मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः ।
माध्वीर्नः सन्त्वोषधीः ।। ऋग्वेदः 1।90।6 ।।

ભાવાર્થ – યજ્ઞકર્મમાં જોડાયેલ યજમાનને વાયુદેવ મધુ પ્રદાન કરે છે; તરંગમય જલપ્રવાહવાળી નદીઓમાંથી મધુ ક્ષરિત થાય છે; સંસારમાં ઉપલબ્ધ વિવિધ ઔષધિઓ અમારા માટે મધુમય બનો.

જ્યારે જડ પ્રકૃતિ નિસ્વાર્થભાવે કંઈક આપે છે, ત્યારે તે મધુમય બની જાય છે, તો ચેતન પ્રકૃતિ નિસ્વાર્થભાવે આપે તો એ કેટલીય મધુમય હોય ! વળી તેમાંય માનવજીવ-પ્રકૃતિ હોય, વળી તેમાંય સ્ત્રી-પ્રકૃતિ હોય, અને એમાંય માતૃ-પ્રકૃતિ હોય, અંતે એમાં વૈશ્વિક માતૃ-પ્રકૃતિ હોય તો કેટલું અનંતગણું મધુમય બની જાય! આપણાં મા શારદાદેવી પણ એવું જ મધુમયી વૈશ્વિક માતૃત્વ ધરાવતાં હતાં.

શ્રીમા શારદાદેવીએ કહ્યું છેકે હું તમારી માત્ર કહેવાની મા નથી, ગર્ભધારિણી મા નથી, હું તમારી સાચુકલી મા છું. ભગિની નિવેદિતાએ એક પત્રમાં શ્રીમા વિષે લખ્યું છે, ‘તમે શ્રી પ્રભુની સૌથી અદ્‌ભુત કૃતિ છો – શ્રીરામકૃષ્ણનું પોતાનું, તેમના વિશ્વપ્રેમથી છલકતું મધુપાત્ર છો.’ રાસબિહારી મહારાજે એક વાર શ્રીશ્રીમાને પૂછ્યું, ‘તમે શું બધાંનાં જ મા છો ?’ તેમણે જવાબ આપ્યો, ‘હા.’ પાછો પ્રશ્ન આવ્યો, ‘આ બધાં જીવજંતુઓનાં પણ ?’ જવાબ મળ્યો, ‘હા, તેમની પણ.’

જેમ કોઈ સ્ત્રી અતિ ઉચ્ચ શિક્ષણ પામેલી હોય, ધુરંધર શાસ્ત્રજ્ઞ હોય, વળી રાજ્યશાસન ચલાવતી હોય તોય તેના નાના બાળકને પોતાની માની ગરિમા અને મહિમા સમજાતાં નથી પણ તેમના વાત્સલ્યને, પ્રેમને અધરામૃતને અવશ્ય અનુભવે છે અને તેનાથી તૃષ્ટ અને પુષ્ટ થાય છે. તેવી જ રીતે ઘણાંય કહે છે કે શ્રીમા શારદાદેવી આદ્યાશક્તિ છે, પરામ્બા જગતજનની છે વગેરે, કદાચ આપણને ન સમજાય પણ શ્રીમાના વાત્સલ્ય પ્રેમને આપણે અવશ્ય અનુભવી શકીએ છીએ. શ્રીમા શારદાદેવીનું વૈશ્વિક માતૃત્વ બધા જીવો માટે અવિરત વહેતું હતું. તેમની મધુરતાનો બધાને અનુભવ થતો. શ્રીશ્રીમાના મધુર માતૃસ્નેહનો અનુભવ કરાવતાં અસંખ્ય ઉદાહરણો છે.

