ગતાંકથી આગળ…

એરપોર્ટના રસ્તે મેં દિલ્હીના આકાશમાં એક એરોપ્લેન જોયું. એક વિમાનમાં મેં આ અગાઉ કેવળ એક જ વાર સફર કરી હતી, પણ એ તો એક એર-એમ્બ્યુલન્સ હતી, જેનો ઉપયોગ મને લખનૌથી દિલ્હી લાવવા માટે થયો હતો.

આ દૃશ્ય મને થોડી વાર માટે મારા નાનપણમાં ખેંચી ગયું. એકાદ પ્લેનને અમારા આંબેડકરનગરના ઘર ઉપરથી પસાર થતું જોઈને હું ખૂબ ઉત્તેજિત થઈ જતી. જ્યારે તેને જોઉં, ખાસ તો રાત્રે, ત્યારે ઉત્સાહથી તાળીઓ પાડતી અને કહેતી કે, ચંદામામા ઉડા જા રહા હૈ! (અરે, આ તો ચાંદામામા ઊડે છે!) મને એમ લાગતું કે તેની ચમકતી બત્તીઓ જ ચાંદામામા છે. હવે, અલબત્ત, મને ખબર છે કે ચંદ્ર ઊડતો નથી.

હવે તો હું એ પણ જાણું છું કે માથા ઉપરથી અતિ ઝડપથી પસાર થતાં વિમાનો જે મોટો અવાજ કરે છે અને એક ધુમાડાની સેર પાછળ છોડતાં જાય છે તે ફાઇટર વિમાનો કહેવાય અને જે ઓછો અવાજ કરતાં અને સરસ રીતે ઊડે તેને પ્રવાસ માટેનાં વિમાન કહેવાય. પહેલાં તો મને બધાં વિમાનો એક્સરખાં જ લાગતાં. તે વખતે તેમને જોવામાત્રથી એટલી મજા આવતી કે મેં કદીય એકાદ સાહસિક સ્વપ્નમાં પણ વિચારેલું નહીં કે હું જાતે ક્યારેય એવા વિમાનમાં મુસાફરી કરીશ. મારે મન વિમાન તો પોતાનાં સ્વપ્નોને પાંખો આપવાની માનવની તીવ્રતમ મનોકામનાનું પ્રતીક હતું.

થોડા કલાકો પછી હું વળી એક વિમાનમાં બેસીને કાઠમંડુ જઈશ. તે મારી કારકિર્દીની વ્યાખ્યા કરનાર પ્રવાસ હશે : તે કાં તો મને જમીન ઉપર બેસાડી દેશે કે પછી ઊંચે ઊડવા તૈયાર કરશે.

મારું વિમાન ઊડવા લાગ્યું ત્યારે મને ફરી એક વાર મારા નાનપણમાં બોલતી તે યાદ આવ્યું, ‘ચાંદામામા ઊડા જા રહા હૈ!’

મારે હવે બારીમાંથી જોવું હતું કે ઉપર ઊડતાં હોઈએ ત્યારે પૃથ્વી કેટલી નાની દેખાય છે. કમભાગ્યે મારી બેઠક બે બીજી બેઠકોની વચ્ચે હતી અને બારી પાસે એક વિદેશી વ્યક્તિ બેઠી હતી; છતાં વચ્ચેવચ્ચે બારી તરફ ડોક લંબાવીને નીચે જોવાના પ્રયત્નો કરવાથી હું બચી ન શકી. અઢી કલાકે નેપાળના પાટનગર કાઠમંડુ ઉપર વિમાને ચક્કર લગાવ્યું. એક નવા પ્રવાસી તરીકે વિમાન જમીન પર ઊતર્યું. ત્યારે હું જરા ગભરાઈ તો ગયેલી. પણ સદ્ભાગ્યે વિમાનના કર્મચારીઓ તેમજ મારી બાજુમાં જ બેઠેલાં બચેન્દ્રી પાલે મને શાંત રહેવામાં મદદ કરી.

ઊતર્યા બાદ જરૂરી ઔપચારિકતાઓ પતાવીને અમે એરપોર્ટની બહાર નીકળ્યાં ત્યારે એશિયન ટ્રેકિંગ એજન્સીએ અમને નેપાળની પારંપરિક સ્વાગતવિધિથી આવકાર આપ્યો. એ એજન્સીને તાતાએ મારી દેખરેખની જવાબદારી સોંપી હતી. તેઓ મને એશિયન ટ્રેકિંગની આૅફિસે ગાડીમાં લઈ ગયા અને એક ઇન્શ્યુરન્સ (વીમા)નું ફોર્મ ભરાવ્યું. આ એજન્સી દ્વારા પહાડની યાત્રા કરનાર દરેક પર્વતારોહકે આ ફોર્મ ભરવાનું હોય છે. તેમાંનાં નિયમો-શરતોની મને સમજ આપવામાં આવી.

મને એમ કહેવાયું કે જ્યારે તમારી સાથે આવનાર શેરપા કહે કે વાતાવરણ કે અન્ય કોઈ પરિસ્થિતિ સારી કે યોગ્ય નથી ત્યારે તમારે એ વાતે અતિ આગ્રહ ન રાખવો કે તમે ગમે તે રીતે શિખરે પહોંચી જ જશો. સંદેશ સ્પષ્ટ હતો : પર્વત ઉપર શેરપા જ માલિક હતો. તે જે નિર્ણય કરે તેને આરોહકે અનુસરવું જ રહ્યું. મારા માલિક થનાર એ શેરપાનો મને પછી પરિચય કરાવવામાં આવ્યો. તેઓ એક નીચા અને સહેજ ભરાવદાર નેપાલી હતા, જેમનું નામ હતું શેરપા નીમા કાંચા. તેઓ છેક શિખર સુધી અને પછી નીચે પહોંચતાં સુધી મારી સાથે રહેવાના હતા. આૅફિસમાં એક કૃત્રિમ રીતે રચેલી બરફની દીવાલ હતી જે લોકોને સહેજ પહાડનો ખ્યાલ આપે. ઘણા લોકોને તેના ઉપર ચડવાના પ્રયત્ન કરતા મેં જોયા, તેથી મને પણ તેમ કરવાનું મન થયું.

મને એ દીવાલ ઉપર ચડતી જોઈને મારો ભાઈ રાહુલ, જેણે કોઈ ઔપચારિક તાલીમ નહોતી લીધી તેણે પણ એક પ્રયત્ન કરવાનું વિચાર્યું. એ ચડવા મંડ્યો ત્યારે બીજા લોકોએ તેના એ પ્રયત્નને તાળીઓ પાડી વધાવ્યો. એથી મને બહુ સારું લાગ્યું.

રાહુલે પછીથી મને કહ્યું કે મને જોઈને જ તેને પ્રેરણા મળી હતી. ‘હું તો તમારો ભાઈ છું! હું નિષ્ફળ જાઉં તો તમને શરમાવાનું થાય, કારણ કે તમે તો ઘણી મોટી મુશ્કેલીઓ પાર કરીને સફળતા મેળવી છે. એટલે મારે તો જીતવું જ રહ્યું,’ તેણે મને કહ્યું. ધીરેધીરે મને સમજાવા માંડ્યું કે બધા લોકો મારી પાસેથી મોટી અપેક્ષાઓ રાખે છે. લોકો મારામાં વિશ્વાસ મૂકવા લાગ્યા છે. આ બાબત આનંદની હતી અને સાથે જ સહેજ ડરામણી પણ. આટલી બધી આશાઓ મારી સાથે જોડી હોય તો હવે નિષ્ફળતાને માટે કોઈ સ્થાન જ ન રહે એમ કહેવાય.

