શ્રીરામકૃષ્ણે જોયું કે શ્રીજગદંબાએ એમના અંતરની વ્યાકુળતા જોઈને એમને સૌથી પહેલાં તો દર્શન દઈને કૃતાર્થ કર્યા. અને ત્યાર પછી અદ્‌ભુત ગુણસંપન્ન અનેક વ્યક્તિઓની સાથે એમનો પરિચય કરાવી દઈને, વિવિધ શાસ્ત્રીય માર્ગાેએ ચલાવીને, એ દર્શનનો તાળો મેળવી લેવાનો જોગ કરી દીધો. એટલે એમની પાસે પોતે હવે બીજું શું વધારે માગે ! જોયું કે ચોસઠે ચોસઠ તંત્રોની તમામ સાધનાઓ એક એક કરીને સધાઈ ચૂકી છે, વૈષ્ણવતંત્રોએ કહેલા પંચભાવોને આધારે જે કાંઈ સાધનામાર્ગાે ભારતમાં પ્રચલિત છે તે બધાયનું વિધિપુર :સર અનુષ્ઠાન થઈ ચૂકેલું છે, સનાતન વૈદિક માર્ગનું અનુસરણ કરીને સંન્યાસ ગ્રહણ કરીને શ્રીજગદંબાના નિર્ગુણ નિરાકાર રૂપનું દર્શન થયેલું છે અને શ્રીજગન્માતાની અચિંત્ય લીલા વડે ભારતની બહાર ઊપજેલા ઇસ્લામ મતની સાધનામાં પ્રવૃત્ત થઈને તેનું પણ યથાર્થ ફળ હાથમાં પામ્યા છે. એટલે એમની પાસે પોતે હવે બીજું શું જોવા કે સાંભળવા માગે !

પણ આ સમય પછી એક વરસ વીત્યું અને ઠાકુરનું મન ફરી એક વાર વળી બીજા એક સાધનામાર્ગે શ્રીજગદંબાનાં દર્શન મેળવવા માટે ઉત્સુક બની ઊઠ્યું. ત્યારે એમની શ્રીશંભુચરણ મલ્લિક સાથે ઓળખાણ થયેલી અને એમની પાસેથી બાઇબલ સાંભળીને શ્રીઈશુના પવિત્ર જીવનની અને એમણે પ્રવર્તાવેલા સંપ્રદાયની વાત એમને જાણવા મળેલી. આ વખતની વાસના મનમાં સહેજસાજ જાગી ન જાગી ત્યાં તો શ્રીજગદંબાએ એને અદ્‌ભુત ઉપાયે પૂર્ણ કરીને એમને કૃતાર્થ કરી મૂકેલા, તેથી એને માટે થઈને એમને ખાસ કોઈપણ પ્રકારના પ્રયાસ કરવા પડેલા નહિ. વાત આ પ્રમાણે બનેલી : દક્ષિણેશ્વરની કાલીવાડીની દક્ષિણ તરફે યદુલાલ મલ્લિકનું બગીચાવાળું મકાન. શ્રીરામકૃષ્ણ એ ઠેકાણે વચ્ચે વચ્ચે ફરવા જતા. યદુલાલ અને તેમનાં માતુશ્રીએ ઠાકુરનાં દર્શન કર્યાં ત્યારથી એમના પ્રત્યે ઘણી શ્રદ્ધાભક્તિ દાખવતાં. તેથી બગીચે એ લોકો પોતે હાજર ના હોય અને શ્રીરામકૃષ્ણ ત્યાં ફરવા જાય તો પણ નોકરચાકરો બાબુઓનું દીવાનખાનું ઉઘાડી દઈને એમને થોડી વાર બેસવાને માટે અને આરામ કરવાને માટે કહેતા. એ બેઠકખંડની દીવાલે ઘણાં બધાં ઉત્તમ ચિત્રો ટિંગાડેલાં હતાં. એમાં માતાની ગોદમાં રહેલા શ્રીઈશુની બાલગોપાલમૂર્તિનું એક ચિત્ર પણ હતું. શ્રીરામકૃષ્ણ કહેતા કે, એક દિવસ એ ખંડમાં બેઠાં બેઠાં તેઓ એ છબીને તન્મય થઈને નિહાળી રહ્યા હતા અને ઈશુની અદ્‌ભુત જીવનકથા વિશે વિચાર કરી રહ્યા હતા, એટલામાં જોયું કે એ છબી જાણે કે જીવંત, જયોતિર્મય બની ઊઠી છે અને એ અદ્‌ભુત દેવજનની તથા દેવશિશુનાં અંગોમાંથી નીકળતાં જયોતિનાં કિરણો પોતાના અંતરમાં પ્રવેશ કરીને તેમના માનસિક ભાવોમાં સમૂળગું પરિવર્તન કરી મૂકે છે ! જન્મગત હિન્દુ સંસ્કારોનો સમૂહ અંતરના કોક છાને ખૂણે વિલીન થઈ જઈને જુદા જ પ્રકારના સંસ્કારો એમાં ઉદિત થઈ રહેલા છે. એમ જોઈને શ્રીરામકૃષ્ણ ત્યારે અનેક રીતે પોતાની જાતને સંભાળી લેવાના પ્રયત્ન કરવા લાગ્યા. શ્રીજગન્માતાને દુ :ખી થઈને કહેવા લાગ્યા, ‘મા, આ તું મને શું કરી રહી છે ?’ પણ કશાથી કાંઈ વળ્યું નહીં. એ નવીન સંસ્કારોના તરંગોએ પ્રબળ વેગે ઊછળી ઊછળીને એમના મનમાં હિન્દુ સંસ્કારોને તદૃન ધરબી જ દીધા. ત્યાર પછી સૌ દેવદેવીઓ પ્રત્યેનો શ્રીરામકૃષ્ણનો અનુરાગ-પ્રેમ કયાંય અલોપ થઈ ગયો. અને ઈશુ ભગવાન તથા એમણે પ્રવર્તાવેલા સંપ્રદાય પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસે આવીને તેમના હૃદયનો કબજો કર્યો, અને ખ્રિસ્તી પાદરીઓ પ્રાર્થના મંદિરમાં ઈશુ પ્રભુની મૂર્તિની સંમુખે ધૂપદીપ જલાવે છે, અંતરની વ્યાકુળતા આરજુભરી પ્રાર્થના વડે નિવેદન કરી રહ્યા છે, એવું બધું ઠાકુરને દેખાવા લાગ્યું.