શ્રીશ્રીમાને ત્યાં એક પોપટ હતો. એ ભૂખ્યો થાય એટલે તરત ‘મા, ઓ મા’ એમ કરીને માને બોલાવતો. શ્રીશ્રીમા પણ વહાલપૂર્વક તરત એની વ્યવસ્થા કરતાં. જયરામવાટીમાં નાનું વાછરડું એક વાર રાત્રીની વેળાએ ખૂબ જ ભાંભરતું હતું. શ્રીમા તરત ઊઠીને એની પાસે ગયાં અને તેની નાભિ પર હાથ ફેરવી વહાલપૂર્વક તેને શાંત કર્યું. જયરામવાટીમાં શ્રીમાને ત્યાં રહેલ બિલાડી પર જ્યારે બીજા લોકો પ્રહાર કરતા ત્યારે તે તરત શ્રીમાનાં મધુમય ચરણે ચાલી જતી અને શ્રીમા તેને મધુર આશ્રય આપી અભયદાન આપતાં. આશ્રમના નાના ગોવાળને શરીરે ખરજવું થયું હતું. એક રાત્રીએ તે ખૂબ જ કણસતો હતો. શ્રીમાએ જાતે લેપ બનાવી તેને આખા શરીરે ચોપડાવ્યો. શ્રીમાનાં મધુર પ્રેમ અને માવજતથી આ નાનો ગોવાળ પણ બાકાત ન રહ્યો. ગિરીશ ઘોષ પોતાના નાના બાળકને લઈને શ્રીમાના નિવાસસ્થાને આવ્યા. શ્રીમા ઉપરના મજલે રહેતાં હતાં. તે બાળક અનાયાસે ઇશારા કરીને ઉપરના મજલે શ્રીમા પાસે જવાની હઠ કરવા લાગ્યો અને ગિરીશ ઘોષને પરાણે ઉપર લઈ જઈ બન્ને શ્રીમાના ચરણાશ્રિત બન્યા. જાણે એ નાનો બાળ શ્રીમાના મધુર આકર્ષણથી આકર્ષિત !

એક અજાણી સ્ત્રી શ્રીમાનું નામ સાંભળી પોતાના પતિ અને નાનાં બાળકો સાથે જયરામવાટીમાં આવી. શ્રીમાનાં મધુર વ્યવહાર અને પ્રેમથી શ્રીમાની એટલી તો આત્મીય બની ગઈ, જાણે કે પોતાને પિયર આવી હોય !

શ્રીમાનો માતૃસ્નેહ એટલો બધો પ્રબળ હતો કે જે ભક્ત એમની પાસે આવતો, તેનો બધો સંકોચ પળવારમાં દૂર કરી તેને પોતાનો કરી લેતાં. રાસબિહારી મહારાજનાં મા તેમને નાના મૂકી મૃત્યુ પામ્યાં હતાં, તેથી ‘મા’ સંબોધન કરતાં એમને સંકોચ થતો. એક વાર માતાજીને પોતાના એક સગાને રાસબિહારી મારફત સંદેશો મોકલવો હતો. માતાજીએ તેમને સમયસર સમજાવીને પૂછ્યું, ‘શું કહીશ, બોલ તો ?’ ભક્તે કહ્યું, ‘તેઓએ આપને આમ કહેવાનું કહ્યું છે.’ એને સુધારી શ્રીમાએ કહ્યું, ‘માએ કહ્યું છે, એમ કહેજે.’ અને ‘મા’ શબ્દ ઉપર એમણે ખાસ ભાર મૂક્યો. શ્રીમાના મધુર પ્રેમથી બંધાઈને રાસબિહારી મહારાજ આજીવન તેમના શિષ્ય અને સેવક બની ગયા હતા.

શ્રીશ્રીમા ઉદ્‌બોધનમાં વિરાજતાં હતાં. દૂરના ગામડાના કેટલાય ગરીબ, અભણ સીધાસાદા લોકો સંઘ રૂપે કલકત્તામાં કોઈ ઉત્સવ પ્રસંગે આવેલા. બાગબજારમાં ઉદ્‌બોધનવાટીમાં શ્રીમા શારદાદેવી વિરાજે છે એટલું સાંભળ્યું હતું. શ્રીશ્રીમાના અગમ્ય આકર્ષણને કારણે ઉદ્‌બોધનવાટીની સામે ચૂપચાપ આ સંઘ બેસી રહ્યો. કોઈએ પૂછ્યું, ‘શું કામ છે ?’ શ્રીશ્રીમાના નિવાસ તરફ ઇશારો કરી માત્ર એટલું કહ્યું, ‘ત્યાં જવું છે.’ શ્રીશ્રીમાની પરવાનગી મળતાં તે લોકો શિસ્તપૂર્વક માની પાસે આવ્યા અને શ્રીશ્રીમાનાં દર્શન કરી જાણે કોઈ મોટો ખજાનો મળ્યો હોય તેમ પરમ તૃપ્તિની સાથે ફરી સડસડાટ ચાલ્યા ગયા. કોઈ જાણ પહેચાન નહિ, ઓળખાણ નહિ છતાંય કેવું અનન્ય આકર્ષણ, કેવો અપૂર્વ મધુર સંબંધ !

માતાજી પાસે આવતા કેટલાયને એવું લાગતું કે એમનું મુખ પોતાની સગી મા જેવું જ છે. એમની દૃષ્ટિનો પ્રભાવ સૌના જીવનમાં કાયમને માટે નિયંત્રિત હતો. સ્વામી મહાદેવાનંદે એમને જયરામવાટીમાં પહેલી વાર જોયાં ત્યારે એમને થયેલું કે એમનાં પોતાનાં માતૃશ્રી ત્યાં બેઠેલાં છે.

ઉદ્‌બોધનમાં શ્રીશ્રીમાને પ્રણામ કરવા માટે પુરુષ ભક્તો લાઈનમાં ઊભા છે. શ્રીશ્રીમાએ ઘૂમટો તાણ્યો છે, ભક્તો શ્રીશ્રીમાના ચરણોનાં દર્શન કરી આગળ વધે છે. કોઈ સાધક યુવાન શ્રીશ્રીમાનાં દર્શન કરવા વ્યાકુળ બન્યા છે. અનાયાસે તેઓ સૌથી છેલ્લે રહે છે અને બધાંના ચાલ્યા જતાં એ વ્યાકુળ યુવક-સાધકની મનોવાંછના પૂર્ણ કરવા માટે અતંર્યામિની કરુણામયી મા પોતાનો ઘૂમટો હટાવી દે છે અને સાધકને દર્શન આપે છે. આ મધુમયીનાં દર્શનમાત્રથી તેમના મનપ્રાણ ભરાઈ જાય છે અને તે આજીવન શ્રીશ્રીમાના પૂર્ણ આશ્રિત બની જાય છે.

અમજદ એક ડાકુ હતો, છતાં શ્રીશ્રીમાના મધુર સ્નેહપાશથી તેનામાં થોડુંક પરિવર્તન આવ્યું હતું. એક સમયે શ્રીશ્રીમાને દાક્તરોએ તેમને અનાનસ ખાવાનું કહ્યું હતું પણ ગામડામાં અનાનસ ક્યાંથી મળે ? અમજદને જાણ થતાં તે પોતાના જાનના જોખમે પણ શ્રીશ્રીમા માટે અનાનસ લાવ્યો.

એક વિશેષ પ્રસંગને અંતે શ્રીમા યોગીનમાને ભેટી પડ્યાં. શ્રીમાના મધુર સ્પર્શથી યોગીનમામાં વાત્સલ્યનો મહાસાગર ઉમટ્યો ! તેમને એવું લાગ્યું કે જાણે પોતાની સગી દીકરી ગનુ તેમને ભેટતી હોય !

ભગવાન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય શ્રીઅક્ષયકુમાર સેન તેમના ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ગ્રંથની ગુરુમાતા વંદનામાં લખે છે,

જય જય શ્રીશ્રીમાતા જગતજનની;

ગુણમયી ગુણાતીત બ્રહ્મ સનાતની.

જગતજનની રૂપે હાલમાં લીલામય;

પૂર્ણ અંતરમાંહી સ્નેહ કરુણામય.

અક્ષયકુમાર સેન આજીવન સંસાર-ક્લેશથી દુ :ખી હોવા છતાં શ્રીશ્રીમાના પરમ અનુગત બની ગયા હતા.

શ્રીરામકૃષ્ણદેવના બીજા પરમભક્ત સાધુ નાગ મહાશયની શ્રીશ્રીમા પ્રત્યેની અનન્ય ભક્તિ અજોડ છે. એક વખત બેલુરમાં નીલામ્બરબાબુના બગીચાની અંદર જઈને તેમણે શ્રીમાતાજીનાં ચરણદર્શન કર્યાં હતાં. કેળાનાં પાંદડાંની જેમ કંપતા એમના શરીરને પકડીને સ્વામી પ્રેમાનંદજી શ્રીમા પાસે લઈ ગયા હતા. એ દિવસે એમણે લાવેલું મિષ્ટાન્ન (સંદેશ) શ્રીમાએ ગ્રહણ કર્યું હતું અને પોતાના હાથેથી એમને પ્રસાદ પણ ખવડાવ્યો હતો. એ કારણે પાછા ફરતી વખતે નાગ મહાશય ભાવમાં વિભોર થઈને વારંવાર કહેતા હતા, ‘બાપ કરતાં મા દયાળુ છે, બાપ કરતાં મા દયાળુ છે.’