એશિયન ટ્રેકિંગના ચેરમેન એન્ગ ત્શેરિંગ શેરપા મને મળવા આવી પહોંચેલા. તેઓ એક આનંદી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે મારા ફોટા પાડયા અને મને શુભેચ્છાઓ આપી. ત્યાર બાદ અમે હાૅટેલ જવા રવાના થયાં અને રસ્તામાં કાઠમંડુની બજારો જોઈ. સાહસિક કાર્યોની શોધમાં નીકળનારાંઓ માટે નેપાલ સ્વર્ગ સમાન છે. જેમની પાસે ધન છે તેમને માટે અહીં ઘણા બીયર બાર, રેસ્ટોરાં અને મસાજ પાર્લરો છે. કાઠમંડુનું લગભગ દરેક ઘર આવા બાર કે પાર્લર ધરાવતું હોય તેમ લાગ્યું. મુખ્ય દુકાનોની આગળની બારીઓમાં દારૂની વિવિધરંગી અને સુંદર બોટલો દેખાઈ. મેં કદી દારૂ લીધો નહોતો, પણ અમારા જૂથના પુરુષોના કહેવા મુજબ એ બોટલો ખૂબ જ મોંઘી હતી. અમે હાૅટેલ પહોંચીને થોડો આરામ કર્યો અને પછી અમે હિમાચ્છાદિત પર્વતો ચડતાં જરૂરી હોય તેવાં સાધનોની ખરીદી કરવા નીકળ્યાં. આ કાઠમંડુની બજારોમાંની ખરી ચીજ અને ખરાબ કે નકલી ચીજ વચ્ચેનો તફાવત સમજવા તમારી પાસે તીક્ષ્ણ નજર હોવી જોઈએ, ખાસ તો જો તમે પહાડોમાં જરૂરી ચીજો લેતાં હો ત્યારે.

અહીંની દુકાનોમાં ખરી દેખાતી છતાં નકલી હોય તેવી ચીજોની ભરમાર છે. પણ એવરેસ્ટ ઉપર તમે કોઈ એવી ચીજ સાથે પ્રયોગ ન કરી શકો. અમે આખો દિવસ હડિયાપટ્ટી કરી, મળતી ચીજોની ખૂબ ચકાસણી કરી, તેમની કિંમત અને તકલાદીપણા કે વિશ્વાસપાત્રતાની સરખામણીઓ કરી. એક કુશળ પર્વતારોહી હોવાને કારણે બચેન્દ્રી પાલ કોઈ ચીજને ચકાસ્યા વિના લેવા માગતાં નહોતાં. તેમણે ધ્યાન રાખ્યું કે અમે સૌથી સારાં સાધનો લીધાં હોય. ઘણી વાર અમને થોડાં સસ્તાં કે સ્થાનિક સાધનો લેવાનું મન થઈ જતું, પણ આવે વખતે તેઓ સખત રહેતાં. તેમણે અમને સમજાવ્યું કે પહાડો ઉપર એવાં સાધનો ઉપર આધાર રાખવો સલાહભરેલું નથી રહેતું, કેમ કે એવા ચકાસ્યા વિનાના સાધનથી થતી એક નાનકડી ભૂલ પણ જીવલેણ બનતી હોય છે.

અમે જેેકેટો, અંતર્વસ્ત્રો, છરાઓ, હેડલાઇટો, આરોહણ માટે બનેલા ખાસ બૂટ, કેમ્પોન્સ (એટલે કે બરફ કે અન્ય ચીજ ઉપર પકડ બનાવી રાખવા માટે બૂટના તળિયે લગાડવાનું વધારાનું પતરું), બરફને માટેની કુહાડી, દોરડાં અને અન્ય કેટલીક ચીજો ખરીદી. સાથેસાથે કેટલીક ખાદ્ય ચીજો પણ લીધી. પહાડ ઉપર બધું ખાઈ નથી શકાતું; એટલે શેકેલી સિંગ, મેગી જેવી ચીજો લીધી જેથી એટલી ઊંચાઈએ એ વસ્તુ ખાઈને ટકી શકાય. (ક્રમશ 🙂

Total Views: 266

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram