નદીમાં જાળ નાખીને એક માછીમારે ખૂબ માછલાં પકડ્યાં. તેમાંનાં કેટલાંક એ જાળમાં શાંત અને સ્થિર પડ્યાં રહ્યાં અને, તેમાંથી છટકવા જરાય કોશિશ ન કરી. બીજાં કેટલાંકે છટકવા કોશિશ કરી અને કૂદકા માર્યા પણ ન સફળ થયાં. માછલાંઓનો ત્રીજો વર્ગ ગમે તેમ કરી છટકી શક્યો – આ, બદ્ધ, મુમુક્ષુ અને મુક્ત જીવોનાં ઉદાહરણ.
ત્રણ પૂતળી છે – પહેલી મીઠાની બનેલી છે, બીજી કપડાંની અને ત્રીજી પથ્થરની છે. આ પૂતળીઓને પાણીમાં નાખીએ તો, પહેલી પાણીમાં ઓગળી જશે અને નિરાકાર બની જશે; બીજી ખૂબ પાણી ચૂસી લેશે પણ પોતાનો આકાર તદ્દન નહીં ગુમાવે અને ત્રીજી પાણીની અસરથી સાવ નિર્લેપ રહે છે. સર્વવ્યાપી વિરાટ આત્મામાં પોતાનો આત્મા ભેળવી દેનાર પહેલી પૂતળી જેવો છે; એ મુક્ત જીવ છે. બીજી પૂતળી પ્રભુના સાચા પ્રેમી, ભક્ત જેવી છે, એ દિવ્ય આનંદ અને જ્ઞાનથી પૂર્ણ છે; ત્રીજી પૂતળી સંસારીનું પ્રતીક છે જે, પોતાના હૃદયમાં સત્યજ્ઞાનનો એક અંશ પણ પ્રવેશવા દેતી નથી.
લોકો ઓશીકાની ખોળ જેવા છે. એક લાલ હોય, બીજી વાદળી હોય અને ત્રીજી પીળી હોય પણ, અંદર એક સરખું જ રૂ હોય. માણસનું પણ તેવું જ છે; એક સુંદર હોય, બીજો કાળો હોય, ત્રીજો પવિત્ર હોય ને ચોથો દુષ્ટ હોય; પણ પરમાત્મા સૌની અંદર વસી રહ્યો છે.
બધા (ખાવાના) ઘૂઘરા ઉપર એક જ લોટનું પડ હોય છે પણ, દરેકની અંદર પૂરણ જુદું જુદું હોય છે. ઘૂઘરો સારો છે કે ખરાબ તે એના પૂરણ પર આધારિત હોય છે. એ જ રીતે, બધા માનવદેહો એક જ પદાર્થના બનેલા હોય છે છતાં, એમનાં હૃદયની શુચિતા પર એમના વિવિધ ગુણનો આધાર છે.
– શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી પૃ.૯
Your Content Goes Here