એક વાર ઓલિ બુલ અને જોસેફાઈન મેક્લાઉડ શ્રીશ્રીમાનાં દર્શને ગયાં હતાં. ન તો મા તેમની ભાષા જાણે, ન તો તેઓ માની ભાષા જાણે ! છતાં દર્શન કરી આવીને બેલુર મઠમાં એક ભવનમાં તેમનો ઉતારો હતો ત્યાં આવતી વખતે જોસેફાઈન ભાવમાં વિભોર બની ‘મેં તેમને જોયાં છે, મેં તેમનાં દર્શન કર્યાં છે,’ એમ બોલતાં બોલતાં માની મધુર મહિમામાં મત્ત બની ગયાં.

શ્રીશ્રીમા દક્ષિણ ભારતની યાત્રાએ ગયાં હતાં. કેટલાય ભક્તો શ્રીશ્રીમાનાં દર્શન કરવા માટે આવ્યા હતા. શ્રીશ્રીમાના સાન્નિધ્યથી તેઓને અકથ્ય મધુર આનંદ થતો હતો. શ્રીશ્રીમાએ તેમના સેવક દ્વારા જણાવ્યું કે જો પોતેે તેમની ભાષા જાણતાં હોત તો કંઈક કહેત. ભક્તોએ કહ્યું કે, ‘માના પ્રેમ-સ્નેહ અને સાન્નિધ્યથી અમને ખૂબ આનંદ આવે છે.’

શ્રીશ્રીમાના મધુર પ્રેમ-આકર્ષણની પાસે વાણી પણ વામણી બને છે !

શ્રીશ્રીમાના મધુર આસ્વાદનથી સ્વામી અભેદાનંદની કલમમાંથી પણ સરી પડ્યું :

स्नेहेन बध्नासि मनोऽस्मदीयं दोषानशेषान् सगुणीकरोषि ।…

प्रेमैकबिन्दुं चिरदग्धचिते…

કલકત્તા તે સમયનું પાટનગર હતું. સમાજનાં અને જીવનનાં બધાં જ ક્ષેત્રના સારા-નરસાનો વિકાસ ત્યાં થયો હતો. આથી શ્રીશ્રીમાએ અસ્ખલિત અને અબાધિતભાવે તેમની પાસે આવતાં બધાં પર કૃપા કરી અને તેમને પોતાના મધુર આસ્વાદનના સહભાગી બનાવી તેઓનાં જીવનને ધન્ય કર્યાં હતાં. તેમાં નાના-મોટા, ગૃહસ્થી-સંન્યાસી, પાપી-તાપી, દેશી-વિદેશી, ગરીબ-ધની, નટ-નટી, સ્વાતંત્ર્ય પ્રેમી વગેરે અસંખ્ય લોકોનો સમાવેશ થાય છે. ભગવાન શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો વિશેષરૂપે શ્રીશ્રીમાના મધુરભાવના અધિકારી બન્યા હતા. તેમાં પણ સ્વામી ત્રિગુણાતીતાનંદ, સ્વામી યોગાનંદ, સ્વામી સારદાનંદ વગેરે તો તેમના ભારવાહકો બની ગયા હતા.

શ્રીશ્રીમાના લીલાસંવરણ પછી આજે પણ હજારો ભક્તો શ્રીશ્રીમાના મધુર આસ્વાદનનો અનુભવ કરી રહ્યા છે.

કેટલાક સંન્યાસીઓ ગામડાના અંતરિયાળ વિસ્તારમાં રાહત કરવા જતા હતા ત્યારે રસ્તા પરની એક નાનકડી દુકાન પાસે ચા પીવા ઊભા રહ્યા. ત્યાં પ્લાસ્ટિકથી મઢાવેલો શ્રીશ્રીમાનો ફોટો જોયો. બધાને આશ્ચર્ય થયું. દુકાનવાળાને પૂછ્યું, ‘આ કોનો ફોટો છે ?’ તેણે કહ્યું, ‘મને ખબર નથી. મારાં માતૃશ્રી બચપણમાં ગુજરી ગયાં હતાં. સમાચારપત્રમાં આ ફોટો જોઈને મને એવું જ લાગ્યું કે આ મારાં જ માતૃશ્રી છે અને મેં એ ફોટો મઢાવીને અહીં રાખી દીધો છે !’

