ગતાંકથી આગળ…

દિલ્હી પ્રેસ ક્લબમાં પત્રકારો મારી રાહ જોઈ રહ્યા હતા.

હું હવે મીડિયાથી ટેવાઈ તો ગઈ હતી, પરંતુ આ સભા – જેમાં ભારત તેમજ વિદેશના સંવાદદાતાઓ પણ આવવાના હતા – તે સામાન્ય રીતે અત્યંત સન્માનનીય પ્રખ્યાત લોકો અને રાજકારણીઓ માટે ભરાતી હોય છે. એટલે જ હું સહેજ અવઢવ સાથે ત્યાં દાખલ થઈ ત્યારે મને એ બે સ્ત્રીઓની ગેરહાજરી ખૂબ સાલી, જે મારી સહુથી નજીક હતી તે મારાં માતા અને મારી મોટી બહેન. તેઓને અહીં વિમાનમાં લઈ આવું એટલા પૈસા મારી પાસે નહોતા અને તેઓ પોતાની બચતના થોડા ઘણા ધનને આ હેતુ માટે વાપરી નાખે તેવી કલ્પના પણ ન થાય.

આ પ્રેસ-મુલાકાત બાદ તરત જ હું મારા એવરેસ્ટ પ્રકલ્પ માટે રવાના થવાની હતી, એથી ભગવાન જાણે, હવે હું તેઓને ક્યારે મળી શકત. કદાચ બચેન્દ્રી પાલ મારી આવી ભાવનાઓને સમજતાં હતાં અને તેથી તેઓ હંમેશાં મને વધુ મદદરૂપ બનતાં હતાં, મને પ્રોત્સાહિત કરતાં અને આનંદ કરાવતાં. તેમણે ખાસ મારે માટે જ મહેનત કરીને મને પહાડોના સ્વભાવ અને મિજાજો વિશે માહિતગાર કરી હતી અને તે માટે તાલીમ પણ આપી હતી, અને તેમણે મને વધુ પડતો આત્મવિશ્વાસ ન રાખવાની ચેતવણી પણ આપી હતી.

‘એક નાની સરખી ભૂલ પણ જીવલેણ બની શકે છે. ત્યાં, ઉપર કોઈને બીજી તક અપાતી નથી,’ તેમણે મને તાકીદ કરતાં કહ્યું હતું.

મારા પરિવારના પ્રતિનિધિ તરીકે મારો ભાઈ રાહુલ લખનૌથી આવ્યો અને મારે માટે તેણે જાતે બનાવેલ ગુજીયા, બિસ્કિટ અને લાડુ સાથે લાવ્યો હતો. મારી મા અને બહેન આવી નહોતાં શક્યાં એથી એને લાગ્યું કે ઘરે બનાવેલી ચીજો મને ખુશી આપશે. એક છોકરી માટે આવી બાબતો ખૂબ મહત્ત્વ રાખે છે અને આવા તેના ભાવુક પગલાથી તેણે મારું હૃદય જીતી લીધું.

આમ તો મારા ખાનપાનમાં મારે કડક શિસ્ત જાળવવાની હતી, છતાં ભાઈએ પોતે બનાવ્યું હતું તેથી તેનો આસ્વાદ કરવાના વિચારે લલચાઈને તેમાંથી થોડી ચીજો ચાખી અને તે ખરેખર સ્વાદિષ્ટ હતી !

એનાથી મને વિચાર આવ્યો કે શા માટે રસોડાને સ્ત્રી સાથે જ સાંકળવામાં આવે છે? પુરુષો પણ તેમની જેમ જ સરસ રાંધી શકે છે. કેટલાય પ્રખ્યાત ‘શૅફ’ વિશે આપણે જાણીએ છીએ. અને એટલે જ હવે સમય આવી ગયો છે કે રસોઈની બાબતમાં સ્ત્રી-પુરુષનો સર્વસાધારણ રીતે થતો ભેદભાવ સમાપ્ત કરવો જોઈએ. એવા કેટલાય પુરુષો છે જેઓ પોતાની પત્ની અને પરિવાર માટે રસોઈ કરવા ઉત્સુક હોય છે, છતાં એ જૂના મતને લીધે અચકાય છે કે સ્ત્રીઓ તો ઘરમાં રાંધે અને પુરુષો માત્ર ઘરબહાર કમાય. આવા ભેદભાવ કરતા આપણા રૂઢિગત વિચાર આપણે નહીં બદલીએ ત્યાં સુધી સ્ત્રીસશક્તિકરણની વાતો એક દંભ જ બની રહેશે.

મારાં મા અને બહેન હાજર ન રહી શક્યાં એ ખરું, પણ સારા નસીબે એ દિવસે મારા બીજા મિત્રો હાજર હતા ખરા. બાબા જગદેવ પ્રસાદ (લખનૌના બન્થારા-વિસ્તારના આ રહીશ મારા દાદા જેવા હતા), રાજ કિશોર (જેઓ મને બહેન માનતા અને એક સૌમ્ય બેન્કર હતા) – એ બન્નેએ મને વ્યાજ વિનાની લોન આપી હતી જેથી મારા એક વધારાના કૃત્રિમ પગનો થોડો ખર્ચ મળી શક્યો હતો; અને અલબત્ત, મારા હંમેશના વિશ્વસનીય એવા બનેવી – સાહેબ પણ હાજર હતા. મારી બહેન કેટલી બધી ઉદાર બની હતી ! ચૌદ-ચૌદ મહિનાઓ જેટલી લાંબી તાલીમ માટે તેણે પતિની ગેરહાજરી સ્વીકારી હતી. સાહેબ વિના હું અહીં સુધી આવી જ ન હોત. આ ત્રણેય અદ્‌ભુત વ્યક્તિઓ અને મારો ભાઈ રાહુલ કાઠમંડુ સુધી મારી સાથે આવવાના હતા, જ્યાંથી હું મારું ચઢાણ શરૂ કરવાની હતી.

એ અજાણ્યા લોકોના સાગરમાં એમના પરિચિત ચહેરાઓ જોઈને મને એ બધા લોકો પણ યાદ આવી ગયા, જેમણે મને અહીં સુધી પહોંચાડવામાં ખૂબ સહાય કરેલી. વડોદરાના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી ત્યાં હતા, જેમણે મને સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ તથા મા શારદાદેવીની તસવીર આપી હતી અને શ્રદ્ધા રાખવા કહ્યું હતું.

મારી એવરેસ્ટ ચડવાની યોજના જાણ્યા પછી તેમણે મને કહ્યું હતું, ‘જો તમે તેમનામાં અને પોતાનામાં શ્રદ્ધા રાખશો તો આ લોકો તરફથી તમને સતત ઊર્જા મળતી રહેશે.’ તેમણે આ પ્રેસ કોન્ફરન્સના થોડા દિવસ અગાઉ મને બોલાવીને પૂછ્યું હતું કે શું તેઓ કશી મદદ કરી શકે? ‘તમને કશાની જરૂર હોય તો ચોક્કસ મને જણાવો,’ તેમણે મને કહ્યું. એ વખતે મેં મને સહુથી કોરી ખાતી એક ચિંતાની વાત કરી દીધી.

રાજ કિશોર અને બીજાઓ પાસેથી વ્યાજ રહિત લોન લીધી હોવા છતાં મને હજી ૭૦,૦૦૦ રૂપિયાની જરૂર હતી, જેનાથી હું એક વધારાનો કૃત્રિમ પગ ખરીદી શકું. સ્વામીજીએ એ માટે મદદ કરવાની તૈયારી બતાવી અને ઝડપથી એ માટે દાનનું ભંડોળ પણ ઊભું કરી આપ્યું. આ કામ માટે તેઓ એટલા ઝડપી રહ્યા કે હું પ્રેસ કોન્ફરન્સમાં આવી ત્યારે મારી પાસે એ વધારાનો પગ આવી ગયો હતો.

બીજા પણ મદદગારો હતા. તેમાં અમેરિકામાં રહેતા હતા તે ડૉ. રાકેશ અને દિલ્હીમાં હતા તે ડૉ. શૈલેશ શ્રીવાસ્તવ – એ બે ભાઈઓ પણ હતા. નાનપણમાં જ ડૉ. રાકેશ ચાલુ ટ્રેને આવેલા ફેરિયાને લીધે બહાર ફેંકાઈ ગયેલા. મારી જેમ તેમના પગ ઉપરથી ટ્રેન ચાલી ગયેલી અને તે કપાયો હતો. છતાં આ ઘટનાથી તેઓ હિંમત ન હાર્યા. અભ્યાસમાં તેમણે ખૂબ મહેનત કરી અને ભાગ્યનું કરવું કે તે તેઓ એક ડાૅક્ટર બન્યા અને તેમણે કૃત્રિમ અંગોની રચનામાં ખાસ કુશળતા મેળવી.

