ગતાંકથી આગળ…

સિદ્ધ મહાપુરુષોની કૃપા :

સાધુસંગથી આપણા સુપ્ત શુભ સંસ્કાર જાગે છે અને અશુભ સંસ્કાર શમી જાય છે. શ્રીમદ્ ભાગવતમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છે. (૧૦.૪૮.૩૧ અને ૧.૧૩.૧૦)

न ह्यम्मयानी तीर्थानि न देवा मृच्छिलामयाः ।
ते पुनन्त्युरुकालेन दर्शानादेव साधवः ।।

भवद्विधा भागवतास्तीर्थभूताः स्वयं विभो ।
तीर्थीकुर्वन्ति तीर्थानि स्वान्तःस्थेन गदाभृता ।।

અર્થાત્ ‘સાધુસંત સૌથી મહાન પાવનકર્તા છે. પવિત્ર જળ ઇત્યાદિથી જીવને પવિત્ર થવામાં લાંબો સમય લાગે છે, પરંતુ સાધુસંગ તત્કાલ પવિત્ર બનાવી દે છે અને આ સાધુસંત પોતાના હૃદયસ્થ પરમાત્માને કારણે તીર્થાેને પણ તીર્થ બનાવી દે છે.’

ભાગવતમાં કહેવાયું છે કે વૃંદાવનની ગોપીઓ પહેલાં શ્રીકૃષ્ણના દિવ્ય રૂપથી અજાણ હતી. તેઓ શ્રીકૃષ્ણના શારીરિક રૂપથી આકર્ષાઈને એમની પ્રિયતમ રૂપે કામના કરતી હતી. પરંતુ એ દિવ્ય ગોપાલના સંગીતથી એમનામાં મહાન પરિવર્તન આવ્યું. કામુકતાનો ત્યાગ કરીને તેઓ શ્રીકૃષ્ણને વિશુદ્ધ પ્રેમ કરવા લાગી અને એમની કૃપાથી કાલાંતરે એમને આધ્યાત્મિક સાક્ષાત્કાર પ્રાપ્ત થયો. (ભાગવત ૧૧.૧૨.૧૩)

જો કોઈ સિદ્ધપુરુષનો સંગ પ્રાપ્ત થાય તો માની લો કે તમારા પર પ્રભુની કૃપા છે. આ કૃપા કોઈપણ સમયે મેળવી શકાય છે અને સંભવત : સદાને માટે. તમારામાંથી કોઈને સંભવત : બીજો અવસર જ ન મળે. વિવેકચૂડામણિ (૩.૧ પાદટીપ-૪)માં કહ્યું છે કે મનુષ્યજન્મ, મુમુક્ષુત્વ અને મહાપુરુષનો સંગ અત્યંત દુર્લભ છે અને તે ભગવત્-કૃપા વિના પ્રાપ્ત થતો નથી.

સિદ્ધપુરુષોનો સંગ અમૂલ્ય પણ દુષ્પ્રાપ્ય છે. આવા મહાપુરુષોના અસીમ પ્રેમને તમે જાણતા નથી. આપણે જાતે આપણી સમસ્યાઓના સમાધાન માટે શ્રીરામકૃષ્ણના કેટલાક શિષ્યોને નિરંતર વ્યગ્ર થતા જોયા છે – કેવી રીતે આપણને સહાયતા કરે, કેવી રીતે આપણને સન્માર્ગે લાવે. આવા પ્રેમનો કોઈ જોટો નથી. એ અદ્‌ભુત છે. કોઈ પણ એનું ઋણ ચૂકવી ન શકે. આ (ઋણ) સદૈવ અદત્ત કે ઉધાર જ રહે છે. કેવળ આ જ પ્રેમ છે – એવો પ્રેમ કે જેમાં સોદાબાજી નથી, અને જે પોતાના માટે કંઈ ઇચ્છતો નથી, આપતો જ રહે છે, લેવાનું જાણતો નથી.

