ગતાંકથી આગળ…

ભારતમાં ગુરુ પરંપરા :

અનાદિકાળથી ભારતમાં તથા અન્યત્ર પણ આધ્યાત્મિક ગુરુને સર્વોચ્ચ આદર પ્રદાન કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્ર તો ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર; એટલું જ નહીં, પરબ્રહ્મ પરમેશ્વર સુધીની સંજ્ઞા આપે છે.

गुरुर्ब्रह्मा गुरुविर्ष्णुर्गुरुर्देवो महेश्वरः ।
गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ।।
(स्कंद पुराण, गुरुगीता, 1.46)

મોટાભાગના લોકો એ ભૂલી જાય છે કે આ વાત ભૌતિક દૃષ્ટિએ નહીં પણ આધ્યાત્મિક દૃષ્ટિએ કહેવાઈ છે.

અધિકાંશ સાધકો સાથે કઠણાઈની વાત તો એ છે કે તેઓ પોતાની જાતને દેહ તથા વ્યક્તિત્વ (Personality) સમજે છે અને કોઈ દેવતા કે દેવીની ઉપાસનામાં રત રહે છે તેમજ એમની પ્રતિમામાં અટકી જાય છે અને એમને જો કોઈ ગુરુ હોય તો તેઓ તેમનાં રૂપ અને વ્યક્તિત્વમાં આસક્ત બની જાય છે. પછી ભલે આપણે એને આધ્યાત્મિકતાનું નામ દઈએ, પણ એ ભૌતિકવાદ સિવાય બીજું કંઈ નથી. શરૂ શરૂમાં તો આ આધ્યાત્મિક ભૌતિકવાદ ભલે ગમે તેટલો ઉપયોગી હોય પણ આપણે એનું અતિક્રમણ કરવું જ પડશે, તેનાથી ઉપર ઊઠવું જ પડશે. પરંતુ પ્રશ્ન એ છે કે આ કેવી રીતે કરાય. આધ્યાત્મિક પથ પર આગળ ધપવા સાધકે પોતે એક આત્મા છે અને તેના આરાધ્ય ઇષ્ટ દેવતા સ્વયં પરમાત્મા જ છે એવો અનુભવ કરવો પડશે. તે સ્વયં આત્મા જાણે કે સર્વવ્યાપી પરમાત્માનો અંશ છે તથા ગુરુ પણ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પરમાત્માની દિવ્ય અભિવ્યક્તિ જ છે. એમના માધ્યમથી પરમેશ્વરનાં કૃપા તથા જ્ઞાન, પ્રેમ અને આનંદ પ્રવાહિત થાય છે. ભક્ત, ગુરુ તથા ઇષ્ટ, ત્રણેય વાસ્તવમાં એક જ અતીન્દ્રિય પરમાત્માની અભિવ્યક્તિઓ છે. સત્યનો સાક્ષાત્કાર કરવો એ જ આપણું પ્રસ્તુત કાર્ય છે.

ધ્યાન કરતાં પહેલાં આવું ચિંતન કરો કે દેહ એક મંદિર છે. હવે હૃદયરૂપી દ્વારથી જાણે કે આ મંદિરમાં પ્રવેશ કરીએ અને વિચારીએ કે હૃદય જીવાત્માની જ્યોતિ તેમજ ચૈતન્યથી પરિપૂર્ણ છે. આ જીવાત્મા પરમાત્માનો અંશ છે અને તે અનંત જ્યોતિસ્વરૂપ, અનંત ચૈતન્યસ્વરૂપ છે. આપણે પોતાનાં શરીર, મન તથા સંપૂર્ણ જગતને આ અનંત સત્તામાં વિલીન કરી દઈએ તથા એવી કલ્પના કરીએ કે આપણે ચૈતન્ય જ્યોતિના નાના એવા વૃત્ત-ગોળા સમાન છીએ. તે અનંત ચૈતન્ય જ્યોતિ દ્વારા ભીતર અને બહાર બધી બાજુએથી ઓતપ્રોત છે. આ પ્રકારનું ધ્યાન સામાન્ય લોકો માટે સંભવ નથી. અત : આપણે એ વિચારીએ કે આપણો આત્મા એક શુદ્ધ, સૂક્ષ્મ શરીર તેમજ સ્થૂળ શરીર ધારણ કરે છે અને પરમાત્મા એક બાજુએથી ગુરુ તથા બીજી બાજુએથી ઇષ્ટનું રૂપ ધારણ કરે છે. ગુરુને પ્રણામ કરીને એમના રૂપને ઇષ્ટદેવતામાં વિલીન કરી દો. હવે ઇષ્ટમંત્રનો જપ કરીને ઇષ્ટદેવતાનું ધ્યાન કરો.

પહેલું પગલું છે રૂપધ્યાન – ઇષ્ટદેવતાના સંપૂર્ણ જ્યોતિર્મય, આનંદમય રૂપનું ધ્યાન. ત્યાર પછી આવે છે ગુણધ્યાન અર્થાત્ ઇષ્ટદેવતાનાં અનંત પવિત્રતા, જ્ઞાન, ભક્તિ, પ્રેમ અને આનંદ વગેરે સદ્ગુણોનું ધ્યાન કરવું. ત્રીજું અને અંતિમ ચરણ છે સ્વરૂપધ્યાન અર્થાત્ સર્વવ્યાપી ચૈતન્યસત્તાનું ધ્યાન. ઇષ્ટદેવતા, ગુરુ અને સાધક એ ત્રણેય આ સત્તાની ભિન્ન ભિન્ન અભિવ્યક્તિઓ છે. અનંત ચૈતન્યની આ પૃષ્ઠભૂમિને ધ્યાન પહેલાંના સ્તરો પર પણ ભૂલવી ન જોઈએ.

સાધકે સદા આ વાત યાદ રાખવી જોઈએ કે કોઈ માનવદેહને મૂર્તિનું રૂપ આપવું કે કોઈ માનવવ્યક્તિત્વની અંધ ઉપાસના કરવી એ આધ્યાત્મિક પ્રગતિમાં એક મોટી અડચણ છે. તે ગુરુ તથા શિષ્ય બન્ને માટે હાનિકારક છે. સાચા ગુરુ એક મુક્ત જીવાત્મા છે અને તે સદૈવ એવું ઇચ્છે છે કે તેમના શિષ્યો પોતાના પગ પર ઊભા થાય અને તેઓ પણ પોતાના દિવ્ય સ્વરૂપની અનુભૂતિ કરે તેમજ પોતાની વ્યક્તિગત સમસ્યાઓ પોતે જ એક વ્યાપક દૃષ્ટિકોણથી ઉકેલે. શિષ્યનું ગુરુના વ્યક્તિત્વ સાથે વળગી રહેવું તેમજ ડગલે ને પગલે સહાયતા માટે એમની તરફ જોતાં રહેવું ગુરુ માટે એક બોજ બની જાય છે. જો શિષ્ય ગુરુ પર નિર્ભર રહેશે, તો ગુરુ જે આધ્યાત્મિક શક્તિ તથા સ્વાતંત્ર્યનું પોતે આસ્વાદન કરે છે, તે પોતાના શિષ્યને પ્રાપ્ત કરાવી નહીં શકે. ગુરુ પોતાનું આંધળું અનુકરણ કરનારા અનેકાનેક શિષ્યો કરતાં એક મુક્ત જીવાત્માને પોતાના શિષ્યરૂપે મેળવવાનું વધારે પસંદ કરશે. આ જ કારણ છે કે પ્રબુદ્ધ ધર્મગુરુ ભારતમાં પ્રચલિત અંધ ગુરુસેવાને પ્રોત્સાહિત કરતા નથી. મોટા ભાગના શિષ્યો એ ભૂલી જાય છે કે આદર્શનું અનુસંધાન તથા ઉચ્ચ આધ્યાત્મિક જીવન જીવવું એ ગુરુની વ્યક્તિગત સેવાચાકરીથી કેટલુંયે મહત્ત્વપૂર્ણ છે.

આપણે બાહ્યગુરુ કરતાં અંતર્યામી ગુરુ પર વધારે ને વધારે નિર્ભર રહેવાનો અભ્યાસ કરવો જોઈએ. ભલે ગુરુ ઇહલોકમાં હોય કે દેહત્યાગ કરીને પરલોકમાં બિરાજતા હોય, પણ આપણે આધ્યાત્મિક ચેતનાના ઉચ્ચતર સ્તર પર પોતાના મનને સદૈવ સ્થિર રાખવામાં સમર્થ બનવું જોઈએ. દેહત્યાગને શ્રીરામકૃષ્ણ આત્માનું એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવું એમ કહેતા. અર્થાત્ સ્થૂળ શરીરનો ત્યાગ કરીને સૂક્ષ્મ શરીરમાં વિચરણ કરવું, ચેતનાના સૂક્ષ્મતર સ્તરે ચાલ્યા જવું.

અખંડ સચ્ચિદાનંદઘનસ્વરૂપ નિર્ગુણ નિરાકાર બ્રહ્મના ચિંતન દ્વારા જ આપણે ગુરુ પરંપરાના ચીલામાં પડવાથી બચી શકીએ છીએ. નિર્ગુણ નિરાકારના ધ્યાન પછી પુન : વ્યક્તિત્વના સ્તરે ઊતરતી વખતે આપણે બાહ્ય રૂપ કરતાં આત્માને વધારે મહત્ત્વ આપવું જોઈએ.

આપણે પોતાની જાતને ભ્રમિત થવાથી બચાવવા અનંત આત્માનું ધ્યાન કરીએ તથા બધાં રૂપોને તેમાં વિલીન કરી દઈએ તેમજ અભ્યાસ દ્વારા પરમાત્મામાં પ્રસ્થાપિત થઈ જઈએ. આવું કરવું એ શિષ્યને જ નહીં, પરંતુ ગુરુને પણ પૂર્ણ શાંતિ અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરાવવામાં સહાયક બને છે.

(ક્રમશ 🙂

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.