દક્ષિણેશ્વરના મંદિરે પાછા ફરીને પણ શ્રીરામકૃષ્ણ સતત એ બધા વિષયના ધ્યાનમાં ડૂબ્યા રહ્યા. અને શ્રીજગદંબાને મંદિરે જઈને એમનાં દર્શન કરવાની વાત પણ સાવ જ વિસરી ગયા.

ત્રણ દિવસ સુધી એ ભાવતરંગ એમના ઉપર એવી રીતે અમલ બજાવતો રહ્યો પછી ત્રીજા દિવસના અંતે શ્રીરામકૃષ્ણે પંચવટી તળે આંટા મારતાં મારતાં જોયું કે, એ પહેલાં કદી નહીં જોયા એવા દેવ માનવ સુંદર ગૌરવર્ણા સ્થિર દૃષ્ટિથી એમને જોતાં જોતાં પોતાના તરફ આવી રહેલા છે. એમને જોતાંની સાથે જ શ્રીરામકૃષ્ણ સમજયા કે એ વિદેશી છે અને પરજાતિના છે. જોયું કે એમનાં વિશાળ બે નયનો એમના મુખને અપૂર્વ શોભાવી રહેલાં છે. અને નાક ‘જરાક ચપટું’ હોવા છતાં એનાથી એ સૌંદર્યમાં સહેજેય ઊણપ નથી આવી. એ જ સૌમ્ય મુખમંડળનો અપૂર્વ દેવભાવ નિહાળીને શ્રીરામકૃષ્ણ મુગ્ધ બન્યા. અને વિસ્મિત હૃદયે વિચારવા લાગ્યા કે, કોણ છે આ ? જોતજોતાંમાં તો એ મૂર્તિ પાસે આવી પહોંચી અને ઠાકુરના પવિત્ર હૃદયના અન્ત :તલમાંથી ઘ્વનિ ઊઠવા માંડ્યો. ‘ઈશા મસીહ, દુ :ખ યાતનામાંથી જીવોના ઉદ્ધારને માટે જેમણે હૃદયના શોણિતનું દાન કર્યું અને માનવને હાથેથી અગણિત યાતનાઓ સહી એ જ ઈશ્વરથી અભિન્ન પરમ યોગી અને પ્રેમી મસીહા ઈશુ ખ્રિસ્ત !’ અને તે જ વખતે દેવમાનવ ઈશુ શ્રીરામકૃષ્ણને આલિંગન કરીને એમના શરીરમાં ભળી ગયા અને બાહ્ય ભાન ગુમાવી દઈને ઠાકુરનું મન સગુણ વિરાટ બ્રહ્મની સંગાથે કેટલીક પળો પર્યંત એકાકાર થઈ રહ્યું. આ પ્રમાણે શ્રી ઈશુ પ્રભુનું દર્શન કરીને શ્રીરામકૃષ્ણ એમના અવતારીપણા વિશે નિ :સંદેહ બન્યા હતા.

આ ઘટનાના લાંબા કાળ પછી અમે જયારે શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા જવા લાગેલા ત્યારે તેમણે એક દિવસ શ્રીઈશુનો પ્રસંગ કાઢીને અમને પૂછેલું, ‘હાં રે, તમે લોકોએ બાઇબલ વાંચ્યું છે, કહો જો, એમાં ઈશુના શારીરિક ગઠન વિશે શું લખ્યું છે ? તેઓ દેખાવે કેવા હતા ?’ અમે કહ્યું કે, ‘મહાશય, એ વાત તો બાઇબલમાં કોઈ ઠેકાણે ઉલ્લેખાયેલી જોઈ નથી, પણ તો પણ ઈશુ યહૂદી જાતિમાં જન્મ્યા હતા. એટલે તેઓ સુંદર, રંગે ગોરા હતા અને એમને વિશાળ ચક્ષુ અને અણીયાળું નાક તો નક્કી જ હશે !’ સાંભળીને શ્રીરામકૃષ્ણ બોલ્યા, ‘પણ મેં તો જોયું કે એમનું નાક જરાક ચીબું ! એવું કેમ જોયું કોણ જાણે !’ ઠાકુરને ત્યારે એ વાતનો કશો જવાબ અમે નહિ આપેલો પણ મનમાં તો વિચાર આવેલો કે એમને ભાવાવેશમાં દેખાયેલી મૂર્તિ ઈશુની ખરેખરી આકૃતિ સંગાથે કેવી રીતે મળતી આવે ? યહૂદી જાતિના સહુ પુરુષોની માફક એમનું નાક પણ નક્કી અણિયાળું જ હતું. પરંતુ શ્રીરામકૃષ્ણના દેહાવસાન પછી થોડે સમયે જાણવા મળેલું કે, ઈશુના શારીરિક ગઠન સંબંધે ત્રણ પ્રકારનાં વર્ણન લખાયેલાં છે અને એમાંથી એકમાં એમનું નાક ચીબું હતું એવો ઉલ્લેખ છે.

Total Views: 300

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.