તેમને કેલિફોર્નિયામાં સરસ નોકરી મળી. પોતાના દિલ્હીમાં રહેતા ડાૅક્ટર ભાઈની મદદથી તેમણે સસ્તો છતાં વધુ હલકો કૃત્રિમ પગ વિકસાવ્યો, જેને માટે તેમણે ‘ઇનોવેટિવ’ નામે ભારતમાં એક કંપની બનાવી અને તેને જરૂરિયાતમંદોને સાથે મળીને આપવા લાગ્યા. ઇન્ટરનેટ ઉપર મારા કેસની વિગત વાંચીને ડૉ. રાકેશે તરત મારો સંપર્ક કર્યો. મારે માટે ‘પગ’ બનાવવાનો પ્રસ્તાવ લઈને મને ‘એમ્સ’ હાૅસ્પિટલમાં મળવાની સૂચના ડૉ. શૈલેશને આપી. એ સમયે ઘણી અન્ય મોટી કંપનીઓ પણ મને કૃત્રિમ પગનું દાન કરવા તૈયાર હતી. ‘એમ્સ’ના ડાૅક્ટરો અને મારા પરિવારે પણ આ બન્ને અદ્‌ભુત ભાઈઓના ઉત્પાદનમાં વધુ વિશ્વાસ મૂક્યો. મારા પરિચિત ચહેરાઓને આસપાસ જોઈને અને તેમની સહાનુભૂતિને યાદ કરીને મને તે સહુ પ્રત્યે આભારની લાગણી થઈ આવી અને હું ભાવુક બની. આખો પ્રસંગ જાણે એક ભાવનાઓનો સમુદ્ર બન્યો. મને યાદ જ નથી કે મને મીડિયા દ્વારા કેવા કેવા પ્રશ્નો થયા હતા. તેમાં ઘણું હતું : પહાડ વિશે, તેના પડકારો વિશે, મારી ક્ષતિ વિશે અને એવું બધું બહુ હતું. કેટલાક લોકોએ એવું પણ પૂછ્યું કે શું આ એક જાહેરાત કરવાની કવાયત હતી? તેમને આવી ટીકા કરવાનો, અલબત્ત, અધિકાર હતો. કોઈ માની નહોતું શકતું કે સફળતાની કોઈ તક મને મળી શકે. મને એટલું જ યાદ છે કે મેં સવાલોના જવાબો શિષ્ટતાથી આપેલા. મારે કેમેરા સમક્ષ આત્મવિશ્વાસ સાથે ઊભા રહેવાનું હતું ને? એક છોકરી જે એવરેસ્ટ ચડવાનો મનસૂબો કરે તે હિંમતવાન તો હોય ને? હું પણ માનું છું કે જો તમારે રડવું હોય તો એકાંતમાં રડવું જોઈએ. જગત તો સફળતાને જોવા ઇચ્છે છે; નિષ્ફળની કે રોતલની તે સદા મજાક ઉડાવે છે.

એક પત્રકારે મને પૂછ્યું કે મને કેવી લાગણી થઈ રહી છે, ત્યારે મેં એક સ્મિત સાથે તેમને કહ્યું કે મને બહુ જ સારું લાગે છે અને જેણે એક દૃઢ સંકલ્પ કર્યો હોય તે હંમેશાં ગમે તેવી કસોટીમાંથી પાર ઊતરે છે. પરંતુ એટલો આખો વખત મારા પેટમાં જાણે પતંગિયાં ફડફડી રહ્યાં હતાં. મને થોડી ઉત્તેજના, ગભરાટ અને ચિંતા પણ થતાં હતાં. આવાં મોટાં મોટાં વિધાનો તો કરી રહી હતી, પરંતુ જે ‘પહાડી પગલું’ ભરવા હું શક્તિમાન છું એમ હું માનતી હતી તે જ મારા આ ટીકાકારોને સહુથી વધુ વિશ્વસનીય અને વાસ્તવિક ઉત્તર આપશે.

આ મુલાકાત પૂરી થયે મારે એ હિમાચ્છાદિત શિખરોમાં જરૂરી હોય તે કપડાં અને સાધનો જેવો કેટલોક સામાન ખરીદવાનો હતો.

મારી પાસે શિવજીનું ત્રિશૂળ હતું. મેં ‘એમ્સ’માંથી રજા મેળવ્યા પછી ખરીદેલું. દિલ્હીમાંથી મેં તેની ઉપર વીંટાળવાનું એક લાલ વસ્ત્ર લીધું. પાર્થિવ ચીજોથી લઈને આધ્યાત્મિક જરૂરિયાતો માટેની બીજી વસ્તુઓ ખરીદીને હવે હું મારા પહાડી પ્રકલ્પ માટે તૈયાર થઈ ગઈ હતી.

(ક્રમશ 🙂

Total Views: 374

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.