ગુજરાતના ભક્તોનો એક સંઘ બેલુર મઠ વગેરેની યાત્રાએ ગયો. જયરામવાટીમાં એક રાત્રી રોકાવાની ઇચ્છા હતી પરંતુ પ્રશાસન તરફથી અનુમતિ મળી નહિ, મનમાં બધાંને ખૂબ જ શોક થયો. કામારપુુકુરમાં પ્રેમપૂર્વક બે રાત્રી રોકાવાની વ્યવસ્થા થઈ અને એક દિવસ આખો જયરામવાટીમાં પસાર કરવો તેવી ગોઠવણ થઈ. સવારમાં ભક્તો જયરામવાટીમાં પહોંચ્યા. મંદિરમાં ભજન-કીર્તનની શરૂઆત થઈ. મધુસ્વર આૅફિસમાં સંન્યાસીઓના કાને પહોંચ્યો, ‘કોણ ભજન કરે છે ?’ ‘ગુજરાતથી આવેલ સંઘ.’ તરત જ તેઓ માટે શ્રીશ્રીમાના મીઠાઈ-પ્રસાદની વ્યવસ્થા થઈ. એક સંન્યાસી ઘણા બધા રાસ માટે ડાંડિયા લઈ આવ્યા અને શ્રીશ્રીમાના મંદિરને ફરતા ગરબા લેવાનું કહ્યું. ભક્તોના આનંદની સીમા ન રહી. ભક્તો-દર્શનાર્થીઓ ગરબા કરતાં કરતાં શ્રીશ્રીમાને લઈને મત્ત બની ગયાં. જાણે ભક્તોએ શ્રીમંદિરનો કબજો કરી લીધો ! શ્રીશ્રીમાની અનંત કરુણા અને મધુર આસ્વાદનના ભાવથી બધાં અભિભૂત બની ગયાં હતાં. ફરી ફળ-પ્રસાદ આવ્યો. એક મહિલા ભક્તને વાનો રોગ હતો, તેમને થયું કે પ્રસાદમાં કાકડી કે ખાટી ના હોય તેવી વસ્તુ આવે તો સારું. અને આશ્ચર્યની સાથે તેમના પડિયામાં કાકડી જ આવી. શ્રીશ્રીમાની અનંત કરુણા જોઈ તેમની આંખોમાંથી અવિરત આંસુ વહેવા લાગ્યાં.

બપોરે પેટ ભરી અમૃતમય પ્રસાદ ! પછી આસપાસનાં પાવન સ્થળોનાં દર્શન કરી ફરી સંધ્યા આરતી અને કાલી-કીર્તનની રમઝટ ચાલી. આખો દિવસ જયરામવાટીમાં ભજનાનંદમાં પરમતૃપ્તિ સાથે પસાર થયો. મધુમયી શ્રીમાની સૂક્ષ્મ અનુભૂતિ બધાંયે કરી. રાત્રીમાં જયરામવાટીમાં ન રોકાવાનો ક્ષોભ કોઈના મનમાં રહ્યો નહિ.

કેટલાય સંન્યાસીઓ અને ભક્તો અત્યારે પણ શ્રીશ્રીમાના મધુર આસ્વાદનનો અનુભવ કરી રહ્યા છે. શ્રીશ્રીમાને ભૂલી જઈએ તો આપણા માટે ઊભા રહેવાનું સ્થાન ક્યાંય રહેશે નહિ. શ્રીમા સ્વયં કહે છે, ‘તમે લોકો કંઈક કરી શકો તો કરો, નહિ તો બસ એટલું જ યાદ રાખજો કે મારી એક મા છે.’

સ્વામીજીએ એક સ્થળે કહ્યું છે, ‘દોર્ભ્યાં વિધર્તુમિવ યામિ જગદ્વિધાત્રીમ્ (અંબાસ્તોત્રમ્-૬) ‘એક નાનો શિશુ પોતાના નાના નાના હાથથી માને પકડવા ઇચ્છે છે.’ પણ શું તે પોતાની શક્તિથી માને પકડી શકે છે ? ના, પરંતુ એ હાથ આગળ ધરે છે અને મા સ્વયં એને પોતાના ખોળામાં લઈ લે છે.

Total Views: 141
By Published On: January 1, 2021Categories: Mantreshananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram