બ્રાહ્મણનો દીકરો જન્મે તો બ્રાહ્મણ જ છે; પણ, આવા કેટલાક બ્રાહ્મણપુત્રો મોટા પંડિતો બને છે, કેટલાક પુરોહિતો બને છે, કેટલાક રસોઇયા બને છે અને હજીયે કેટલાક વેશ્યાઓને બારણે ધૂળમાં આળોટે છે.
ઈશ્વર વાઘમાં પણ છે એ સાચું છે; પણ તેથી આપણે એ પ્રાણીની સામે જઈ ઊભા રહેવાની જરૂર નથી. ઈશ્વર દુષ્ટમાં દુષ્ટ પ્રાણીઓમાં પણ વસે છે એ સાચું છે પણ તેથી, આપણે એમની સાથે ભળવું યોગ્ય નથી.
બધું જળ નારાયણ સ્વરૂપ છે એ સાચું છે પણ દરેક પ્રકારનું પાણી પીવા યોગ્ય નથી. એ જ રીતે, ઈશ્વર સર્વત્ર વસે છે એ સાચું છે તે છતાં, દરેક સ્થાન માણસને જવા જેવું નથી. એક જાતનું પાણી આપણા પગ ધોવા માટે વપરાય, બીજા પ્રકારનું નહાવા માટે અને ત્રીજા પ્રકારનું પીવા માટે વપરાય છતાં, એવા બીજા પ્રકારો છે જે સ્પર્શ કરવા યોગ્ય પણ નથી. એ જ રીતે, કેટલાંક સ્થળોએ રહી શકાય, કેટલાંકની મુલાકાત જ લેવાય અને કેટલાંકને દૂરથી જ દંડવત્ કરાય.
ખૂબ વાતોડિયાથી, નિખાલસ ન હોય તેનાથી, કાનમાં તુલસી ભરાવી પોતાની ભક્તિનું પ્રદર્શન કરનારથી, મોટો ઘૂમટો કાઢતી નારથી અને જેની ઉપર શેવાળ બાઝી ગઈ હોય એવા જળથી સાવધાન રહો.
બદ્ધ જીવો મૃત્યુ સમયે પણ સાંસારિક બાબતોની વાતો કરે છે. તીર્થયાત્રા, ગંગાસ્નાન કે માળા ફેરવવાથી કંઈ લાભ નથી; જો અંતરમાં સંસારનો મોહ હોય તો, મરણની પળે એ જરૂર પ્રગટ થવાનો. તેથી બદ્ધજીવો એ સમયે પણ ફાલતુ વાતો કરે છે. ભલે સામાન્ય રીતે પોપટ ‘રાધાકૃષ્ણ’નું પવિત્ર નામ લેતો હોય પણ જ્યારે એના પર બિલાડી હુમલો કરે ત્યારે, એનો સહજ અવાજ ‘કેં-કેં’ કાઢે છે. – શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી પૃ.૯
Your Content Goes Here