો હતો; પરંતુ હવે તે ક્લેશ રહેતો નથી. હવે મન જ તેની જપમાળા બની ગયું હોય છે અને મનની વૃત્તિઓ માળાના મણકા છે. પ્રત્યેક વૃત્તિ મંત્ર-ચૈતન્યથી આલોકિત છે. મન હવે જપનો શત્રુ નહીં પરંતુ મિત્ર છે. મનની વૃત્તિઓ પોતાનું માયામય રૂપ છોડીને પોતાની અંતર્નિહિત ચેતન સત્તાથી ઉદ્ભાષિત થઈ ઊઠે છે.

આ ભૌતિક શરીર સાધકની જપમાળા છે. શરીરનાં બધાં જ અંગ-પ્રત્યંગ તે માળાના મણકા છે. કંઠ અથવા મનથી જપનું ઉચ્ચારણ થઈ રહ્યું છે-તે મંત્રનું સૂક્ષ્મ સ્પંદન શરીરના વિભિન્ન અંગોને પ્રતિધ્વનિત કરી રહ્યું છે. તેઓ ઉલ્લાસપૂર્વક સાધકની જપક્રિયામાં યોગદાન કરી રહ્યાં છે. જપ કરતી વખતે હવે મસ્તક અહીંતહીં હલનચલન કરવા માગતું નથી; નેત્ર, કાન, નાક, હાથ, પગ, હવે બહારની તરફની દોડધામથી વિમુખ થઈ ગયાં હોય છે. શરીરની ઉપરથી નીચે અને નીચેથી ઉપરની તરફ એક કુંડાળું બની ગયું હોય છે. તે કુંડાળાના પ્રત્યેક અંશમાંથી મહામંત્રનો ચૈતન્ય સ્પર્શ થઈ રહ્યો હોય છે. સાધકને સ્પષ્ટપણે જ્ઞાન થાય છે કે તેનું શરીર જૈવિક દેહ નથી, તે ચેતનામય છે. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું છે : ‘અગિયાર દ્વારવાળું શરીર જાણે એક નગર છે. તે નગરના સ્વામી પરમાત્મા છે. આ રીતે આ સ્વામીનું ધ્યાન કરવાથી સાધક શોકરહિત થઈ જાય છે, તેની કામનાઓ-મોહ-માયા વગેરે બધાં વિનષ્ટ થાય છે અને તે પરમ મુક્તિ પ્રાપ્ત કરે છે.’ (૨.૨.૧)

જપ-સાધક માટે મહામંત્ર જ પરમપુરુષ છે. આ દેહ પરમપુરુષનું વિલાસક્ષેત્ર છે. જેમ રાજા નગરમાં રહે ત્યારે તેનાં બધાં દ્વાર સ્વચ્છ અને સુસજ્જિત રહે છે; નગરનાં ઘર, મકાન, દુકાન, સડક વગેરે રાજાના ઐશ્વર્ય તથા પ્રભાવનો પરિચય આપે છે, તેવી જ રીતે મંત્ર-સાધકનો દેહ, ઇન્દ્રિયો તથા બધાં અંગ મહામંત્રની સાત્ત્વિક શક્તિથી દેદીપ્યમાન બની જાય છે.

આ વિશ્વ-બ્રહ્માંડ સાધકની જપમાળા છે. સૂર્ય તે માળાનો એક મણકો છે, ચંદ્રમા બીજો મણકો છે, સમગ્ર તારામંડળ ત્રીજો મણકો છે, આકાશ ચોથો મણકો છે, સમુદ્ર પાંચમો મણકો છે, વનસ્થળી છઠ્ઠો મણકો છે, મરુભૂમિ સાતમો મણકો છે- આ રીતે સચરાચર જગતના કોઈ પણ અંશનું ચિંતન કરો, એ બધાં તે વિરાટ જપમાળાના વિવિધ મણકા છે. મંત્ર-ચૈતન્ય પ્રાણથી પર, મનથી પર, દેહથી પર-અનંત દેશકાળમાં વ્યાપ્ત છે. અખિલ વિશ્વ મંત્રની ચેતનાથી જોડાયેલું છે. આ સંયોગના પરિણામરૂપે ભૌતિક જગત પોતાનું ભૌતિક સ્વરૂપ છોડીને પોતાના ચૈતન્ય રૂપમાં પ્રગટ થઈ જાય છે.

Total Views: 457

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.