ગતાંકથી આગળ…
‘લાૅ ભણવું સારું છે પરંતુ practice, વકીલાત ન કરવી જોઈએ. પૈસા માટે સત્યને મિથ્યા કરવું ઉચિત નથી. તમને જેમાં રુચિ હોય એ જ કરો. પ્રકૃતિમાં જે હોય તે કરવું જ પડે છે. અર્જુનને શ્રીકૃષ્ણે આ વાત કરી હતી, ‘ક્ષત્રિયકર્મ તારાથી થશે જ, હું કહું કે ન કહું – ‘प्रकृतिस्त्वां नियोक्षति’- એટલે એનો રસ્તો અને કૌશલ જણાવું છું – નિષ્કામ થઈને કરવું હોય તો કર, નામયશ માટે નહીં, રાજ્યપ્રાપ્તિની આશાથી નહીં, માત્ર ભગવાન પ્રાપ્તિ માટે. કરાવે છે એટલે કરું છું – એમ કહેવું. જ્યાં નથી કરી શકતા અને જ્યાં કરી શકે છે, ત્યાં પોતાનો અહંકાર પ્રકટ કરવો, એનાથી ચાલશે નહીં. કરી શકવું અને ન કરી શકવું બંને એ જ કરાવે છે. એના પર ભાર દેવાથી એ જ બધું જુએ છે.
ઠાકુર એક બહુ સુંદર વાર્તા સંભળાવતા હતા. એક જણ હરિનામમાં વિભોર થઈને જઈ રહ્યો હતો – કશું ભાન હતું નહીં. એ ધોબીએ પાથરેલાં કપડાં પર ચાલવા લાગ્યો. ધોબી લાઠી લઈને એને મારવા આવ્યો. વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ સિંહાસન પર બેઠા હતા. અચાનક નારાયણ ઊઠીને ક્યાંક ચાલ્યા ગયા. તરત જ પાછા આવી ગયા. લક્ષ્મી પૂછવા લાગ્યાં, ‘હમણાં ગયા, હમણાં જ કેમ આવી ગયા ?’ નારાયણે કહ્યું, ‘મારો ભક્ત હરિનામમાં વિભોર થઈને ચાલ્યો જતો હતો. ધોબીનાં કપડાં પર પગ રાખીને ચાલવા લાગ્યો, એને બાહ્યજ્ઞાન નહોતું. ધોબી મારા એ ભક્તને મારવા દોડ્યો, ત્યારે એની રક્ષા કરવા માટે હું ગયો હતો. પરંતુ જ્યારે જોયુંં કે એને ભાન આવ્યું છે અને આત્મરક્ષા માટે હાથમાં પથ્થર ઉઠાવી લીધો છે તો પાછો આવ્યો.’ સંપૂર્ણ ભાર એમના પર નાખી દેવાથી તેઓ સદાય રક્ષા કરે છે. રામ બોલવું અને ધોતિયું પણ બચાવવું ઠીક નથી. (એક વ્યક્તિ નદી પાર કરી રહ્યો હતો. ધોતિયું પણ ઉઠાવવા લાગ્યો અને ‘રામ પાર કરી દો’ એવી પ્રાર્થના પણ કરવા લાગ્યો. કિનારા પરથી એક વ્યક્તિએ કહ્યું, ‘ઓ ભાઈ, તમારા તો મુખમાં જ ‘રામ રામ’ છે, અંતરમાં તો કપડાં બચાવવાની ચેષ્ટા છે. એનાથી નહીં ચાલે. કાં તો અંતરથી ‘રામ રામ’ કહો તો રામ બચાવશે અને નહીંતર બહારથી પૂર્ણ રીતે પ્રયત્ન કરો.) જ્યાં સુધી એમના પર ભાર છે ત્યાં સુધી જ તેઓ જુએ છે.
ઠાકુર એક બીજી વાર્તા કહેતા હતા – એક દીવાલ પર એક નોળિયો બેઠો છે, બહુ સુખેથી, કોઈ તકલીફ નથી. જ્યાં તેની પૂંછડીમાં એક ઈંટ બાંધી દીધી, ત્યાં જ તકલીફ શરૂ થઈ ગઈ. મનુષ્ય પણ બહુ આરામથી રહે છે, પરંતુ કર્મોનો બોજો પડતાં દુ :ખ શરૂ થઈ જાય છે.
ઈશ્વરે જ આ સંસારમાં વકીલ, પોલીસ, જજ, અદાલત બધું બનાવ્યું છે. લાૅ પણ in relation to God- ભગવદ્ ઉદ્દેશ્યથી ભણવાથી એમની લીલાનો બોધ થાય છે. જુઓ, કેટલા મોટા ઋષિ એને લઈને રહેતા હતા. મનુ, યાજ્ઞવલ્ક્ય, પરાશર, વ્યાસ, બૃહસ્પતિ વગેરે કેટલાય ઋષિ.
ઠાકુરનું એક મહાવાક્ય છે. પોતાના પ્રાણ તો માત્ર એક નરેણીથી પણ લઈ શકાય છે. પરંતુ બીજાને મારવા માટે ઢાલ તલવાર જોઈએ. માત્ર પોતાના માટે હોય તો લાૅ, સાયન્સ, literature, સાહિત્ય વગેરે જરૂરી નથી. પરંતુ બીજાને મારવા માટે અર્થાત્, જગતની લોકશિક્ષા માટે બધું જરૂરી છે. સ્વામી વિવેકાનંદજીને કેટલું knowledge, જ્ઞાન હતું, એટલે તો તેઓ દિગ્વિજય કરી શક્યા. જેવા જેવા લોકોના સંપર્કમાં આવ્યા એવી જ વાતો એમણે એમને કરી. એમના જ વિચારોથી એમને સમજાવ્યું.
ઈશ્વરનું કાર્ય આપણે કેટલું સમજી શકીએ ! મારો ડાયરી લખવાનો અભ્યાસ ઠાકુરે કેટલાય સમય પહેલાંથી જ કરાવી લીધો હતો. હાયર સ્કૂલમાં હું જ્યારે ત્રીજા ક્લાસમાં હતો – ઈ.સ.૧૮૬૭માં – ત્યારથી જ ડાયરી નિયમિતરૂપે લખતો રહ્યો છું. દિવસમાં ક્યાં ગયો, શું કર્યું, આ બધું જ. પછી ઈ.સ. ૧૮૮૨ ફેબ્રુઆરીના અંતમાં ઠાકુરનાં દર્શન થયાં. ત્યારે એ અભ્યાસ કામ આવ્યો. Retrospective way. અતીતનું જીવન જોવાથી સમજાય છે કે એ જ બધું કરાવી રહ્યા છે. જેની પાસેથી કરાવવાનું છે, એને પહેલાથી જ તૈયાર કરીને રાખે છે અને પછી કરાવે છે. અનેક માણસો તો છે પરંતુ મારા દ્વારા જ ડાયરી લખાવી. એટલે આ પુસ્તક ‘શ્રી શ્રીરામકૃષ્ણ કથામૃત’ પ્રકાશિત થયું. પંદર વર્ષ સુધી apprentice અભ્યાસ શિક્ષાર્થી રહ્યો. એનાથી કેટલો ઉપકાર થયો ! memory sharp, સ્મૃતિશક્તિ તીક્ષ્ણ થઈ, લેખનકૌશલ વધ્યું. છ-સાત કલાક સુધી આખા દિવસની ઘટનાઓ રાત્રે ક્રમશ : મનમાં આવતી. ઠાકુરે એવું કરી દીધું હતું. ગીતોની પણ એક એક કરીને પ્રથમ પંક્તિ મનમાં યાદ રાખવાની ચેષ્ટા કર્યા કરતો.
એટલે જ કહું છું કે એમના કાર્યને આપણે કેટલું જાણી શકીએ ! અને આ બધાં કાર્યોનું એક relative value, સાપેક્ષિક મૂલ્ય છે. પરંતુ ideal, આદર્શ છે Absolute, ઈશ્વર-સાક્ષાત્કાર. આ બધું આયોજન એમના દર્શનલાભ માટે જ છે. નિષ્કામ ભાવે કાર્ય કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થવાથી એમનું દર્શન થાય છે. ત્યાં જ મનુષ્યજીવનના સર્વશ્રેષ્ઠ ઉદ્દેશ્યની સિદ્ધિ અને કર્મોની પરિસમાપ્તિ છે.
શ્રી ‘મ’ ઇચ્છે છે કે આ ભક્ત મઠમાં જઈને સંન્યાસી થઈ જાય, પરંતુ ભક્તની ઇચ્છા શ્રી મની પાસે જ રહેવાની છે. એટલે શ્રી ‘મ’ મઠ-જીવનના ઉચ્ચ આનંદમય ઉદ્દેશ્યઓની વાતોનું સદા એમની આગળ ગુણગાન કરે છે.
શ્રી ‘મ’ – તમારી કોઈ સાધુ friend, મિત્ર સાથે કાંઈ વાતચીત થઈ ?
ભક્ત – જી હા, થઈ હતી, ગંગા પર સ્ટીમરમાં, એમણે કહ્યું, ‘ચાલ્યા આવો, વાર ન લગાડૉ.’ અને કહ્યું, ‘moral obligation, પારિવારિક કર્તવ્યોની વાત વિચારવાથી religious life lead, ધાર્મિક જીવનયાપન કરી શકાતું નથી. ઘરબાર બધાનો સુપ્રબંધ કરીને ધાર્મિક જીવનયાપન એ લગભગ સંભવ જ નથી. આટલું વિચાર્યા ન કરો, ચાલ્યા આવો.’
શ્રી ‘મ’ – બરાબર કહ્યું, બરાબર કહ્યું, moral obligation, પારિવારિક કર્તવ્યોની વાતો આટલી વિચારવાથી થઈ શકતું નથી. એનો તો અંત જ નથી- obligations, કર્તવ્યોનો. એક પછી એક હિસાબ કરીને ત્યાગ થતો નથી. એના માટે દૃઢ નિશ્ચય જોઈએ.
મઠમાં આજકાલ કેટલા સારા સારા લોકો આવ્યા છે! વળી sannyasa life of the present, આજકાલનું સંન્યાસી જીવન ખૂબ જ સુંદર છે.
(ક્રમશ 🙂
Your Content Goes Here