એક દિવસ શ્રીરામકૃષ્ણે એક ધનવાન વ્યક્તિને નરેન્દ્ર (વિવેકાનંદ) ને સહાય કરવા કહ્યું, કારણ કે તે ઘણી મુશ્કેલીમાં હતા અને એમના પરિવાર પાસે ખાવાનું કંઈ ન હતું. આનાથી નરેન્દ્ર અસંતુષ્ટ થયા અને એમણે પોતાના ગુરુને કહ્યું, ‘મારી વ્યક્તિગત વાતો વિશે આપ બીજાને શા માટે કહ્યા કરો છો?’ શ્રીરામકૃષ્ણે ઉત્તર આપ્યો, ‘બેટા, શું તું એ નથી જાણતો કે તારા માટે હું ઘરે ઘરે ભીખ માગી શકું છું ?’ આ જ સાચો પ્રેમ છે અને એને અમારા પોતાના સાધનાકાળમાં સ્વયં શ્રીરામકૃષ્ણના બધા શિષ્યોમાં જોયો છે. ધન્ય છે એવો પ્રેમ!

આ પ્રેમમાં તથા સાંસારિક સંબંધોમાં કહેવાતા (પ્રેમ કે જે વસ્તુત : કોઈ ને કોઈ પ્રકારનો સ્વાર્થ જ છે, તેની અને આ પ્રેમ)ની વચ્ચે મોટું અંતર છે. સાચો પ્રેમ નિતાંત ભિન્ન વસ્તુ છે. સિદ્ધપુરુષના સંપર્કમાં આવ્યા વિના એ પ્રેમને તમે ક્યારેય ન સમજી શકો.

પરમાત્મા બધાનો અંતર્યામી આત્મા છે, પરંતુ આપણને તેમની જ્ઞાનપૂર્વક અનુભૂતિ થવી જોઈએ અને તેમના સીધા સંપર્કમાં આવવું જોઈએ. ત્યારે જ તેમની શક્તિ આપણા માધ્યમથી કામ કરે છે. સિદ્ધપુરુષોમાં આવું જ હોય છે. તેઓ બીજા પર મહાન પ્રભાવ પાડી શકે છે, જે સામાન્ય વ્યક્તિ કરી શકતી નથી.

શ્રીરામકૃષ્ણે જ્યારે નરેન્દ્રને સ્પર્શ કર્યો કે તરત જ યુવક નરેન્દ્રને અતીન્દ્રિય અનુભૂતિ થઈ. પછીથી નરેન્દ્રે પણ સ્વામી વિવેકાનંદના રૂપે બીજામાં આવું જ રૂપાંતરણ કર્યું હતું. જ્યારે એમણે મદ્રાસમાં ગણિતના એક યુવાન પ્રાચાર્ય ‘કિડિ’ને સ્પર્શ કર્યો તો તેમનામાં તત્કાલ પરિવર્તન થઈ ગયું, એમના નાસ્તિક વિચારો વિલુપ્ત થઈ ગયા અને તેઓ સ્વામીજી તથા વેદાંતના પાકા અનુયાયી બની ગયા.

આવા સંતો પાવરહાઉસથી જોડાયેલા વીજળીના તાર જેવા હોય છે. તેઓ સદા પરમાત્માની સાથે સચેતન સંપર્કમાં રહે છે. તેમનું વ્યષ્ટિ વ્યક્તિત્વ સદા પરમાત્મા સાથે જોડાયેલું રહે છે. વીજળીના તાર કે જેમાં વીજળી સંચારિત થતી રહે છે, તેને સ્પર્શવાથી જોરદાર ઝટકો લાગે છે. આવા પવિત્ર આત્માઓને સ્પર્શ કરવાથી આપણે એમનામાં સદૈવ રહેતા પરમાત્માનો સ્પર્શ કરીએ છીએ; ‘અને જે મને જુએ છે, તે તેને જુએ છે, જેણે મને મોકલ્યો છે.’ (બાઇબલ, સંત જ્હોન ૧૨.૪૫ અને ૧૪.૯) ઈશુ ખ્રિસ્તના આ કથનનો અર્થ આ જ છે.

અનંત પરમાત્માએ પોતાની અભિવ્યક્તિ માટે સંતોનાં દેહ-મનને જાણે કે એક નહેર બનાવી દીધાં છે. જે વ્યક્તિ કોઈ સંતના સંપર્કમાં આવે અને સંત તેનેે જે આપે તેને ઝીલવા શક્તિમાન હોય તો તે પણ અનંતના સંસ્પર્શમાં આવી શકે.

પરંતુ અગત્યનો મુદ્દો તો એ છે કે તે વ્યક્તિ એ સ્પર્શને ગ્રહણ કરવા શક્તિમાન હોવી જોઈએ અને તેનો સંપર્ક-સંબંધ અનુભવવાની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ. નહીંતર શ્રીરામકૃષ્ણ જેમ કહ્યા કરતા હતા, ‘સંન્યાસીનું કમંડળ તેની સાથે તીર્થભ્રમણ કરે છે પરંતુ તે પોતાની કડવાશ છોડતું નથી.’ સંતોની સમીપે જતી વખતે તેમના આશીર્વાદ સ્વીકાર કરવા માટેનો યથાર્થ મનોભાવ હોવો જોઈએ. પરમાત્મા આપણને સાધુસંગનો સુયોગ આપે છે, પરંતુ જો આપણું મન તે ગ્રહણ કરવા માટે તત્પર ન હોય તો આપણે કંઈપણ લાભ મેળવી શકતા નથી.

સંતોના સંગનો ઉપયોગ કરવાનું તમારે શીખવું જોઈએ. આવા સંપર્કનો લાભ ઉઠાવતાં આવડવું જોઈએ. સંતોમાં પૂર્ણ વિશ્વાસ રાખીને પોતાની સમસ્યાઓ તેમની સમક્ષ પ્રસ્તુત કરતાં તેઓ તમારા માટે જે યોગ્ય હશે તે કરશે. તેઓ તમને યોગ્ય માર્ગે દોરી જશે. પરંતુ એના માટે તમારામાં પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. તમારે શંકાશીલ બનવું જોઈએ નહીં.

પોતાના ઇષ્ટદેવતાનો સંગ :

જો પરમાત્મા સાથે સદૈવ તાદાતમ્ય જાળવી શકો, તો કોઈ સાધુસંગની આવશ્યકતા નહીં પડે, નહીં તો આધ્યાત્મિક પ્રગતિ માટે સાધુસંગ અત્યધિક આવશ્યક છે. પરંતુ જો સાધુસંગનો અવસર ન મળે તો શું કરવું? જે ઈશ્વરની મૂર્તિનું ધ્યાન તમે કરો છો, એ ઇષ્ટદેવતાનો સંગ તમે કરો.

પોતાના ઇષ્ટ સાથે વાર્તાલાપ કરવાનું શીખો. જ્યારે સત્સંગની આવશ્યકતા જણાય, તો પરમાત્માનું ચિંતન અને એમના નામનો જપ કરો. તે આપણી શક્તિ છે અને આપણે એમની કંઈ વિસાતમાં નથી. તેઓ આપણા આત્માના પણ આત્મા છે.

આ અંતર્યામી પરમાત્મા સાથે સંપર્ક જાળવી રાખવાનો પ્રયત્ન કરો. યાત્રા કરતી વખતે ઇષ્ટદેવતાને પોતાના હૃદયમાં વિરાજમાન કરીને પોતાની સાથે લઈ જાઓ. પોતાની યાત્રામાં એમને પોતાની સાથે રાખો, જેથી તેઓ બધી વિપત્તિઓથી તમારું રક્ષણ કરી શકે અને તમે જ્યાં ક્યાંય પણ રહો, તમારા હૃદયને શાંતિથી પૂર્ણ કરી શકે. કોઈપણ પરિસ્થિતિમાં એમને ન ભૂલો. (ક્રમશ 🙂

Total Views: 282

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.